નવજીવન ન્યૂઝ. પંચમહાલ: પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં આવેલા વાવકુલ્લી ગામે ‘રામ રાખે તેને કોણ ચાખે’ની ઉક્તિને સાર્થક કરતો ચમત્કાર જ કહી શકાય તેવો કિસ્સો બન્યો છે. માત્ર બે મહિનાની માસુમ બાળકીને એક ખૂંખાર દિપડાએ પોતાનો શિકાર બનાવાના હેતુથી ઘરમાંથી જ ઉઠાવી ગયો હતો, પરંતુ દિપડાએ માસુમ બાળકીને શિકાર ન બનાવીને જંગલમાં છોડીને ચાલ્યો ગયો હતો. માસુમ બાળકીને શરીરે ઈજા થતા તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. હાલ તેની તબિયત સ્થિર હોવાની જાણવા મળ્યુ છે.
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં આવેલા જંગલ વિસ્તારમાં રહેતા દિપડાઓ રહેણાંક વિસ્તારની માનવ વસાહતોમાં આવીને હુમલાઓની ઘટનાઓ બનતી રહે છે. પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાનુ વાવકૂલ્લી ગામ જંગલ વિસ્તારને અડીને આવેલુ છે. ઘટના એવી બની કે એક પરિવાર પોતાની બે માસની દુર્ગા નામની બાળકીને લઇને ઘરમાં સુઈ રહ્યુ હતુ. તે સમયે શુક્રવારે વહેલી સવારે દિપડો આવીને બાળકીને પોતાના મુખમાં લઈને જંગલ તરફ ભાગ્યો હતો. માતાપિતા જાગી જતા તેમણે બુમાબુમ કરતા આસપાસના પડોશીઓ પણ દોડી આવ્યા હતા અને જંગલમાં પોતાની બાળકીની શોધખોળ હાથ ધરી હતી.
થોડા કલાકો બાદ દિપડો એક જંગલમાં પથ્થર પર માસુમ બાળકી સાથે બેઠેલો નજરે પડતા ઉપસ્થિત સૌ કોઈ ગ્રામજનો ચોંકી ગયા હતા. દિપડાએ બાળકીને ઇજા પહોચાડી ન હતી અને પથ્થર પર મૂકીને જંગલમાં પલાયન થઇ ગયો હતો. બાળકીને છાતીનાં ભાગે દાંત વાગવાને કારણે સામાન્ય ઈજાઓ પહોચી હતી. જેના કારણે બાળકીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવી હતી. પોતાની વ્હાલી દીકરીનો જીવ બચી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નોંધનીય છેકે આ વિસ્તારમાં જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય આવેલુ હોવાથી અહી દીપડાઓની વસ્તી મોટી માત્રામાં છે. ખોરાકની શોધમાં તેઓ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ભૂતકાળમાં પણ સ્થાનિક લોકો પણ હૂમલાઓની ઘટના બનતા ખુંખાર દિપડાઓને વનવિભાગે પાંજરે પણ પુર્યા છે. ત્યારે ફરી એકવાર દિપડાની દહેશતનો માહોલ ઉભો થતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











