Tuesday, July 7, 2026
HomeGeneralકોરાનાએ આપણને માણસ બનાવ્યા હતા, હવે પાછા આપણે રાક્ષસ થઈ રહ્યા છીએ

કોરાનાએ આપણને માણસ બનાવ્યા હતા, હવે પાછા આપણે રાક્ષસ થઈ રહ્યા છીએ

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): બે વર્ષ પહેલાનો વિચાર કરો આપણે બધા જ કેવી સ્થિતિમાં હતા, કોરાનાનો જયારે બીજો તબ્બકો હતો, ત્યારે મંદિર-મસ્જીદ અને ચર્ચ બંધ હતા અને હોસ્પિટલોમાં પગ મુકવાની જગ્યા ન્હોતી. કુદરતે આપણને એવી આફત તરફ ધકેલ્યા હતા, જેમાં એક એક માણસ પોતાના શ્વાસ માટે તડપી રહ્યા હતો. ત્યારે આપણા મનમાં પોતાના અને પોતાના સ્વજનના શ્વાસ સિવાય કોઈ બાબતની ચીંતા ન્હોતી. આપણી સારવાર કરનાર ડૉકટર કોણ છે, આપણને હોસ્પિટલ લઈ જનાર ડ્રાઈવર કોણ છે, આપણા શ્વાસને બળ આપનાર નર્સ કોણ છે, હોસ્પિટલ સુધી જમવાનું આપનાર કોણ છે, અને જેમણે દુનિયા છોડી તેમને અગ્નીસંસ્કાર આપનાર અને દફનાવનાર કોણ છે આવી કોઈ જ બાબતની ત્યારે આપણે તપાસ કરી નહીં. અહિયા માણસ માણસનો થઈ ગયો હતો. આપણને કુદરતે બહુ સહજ રીતે સમજાવી દીધુ હતું કે તારૂ માણસ હોવુ જ પુરતુ છે, પણ સમય આગળ વધ્યો અને આપણે જે કઈ માણસ થવાનું શીખ્યા હતા તે બધુ પાછળ છોડી આગળ નિકળી આવ્યા.



હમણાં મારે ગુજરાતના સિનિયર અધિકારી સાથે કઈક વાત નિકળી તેમણે મને કહ્યુ દેશમાં ઘણો બદલાવ આવ્યો છે. મેં પુછયુ જેમ કે, તેમણે મને તરત જવાબ આપ્યો રામ મંદિર બની ગયુ તે તો મોટી સિધ્ધી છે. મેં એક ક્ષણ વિચાર કરી કહ્યુ રામ મંદિર બન્યુ તે સારી બાબત છે, મારા ઘરમાં પણ એક ઘર મંદિર છે તેમાં રામ પણ છે હનુમાન છે, તેમાં શીવજી છે અને ગણપતિ પણ છે. તમારા ઘરે પણ આવુ કોઈ મંદિર હશેને.. તેમણે કહ્યુ ચોક્કસ મારા ઘરમાં મંદિર છે અને માતાજીનું સ્થાપન કર્યુ છે. મેં કહ્યુ હું મારા ઘરના મંદિરમાં તમે તમારા ઘરના મંદિરમાં પેઢીઓથી પુજા કરીએ છીએ પણ તમે તમારી પુજા અને મેં મારી ભકતીને કયારેય બીજા સાથે ચર્ચા કરી? તેમણે કહ્યુ ના. મેં કહ્યુ બસ આપણો ઈશ્વરમાં અને અન્ય કોઈનો તેના ઈશ્વરમાં વિશ્વાસ હોવો તે શ્વાસ લેવા જેટલુ વ્યકિતગત બાબત છે. મારો શ્વાસ મારે જ લેવો પડે, હું તમારા વતી શ્વાસ લઈ શકુ નહીં અને તમે મારા માટે શ્વાસ લઈ શકો નહીં. જે લોકો ઈશ્વરમાં નથી માનતા તેમની પણ તે એટલી જ વ્યકિતગત બાબત છે.

હું સોમનાથ મંદિર પણ જાઉ છુ, અને અંબાજી પણ જઉ છુ, મેં દ્રારકાધીશના પણ દર્શન કર્યા છે, શીરડીના સાંઈબાબાને પણ મળ્યો છુ. મને સોમાનાથ અને અંબાજીમાં શ્રધ્ધા છે, પણ હું જયારે પણ આ વિશાળ યાત્રાધામના દર્શને જાઉ છુ ત્યારે મને વિચાર આવે છે, જે શીવ શરીર ઉપર ભભુતી લગાવી, સ્માશાનમાં ભુતો સાથે રહે છે જે અલગારી અને ફકીર મારો શીવ છે, તેવા મારા શીવના મંદિરના ગુંબજને સોનાના પતરાથી શુ કામ મઢવામાં આવતુ હશે? જે સાક્ષાત દેવી છે તેવી મારી જગદંબાનું મંદિર પણ સોનાથી મઢાયુ છે પણ તેની આસપાસ વસતા મારા આદીવાસી ભાઈ બહેનો કેમ દારૂણ સ્થિતિમાં જીવે છે? પાણી માટે પહાડો પસાર કરી દુર દુરના વિસ્તારમાં જાય છે. શીરડીનો સાંઈબાબા તો આખી જીંદગી તેની ફકીરીને કારણે ઓળખાયો તે બાબાના મંદિરમાં આજે સોનાના ઢગલા થાય છે, પણ તે જ મહારાષ્ટ્રના લોકો શિક્ષણ અને રોજગારથી વંચીત કેમ છે? આપણને કોઈએ ધર્મને આ રીતે જોવાનું શીખવ્યુ જ નથી જેના કારણે સદાવ્રત ચલાવી સંતોષ માની લઈએ છીએ પણ કોઈ એક માણસ અથવા એક પરિવાર સ્વમાનભેર જીવી શકે તેવી કોઈ કાયમી વ્યવસ્થાનો આપણને વિચાર આવતો જ નથી.



ગાંધીજી કહેતા કે મને એક દિવસનો વડાપ્રધાન બનાવો તો સૌથી પહેલુ કામ હું દેશના તમામ સદાવ્રતો બંધ કરવાનું કરુ. કારણ જે કામ કરતો નથી તેને જમવાનો અધિકાર નથી તેવુ હું માનુ છુ, પણ આપણે સૌથી ટુંકો રસ્તો શોધી કાઢી આપણે ધાર્મિક હોવાનું કર્તવ્ય પુરૂ કરીએ છીએ. ધર્મનો અર્થ તો બીજાને જીવાડવાનો પ્રયાસ છે, પણ તે દિશામાં આપણે નક્કી કઈ કરતા નથી. દેશના જેટલા મોટા મંદિરો છે તેની સામે કોઈ વાંધો નથી, પણ મંદિર-ચર્ચ-મસ્જીદ અને ગુરૂદ્વારાની જવાબદારી કઈક વિશેષ છે. આપણે ત્યાં ધાર્મિક સંસ્થાઓ પાસે જે સંપત્તી છે તેમાંથી તો કરોડો લોકોનું ભલુ કરી શકે તેમ છે, સોમનાથમાં એક સોમનાથ યુનિવર્સિટી, સોમનાથ સિવિલ હોસ્પિટલ, સોમનાથ મેડીકલ કોલેજ સહિત અનેક બાબતો થઈ શકે તેમ છે. આ તો એક ઉદાહરણ છે આવી દેશના અનેક જિલ્લા અને રાજયોમાં થઈ શકે તેમ છે આ પ્રમાણે આપણે કરીશુ આપણો ધર્મ આપણને જીવાડશે.

- Advertisement -

કોણ માણસ શુ ખાય છે, કોણ માણસ શુ પહેરે છે, કોણ કઈ દિશામાં ચહેરો રાખી પ્રાર્થના અને બંદગી કરે છે આ અત્યંત વ્યકિતગત બાબત છે, પણ આપણને આવી ક્ષુલ્લક બાબતોને લઈ રસ્તા ઉપર આવી જવાની મઝા આવે છે અને આપણે પાછો તેને આપણો ધર્મ કહીએ છીએ. ધર્મ વહેતી નદી છે, ધર્મ અફાટ દરિયો છે, ધર્મ ખુલ્લુ આકાશ છે તે કોઈની જાગીર નથી તેનો કોઈ ઠેકેદાર નથી જેમ ચોમાસામાં મેલેરીયા થાય અને ઉનાળામાં લુ લાગે તેમ ચુંટણી આવે ત્યારે આ પ્રકારનો પ્રચાર થશે તેવી સાદી સમજ સમજી લેવાની જરૂર છે. કોરાનોનાથી બચવા આપણે જેમ વેક્સીન લીધી તેમ ધર્મની એન્ટીમાઈન્ડ વેક્સીન પણ આપણે જાતે જ લેવી પડશે પછી કોઈ હિમંતનગર તો કોઈ ખંભાત અને કોઈ દિલ્હીમાં દંગાઓ થશે નહીં કારણ લોહીનો રંગ સરખો છે તેમ ભુખને પણ કોઈ ધર્મ નથી.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular