નવજીવન ન્યૂઝ.ભોપાલઃ મધ્યપ્રદેશના ઈટારસીમાં કરણી સેના નગર સચિવ 28 વર્ષિય રોહિત સિંહ રાજપૂતની શુક્રવારે રાત્રે જાહેરમાં હુમલો કરીને હત્યા કરી દેવાઈ હતી. નગરપાલિકા કાર્યાલયની સામે થયેલી આ ઘટના દરમિયાન તેમના મિત્ર સચિન પટેલે જ્યારે તેમને બચાવવાના પ્રયત્નો કર્યા તો તેમને પણ ચાકુ મારી દેવાયું હતું. બંનેને એક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં રોહિત સિંહ રાજપૂતને મૃત જાહેર કરી દેવાયા છે. સચિનની હાલત હજુ પણ ગંભીર બતાવાઈ રહી છે.
ઈટારસી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આરએસ ચૌહાણે જણાવ્યું કે, રોહિત સિંહ રાજપૂતની જૂના વિવાદને લઈને હત્યા કરવામાં આવી છે. આ હત્યા કેસનો મુખ્ય આરોપી 27 વર્ષીય રાનુ ઉર્ફે રાહુલ છે. પીડિતા અને તેનો મિત્ર મુખ્ય બજાર વિસ્તારમાં ચાની દુકાન પાસે ઉભા હતા ત્યારે ત્રણ લોકો બાઇક પર આવ્યા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી તેમાંથી એકે અચાનક છરી કાઢીને રોહિત સિંહ રાજપૂત પર હુમલો કર્યો હતો. જેના કારણે રોહિતનું મોત થયું હતું. ત્રણેય આરોપીઓ રાહુલ રાજપૂત, અંકિત ભટ અને ઈશુ માલવિયાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ એસડીએમ મદન રઘુવંશી, એસડીઓપી મહેન્દ્ર ચૌહાણ અને અન્ય અધિકારીઓની હાજરીમાં એક આરોપી અંકિત ભટનું ઘર અતિક્રમણને ટાંકીને તોડી પાડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય બે આરોપીઓના ઘરો પણ તોડી પાડવામાં આવશે.
પાંચ દિવસ પહેલા આ જ વિસ્તારમાં બેંક કર્મચારી અભિષેક માલવિયાને પણ બદમાશોએ માર માર્યો હતો. પૂર્વ સ્પીકર અને સ્થાનિક બીજેપી ધારાસભ્ય ડૉ સીતાશરણ શર્મા એ જ રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને શહેરમાં વધી રહેલા ગુનાઓ પર નારાજગી વ્યક્ત કરી.
થોડા દિવસો પહેલા ભાજપના વરિષ્ઠ નેતા શર્માએ તેમના સમર્થકો સાથે ઇટારસીમાં વિજળી વિભાગના અધિકારીઓ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.








