Friday, April 17, 2026
HomeGeneralખુદ રાજ્ય કૃષિ મંત્રી મુકેશ પટેલની ઓલપાડ વિધાનસભા બેઠકમાં ડાંગરની ખેતી કરતા...

ખુદ રાજ્ય કૃષિ મંત્રી મુકેશ પટેલની ઓલપાડ વિધાનસભા બેઠકમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો લુટાઈ રહ્યા છે

- Advertisement -

નવજીવન ન્યુઝ, સુરત ગ્રામ્ય: દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો સૌથી વધુ પાક ઓલપાડ તાલુકામાં લેવાતો હોય ત્યારે ખેડૂતોને ડાંગરના પાકનો પોષણક્ષમ ભાવ મળે તે માટે તાલુકામાં કાર્યરત સહકારી મંડળીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી ડાંગરના સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગર ખરીદી કરીને ખેડૂતોનું શોષણ કરાઇ રહ્યું છે. ડાંગરના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સરખામણી એ સહકારી મંડળીઓ દ્વારા ટેકાના ભાવ કરતાં ઓછો ભાવ આપવાથી ખેડૂતો બે તરફી લુટાઈ રહ્યા છે.



દક્ષિણ ગુજરાતની વાત કરીએતો વર્ષે 40 લાખ ગુણીથી વધુ એટલે અંદાજીત 80 કરોડથી વધુનું ડાંગરનું ઉત્પાદન સાથે આવક થાય છે. ખરીફ અને ઉનાળુ આમ વર્ષમાં બે વખત ડાંગરનો પાક લેવાય છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના હિતને ધ્યાને લઈને વર્ષોથી અનેક વિધ સહકારી મંડળીઓ કાર્યરત હોય જે ખેડૂતો પાસેથી ડાંગરની સીધી ખરીદી કરતી આવી છે. આટલુ જ નહિ પણ ખેડૂતોને તેમના પાકના એડવાન્સ પેટે રોકડ રકમ અને ખાતર સાહિની અન્ય સામગ્રી પણ આપતી આવી હોય સહકારી મંડળીઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે ખેડૂતોના હિત માટે કાર્યરત સહકારી મંડળીઓએ પણ વેપારી નીતિ અપનાવી ખેડૂતોનું શોષણ કરવા ચાલુ કર્યાનું નોધાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ડાંગરની ખેતી કરતાં ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાની યોજના અમલી બનાવી છે. દર વર્ષે સરકાર દ્વારા ડાંગરના જાહેર કરેલા ટેકાના ભાવથી ખેડૂતો પાસે ડાંગરની ખરીદી કરવાની હોય છે નિયમ મુજબ ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગર ખરીદ વેચાણ કરવું એ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોવા છતાં સહકારી મંડળીઓ છેલ્લા 3 વર્ષથી ખેડૂતો પાસે ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગરની ખરીદી કરી ખેડૂતોનું શોષણ કરી રહી છે. ગત વર્ષ 2019-2020માં સરકારનો ટેકાનો ભાવ 20 કિલોના 367 અને વર્ષ 2020-2021 માં 377.20 રૂપિયા 20 કિલોનો ભાવ હતો ત્યારે ઓલપાડ તાલુકામાં કાર્યરત સહકારી મંડળીઓએ વર્ષ 2019-2020માં ખરીફ ડાંગરનો 348 થી 355 સુધી જ્યારે ઉનાળુ ડાંગરનો 328 થી 357 સુધી આપ્યો હતો આમ 2019-2020માં 20 રૂપિયા જેટલો ઓછો ભાવ આપેલો જ્યારે વર્ષ 2020-2021 ખરીફ ડાંગરનો 310 થી 325 જ્યારે ઉનાળુ ડાંગરનો 340 થી 355 સુધી આપતા ઉનાળુ ડાંગર માં પણ 20 રૂપિયા જેટલો ઓછો ભાવ આપ્યો છે.



