નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજે ડૉ. બી.આર.આંબેડકરની જન્મજયંતિ નિમેત્તે દલિત સમાજ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીની આગેવાની વૈચારિક રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કર્યું હતું. આ રેલીને તેમણે સત્તાપક્ષની સામે લલકાર રેલી નામ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 14 એપ્રિલે 14 માંગો સાથે લલકાર રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સાવરે ગિરધરનગરથી સારંગપુર ખાતે આવેલા બાબા સાહેબના સ્ટેચ્યું સુધી તેમણે એક મહારેલીનું આયોજન કર્યું હતું.
આ રેલી અંતર્ગત તેમણે દલિત સમાજ વતી 14 અલગ અલગ માગો સરકાર સમક્ષ મૂકી હતી. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તે પહેલા પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા જે બાદ દલિત સમાજ દ્વારા દલિત સમાજ ઉપર થયેલા કેસ પણ પરત ખેચવાની માગ ઉદભાવી હતી.

આ રેલીનું આયોજન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓનો લાભ 8 ટકા સુધી લઈ જવો, શહેરના દરેક વોર્ડમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા બનાવવી તેમજ દલિત સમાજના વ્યક્તિઓ સામે થયેલા કેસ પરત ખેચવા જેવી અલગ અલગ 14 માગ કરવામાં આવી હતી. આ રેલીમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હજાર રહ્યા હતા.
રેલી દરમિયાન જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, “મનુસ્મૃતિને ખતમ કરીને ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે ભારત ભૂમિમાં આ દેશના તમામ ગરીબો, શોષિતો, વંચિતો કે કોઇ પણ જ્ઞાતિ કે ધર્મના હોય બધાને એક ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની સ્થાપના માટે ગુજરાતનું, દેશનું અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ એક બંધારણ આપ્યું. આ બંધારણે કેટલાંક મૂળભૂત અધિકારો આપ્યાં પણ આ કહેવાતા મનવાદીઓના RSSના શાસનમાં ફરી પણ આ દેશના દલિતો, આદિવાસીઓ, લઘુમતી વંચિતોને તેમના મૂળભૂત અધિકારો મળ્યા નથી. આ સમાજને સતત જાતિ અને ધર્મના નામે વહેંચવાની કોશિશ થઇ રહી છે. અને ગુજરાતની અંદર જે પ્રમાણે ઉનાકાંડ થયો, થાનગઢ હત્યાકાંડ થયો, ભાનુભાઇ વણકરે આત્મવિલોપન કર્યું, સફાઇ કામદારોએ ગટરમાં ઉતરીને સતત મરવું પડે, હજારો એકરો જમીનોના કબજા ના સોંપવામાં આવે જેવાં તમામ પ્રશ્નોને લઇને 131મી જન્મજયંતિ નિમિત્તે, 14મી એપ્રિલ નિમિત્તે 14 મુદ્દાઓ લઇને નવેસરથી માત્ર ઉજવણી નથી કરી રહ્યાં પરંતુ RSS અને ભાજપની સરકારને, મોદી અને પટેલ સાહેબની સરકારને ચેલેન્જ આપીએ છીએ કે જો અમારી 14 માંગણીઓ નહીં સંતોષાય તો ફરી એક વાર ઉનાકાંડ વખતે દલિતોએ પોતાની જે તાકાત અને એકતાનો પરિચય કરાવ્યો હતો એના એંધાણ ફરી કરવાના છીએ.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











