પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-29): સલીમ મુમતાઝની વાત કરતો હતો, ત્યારે ગોવિંદની આંખમાં આંસુ કેમ આવી ગયા; તેની કોઈને ખબર પડી નહીં ગોવિંદ સિંહ જેવો માણસ હતો. પથ્થરને પાટું મારે તો તેમાંથી પણ પાણી કાઢે એવો હતો. એની આંખમાં આંસુ કેમ આવ્યા? આ પ્રશ્ન સલીમ અને ગોપાલ બંનેને હતો. પણ તેને કશું પુછવાની બેમાંથી કોઈની હિંમત ન થઈ.
મુમતાઝની કહાની પૂરી થતાં ગોવિંદે પોતાના આંસુ લૂછ્યાં અને પોતાના બિસ્તર પર જતો રહ્યો. કદાચ બેરેકના અંધારામાં તે પડખું ફેરવીને રડ્યો હશે! ગોપાલને થયું કે, ગોવિંદના જીવનની કઈ એવી વેદના હશે; જે એણે આટલા વર્ષે સંતાડી રાખી હશે! મોડી રાત સુધી ગોપાલને સલીમ અને ગોવિંદના વિચારોએ સૂવા ન દીધો.
સલીમે પણ પહેલી જ વખત પોતાની વાત કરી હતી. સલીમ પાસે આખા ગામના સમાચાર હોય. ખાસ કરીને કોઈ તકલીફમાં હોય ત્યારે કીધા વગર સલીમ તેની પાસે પહોંચી ગયો હોય. પણ સલીમે પોતાનું હૃદય ક્યારેય ખોલ્યું નહોતું. ગોપાલ એનો ખાસ દોસ્ત હોવા છતાં સલીમે મુમતાઝની વાત તેને ક્યારેય કરી નહોતી. જ્યારે પણ તે નિશીને જોતો ત્યારે થોડીવાર માટે ગુમસુમ જરૂર થઈ જતો હતો.
ગોપાલે લગ્ન કર્યાં ત્યારે સૌથી વધુ ખુશ સલીમ હતો. સલીમે જ બધા મિત્રોને પોતાના ખર્ચે પાર્ટી આપી હતી. ગોપાલને બહુ આશ્ચર્ય હતું કે, સલીમ એની નાની નાની તકલીફો જાણવા ઉત્સુક રહેતો, પણ સલીમનેય કોઈ તકલીફ હશે; તેવો વિચાર ગોપાલને આવ્યો જ નહીં. ગોપાલને પોતાની જાત ઉપર શરમ પણ આવી કે, પોતે કેટલો સ્વાર્થી છે?
આવું જ ગોવિંદનું હતું. બહારથી પથ્થર દિલ લાગતા ગોવિંદની જિંદગીમાં પણ એવું કોઈ નાજુક પ્રકરણ છે; જેને તેણે પોતાની સંપત્તિની જેમ સાચવી રાખ્યું છે. જીવનમાં ઘણા દર્દ એવાં હોય છે કે, માણસ તેને છોડવા માગતો નથી. કદાચ આ દર્દ જ જીવવાનું કારણ અને જીવવાની તાકાત બનતાં હશે. ગોવિંદ રડી પણ શકે; તેવી કલ્પના આખી જેલમાં કોઈ જ કરી શકે નહીં. પણ ગોવિંદ અને સલીમે તો તેની આંખમાં આંસુ જોયા! અને એ સત્ય હતું.
બીજી સવારે આંખ ખુલતાં જ ગોપાલની પહેલી નજર ગોવિંદના બિસ્તર તરફ ગઈ. તે બિસ્તરમાં નહોતો. ગોપાલે આસપાસ નજર ફેરવી. તે બેરેકમાં ક્યાંય નહોતો. ગોપાલ ઝટપટ ઊભો થયો અને બેરેકની બહાર આવ્યો, પરંતુ યાર્ડમાં પણ ગોવિંદ નહોતો. તે વિચારમાં પડી ગયો કે, કયાં ગયો હશે ગોવિંદ? કારણ, ગોવિંદ ક્યારેય ન્હાયા ધોયા વગર યાર્ડની બહાર જતો નહોતો. એવામાં ચા આવી. ગોપાલે ચા લીધી. ચા લેતાં તેને વિચાર આવ્યો કે, ચા આપવાવાળો કેદી બધા જ યાર્ડમાં જાય છે. તેણે કદાચ ગોવિંદને જોયો હશે. ગોપાલે તેને પૂછ્યું, “ભાઈને કયાંય જોયા છે?”