જ્યારે સરકારે છેલ્લા ત્રણ વર્ષના પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે ડાંગરના નક્કી કરેલા ટેકાના ભાવ જોઈએ તો વર્ષ 2019-2020 માં 1835 વર્ષ 2020-2021 નો 1868 અને 2021-2022 નો 1940 છે. જેની સરખામણી માં સહકારી મંડળીઓએ 2019-2020 માં 1645 વર્ષ 2020-2021 નો 1770 અને 2021-2022 નો 1885 છે. આમ સહકારી મંડળીઓએ સરકારના ટેકાના ભાવ કરતાં 2019-2020 માં 190 અને 2020-2021 માં 98 રૂપિયા તથા વર્ષ 2021-2022 માં 55 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને ઓછો ભાવ આપવાનું ફલિત થાય છે. ત્યારે આમ કરીને ડાંગર પકવતા ખેડૂતોને ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાની નુકસાની થવા જેવુ કહી શકાય.

- Advertisement -

રાજ્યના કૃષિ મંત્રી મુકેશ ઝીણાભાઈ પટેલનો મત વિસ્તાર ઓલપાડ વિધાનસભાના ઓલપાડ તાલુકાના ગામોમાં દક્ષિણ ગુજરાતની સૌથી વધુ ડાંગરની ખેતી અને ઉત્પાદન થાય છે. અહીંના ખેડૂતો સહકારી મંડળીઓમાં ડાંગર વેચાણ કરતા આવ્યા હોય ત્યારે ખુદ રાજ્ય કૃષિ મંત્રીની વિધાનસભા બેઠકના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગર વેચવાની મજબૂરી ઊભી થઈ છે. ઓલપાડ તાલુકામાં એક માત્ર રાજ્ય પુરવઠા વિભાગના સેન્ટર પર ડાંગરનું ખરીદ સેન્ટર છે જ્યાં ખેડૂતો વેચાણ કરવાથી અળગા રહેતા મંડળીઓના સહારે છે. ત્યારે રાજ્યના કૃષિ મંત્રીના ખેડૂતો જ ડાંગરના વેચાણ થકી લૂંટાઈ રહ્યા હોય તો રાજ્યના ખેડૂતની હાલત કેવી હશે તેનો અંદાજ આવે છે.



ખરીફ ડાંગરા મંડળીએ આપેલા ભાવા અને ટેકાના ભાવ

વર્ષ [ક્વિન્ટલ,મંડળી ભાવ] [સરકાર, MSP]

2016-2017 1660 1510

- Advertisement -

2017-2018 2225 1590

2018-2019 1900 1770

2019-2020 1645 1835

- Advertisement -

2020-2021 1770 1888

2021-2022 1870 1940

નાગરિક પુરવઠા નિગમ ને બદલે સરકાર સ્થાનિક મંડળીઓને કેન્દ્ર ફાળવે તે જરૂરી: જયેશ એન.પટેલ, ખેડૂત આગેવાન

ડાંગર ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતે સરકારી વિભાગ નાગરિક પુરવઠા નિગમ ખાતે ડાંગરની નોધણી અને વેચાણ કરવાની સરકારની પદ્ધતિ અટપટી હોવાથી ખેડૂત નિગમમાં ડાંગર વેચવા નથી જતાં. જેની સરખામણી એ સહકારી મંડળીઓમાં ખેડૂત વર્ષોથી ડાંગર વેચાણ કરતો આવ્યો હોય મંડળીઓ ખેડૂતને પાકના એડવાન્સ પેટે રોકડ રકમ અને ખાતર સહિતની અન્ય સુવિધા પૂરી પાડતી હોવાથી ખેડૂત મંડળી તરફ આકર્ષાય છે. ટેકાના ભાવે ડાંગર વેચાણ થી ખેડૂતને ફાયદો છે ત્યારે નાગરિક પુરવઠા નિગમને બદલે સરકાર સ્થાનિક મંડળીઓને કેન્દ્ર ફાળવે તો જ ખેડૂતને લાભ મળે તેમ છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular