પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-35): ગોવિંદે વાત ચાલુ રાખી, બંસરી મેળામાં આવી હતી, મેં બુમ પાડતા તેણે મારી સામે જોયું, તેની બહેનપણીને પણ આશ્ચર્ય થયું તેવી જ સ્થિતિ મારા મિત્રોની હતી. મારા એક મિત્રએ કહ્યું અલ્યા શું કરે છે બબાલ થશે… બંસરી પહેલા તો મારી સામે જોતી રહી, તેની આંખમાં વિચિત્ર ગુસ્સો હતો, પછી ધીરે ધીરે તેને મને ઓળખ્યો તેવું લાગ્યું તેના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું તે મારી પાસે આવી, તેણે ખાતરી કરતા પુછ્યું બેન્કવાળા સાહેબને? મેં માથુ હલાવી, હા પાડી, મેં પુછ્યું મેળામાં આવી છે? તેના ચહેરા ઉપર અલ્લડ હાસ્ય આવ્યું અને ગંભીર ચહેરો કરતા કહ્યું ના મસાણ આવી છું. તેની સાથે રહેલી તેની બહેનપણીઓ પણ હસવા લાગી. મને બહુ ખરાબ લાગ્યું મારી મશ્કરી થઈ હોય તેવું લાગ્યું. આટલુ બોલી બંસરી જતી રહી. મારા મિત્રોએ કહ્યું આવો તો કઈ સવાલ પુછાય, મેળામાં તો આવી હતી.
હું દ્વીધામાં હતો એટલે મને શું પુછવું તેની ખબર પડી નહીં પણ મારી નજર મેળામાં બંસરીને શોધતી રહી, તે જતી રહી, બીજી વખત તે મળી પછી મારૂ મન વ્યાકુળ બન્યું હતું, મેં નક્કી કર્યું હું તેને શોધી કાઢીશ ચાર પાંચ દિવસ પછી મને યાદ આવ્યું કે અરે મારી જ બેન્કમાં તેની દાદીનું ખાતું છે સરનામુ તો હોય મેં બેન્કમાં કોઈને ખબર પડે નહીં તેમ બંસરીની દાદીનું એકાઉન્ટ જોયું અને તેના ઘરનું સરનામુ શોધી લીધુ, તે દિવસ બેન્ક છુંટયા પછી બંસરી રહેતી હતી તે વિસ્તારમાં ગયો. હું તેની રાહ જોતો ઊભો રહ્યો પણ છેક ત્રીજા દિવસે મને બંસરી જોવા મળી, હું તેને કંઈ પુછું તે પહેલા જ તેણે મને ઓળખી લીધો મને કહ્યું અરે બેન્કવાળા સાહેબ અહિયાં ક્યાં? તેનો પ્રશ્ન સાંભળી હું ગોથું ખાઈ ગયો, મને કંઈ સુઝયુ નહીં કારણ ખોટું બોલવાની ટેવ નહોતી જવાબમાં ગોટા વળવા લાગ્યા. તે હસી પડી પછી મારી આંખોમાં જોતા પુછ્યું મને જ જોવા આવ્યા હતાને. પછી તો હું સાવ હેબતાઈ ગયો. જાણે મારી ચોરી પકડાઈ ગઈ હોય તેવું થયું, પણ બંસરી બહુ હોશિયાર હતી. તેણે મારી નજરોમાં તેના માટેનો પ્રેમ પકડી પાડયો હતો. બંસરીની વાત કરતા કરતા અચાનક ગોવિંદનું ધ્યાન બેરેકમાં ટાંગેલી ઘડીયાળ તરફ ગયું બાર વાગી રહ્યા હતા. તેણે આસપાસ નજર કરી એકાદ બે કેદીને બાદ કરતા બધા સુઈ ગયા હતા. ગોવિંદે કહ્યું ચાલો આવતીકાલે વાત કરીશું, ગોપાલે તરત તેનો હાથ પકડતા કહ્યું ભાઈ પ્લીઝ.
ગોવિંદ હસ્યો તેણે કહ્યું પાણી પી લઉં? તેમ કહી તે ઊભો થવા જતો હતો, ગોપાલે તેને બેસાડતા કહ્યું ભાઈ હું લઈ આવું છુંને, ગોપાલ માટલા પાસે ગયો. એક ગ્લાસ પાણી લઈ આવ્યો. ગોવિંદે ઉપરથી ગટગટ પાણી પીધુ શર્ટની બાયથી ભીના હોઠ સાફ કર્યા અને વાત આગળ વધારતા કહ્યું પછી હું અવાર-નવાર તેને જોવા ત્યાં પહોંચવા લાગ્યો, ધીમે ધીમે એક સમય નક્કી થયો અને બંસરી પણ ત્યાં સમયસર આવવા પણ લાગી. તેના અને મારા વચ્ચે ધીમેધીમે સંવાદ ચાલુ થયો અને પછી મેં હિંમત કરીને તેની સામે એકરાર કર્યો. ધીમે ધીમે હું અને બંસરી અને મળવા લાગ્યા, બંસરી સાતમાં ધોરણ સુધી ભણેલી હતી, પહેલા તે મને બેન્કવાળા સાહેબ જ કહેતી મેં કહ્યું સાહેબ નહીં ગોવિંદ, પણ તે મને ગોવિંદ સાહેબ કહેતી ક્યારેક સાહેબ જ કહેતી, બંસરીના બાળ લગ્ન થઈ ગયા. તેનો મોટો ભાઈ તેમના વિસ્તારનો ડૉન હતો. બંસરીને તેના ભાઈનો જ ડર લાગતો હતો, એક ક્ષણ તો મને પણ લાગ્યું કે ડૉનની બહેનના પ્રેમમાં ક્યાં પડયો પણ ગણતરી માંડી કંઈ પ્રેમ થતો નથી. બંસરીને સતત તેનો ભાઈ જોઈ જશે તો બબાલ થશે તેવો ડર લાગી રહ્યો હતો. એક દિવસ ખરેખર એવું જ બન્યું અમે સ્ટેશન રોડ ઉપરથી રિક્ષામાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેના ભાઈએ અમને જોઈ લીધા તે બાઈક ઉપર હતો.
તેણે ઓવરટેક કરી રિક્ષા ઊભી રાખી અને રિક્ષા ઊભી રહેતા પહેલા તો તેણે રિક્ષા ડ્રાઈવરને કારણ વગર બે લાફા માર્યા. બંસરીને હાથ પકડી રિક્ષામાં ઉતારી અને મારો વારો લીધો તે મારી ઉપર રાક્ષસની જેમ તુંટી પડયો. મારી પાસે હિંમત પણ નહોતી અને તાકાત પણ નહોતી, બંસરી રડતી રડતી વચ્ચે પડી મને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ તેનો ભાઈ તેને પણ ફટકારી દેતો હતો, લોકોનું ટોળુ ભેગુ થઈ ગયું પણ કોઈની હિંમત થઈ નહીં મને મદદ કરવાની. જતાં તેના ભાઈએ મને ચેતવણી આપી આજે જીવતો જાય છે હવે જીવતો છોડીશ નહીં. તે રડતી બંસરીને બાઈક ઉપર બેસાડી જતો રહ્યો. મને ખૂબ માર્યો હતો હું ઘરે પહોંચ્યો ત્યારે મેં ઘરે કહ્યું દોસ્તના બાઈક ઉપરથી પડી ગયો હતો. પાંચ સાત દિવસ તો બેન્કમાં પણ જઈ શકયો નહોતો. પછી આ વાતને બે મહિના થઈ ગયા, હું અને બંસરી મળ્યા જ નહીં, કદાચ બંસરીને તેના ઘરેથી બહાર નીકળવા દેતા જ નહોતા, પણ એક દિવસ અચાનક બંસરી બેન્કમાં આવી ગઈ. તેણે મને કહ્યું મારે વાત કરવી છે. હું તેને બેન્કની બહાર લઈ ગયો. તે ખૂબ ડરેલી હતી. તેણે મને કહ્યું તેનું ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવામાં આવ્યું છે આજે ઘરના બધા કોઈ મરણમાં ગયા એટલે તક મળતા તે મળવા આવી છે.
બંસરીએ કહ્યું તેના જ્યાં બાળ લગ્ન થયા હતા તેની સાથે વળાવી દેવાની વાત ચાલી રહી છ, હું કઈ બોલી શકયો જ નહીં કારણ મારી અંદર તેના ભાઈનો સામનો કરવાની હિંમત જ નહોતી, હું તેને ભગાડી જઉં તેવી પણ મારી સ્થિતિ નહોતી. બંસરીએ મને તે દિવસે કહ્યું સાહેબ તમે કંઈક કરજો, જો મને વળાવી દેશે તો મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો રહેશે નહીં. હું તમારા સિવાય કોઈનો વિચાર પણ કરી શકતી નથી. આટલુ કહી તે ઉતાવળે જતી રહી. હું મુંઝવણમાં હતો મને શું કરવું તેની કંઈ જ ખબર પડી રહી નહોતી, મારો એક મિત્ર હતો, વિરાજ, થોડો તોફાની તેણે મને કહ્યું ચાલ ભગાડી જઈએ, પણ મેં કહ્યું ના, તેણે ગુસ્સો કરતા કહ્યું તો તાળી પાડ હિંમત નહોતી તો પ્રેમ શું કામ કર્યો? બંસરીના ઘરે શું ચાલી રહ્યું છે તે જાણવાનો મારો પાસે કોઈ રસ્તો નહોતો, એક મહિના પછી મને વિરાજનો ફોન આવ્યો તેણે મને પુછ્યું છાપુ વાંચ્યું? મેં કહ્યું ના તેણે કહ્યું પાના નંબર પાંચ વાંચ મેં ફટાફટ છાપુ ખોલ્યુ અને પાનં નંબર પાંચ ઉપર એક પછી એક સમાચાર ઉપર નજર ફેરવી એક સમાચાર વાંચ્યા અને મને લાગ્યું કે મારા પગને લકવા થઈ ગયો. હું ત્યાં જ બેસી ગયો, મારે રડવુ હતું પણ હું રડી પણ શકયો નહીં. અખબારમાં સમાચાર હતા કે બંસરીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, મને બહુ અફસોસ થયો. બંસરી મારી સાથે ભાગવા તૈયાર હતી પણ મારી હિંમત થઈ નહીં, જો મેં હિંમત કરી હોત તો બંસરી આજે પણ જીવતી હોત તેવું મને લાગે છે.
(ક્રમશઃ)
PART 34 : હું તો બેન્કમાં નોકરી કરતો હતો, મેં પહેલી વખત બંસરીને જોઈ બસ તેના પ્રેમમાં પાગલ થઈ ગયો
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.