Tuesday, July 7, 2026
HomeGujaratAhmedabadમને અફસોસ તે વાતનો આજે પણ છે, મેં એવું કર્યું હોત તો...

મને અફસોસ તે વાતનો આજે પણ છે, મેં એવું કર્યું હોત તો બંસરી આજે પણ જીવતી હોત

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-35): Nadaan Series : ગોવિંદે વાત ચાલું રાખી. “બંસરી મેળામાં આવી હતી. મેં બૂમ પાડી એટલે તેણે મારી સામે જોયું. તેની બહેનપણીને પણ આશ્ચર્ય થયું. તેવી જ સ્થિતિ મારા મિત્રોની પણ હતી. મારા એક મિત્રએ કહ્યું, “અલ્યા શું કરે છે? બબાલ થશે.”

બંસરી પહેલાં તો મારી સામે જોતી રહી. એની આંખોમાં ગુસ્સો અને કોઈ પ્રશ્ન હતો. પછી ધીરે ધીરે તેણે મને ઓળખ્યો હોય એવું લાગ્યું. એના ચહેરા પર સ્મિત આવ્યું. એ મારી પાસે આવી. જાણે ખાતરી કરતી હોય એમ પૂછ્યું, “બેંકવાળા સાહેબને?”

- Advertisement -

મેં માથું હલાવીને હા પાડી. મેં પૂછ્યું, “મેળામાં આવી છે?”

એના ચહેરા પર અલ્લડ હાસ્ય આવી ગયું. હસવાનું રોકીને ગંભીર ચહેરો કરતાં કહ્યું, “ના. મસાણમાં આવી છું.”

એની સાથે રહેલી તેની બહેનપણીઓ પણ હસવા લાગી. મને બહુ ખરાબ લાગ્યું. મારી મશ્કરી થઈ હોય તેવું લાગ્યું. આટલું બોલીને બંસરી જતી રહી. મારા મિત્રોએ કહ્યું, “આવો તો કંઈ સવાલ પૂછાય! મેળામાં તો આવી હતી.”

- Advertisement -

હું દ્વિધામાં હતો, એટલે મને કંઈ પૂછવાની ખબર પડી નહીં. પણ મારી નજર મેળામાં બંસરીને જ શોધતી રહી. અંતે મેળો પત્યો ત્યાં સુધી તે મળી નહીં. કદાચ તે જતી રહી હશે. મેળામાં એ મળી પછી મારું મન વ્યાકુળ બન્યું હતું. મેં નક્કી કર્યું કે, હું એને શોધી કાઢીશ. ચાર પાંચ દિવસ પછી મને યાદ આવ્યું કે, મારી જ બેંકમાં એની દાદીનું ખાતું છે. સરનામું તો હોય જ.

બેંકમાં કોઈને ખબર ન પડે એ રીતે મેં બંસરીની દાદીનું એકાઉન્ટ જોયું અને તેનાં ઘરનું સરનામું શોધી લીધું. તે દિવસે બેંકમાંથી છૂટ્યા પછી હું બંસરીના વિસ્તારમાં ગયો. હું તેની રાહ જોતો ઊભો રહ્યો. તે મળી નહીં એટલે મેં રોજ જવાનું ચાલું રાખ્યું. છેક ત્રીજા દિવસે મને બંસરી જોવા મળી. હું એને કંઈ પૂછું તે પહેલાં જ એણે મને ઓળખી લીધો. મને કહ્યું, “અરે, બેંકવાળા સાહેબ! અહીં ક્યાં?”

એનો પ્રશ્ન સાંભળી હું ગોથું ખાઈ ગયો. મને કંઈ સૂઝ્યું નહીં. ખોટું બોલવાની મને ટેવ નહોતી  એટલે જવાબમાં ગોટા વળવા લાગ્યા. તે હસી પડી. પછી મારી આંખોમાં જોતાં પૂછ્યું, “મને જ જોવા આવ્યા હતાને?”

- Advertisement -

પછી તો હું સાવ હેબતાઈ ગયો. જાણે મારી ચોરી પકડાઈ ગઈ હોય તેવું લાગ્યું, પણ બંસરી બહુ હોશિયાર હતી. એણે મારી નજરમાં રહેલો તેના માટેનો પ્રેમ પકડી પાડ્યો હતો.”

બંસરીની વાત કરતાં કરતાં અચાનક ગોવિંદનું ધ્યાન બેરેકમાં ટાંગેલી ઘડિયાળ તરફ ગયું. બાર વાગી રહ્યા હતા. એણે આસપાસ નજર કરી. એકાદ બે કેદીને બાદ કરતાં બધા જ સૂઈ ગયા હતા. ગોવિંદે કહ્યું, “ચાલો, આવતીકાલે વાત કરીશું.”

ગોપાલે તરત એનો હાથ પકડતાં કહ્યું, “ભાઈ, પ્લીઝ…”

ગોવિંદ હસ્યો. તેણે કહ્યું, “પાણી પી લઉં?”


આટલું બોલીને તે ઊભો થવા જતો હતો, પણ ગોપાલે તેને હાથ પકડીને બેસાડતાં કહ્યું, “ભાઈ, હું લઈ આવું છું.”

ગોપાલ માટલા પાસે ગયો અને એક ગ્લાસ પાણી લઈ આવ્યો. ગોવિંદે પાણી પીધું અને શર્ટની બાંયથી ભીના હોઠ સાફ કર્યા. પછી વાત આગળ વધારતાં કહ્યું, “પછી હું અવાર નવાર એને જોવા ત્યાં પહોંચી જતો. ધીમે ધીમે એક સમય નક્કી થયો. બંસરી પણ ત્યાં સમયસર આવવા લાગી. અમારી વચ્ચે ધીમેધીમે સંવાદ ચાલું થયો. એક દિવસ મેં હિંમત કરીને તેની સામે પ્રેમનો એકરાર કર્યો. ધીમે ધીમે હું અને બંસરી મળવાં લાગ્યાં.

બંસરી સાતમાં ધોરણ સુધી ભણેલી હતી. પહેલાં એ મને બેંકવાળા સાહેબ જ કહેતી. મેં કહ્યું, “સાહેબ નહીં, ગોવિંદ.”

તે મને ‘ગોવિંદ સાહેબ’ જ કહેતી. ક્યારેક વળી ખાલી ‘સાહેબ’ કહેતી. બંસરીનાં બાળ લગ્ન થયાં હતાં. એનો મોટો ભાઈ તેમના વિસ્તારનો ડોન હતો. બંસરીને તેના ભાઈનો જ ડર લાગતો હતો. એક ક્ષણ તો મને પણ લાગ્યું કે, ડોનની બહેનના પ્રેમમાં ક્યાં પડ્યો? પણ ગણતરી માંડીને તો કંઈ થોડો પ્રેમ થાય છે!

“મારો ભાઈ જોઈ જશે તો બબાલ થશે” આવું બંસરી કાયમ કહેતી. એને સતત તેવો ડર લાગતો. એક દિવસ ખરેખર એવું જ બન્યું. અમે સ્ટેશનરોડ પરથી રિક્ષામાં પાછાં ફરી રહ્યાં હતાં, ત્યારે તેના ભાઈએ અમને જોઈ લીધા. એ બાઇક પર હતો. એણે ઓવરટેક કરીને રિક્ષા ઊભી રાખાવી. રિક્ષા ઊભી રહેતાં જ પહેલાં તો એણે કોઈ જ કારણ વગર રિક્ષા ડ્રાઈવરને બે લાફા માર્યા. બંસરીને હાથ પકડી રિક્ષામાંથી ઉતારી. પછી મારો વારો લીધો. તે મારી પર રાક્ષસની જેમ તૂટી પડ્યો. મારામાં હિંમત પણ નહોતી અને તાકાત પણ નહોતી. બંસરી રડતી રડતી વચ્ચે પડતી અને મને બચાવવાનો પ્રયત્ન કરી રહી; પણ એનો ભાઈ તેને પણ ફટકારી દેતો હતો. લોકોનું ટોળું ભેગું થઈ ગયું, પણ મને મદદ કરવાની કોઈની હિંમત ન થઈ. જતાં જતાં એના ભાઈએ મને ચેતવણી આપી, “આજે જીવતો જાય છે. ફરીવાર જીવતો છોડીશ નહીં.”

તે રડતી બંસરીને બાઇક પર બેસાડી જતો રહ્યો. મને ખૂબ માર્યો હતો. હું ઘરે પહોંચ્યો ત્યારે મેં ઘરે કહ્યું કે, દોસ્તના બાઇક પરથી પડી ગયો છું. પાંચ સાત દિવસ તો બેંકમાં પણ જઈ ન શક્યો.

આ વાતને બે મહિના થઈ ગયા. હું અને બંસરી મળ્યા જ નહોતાં. બંસરીને તેનાં ઘરેથી બહાર નીકળવાની જ મનાઈ હતી. એક દિવસ અચાનક બંસરી બેંકમાં આવી ગઈ. એણે મને કહ્યું, “મારે વાત કરવી છે.”

હું એને બેંકની બહાર લઈ ગયો. તે ખૂબ ડરેલી હતી. તેણે મને કહ્યું, “મારું ઘરની બહાર નીકળવાનું બંધ કરાવી દેવામાં આવ્યું છે. આજે ઘરનાં બધાં કોઈ મરણમાં ગયાં છે એટલે તક મળતાં જ હું અહીં તમને મળવા આવી છું.”

હું માત્ર સાંભળી રહ્યો. બંસરીએ કહ્યું, “મારાં જ્યાં બાળ લગ્ન થયાં હતાં તેની સાથે વળાવી દેવાની વાત ચાલી રહી છે.”

હું ત્યારે પણ કંઈ જ બોલી શક્યો નહીં. કારણ, મારી અંદર એના ભાઈનો સામનો કરવાની હિંમત જ નહોતી. હું એને ભગાડી જઉં એવી મારી સ્થિતિ પણ નહોતી. બંસરીએ મને તે દિવસે કહ્યું, “સાહેબ, તમે કંઈક કરજો. જો મને વળાવી દેશે, તો મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. હું તમારા સિવાય કોઈનો વિચાર પણ કરી શકતી નથી.”

આટલું કહીને તે ઉતાવળે જતી રહી. હું મુંઝવણમાં હતો કે, મારે શું કરવું? તેનો મને કોઈ જ જવાબ ન મળ્યો. મારો એક મિત્ર હતો, વિરાજ. એ થોડો તોફાની હતો. એણે મને કહ્યું, “ચાલ, ભગાડી જઈએ.”

પણ મેં કહ્યું, “ના.”

તેણે ગુસ્સો કરતાં કહ્યું, “તો તાળી પાડ. હિંમત નહોતી તો પ્રેમ શું કામ કર્યો?”

બંસરીના ઘરે શું ચાલી રહ્યું છે, તે જાણવાનો મારી પાસે કોઈ રસ્તો નહોતો. એક મહિના પછી મને વિરાજનો ફોન આવ્યો. તેણે મને પૂછ્યું, “છાપું વાંચ્યું?”

મેં કહ્યું, “ના.”

તેણે કહ્યું, “પાના નંબર પાંચ ઉપર વાંચ.”


મેં ફટાફટ છાપું ખોલ્યું અને પાનં નંબર પાંચ ઉપર એક પછી એક સમાચાર પર નજર ફેરવી. એમાંથી એક સમાચાર વાંચ્યા અને મને લાગ્યું કે, મારા પગને લકવા થઈ ગયો! હું ત્યાં જ બેસી ગયો. મારે રડવું હતું, પણ હું રડી શક્યો નહીં.

અખબારમાં સમાચાર હતા કે, “બંસરીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.”

મને બહુ જ અફસોસ થયો. બંસરી મારી સાથે ભાગવા તૈયાર હતી, પણ મારી જ હિંમત થઈ નહોતી. જો મેં હિંમત કરી હોત, તો બંસરી આજે પણ જીવતી હોત! એવું મને લાગે છે.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular