Friday, February 7, 2025
HomeGujaratઅર્થપૂર્ણ સિનેમાની અવિરત ખોજ કરનારા શ્યામ બેનેગલ

અર્થપૂર્ણ સિનેમાની અવિરત ખોજ કરનારા શ્યામ બેનેગલ

- Advertisement -

 

હિન્દી સિનેમામાં લાંબા સમય સુધી અલ્ટરનેટીવ સિનેમાની ધારાને જીવંત રાખનાર તરીકે કોઈ એક નિર્દેશકનું નામ દેવું હોય તો તે શ્યામ બેનેગલ છે. 74થી હિન્દી સિનેમામાં શરૂ થયેલી તેમની સફરને ચાર દાયકા ઉપરનો સમય વીતી ચૂક્યો છે, અને આ ગાળામાં તેમણે હિન્દી સિનેમા જગતને નવી ઓળખ બક્ષી શકાય તેવી ફિલ્મો આપી. અંકુરથી માંડિને વેલ ડન અબ્બા સુધીની તેમની આ સર્જનયાત્રામાં તેઓએ ભારતના સામાજિક-સાંસ્કૃતિક-રાજકીય મુદ્દાઓને અલગ દૃષ્ટિકોણથી દર્શાવ્યા છે. બેનેગલ ફિલ્મોમાં સામાજિક નિસબતને સતત સ્થાન આપતાં આવ્યા છે; અને તેમ છતાં તેનું મનોરંજન પાસું તેઓ જાળવી શક્યા છે. તેમની ઘણી ફિલ્મોમાં સામંતશાહી-શોષણની કહાની જોવા મળે છે. આ ઉપરાંત જે આધુનિક માનવસમાજને આપણે જોઈએ છીએ, હિન્દુસ્તાનના પરિપ્રેક્ષ્યમાં તે સફર ક્યાંથી શરૂ થઈ, તેનું ફિલ્મી દસ્તાવેજ જોવું હોય તો તેની ઝલક પણ બેનેગલની ફિલ્મો દર્શાવે છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પેરેલેલ સિનેમાની મજબૂત દેન આપનાર શ્યામ બેનેગલને હાલમાં જ વી. શાંતારામ લાઈફટાઈમ એવોર્ડથી સન્માનવામાં આવ્યા. શ્યામ બેનેગલ તેમની નવી તરેહની સિનેમા કૃતિઓ માટે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે કારકિર્દીની શરૂઆતથી જ સન્માનિત થતા આવ્યા છે! પણ જીવનના આઠ દાયકા પાર કરી ચૂકનારાં બેનેગલસાહેબ હજુ પણ સિનેમામાં યોગદાન આપવાનો જઝ્બો ધરાવે છે. વી. શાંતારામ સન્માન મેળવવાની સાથે ભારતીય ટેલિવિઝન જગતના તેમના અદ્વિતિય સર્જન ભારત એક ખોજને બે દાયકા પૂરા થવા જઈ રહ્યાં છે, તો આ પ્રસંગે બેનેગલની લાંબી ફિલ્મી કારકિર્દીની થોડી ઝલક મેળવીએ.

- Advertisement -

 

કળાના ક્ષેત્રમાં અવ્વલ દરજ્જાનું કામ કરવું, નવી ધારા રચવી, આસપાસની સામાજિક સ્થિતિને તેમાં ઝીલવી અને તેમ છતાં તે કળાનો મૂળ રસ જાળવવો – એક સાથે આ બધું જ જવલ્લે જ કોઈ સર્જક કરી શકે છે. જોકે બેનેગલ મોટા ભાગની તેમની ફિલ્મોમાં આ તમામ બિંદુઓને સ્પર્શી શક્યા છે, સાથે સાથે સાનંદાશ્ચર્ય એ વાતનું છે કે ફિલ્મ જેવાં મોંઘા માધ્યમમાં તેમણે આ બધું જ જાળવીને સંખ્યામાં પણ સારી એવી કહી શકાય એટલી ફિલ્મો આપી છે. આ સિવાય તેમના ફિલ્મોની મહત્ત્વની દેન અચ્છા અદાકારો છે, જેમાં શબાના આઝમી, અનંત નાગ, નસરુદ્દીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટીલ, ખુલબુશણ ખરબંદા અને અમરીશ પુરીના નામ આપી શકાય. આ તો ચુનંદા જ નામો છે, બાકી બેનેગલસાહબે અગણિત કલાકારોની ભેટ સિનેમાને આપી છે. 

 

- Advertisement -

હિન્દી સિનેમામાં અકલ્પનીય યોગદાન આપનાર શ્યામ બેનેગલના જીવનના શરૂઆતના પાનાં તપાસીએ તો તેઓ હૈદરાબાદની ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. થયા છે. નવાઈની વાત તો એ છે કે તેમણે ફિલ્મ મેકિંગનો કોઈ વિશેષ અભ્યાસ કર્યો નથી! જોકે સિનેમામાં આપેલાં યોગદાનથી જ તેઓએ ‘ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી-ઇન્ડિયા’, ‘નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન’, ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા’ અને ‘ફેડરેશન ઓફ ફિલ્મ સોસાયટીઝ ઓફ ઇન્ડિયા’ જેવી સંસ્થાઓમાં મુખ્ય સ્થાન શોભાવ્યું છે. શોભાવ્યું છે એ અર્થમાં કે જ્યારે પણ ફિલ્મના હિત અંગે વાત આવી છે, ત્યારે તેઓ બેબાકપણે બોલ્યા છે. કલાના ક્ષેત્રમાં સરકારની દખલઅંદાજીનો પણ સ્પષ્ટ ઇન્કાર પણ તેઓ કરતા રહ્યા છે. આજે જ્યારે કલાક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકોની સત્તા પક્ષના ખોળે બેસવાની પ્રવૃત્તિ વધી પડી છે, ત્યારે પણ બેનેગલ હંમેશા લિબરલ સિનેમાના હિમાયતી રહ્યા છે. તાજેતરમાં પદ્માવતના વિવાદ અંગે પણ તેઓએ ખુલીને ભણસાલીની તરફદારી કરી છે અને ફિલ્મના વિવાદને રાજકીય પ્રેરીત બતાવી છે.

 

શ્યામ બેનેગલની આ સિનેમાયાત્રાનો આરંભ બાળપણથી જ થઈ ચૂક્યો હતો. પિતા ફોટોગ્રાફર હોવાથી બેનેગલના હાથમાં એક મૂવી કેમેરા આવ્યો અને બસ પછી તો આસપાસનું જે કંઈ સારું મળ્યું તે શૂટ કરવા માંડ્યુ. માત્ર બાર-તેર વર્ષની ઉંમરથી જ તેમને ફિલ્મ નિર્માણની લગની લાગી હતી, અને એ કાળે જ તેમણે નક્કી પણ કરી નાંખ્યું કે હું ફિલ્મ નિર્માણમાં જ કારકિર્દી ઘડીશ! આ રીતે ફિલ્મ નિર્માણમાં જવાનું નક્કી કરવાનું એક કારણ તેમના જ પરિવારમાંથી નીકળનારાં જગવિખ્યાત ફિલ્મ મેકર ગુરુ દત્ત પણ હતા(ગુરુ દત્તના નાની અને બેનેગલના દાદી બહેનો હતાં). જેમ ફિલ્મ મેકિંગનું જૂનુન સવાર થયું, તેમ તે માર્ગે જવા માટે તાલાવેલી પણ શરૂ થઈ. હૈદરાબાદમાં ફિલ્મને લઈને આગળ વધાય હતું નહીં, એટલે બેનેગલ મુંબઈ આવ્યા. મુંબઈ આવ્યા બાદ તુરંત તો કોઈ ફિલ્મનિર્માણનું કામ સોંપે નહીં એટલે તેમણે એડ એજન્સીમાં કામ કરવાનું ઠરાવ્યું. યુવાન બેનેગલે એડ એજન્સીમાં કોપીરાઈટર તરીકે કામ સ્વીકાર્યું અને જે એડ એજન્સી – લિન્ટાસ એડવર્ટાઈઝિંગ-માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યાં જ તેઓ સમય જતા ક્રિએટીવ હેડ બન્યા. આ દરમિયાન તેમણે તેમની પ્રથમ ડોક્યુમેન્ટરી ફિલ્મ ગુજરાતી ભાષામાં- ‘ઘેર બેઠાં ગંગા’(1962) બનાવી. 1963થી તેઓ ‘એએસપી’- એડવટાઇઝીંગ, સેલ્સ એન્ડ પ્રમોશન – નામની એડ એજન્સીમાં જોડાયા. અને આ એજન્સીમાં તેમણે ડોક્યુમેન્ટરીઝ અને એડ ફિલ્મોમાં અધધ કહી શકાય તેટલું કામ કર્યું. અહીં તેમણે આ પ્રકારની નવસો ફિલ્મો બનાવી!

- Advertisement -

 

ફિલ્મ મેકિંગના પેશનના કારણે ફિલ્મનિર્માણના બહોળા પ્લેટફોર્મ પર જવાની ખ્વાહિશ તો તેમને સતત રહેતી, પરંતુ સાથોસાથ ત્યાં પહોંચવા માટે એક મજલ પણ કાપવાની હતી. બેનેગલનો આ માર્ગ એડ એજન્સી બની અને એટલે જ અહીં ટકીને તેમણે દસ વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ટિસ્ટુટ ઓફ ઇન્ડિયા’માં ભણાવી શકે તેટલી સિદ્ધી હાંસલ કરી ચૂક્યા હતા. હવે એડ એજન્સી સાથે સાથે ડોક્યુમેન્ટરીનું કામ જોરશોરમાં ચાલી રહ્યું હતું, જેમાં તેમણે અ ચાઈલ્ડ ઓફ ધ સ્ટ્રીટ નામની ડોક્યુમેન્ટરી બનાવી, જેના દ્વારા તેમને ખાસ્સી પ્રસિદ્ધી મળી, અને તેના જ પરિણામે હોમી ભાભા ફેલોશિપ હેઠળ ન્યૂયોર્કમાં થયેલાં ચિલ્ડ્ર્ન ટેલિવિઝન વર્કશોપમાં કામ કરવાની તક પણ મળી. 

 

જોકે આ બધું કર્યા છતાં હજુ સુધી બેનેગલે કોઈ જ સાચા અર્થમાં સિનેમાં કહેવાય તેવી ફિલ્મ બનવી નહોતી. આ તક તેમને તેઓ જીવનના ચાળીસમાં પ્રવેશવા આવ્યા ત્યારે મળી અને તેમણે પ્રથમ ફિલ્મ અંકુર(1973) બનાવી.  આ ફિલ્મ ભારતીય સમાજની સામંતશાહીને ઉજાગર કરે છે. બેનેગલસાહેબની આ પ્રથમ ફિલ્મે તેમને પ્રસિદ્ધી અપાવી અને સાથે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ પણ અપાવ્યા. પછી તો એક પછી એક તેમની ‘નિશાંત’(1975), ‘મંથન’(1976), ‘ભુમિકા’(1977) અને ‘ચરનદાસ ચોર’ ફિલ્મ આવી. આ તમામ ફિલ્મો રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે એવોર્ડ મેળવતી રહી. બેનેગલે આ રીતે 2010 સુધી અનેક શ્રેષ્ઠ ફિલ્મો આપી. તેમની ફિલ્મોગ્રાફી તો લાંબી છે, તેની અહીં ચર્ચા અપ્રસ્તુત છે. તે વિશે વાત ફરી ક્યારેક કરીશું.

 

ફિલ્મો સાથે તેમણે શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરીઝ અને ધારાવાહિક પણ બનાવી. આ સર્જનમાં નેવુંના દાયકામાં દૂરદર્શન માટે ‘ભારત એક ખોજ’ બનાવી. કલ્ટ કહેવાય તેવું આ કામ જવાહરલાલ નેહરુ લિખિત પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’થી પ્રેરીત છે, જેમાં ભારતના ઇતિહાસનું તબક્કાવાર દર્શન નેહરુએ કરાવ્યું છે અને તે જ લખાણને બેનેગલ સુંદર રીતે પડદા પર લાવી શક્યા છે. પુસ્તકને પડદા પર લાવવાનું કામ આમેય કપરું હોય છે અને જ્યારે તેમાં ભારત જેવાં દિર્ઘ ઇતિહાસ ધરાવનારા દેશની કહાની ભળે ત્યારે તો તે ઓર મુશ્કેલ બને છે. નેહરુએ આ પુસ્તકના ઉપસંહારમાં જે લખ્યું છે, તેનો કેટલોક હિસ્સો વાંચવાથી જ તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. નેહરુ લખે છે કે : “હિંદનું દર્શન એ દર્શન કરીને મેં શું શોધી કાઢ્યું? એનો બુરખો હું ખુલ્લો કરી શક્યો અને આજે તેનું સ્વરૂપ કેવું છે અને તેના લાંબા ભૂતકાળ દરમિયાન તેનું સ્વરૂપ કેવું હતું એ જાણી શક્યો એમ ધારવું મારા માટે નાને મોંએ મોટી વાત કરવા જેવું છે. આજે તેનો પરિવાર ચાળીસ કરોડ સ્ત્રીપુરુષોનો બનેલો છે. એ દરેક એકબીજાથી ભિન્ન છે અને દરેક પોતપોતાની વિચાર અને ભાવનાની નિરાળી સૃષ્ટિમાં જીવે છે. આજે આવી સ્થિતિ છે તો પછી માનવીઓના અગણિત પેઢીઓના ભૂતકાળને સમજવાનું કેટલું બધું મુશ્કેલ છે?” નેહરુએ જોયેલાં-અનુભવેલાં-લખેલાં ભારતને કેમેરા પર લાવીને બેનેગલે એક અવર્ણનીય ખોજ કરી છે. આ ખોજના બે દાયકા બાદ આજે પણ ફિલ્મી સફરમાં તેમની પોતાની ખોજ અવિરત ચાલુ છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular