પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): સત્તા કોઈનું પણ ભાન ભુલાવી શકે છે, હાર્દિકને અપરોક્ષ રીતે બહુ નાની ઉમંરે સત્તાનો અનુભવ થયો, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં દસ લાખ પાટીદારોનું એકત્ર થવું કોઈ નાની ઘટના નથી. કોઈ પણ વ્યકિતએ પોતાનું મહત્વ ઓછુ આંકવુ જોઈ નહીં, પણ તેની સાથે બહુ મહત્વકાંક્ષી થવું અને તાકાત કરતા વધુ પોતાને કદાવર સમજવાની ભુલ પણ કરવી જોઈએ નહીં. પાટીદાર આંદોલનમાંથી રાજકીય જન્મ પામેલા હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે જવાનો નિર્ણય કર્યો તે અંગે કોઈ ટીપ્પણી કરવી યોગ્ય નથી કારણ આપણી પાસે જે વિકલ્પ ઉપલ્બધ છે તેમાંથી તેણે એક વિકલ્પની પસંદગી કરવાની હતી.
જ્યારે હાર્દિકે કોંગ્રેસમાં જવાનો નિર્ણય કર્યો ત્યારે કદાચ એવું માનવું હશે કે આંદોલન ભાજપ સરકાર સામે છે એટલે પોતાનું રાજકીય ભવિષ્ય ભાજપ સાથે તો શકય જ નથી, તેવું માની કદાચ કોંગ્રેસમાં જવાનો નિર્ણય કર્યો હશે. હજી તો કોંગ્રેસમાં હાર્દિકે પા પા પગલી માંડી છે, ત્યારે જ હાર્દિકને જુના કોંગ્રેસીઓ અને કોંગ્રેસની નીતિઓ સામે વાંધો પડવા લાગ્યો છે. કોઈ પણ નવી સંસ્થામાં આવનાર યુવાનને લાગે છે કે જુના લોકોને કંઈ ખબર પડતી નથી અને સંસ્થા બહુ પછાત છે, પણ તે યુવાનને અંદાજ હોતો નથી કે જે તે સંસ્થાને તેના આ મુકામ સુધી પહોંચાડનાર આ જ લોકો છે તેને તે આઉટ ડેટ માને છે.
કોંગ્રેસમાં પોતાની જુવાની ઘસી નાખનાર મનિષ દોષી અને હિમાંશુ પટેલ જેવા નેતાઓ કદાચ કોંગ્રેસની નેતાગીરીની ટીકા કરે તો તેની નોંધ લેવી જરૂરી છે, જયરાજસિંહ પરમાર જેવા નેતા કોંગ્રેસી નેતા નારાજ થઈ કોંગ્રેસ છોડે તો તેમને કોંગ્રેસ વિરોધ ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ હાર્દિક કોંગ્રેસની નેતાગારી સામે સવાલ ઊભા કરે તે બહુ ઉતાવળે થયેલો નિર્ણય છે. કોંગ્રેસને સ્પષ્ટ શબ્દમાં પોતાની નારાજગી કહેવાની જરૂર છે. કોથળામાં પાનશેરી મારવાની જરૂર નથી. હાર્દિકે તેવું કહી દેવું જોઈએ કે મને સત્તામાં જ રસ છે, હું સત્તા વગર રહી શકતો નથી અને કોંગ્રેસની સત્તા આવશે તેવું મને લાગતુ નથી એટલે હું કોંગ્રેસ છોડવા માગું છું, પણ હજી હાર્દિક તેવું એટલા માટે કહી શકતો નથી કારણ ભાજપની પ્રદેશ નેતાગીરી તેને સ્વીકારશે કે નહીં તેનું ગ્રીન સીગ્નલ મળી રહ્યું નથી.
જયરાજસિંહ પરમાર જેવા નેતાનો વાંધો અને તૈયારી હોય તો તો કોઈ ફેર પડતો નથી, જયરાજસિંહને વાંધો પડયો, કોંગ્રેસ છોડી અને કોઈ માગણી કરી કરી નહીં, પરંતુ હાર્દિક પોતાના કદ કરતા પોતાને વધુ મહત્વ આપે છે. તે પોતાની શરત સાથે ભાજપમાં જવા માગે છે. હાર્દિકે તે સમજી લેવાની જરૂર છે કે, હાર્દિકની ઉંમર છે એટલા વર્ષ તો ભાજપમાં ઘસી નાખનાર ભાજપના પચાસ ટકા કાર્યકરો છે. અનેક કાર્યકરો શેતરંજી પાથરતા હતા અને આજે પણ તે જ કામ કરે છે આ તો કોંગ્રેસને છે કે ઉપપ્રમુખ જેવો મહ્તવનો હોદ્દો આપે આ હોદ્દો મળે એટલે આપણે આપણને કદાવર માની લેવાની જરૂર નથી, કારણ ભાજપના જે મંત્રીઓ પોતાની ચીરકાલીન માનતા હતા તેમને આજે કોઈ ફોન સુધ્ધા કરતું નથી. ભાજપની આ કાર્યપધ્ધતી હાર્દિકે સમજી લેવાની જરૂર છે.
હાર્દિકના પિતાની પુણ્યતિથી નિમિત્તે હાર્દિકે એક કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં હાર્દિકનું આમંત્રણ અને અપેક્ષા હતી કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત સી આર પાટીલ અને ભાજપના નેતાઓ આવશે, કોંગ્રેસનું નાક દબાવી પોતાની વાત મનાવી લેવાની યોજના બનાવનાર હાર્દિક પોતાની તાકાતનું પ્રદર્શન કોંગ્રેસી નેતાઓ સામે કરવા માગતો હતો, પણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પણ દાવ ચાલ્યા, તેમણે ગુજરાતના તમામ નાના મોટા નેતાઓ હાર્દિકના પિતાની પુણ્યતિથીના કાર્યક્રમમાં હાજર રહેવાનો આદેશ આપ્યો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત લગભગ મોટા નેતાઓ હાજર રહ્યા, રધુ શર્માએ સાબીત કર્યું કે તુ કોંગ્રેસને ભાંડે તો પણ કોંગ્રેસ તારી સાથે છે, બીજી તરફ હાર્દિકની અપેક્ષા હતી તેવા ભાજપના એક પણ નેતા આવ્યા જ નહીં.
ભાજપના નેતાઓની ગેરહાજરીને કારણે હાર્દિકની ફુગ્ગો ફુટી ગયો, ભાજપ કોંગ્રેસને તોડવા માગે છે, પણ જે કોંગ્રેસ તોડી શકે તેવા નેતાની ભાજપને કોંગ્રેસને જરૂર છે, ભાજપ માટે સમસ્યા એવી છે કે હાર્દિક કોંગ્રેસ તોડવાની કેટલી ક્ષમતા ધરાવે છે, તેના આધારે ભાજપનો નિર્ણય કરશે, હાલમાં તો હાર્દિક માટે દિનેશ બાંભણીયાની સલાહ જ ધ્યાનમાં લેવી જોઈએ કે હાર્દિકે રાજકીય પક્ષથી દુર રહી લોકોના પ્રશ્નનો અવાજ બનવું જોઈએ કારણ આપણને ફોર્ચ્યુનર કાર બેસીમાં બેસી લોકોની વ્યથા સમજાતી નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











