નવજીવન ન્યૂઝ.શામળાજીઃ શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક 48 કલાકમાં બે ટ્રક અને એક કારમાંથી રૂ. 37 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી ત્રણ બુટલેગરોને દબોચી લીધા છે. મંગળવારે સાંજે ટ્રકમાંથી રૂ. 21.75 લાખનો દારૂ ઝડપી પોલીસે બે ખેપિયાને દબોચી લીધા હતા. સુરતના પપ્પુ નામના બુટલેગરે રાજસ્થાનના ઉદેપુરમાં ગોવિંદસિંહ રાજપૂત અને સોનુ નામના બુટલેગર છે જેમની પાસે વિદેશી દારૂ મંગાવ્યો હોવાની પ્રારંભીક માહિતી પ્રાપ્ત થઇ હતી. ઉલ્લેખનીય છે કે શામળાજી પોલીસ સ્ટેશનમાં નવા થાણા અધિકારીની ગેરહાજરીમાં થાણા ઇન્ચાર્જ હોય ત્યારે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતો હોવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
શામળાજી પોલીસે માત્ર 48 કલાકમાં ત્રણ વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે, દારુની હેરફેર કરવા બુટલેગરો દ્વારા પોલીસથી બચવાના અલગ અલગ નુસખા વાપરવામાં આવી રહ્યા છે. શામળાજી ઇન્ચાર્જ પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પાસે અણસોલ ગામની સીમમાંથી પસાર થતા રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન એક બંધ બોડીના શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટી નંગ-500 કુલ બોટલ, બિયરના ટીન નંગ-15288 જેની અંદાજીત કિંમત રૂ. 21,75,540/- નો થવા જાય છે તે જપ્ત કરી ટ્રક ચાલક જીતેન્દ્ર વગતરામજી ડાંગી (રહે, ડાંગીઓકા તળાવ, ચિત્તોડગઢ-રાજસ્થાન) અને સુખલાલ કમલાશંકર ડાંગી (રહે, મહારાજકી ખેડી, ઉદેપુર) ને પકડી લઈ વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ કુલ મળી રૂ.29.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. પોલીસે બંને ખેપિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી 5 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દારૂની હેરાફેરીમા સંડોવાયેલા બુટલેગર અને ખેપિયાના નામ
1) જીતેન્દ્ર વગતરામજી ડાંગી (ટ્રક ડ્રાઈવર)
2) સુખલાલ કમલાશંકર ડાંગી (ક્લીનર)
3) ટ્રકમાં દારૂભરી આપનાર ગોવિંદસિંહ રાજપૂત (રહે, ઉદેપુર-રાજસ્થાન)
4) ટ્રકમાં દારૂ ભરી આપનાર સોનુ નામનો શખ્સ
5) પપ્પુ (સુરત, દારૂ મંગાવનાર બુટલેગર)
ધંધામાં મંદી આવતા રાજકોટનો કોન્ટ્રાકટર બુટલેગર બન્યો :
રાજકોટમાં કોન્ટ્રાકટરના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક તેની કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂની ખેપ મારતો શામળાજી પોલીસે દબોચી લઇ કારમાંથી 30 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ કોઠારીયા રોડ ગૌશાળાની સામે શ્રી ગેલકૃપા સ્વાતીપાર્કની શેરીમાં રહેતો અને કોન્ટ્રાકટર તરીકે વ્યવસાય કરતો દિપક સામજી રામાણી નામનો શખ્સને ધંધામાં નુકસાન જતા અને મંદી ચાલતી હોવાથી લગ્નસરાની મૌસમમાં વિદેશી દારૂની ડિમાન્ડ વધતાં દારૂના ધંધામાં જંપલાવાનું નક્કી કરી રાજકોટથી તેની કાર લઇ રાજ્સ્થાનના વીંછીવાડાથી ખેરવાડા સુધી જુદા જુદા ઠેકા પરથી કારની વચ્ચે બનાવેલા ગુપ્ત ખાનામાં દારૂની બોટલ સંતાડી રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા શામળાજી પોલીસે દબોચી લીધો હતો. શામળાજી પોલીસે દિપક રામાણીની કાર અટકાવી તપાસ કરતાં કારના ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 63 બોટલ કિં. રૂ.30150/- નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દિપક સામજી રામાણી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી 2.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.








