નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતની રાજનીતીમાં ઊથલ પાથલ થતી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ સામે પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હાર્દિક પટેલ ભાજપમાં જવાની ઈચ્છા રાખે છે તેના કારણે કોંગ્રેસ વિરુદ્ધના નિવેદનો આપી રહ્યા છે, ત્યારે જામનગરમાં ચાલી રહેલા એક લોકડાયરામાં હાર્દિક પટેલે ભાજપના નેતાઓ સાથે સૂચક હાજરી આપી હતી જેના કારણે લોકોમાં ચાલી રહેલી ચર્ચાએ વધારે જોર પકડ્યું છે. જો કે હાર્દિક પટેલે મિત્રતા માટે આ મંચ ઉપર હાજરી આપી હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવાહ છે.
જામનગરમાં હાલ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, જેમાં એક લોકડાયરામાં એક જ મંચ ઉપર ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડુકે અને જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજાની સાથે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ એક મંચ ઉપર જોવા મળ્યા હતા. આ લોકડાયરામાં હાર્દિક પટેલ અને ભાજપના નેતાઓ એક જ મંચ ઉપર એક સાથે રૂપિયાનો વરસાદ કરતાં જોવા મળ્યા હતા. જ્યારે હાર્દિક પટેલે લોકગાયકો ઉપર રૂપિયાનો વરસાદ કર્યો ત્યારે ત્યાં હજાર સમાજના આગેવાનોએ પણ હાર્દિક પટેલ ઉપર રૂપિયા ઉડાવ્યા હતા.

જ્યારે હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ સાથેની નારાજગી અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પક્ષ સાથે નારાજગી હોવાની વાતનો સ્વીકાર કરતાં જણાવ્યુ હતું કે, “પક્ષ સાથે નારાજગી છે, પરંતુ અમે એક પરિવાર છે. પરિવારમાં તો નારાજગી અને અણબનાવ બનતા રહે છે. નારજગીનું નિરાકરણ આવશે તો આગળ વધીશું અને નહીં આવે તો પણ આગળ વધીશું. આ અંગે હાઈકમાન્ડ સાથે કોઈ ચર્ચા થઈ નથી પણ હું ઈચ્છું છું કે આ મુદ્દે ચર્ચા થાય.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











