નવજીવન ન્યૂઝ. સુરત ગ્રામ્ય: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામની રામ કબીર સોસાયટીમાં ઘર નં. C 15 માં રહેતા અને મૂળ ઓડીસાના બાબુરામ કાશીનાથ સ્વાઇન પોતાની પત્ની ભારતીબેન અને 2 દીકરી રિયા અને રિચા તેમજ એક પુત્ર સાથે. મંગળવારની રાત્રે પરિવારના 4 સભ્યો સુઈ ગયા હતા. મધ્યરાત્રી સમયે આ ઘરનો દરવાજાનો નકુચો તોડી હથિયાર સાથે ત્રણ લૂંટારુઓ ઘૂસી ગયા હતા. મોટી 20 વર્ષીય દીકરી રિયાની કોલેજની પરીક્ષા હોવાથી વાંચન કરતી હોય, એક લૂંટારુ આવી ગળા પર ચપ્પુ મૂકી દેતા, યુવતીએ કોલેજમાં સેલ્ફ ડિફેનસિંગની ટ્રેનિંગ કામે લાગી હતી. હિંમત પૂર્વક સામનો કરતા, ત્રણે લૂંટારુઓએ ભાગવુ પડ્યુ હતું.
જોકે, દીકરીએ ચોરો સાથે બાથ ભીડતા, હાથના ભાગે ચપ્પુથી ઇજા થતાં 24 જેટલા ટાંકા આવ્યા હતા. ઘટના બાદ કડોદરા પોલીસ પણ પહોંચી આગળની જરૂરી કાર્યવાહી કરી હતી. સમગ્ર મામલે કોલેજિયન દીકરીએ બતાવેલી બહાદુરીની નોંધ સમગ્ર પંથકમાં લેવાઈ હતી. આ મામલે રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન તેમજ સુરત જિલ્લા એસ.પી. ઉષા રાડા દેસાઈએ કડોદરા પોલીસની ટિમ સાથે શુક્રવારે મોડી સાંજે ચલથાણ રામકબીર સોસાયટીમાં યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી. જેમાં યુવતીએ ઘટનાના રાતની સમગ્ર હકીકત બંને ઉચ્ચ અધિકારીઓને કહી દર્શાવી હતી. જે બાદ રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન અને એસ.પી. ઉષા રાડાએ બહાદુર યુવતી રિયા સ્વાઇનને સન્માન પત્ર અને પુરસ્કાર ઉપે 10 હજારની રોકડ રકમ આપી હતી અને સન્માનિત કરી હતી. આ પ્રસંગે સોસાયટીના અગ્રણીઓ તેમજ ગામના સરપંચ હાજર રહ્યા હતા રેન્જ આઈ.જી. પાંડિયન નાઓએ દીકરીના હિંમતને વખાણતાં જણાવ્યું હતું કે આવા ગંભીર બનાવમાં દીકરીએ ખરેખર હિંમત બતાવી છે જે પ્રેરણા દાયક છે.

તેમજ વધુમાં જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ પોલીસે નોંધ લીધી છે. ઘરના પાછળના દરવાજા મજબૂત બનાવેલા હોય છે પરંતુ દરવાજાનું તાળું તેમજ અડાગરા હલકી કક્ષાના હોઈ છે. જે ચોર સરળતાથી તોડી શકે છે જેથી દરેક નાગરિકે ઘરના પાછળના બારણાના અડાગરા તેમજ રાત્રીએ લગાવાતા તાળા મજબૂત રાખે તેમજ સોસાયટીમાં મુખ્ય જગ્યાએ CCTV કેમરાઓ લગાવે તેમજ દરેક સોસાયટીમાં મજબૂત માણસોની એક ટિમ બનાવે જે આવા મુશ્કેલીના સમયના પોલીસ આવે ત્યાં સુધી લડત આપી શકે હાલમાં જ રેન્જ આઈ.જી સાહેબ દ્વારા પ્રેરિત ગામદૂત યોજના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રજા અને પોલીસની નિકટતા વધારવા તેમજ ગુન્હાખોરીને ડામવાના હેતુથી દરેક ગામમાં એક ગામદૂત તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે જે ઘરે ઘરે ગઈ ગુન્હાને અટકાવવા તમેજ સંકટ સમયે સાવચેત અંગેની માહિતી પૂરી પાડશે વધુમાં જણાવ્યું હતું કે હાલ વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પોલીસ એન.જી.ઓ.તેમજ અન્ય સહકાર રીતે વિદ્યાર્થીઓ મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પ યોજવાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તેમજ દરેક બાળકોની યુવા અવસ્થા વખતે માતાપિતાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી હતી.

ખાસ કરીને બાળકો જ્યારે યુવા અવસ્થામાં હોઈ છે ત્યારે જ પ્રેમપ્રકરણ તેમજ નશાના રવાડે ચઢે છે. અભ્યાસથી ભટકે છે અને આ બને બનાવોમાં ખાસ કરી બાળકોના વર્તનમાં બદલાવ આવે છે જેની નોંધ દરેક માતાપિતાએ લેવી જોઈએ ગુન્હા વખતે પ્રજાને બીક છોડી પોલીસની સામે આવી ગુન્હેગાર સંબંધિત માહિતી પૂરી પાડવી જોઈએ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમજ ગુન્હા સંબધી રજુઆત માટે જરૂર પડ્યે તો એસ.પી.ને રજુઆત કરતા નહીં ખચકાવવાનું જણાવ્યું હતુ. સન્માન પ્રસંગે સુરત જિલ્લા એસ.પી.એ યુવતી રિયા સ્વાઇનની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે આટલી નાની ઉંમરે દીકરીએ જે બહાદુરી બતાવી છે જે પ્રેરણા દાયક છે દીકરીએ સાબિત કરી દીધું કે હિંમતથી જો દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં આવે તો દરેક વિપરીત પરિસ્થિતિથી બચી પણ શકાય છે અને બચાવી પણ શકાય છે.
![]() |
![]() |
![]() |











