પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-28): જેલમાં આવ્યા પછી ગોપાલ પાસે વિષય પૂરા થઈ જાય, એટલે તે તરત પોતાની લવસ્ટોરી સલીમને સંભળાવવા લાગતો હતો. સલીમે નિશી અને ગોપાલની પ્રેમકહાની અનેક વખત સાંભળી હોવા છતાં દરેક વખતે જાણે પહેલી જ વખત સાંભળતો હોય, તેવી રીતે તેમની કહાની સાંભળતો હતો.
એક દિવસ અચાનક ગોપાલના ધ્યાનમાં આવ્યું કે, જ્યારે જ્યારે તે નિશી સાથેના પ્રેમની વાત કરે; ત્યારે સલીમ કંઈક વિચારમાં ખોવાઈ જતો. સલીમ અને ગોપાલ તો મિત્રો હતા, પણ હવે તેમની સાથે ઘણી વખત ગોવિંદ પણ આવીને બેસતો. એક રાતે અચાનક ગોવિંદની હાજરીમાં ગોપાલે પૂછી નાખ્યું, “અરે સલીમ, તારા જીવનની પણ કોઈ લવ સ્ટોરી તો હશેને! આટલા વર્ષોની દોસ્તીમાં તે તારી વાત તો ક્યારેય કરી નથી.”
સલીમ જાણે આરોપીના પાંજરામાં આવી ગયો હોય એવો તેનો ચહેરો થઈ ગયો. સલીમે કહ્યું, “મારી લવ સ્ટોરી! અરે ભાઈ, કોઈ સ્ટોરી નથી.”
સલીમનો ચહેરો કહી રહ્યો હતો કે, તે ખોટું બોલી રહી રહ્યો છે. ગોવિંદ ધ્યાનથી સલીમ સામે જોઈ રહ્યો. સંવાદ તો સલીમ અને ગોપાલ વચ્ચે જ થઈ રહ્યો હતો. ગોવિંદ તેમની વાતો સાંભળી રહ્યો હતો. એ બંને વચ્ચે દલીલ ચાલી રહી ત્યારે ગોવિંદે અચાનક સલીમને પૂછ્યું, “મિયાં, તારા નિકાહ થઈ ગયા છે?”
સલીમ એકદમ ચૂપ થઈ ગયો. ગોવિંદને પોલીસની સાથે રહેવાનો અનુભવ હતો. કયા પ્રશ્ન કઈ રીતે પ્રશ્ન પુછવો જોઈએ, તેની સમજ એનામાં આવી ગઈ હતી. સલીમે માથું હલાવી ના પાડી. ગોવિંદે પૂછ્યું, “કેટલી ઉંમર થઈ?”
સલીમે જવાબ આપ્યો, “સત્તાવીસ.”
ગોવિંદે પ્રશ્નને ટાઇટ કરતાં કહ્યું, “મિયાં, તમારી કોમમાં તો નિકાહ વહેલા થઈ જાય, તારા નિકાહ થયા નથી એટલે કંઈક ગરબડ છે.”
ગોવિંદનો પ્રશ્ન સાંભળી સલીમ શાંત થઈ ગયો. ગોપાલ કંઈક પૂછવા જતો હતો, પણ ગોવિંદે આંખના ઇશારે તેને શાંત રહેવાનું કહ્યું. ગોપાલ અને ગોવિંદની નજર સલીમ તરફ હતી. સલીમ થોડીવાર શાંત રહ્યા પછી બોલ્યો, “એનું નામ મુમતાઝ હતું.”
ગોપાલે પહેલી વખત સલીમના મોંએ કોઈ છોકરીનું નામ સાંભળ્યું. સલીમનો ચહેરો ગંભીર હતો. તેણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “મુમતાઝ મારા જ મહોલ્લાના નાકા પર રહેતી હતી. મેં પહેલાં પણ તેને જોઈ હતી, પણ મને તેના વિશે ક્યારેય કશો વિચાર આવ્યો નહોતો. કદાચ મેં એની સામે ધ્યાનથી જોયું જ નહોતું.
મારા કાકાની દીકરીના નિકાહ હતા. આખા મહોલ્લાને દાવત હતી. મુમતાઝ પણ દાવતમાં આવી હતી. હું મહેમાનોની સરભરામાં હતો. મુમતાઝ મને ટગર ટગર જોઈ રહી હતી. મને એની ખબર જ નહોતી, પણ મારી ફોઈની દીકરીએ આવી મને કાનમાં પૂછ્યું, “પેલી ગુલાબી ડ્રેસવાળી કોણ છે?” હું આમતેમ નજર દોડાવીને શોધવા લાગ્યો કે, કોણ ગુલાબી ડ્રેસવાળી? તેણે ઇશારો કરીને એક છોકરી બતાવી. એ મુમતાઝ હતી.
મેં મારી બેનને કહ્યું કે, અમારા મહોલ્લામાં જ રહે છે. મુમતાઝ નામ છે. મારી બહેને કહ્યું, “તારીપર ફિદા છે ભાઈ. મને ભાભી ગમી ગઈ છે.”
બસ, એટલું બોલીને તે જતી રહી. પહેલી વખત મારું ધ્યાન જુદી રીતે મુમતાઝ તરફ ગયું. તેને જોઈ મને લાગ્યું કે, ખુદાએ બહુ ફુરસતના સમયમાં તેને બનાવી છે! ખૂબ સુંદર હતી! એને હું મુફલિસ જેવો કેમ ગમવા લાગ્યો, એની મને પણ ખબર નહોતી. પછી તો હું જ્યારે પણ મહોલ્લામાંથી નીકળતો, ત્યારે એ મારી રાહ જોતી ઊભી હોય. એનો ચહેરો મને જોઈને શરમાઈ જતો. કદાચ એ જ તેના પ્રેમનો એકરાર હશે!
તે દિવસે હું આશ્રમ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. એચ. કે. કોલેજના બસસ્ટેન્ડ પર મેં મુમતાઝને જોઈ. ખબર નહીં, મારી અંદર હિંમત કયાંથી આવી! અચાનક મારી બાઇકને બ્રેક વાગી ગઈ. એણે મને જોયો, એ હસી. મેં એને કહ્યું, “ઘરે જ જાઉં છું.”
એ કંઈ પણ બોલ્યા વગર બાઇક પર બેસી ગઈ. અમારી વચ્ચે કોઈ વાત થઈ નહીં, પણ મુમતાઝ મારી બાઇક પર બેઠી તેના કારણે મારા મનમાં રોમાંચ હતો. તેણે મહોલ્લો આવતા પહેલાં જ મને કહ્યું, “સલીમ, બાઇક રોકી દે. મેં બ્રેક મારી. નીચે ઉતરતાં એણે કહ્યું, “અબ્બુ જોઈ જશે.”
એટલું બોલીને થેન્ક્સ કહી એ જતી રહી. પછી અમારી મુલાકાતોનો દૌર શરૂ થયો. અમે લગભગ રોજ મળતાં. અમારામાંથી કોઈએ ક્યારેય એકબીજાને પ્રેમ કરતાં હોવાનો એકરાર કર્યો નહોતો. મુમતાઝ કોલેજના ત્રીજા વર્ષમાં ભણતી હતી. અમારી લવ સ્ટોરી આઠ મહિના ચાલી. કોલેજ પૂરી થતાં એના અબ્બુએ એના નિકાહ માટે છોકરા જોવાની શરૂઆત કરી. મુમતાઝ ખૂબ ડિસ્ટર્બ હતી. મેં એને કહ્યું, “તારા અબ્બુ સાથે વાત કરી લે.”
પણ એની હિંમત થતી નહોતી. મેં એતેને ખૂબ સમજાવી. એણે મને પૂછ્યું, “અબ્બુ તારા કામ વિશે પૂછે તો શું કહું?”
મેં કહ્યું, “સાચું કહી દેવાનું.”
તેણે પૂછ્યું, “તારે એક દીકરી હોય અને એ કોઈ દારૂ વેચનારાના પ્રેમમાં હોય, તો તું તારી દીકરીના નિકાહ એની સાથે કરાવીશ?”
મને મુમતાઝની વાત સમજાતી હતી. મેં એને પ્રોમિસ આપી હતી કે, દારૂનો ધંધો છોડીને કોઈ નેક ધંધો શરૂ કરીશ. ઘરેથી ખૂબ દબાણ થતાં મુમતાઝે મારી વાત કરી. તેના અબ્બુ ખૂબ ગુસ્સે થયા અને તેને મારી પણ ખરી. મેં મુમતાઝને કહ્યું હતું કે, આપણે ભાગી જઈએ. પણ એ અબ્બુને નારાજ કરવા માગતી નહોતી. છેલ્લે મુમતાઝ જેને પ્રેમ કરતી નહોતી તેવા એક માલદાર છોકરા સાથે અબ્બુએ મુમતાઝના નિકાહ કરાવી દીધા.
મુમતાઝ જતી રહી ત્યારે હું ખૂબ રડ્યો. એ પછી હું ક્યારેય એને મળ્યો જ નહીં. પછી મને કોઈ છોકરી મુમતાઝ જેવી લાગી જ નહીં. મુમતાઝ તો જતી રહી, પણ મારો દારૂનો ધંધો યથાવત્ રહ્યો. હું એને ભૂલવાનો પ્રયત્ન રોજ કરું છું, પણ મુમતાઝ મને છોડવા તૈયાર જ નથી. એ રોજ સવાર સાંજ એની યાદોનું ટોળું લઈ મને મળવા આવી જાય છે.
ખેર, ક્યારેક લાગે છે કે, જે થાય છે તે સારું જ થાય છે. કારણ, હું આવી રીતે જેલમાં આવું એ વાત તો મુમતાઝ ક્યારેય બરદાસ્ત ન કરી શકતી.”
સલીમ પોતાની વાત કરી રહ્યો હતો. અચાનક સલીમ અને ગોપાલનું ધ્યાન પડ્યું કે, ગોવિંદની આંખમાંથી પણ આંસુ આવી ગયાં હતાં!
(ક્રમશઃ)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