જેલમાં મોટા ભાગના કેદીઓ ગોવિંદને ભાઈ જ કહેતા. ચા આપવા આવેલો કેદી સમજી ગયો. તેણે યાદ કર્યું અને કહ્યું, “હા, ભાઈ તો વીશીમાં બેઠા હતા.”
ગોપાલ કંઈક વિચારવા લાગ્યો. પેલા કેદીએ કહ્યું, “એટલે કે રસોડામાં.”
ગોપાલને વિચાર આવ્યો કે, ભાઈ ક્યારેય રસોડે બેસતા નથી. આજે કેમ રસોડે ગયા હશે? ગોપાલનાં મનમાં ઘમસાણ ચાલી રહ્યું હતું. સલીમે કહ્યું, “ચાલ, તૈયાર થઈ જા. તારી નોકરીનો ટાઇમ થવા આવ્યો છે.”
ગોપાલ ન્હાવા ગયો અને તૈયાર થઈને હોસ્પિટલ પહોંચ્યો. તે ડૉકટરની ચીઠ્ઠી પ્રમાણે દવા તો આપી રહ્યો હતો, પણ તેનું મન ગોવિંદમાં જ અટવાયેલું હતું. અગિયાર વાગી રહ્યા હતા. દવાખાનામાં કોઈક બોલ્યું, “આવો ભાઈ.”
ગોપાલના કાને માત્ર અવાજ પડ્યો. તેણે ‘ભાઈ’ શબ્દ સાંભળ્યો અને તરત ઊભો થયો. તેણે બહાર આવીને જોયું તો ગોવિંદ ડૉકટર સામે બેઠો હતો. ડૉકટર તેની તબિયત અંગે પૂછી રહ્યા હતા. ડૉકટરે ડ્રેસિંગ કરાવી લેવાનું કહ્યું. ગોવિંદ ડ્રેસિંગ રૂમમાં આવ્યો. ગોપાલ સામે જોયું અને એક આછું સ્મિત આપ્યું. જાણે પરાણે સ્મિત આપી રહ્યો હોય!
“કેમ છે ભાઈ?” ગોપાલે પૂછ્યું.
ગોવિંદે કહ્યું, “એકદમ મસ્ત.”
ગોવિંદ જાણે પોતાને સાચવી લેવાનો પ્રયાસ કરતો હોય તેવું ગોપાલને લાગ્યું. ગોવિંદની હાલત ઠીક નથી. આ વાત ગોવિંદ અને ગોપાલને બંને જાણતા હતા. ગોવિંદ જાણે ગોપાલ સાથે નજર મીલાવવાનું ટાળી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ગોપાલ તેની સામે જ જોઈ રહ્યો. અગિયાર વાગી ગયા હોવા છતાં ગોવિંદ ન્હાયા વગર હોસ્પિટલ આવ્યો હતો. ગોવિંદ જેલના સફેદ કપડાં જ પહેરતો, પણ તે કપડાંમાંય એ એટીકેટમાં રહેતો. હજી તેનાં શરીર પર ગઈકાલના જ કપડાં હતા.
ગોપાલને એક કેદી કહેવા આવ્યો કે, તારી મુલાકાત આવી છે. ગોપાલને વિચાર આવ્યો કે, મારી મુલાકાતે કોણ આવ્યું હશે? નિશી તો હજી ચાર દિવસ પહેલાં જ આવી હતી. નિયમ પ્રમાણે તો અઠવાડિયામાં એક જ મુલાકત મળવા પાત્ર હતી, પણ હવે ગોપાલની ઓળખ ગોવિંદ સાથે થઈ ગઈ હતી. તે ભાઈનો માણસ હોવાને કારણે તેને નિયમ બહારની પણ કેટલીક છૂટ મળવા લાગી હતી.
નિશી આવી ત્યારે, જામીન મળ્યા કે નહીં તેનો ઓર્ડર લઈ આવી હતી. હવે કોણ આવ્યું હશે? કદાચ મમ્મી–પપ્પા હશે. એવો વિચાર કરતો કરતો ગોપાલ મુલાકાતરૂમમાં પહોંચ્યો. કોણ આવ્યું છે, તે જોવા માટે જાળીની પેલી તરફ નજર ફેરવી. તેને નિશીના પપ્પા દેખાયા. ગોપાલની નજર નિશીને શોધવા મથતી હતી. નિશી ક્યાંય દેખાઈ નહીં. ગોપાલ જાળી પાસે આવ્યો. તેણે બૂમ પાડી, “પપ્પા.”
નીશાના પપ્પા જાળી પાસે આવ્યા. ગોપાલને પૂછ્યું, “કેમ છો?”
નિશીના પપ્પા ગોપાલને તમે કહીને જ વાત કરતા હતા. ‘કેમ છો?’ એ પ્રશ્ન જરા ખટકે તેવો હતો. કારણ, જેલમાં તો કોઈ મજામાં કેવી રીતે હોય! છતાં ગોપાલે માથું હલાવી કહ્યું, “સારુ છે.”
ગોપાલ બહાર હતો ત્યારે પણ નીશાના પપ્પા અને ગોપાલ વચ્ચે વાતચીત થતી નહોતી. કારણ, ગોપાલ સાથે નિશીનાં લગ્ન થયાં એ વાત તેમને ત્યારે પણ મંજુર નહોતી અને આજે પણ નહોતી. છતાં તેમણે વકીલની વ્યવસ્થા કરી હતી. ગોપાલે પૂછ્યું, “પપ્પા, નિશી આવી નથી?”
પપ્પા શાંત રહ્યા અને કહ્યું. “હું અહીંયા આવ્યો છું. તે મેં નિશીને પણ કહ્યું નથી.”
ફરી બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ. ગોપાલને ખબર હતી કે, પપ્પા એને પસંદ કરતા નથી, પણ પોતાની દીકરી માટે તેઓ બધું કરી રહ્યા હતા. ગોપાલે હિંમત કરીને પૂછ્યું, “પપ્પા, સેશન્સ કોર્ટે તો જામીન આપવાની ના પાડી. હવે શું થાય? વકીલ શું કહે છે?”
પપ્પાએ ઊંડો શ્વાસ લીધો અને શ્વાસ છોડતાં કહ્યું, “વકીલ કહે છે કે, કેસ અઘરો છે. જામીન તો કોઈ કોર્ટ આપશે નહીં. ટ્રાયલ જ ચલાવવી પડશે.”
ગોપાલ માટે આ બધી વાતો નવી હતી; પણ સલીમ જેવું કહી રહ્યો હતો, તેવી જ વાત પપ્પા કરી રહ્યા હતા. પપ્પાએ કહ્યું, “હું મારાથી બનતાં બધા જ પ્રયત્ન કરી રહ્યો છું. મને ખબર નથી કે, પરિણામ શું આવશે.”
આટલું બોલતાં તેમને તકલીફ પડી રહી હોય, એવું ગોપાલને લાગી રહ્યું હતું. ગોપાલે પૂછ્યું, “નિશી કેમ છે?”
તેમણે એક નિઃસાસો નાખ્યો. કારણ, પતિ જેલમાં હોય; તો પત્ની કેવી હોય! કેવો વાહિયાત પ્રશ્ન એણે પૂછ્યો હતો. ગોપાલને પણ પૂછ્યા પછી એવું જ લાગ્યું.
હવે ગોપાલ અને નિશીના પપ્પા વચ્ચે કોઈ સંવાદ થાય તેવો વિષય રહ્યો નહોતો. તેમણે જતી વખતે ગોપાલને કહ્યું, “હું કોઈ કસર છોડીશ નહીં, પણ ઈશ્વરે જે નક્કી કર્યું હશે એ જ થવાનું છે.”
ગોપાલને એમની વાત સાચી લાગી, પણ તેમનાં છેલ્લાં વાક્યએ હૃદયમાં ખિલ્લો માર્યો હોય એવું લાગ્યું! તેમણે કહ્યું, “તમે બહાર આવી જાવ એવી મારી હૃદયથી ઇચ્છા છે. પણ માની લો કે, તમારે લાંબો સમય જેલમાં રહેવાનું થયું; તો મારે વિચાર કરવો પડશે.” આટલું બોલીને તેઓ મુલાકાતરૂમની બહાર જતા રહ્યા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








