નવજીવન ન્યૂઝ.ભરૂચઃ ભરૂચ જિલ્લાના નવનિયુક્ત એસપી ડો. લીના પાટીલે કડક હાથે કામ લેવાનું શરૂ કરી દીધું છે. જેનો હાલમાં જ ચમકારો 20 પોલીસ કર્મચારીઓને મળી ગયો છે. છેલ્લા ઘણા સમયથી ઠેરઠેર ચાલતા દારુ જુગારના અડ્ડાઓ પર ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન દ્વારા દરોડાઓનો દૌર ચાલી રહ્યો છે. પોલીસે બુટલેગર અને ખેપિયાઓને ધરપકડ સાથે સાથે કેટલાકને વોન્ટેડ પણ જાહેર કરવા સુધીના પગલા લીધા. ડો. લીના પાટેલી આજે જિલ્લાના 20 પોલીસ કર્મચારીઓ અને 4 પીએસઆઈની બદલીના ઓર્ડર કરી દીધા છે.
ભરૂચના એસપી લીના પાટીલે જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓ જિલ્લાની વિવિધ વિગતો મેળવી રહ્યા છે અને સતત ક્રાઈમની દુનિયાના મોટા માથા અને તેમની સાથેનાઓ સંદર્ભની જાણકારી મેળવવામાં રસ બતાવી રહ્યા છે. આવા ગુનાખોરીની દુનિયામાં પંકાયેલાઓ ઉપરાંત પોલીસ વિભાગ પર પણ તેઓ નજર રાખી રહ્યા છે. તેવા સંજોગોમાં જ્યારે તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ 20 પોલીસ કર્મચારીઓ અને 4 પોલીસ સબ ઈન્સપેક્ટરની બદલીનો ગંજીપો ચિપ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે, જોકે ચર્ચાનો વિષય એ કારણે પણ છે કે આ પૈકીના મોટાભાગના એક વગદાર હોય તે પ્રકારનો રુઆબ ધરાવતા હતા અને પાછા તેમની બદલી પણ કરાઈ છે હેડ ક્વાર્ટરમાં. આમ તો આ બદલીને સામાન્ય ઘણી શકાય પરંતુ પોલીસ વિભાગમાં આ બદલીને એક સજાના ભાગ રૂપે જોવામાં આવી રહી છે.
દહેજમાં સ્ટેટ મોનીટરિંગ સેલના દરોડામાં 40 પેટી દારુ ઝડપાયો અને 4 પોલીસ કર્મચારીઓની હેડ ક્વાર્ડરમાં બદલી થઈ ગયા પછી ફરી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બદલી પામેલા પોલીસ કર્મચારીઓમાં એલસીબી, અંલેશ્વર, ભરૂચ, જીઆઈડીસી, ઝઘડિયા તાલુકા, દહેજ મેરિન, ટ્રાફીક વગેરે જેવા વિભાગોના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ બદલીઓમાં 3 પીએસઆઈને રિડર તરીકેની બદલી મળી છે.








