ભારત અને જાપાન આમ તો કોઈ પણ મુદ્દે સરખામણી ન થઈ શકે. વિસ્તારની રીતે જોઈએ તો જાપાન અવિભાજીત ઉત્તર પ્રદેશ જેટલું ક્ષેત્ર ધરાવે છે! અને વસતીની સરખામણી કરીએ તો ભારત મુકાબલે દસમાં ભાગની જ વસતી જાપાનની છે. આમ વિસ્તાર ને વસતીની રીતે ક્યારેય સરખામણી ન થઈ શકે, પણ જો સરખામણી કરીએ તો જાપાનનું કદ ભારત સામે ઘણું નાનું લાગી શકે. પણ આ નાનકડાં દેશે આધુનિક જગતમાં વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રે જે ક્રાંતિ કરી છે, તે અદ્વિતિય છે. અને જ્યારે વિજ્ઞાન, સંશોધન અને અન્ય બાબતો સાથે જાપાનની સાથે સરખામણી કરીએ ત્યારે ભારતનું કદ વામણું લાગી શકે. વિશેષ કરીને ત્યારે જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં પૂરું જાપાન પડી ભાંગ્યું હતું. ગત્ અડધી સદીમાં જાપાનને જે તરક્કી કરી છે, તે કોઈ ચમત્કારથી કમ નથી, અને આ ચમત્કાર શિક્ષણને આભારી છે. જ્યાં સરેરાશ રીતે સૌથી વધારે લોકો હાયર એજ્યુકેશન ધરાવે છે! ‘હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ’માં પણ જાપાનનો ક્રમ હંમેશા અવ્વલ દરજ્જાનો રહ્યો છે. સૌથી વધુ લાઈફ એક્સ્પેન્ટસી જાપાનમાં છે. વિજ્ઞાન, કળા અને માળખાગત સુવિધામાં જાપાને જે ટૂંકા ગાળામાં હાંસલ કર્યું છે, તેવું ઉદાહરણ ઇતિહાસમાં શોધ્યે જડ્યું તેમ નથી. જાપાનની સફળતાની કહાની હજુ પણ અવિરત રીતે આગળ વધી રહી છે.
વર્તમાનમાં જાપાન જે સિદ્ધીઓના ફળ ચાખી રહ્યું છે, તેમાં સૌથી અગત્યનું પાસું શિક્ષણ છે. આજના દિવસે જ્યારે આપણે ‘શિક્ષક દિન’ ઊજવી રહ્યાં છે, ત્યારે જાપાનની એ શિક્ષણગાથાની વાત કરીએ જેની નોંધ પૂરી દુનિયામાં લેવાઈ હતી. આ ગાથાનું નામ છે : ‘તોત્તો ચાન – ધ લિટલ ગર્લ એટ ધ વિન્ડો’ તેત્સુકો કુરોયાનાગી નામની એક જાપાનીઝ વિદ્યાર્થીનીએ પોતાનાં બાળપણના સંસ્મરણોનું આલેખન આ પુસ્તકમાં કર્યું છે. જાપાનના પૂરા શિક્ષણ ક્ષેત્રની કહાની આમાં નથી, પરંતુ જે કાળે જાપાનનું શિક્ષણ એક પ્રકારના માળખામાં બંધાઈ ગયું હતું, ત્યારે ટોક્યો શહેરમાં એક શાળામાં થયેલાં અનોખા પ્રયોગ થયા હતા, તે શાળાની વિસ્તારથી વાત ‘તોત્તો-ચાન’માં કરવામાં આવી છે. આ શાળામાં કેવી રીતે શિક્ષણ થતું? ત્યાંના હેડમાસ્ટરજી કોબાયાશી કેવી રીતે બાળકોનું ઘડતર કરતાં? કોબાયાશીના શાળામાં ભણનારાં બાળકો કેવી રીતે અનોખું શિક્ષણ મેળવ્યું? તેની બધી જ કહાની એક સમયની કોબાયાશીની વિદ્યાર્થીની તેત્સુકો કુરોયાનાગીએ ‘તોત્તો-ચાન’માં રસપ્રદ રીતે આલેખી છે. તો આજે શિક્ષકના દિનના અવસરે અનોખા શિક્ષક કોબાયાશીની અને તેમના પ્રયોગની વાતો….
આપણા દેશમાં પણ કોબાયાશી કર્યાં હતાં તેવાં અનોખા પ્રયોગ થાય જ છે. હાલના સમયની જ વાત કરીએ તો તુરંત જ સ્મૃતિમાં ઝબકે એવું નામ બિહારના ‘સુપર30’ ગ્રૂપના સ્થાપક આનંદ કુમારનું છે. એ ઉપરાંત બિહારમાં જ ‘રહેમાની30’ ગ્રૂપનું સંચલાન કરનારાં હઝરત મૌલાના વાલી રહેમાન પણ છે અને એજ્યુકેશન રિફોર્મિસ્ટ તરીકે જેઓની ખ્યાતિ ખૂબ પ્રસરી છે તે લદાખના સોનમ વાંકચુક પણ છે. આ સિવાય પણ ભારતના અનેક એવાં શિક્ષકોના નામ લઈ શકાય જેઓ શિક્ષણના માળખાથી ‘હટકે’ શિક્ષણ આપી રહ્યાં છે અને વિદ્યાર્થીઓને એ રીતે તૈયાર કરે છે કે તે અભ્યાસ ઉપરાંત જીવનના સારી રીતે પાઠ ભણી શકે. આ બધા જ પ્રયોગોની વાત આજે કોઈને કોઈ સ્વરૂપે મીડિયામાં આવી રહી છે. આનંદ કુમાર અને સોનમ વાંકચુક પ્રેરીત તો ફિલ્મો પણ નિર્માણ પામી રહી છે. જેમ આ અનોખા શિક્ષકોની સ્ટોરી ન્યૂઝ દ્વારા આપણા સુધી પહોંચી, તેવી જ રીતે 1980માં શિક્ષક કોબાયાશીની અનોખી શાળાની વાત જાપાનના એક સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જ્યારે પુસ્તકની લેખિકા તેત્સુકો કુરોયાનાગીએ આ અનુભવ લખવાની શરૂઆત કરી ત્યારે તેમને લખવાનો કોઈ મહાવરો નહોતો. પણ તેમણે લખ્યું અને તે સામયિકમાં પ્રગટ થતું ગયું. પછી તેને પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ પુસ્તકનું કેન્દ્રબિન્દુ છે તોમોએ શાળા અને તેના હેડમાસ્ટરજી સોસાકુ કોબાયાશી.
જાપાનના ટોકિયાની દક્ષિણ-પશ્ચિમે જિયુગાઓકા રેલવે સ્ટેશનથી ત્રણેક મિનિટના અંતરે તોમોએ ગોકુએન નામની જગ્યા આવેલી છે, ત્યાં આ શાળા સ્થપાઈ હતી. આ શાળાના વર્ગો રેલવેના જૂના ડબ્બાઓમાં ચાલતા હતા. આંતરિક પ્રેરણા અને દૃષ્ટિપૂર્વક દાખલારૂપ શાળા સ્થાપનાર કોબાયાશી એમ જ આવી અદભુત શાળા શરૂ કરવામાં કામિયાબ રહ્યા નહોતા. તેની પૃષ્ઠભૂમિકામાં તેમનું બાળપણ, ઉછેર અને શિક્ષણ પ્રત્યેનો જે રસ કેળવાયો હતો, તે ફેક્ટર હતું. તેત્સુકો કુરોયાનાગી પ્રસ્તાવનામાં જેમ કોશાયાશી વિશે લખે છે કે, “નાનપણથી જ એમને પ્રકૃતિનું ને સંગીતનું ઘેલું હતું – ઘરની સામે થોડે દૂર હારુના પર્વતના શિખરો હતાં ને ઘરની નજીકમાં નદી વહેતાં પાણી જાણે કે કોઈ વાદ્યવૃંદ છે, ને એ પોતે એનું સંગીત-નિર્દેશન કરે છે!”
આવા કુદરતી માહોલમાં કોબાયાશીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને તુરંત જ શિક્ષકની નોકરી મેળવી. બાળકોને તેમણે ભણાવવાની સાથે સંગીતનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. અને પછી તેઓ જાપાનની શ્રેષ્ઠ સંગીત શાળા ‘ટોકિયો યુનિવર્સિટી ઓફ ફાઈન આર્ટ્સ એન્ડ મ્યુઝિક’માં પ્રવેશ મેળવ્યો. અહીંયા તેઓ સંગીત વિશારદ થયા અને પછીથી તેઓની સંગીત-શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ થઈ. અહીંયાથી જ તેઓ પોતાના દૃષ્ટિ મુજબનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવા લાગ્યા અને તે માટે તેમણે પોતાની શાળાના વર્ગો ઓછા રાખતા અને મુક્ત અભ્યાસક્રમને પ્રોત્સાહન આપતા, જેથી બાળકનું આગવું વ્યક્તિત્વ વિકસી શકે અને એનો આત્મવિશ્વાસ દૃઢ થાય. ભણવાનું કાર્ય મહદંશે સવારે ચાલતું – બપોરના સમયે ફરવા જવું, ફૂલછોડ ભેગા કરવા, ચિત્રો દોરવાં, ગીતો ગાવાં અને ચર્ચાઓમાં ભાગ લેવાના કાર્યક્રમ થતા. કોબાયાશીની આ મહેનત ત્યારે ફળી જ્યારે તેમના પ્રયોગોરૂપે થયેલાં સંગીત-નાટિકા પર એક ઉદ્યોગપતિની નજર પડી. આ ઉદ્યોગપતિ કળાના સંવર્ઘન માટે જાણીતા હતા, તેમણે કોબાયાશીને શિક્ષણ-પદ્ધતિના અભ્યાસ અર્થે યુરોપ મોકલ્યા. કોબાયાશી ત્રણ વર્ષ સુધી યુરોપ રહ્યા અને 1924માં જાપાનમાં પાછા ફર્યા. અહીંયા આવીને તેમણે મિત્ર સાથે સેઈજો કિંડરગાર્ડનની સ્થાપના કરી. તેઓ કિંડરગાર્ડનના શિક્ષકોને કહેતા કે – “બાળકોને કોઈ તૈયાર ચોકઠામાં ન નાખો – એમને નિર્બંધ પ્રકૃતિમાં રહેવા દો ને એમની પ્રફુલ્લ ઇચ્છાઓને રુંધો નહીં.” જાપાનમાં આ અગાઉ આવું કિંડરગાર્ડન ક્યાંય નહોતું.
કોબાયાશી વિશેની બધી જ વાત અહીં ટૂંકાણમાં લખી છે, પુસ્તકમાં તેનું વિસ્તૃત વર્ણન લેખિકા તેત્સુકોએ કર્યું છે, જેનો ગુજરાતી અનુવાદ રમણ સોનીએ અદભુત રીતે કર્યો છે. આગળ તેત્સુકા લખે છે, તેમ હજુ સુધી તેણે જે શાળામાં અભ્યાસ કર્યો હતો, તેની સ્થાપના થઈ નહોતી. તે પહેલાં ફરી એક વાર શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવા 1930માં કોબાયાશી યુરોપના પ્રવાસે જાય છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો અને તેનું નિરીક્ષણ કર્યું. યુરોપમાં જ તેમણે મનમાં ગાંઠ વાળી કે જાપાનમાં પોતાની એક શાળા શરૂ કરવી છે, અને તે શાળા તેમણે 1937માં શરૂ કરી. આ શરૂ કરવા પાછળ કોબાયાશીનું પોતાના જીવનનું અઢી દાયકાનું અધ્યયન-મનન રહેલું હતું. પરંતુ જ્યારે આ અપ્રણાલિગત પદ્ધતિની શાળા શરૂ થઈ ત્યારે તેમાં પચાસથીયે ઓછા બાળકો ભણતાં હતાં, અને કોબાયાશીને પ્રચાર-પ્રસારથી અણગમો હોવાના કારણે ક્યારેય તેનો પ્રચાર ન કર્યો. આ શાળા સુંદર રીતે ચાલી અને તેમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ બહાર પડ્યા, પણ આ બધું જ જાહેર થયું જ્યારે તેત્સુકોએ તેના વિશે લખ્યું ત્યારે. તેમની તામો શાળાનો લાભ તો જૂજ જ વિદ્યાર્થીઓને મળ્યો અને જ્યારે તે શાળાનું પરિણામ દેખાવા લાગવાનું હતું ત્યારે જ 1945માં યુદ્ધના બોમ્બમારામાં તે શાળા ભસ્મીભૂત થઈ ગઈ! તેમણે ફરી તેવી જ શાળા ઊભી કરવામાં અથાગ પ્રયાસ કર્યા, પરંતુ તેમના આદર્શ મુજબની શાળા તેઓ સ્થાપી શકે તે પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું.
તેત્સુકો લખે છે તેમ, કોબાયાશી માટે સ્વાભાવિકતાનું મૂલ્ય મોટું હતું એટલે એ ઇચ્છતા કે બાળકનું વ્યક્તિત્વ બને એટલી સહજતાથી વિકાસ પામે. તેમનું માનવું હતું કે બધાં જ બાળકો મૂળે તો સારા સ્વભાવનાં હોય છે પણ પછી બહારનું વાતાવરણ અને મોટેરાંની અસરો ખરાબ હોય તો એ સારાપણાને નુકસાન થઈ શકે છે. એટલે એમનું ધ્યેય હતું કે આ સારા સ્વભાવને કાળજીથી ખીલવવો જેથી બાળક બધાંની વચ્ચે પોતાના આગવા વ્યક્તિત્વ સાથે વિકસતું રહે.
તેત્સુકોએ પૂરાં પુસ્તકમાં આમ પાને પાને કોબાયાશીના શિક્ષણ પ્રયોગ અને સાથે સાથે તે પ્રયોગ સાથે પોતાની મળેલી મજાની કહાની ટાંકી છે. અહીં તો તેનો ટૂંકો પરિચય જ કરાવી શક્યાં છે, પણ આજના દિવસે આ પુસ્તકને વાંચીને શિક્ષક દિન વધુ સારી રીતે ઊજવી શકાય.








