કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મશીન આધારીત દુનિયા નિર્મિત કરવામાં હવે ‘ચેટ જીપીટી’[ચેટ જનરેટિવ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર] નામનું નવું એક પ્લેટફોર્મ આવ્યું છે. ખૂબ ટૂંકા ગાળામાં ‘ચેટ જીપીટી’ (ChatGPT) સાથે દસ લાખ જેટલાં યુઝર્સ જોડાઈ ચૂક્યા છે અને ટેક્નોલોજીના દુનિયાના માંધાતા કહેવાતા પણ એવું સ્વીકારી રહ્યાં છે કે ‘ચેટ જીપીટી’ના કારણે દુનિયા નેક્સ્ટ લેવલ પર પહોંચશે. બિલ ગેટ્સે(Bill Gates) સુધ્ધા આ આગાહી કરી છે. સૌપ્રથમ એ સમજી લઈએ કે ‘ચેટ જીપીટી’ છે શું? આ નવી સિસ્ટમ એવું કન્ટેન્ટ લખી શકે છે ખૂબ સટીક હોય અને તે કોઈ મશીને લખ્યું છે તેવું જરાય પ્રતિત સુધ્ધા ન થાય. એવું કહેવાય છે કે ‘ચેટ જીપીટી’ દ્વારા કન્ટેન્ટ લખવાની સંભાવના અપાર છે. દાખલા તરીકે જો તમે ‘ચેટ જીપીટી’ને તમારા શહેર અમદાવાદ વિશે કવિતા લખવાનું કહી શકો, તો તે થોડી જ ક્ષણોમાં લખી આપશે! એ રીતે બાળકોનું હોમવર્ક કરવામાં કે પત્ર લખવામાં પણ ‘ચેટ જીપીટી’ સટીક રીતે ઉપયોગી થઈ શકે છે. ટેક્નોલોજીની દુનિયામાં આ પ્લેટફોર્મને ક્રિએટ કરનાર સેમ ઓલ્ટમેન છે. ‘ચેટ જીપીટી’ સાથે અત્યારે તેને ક્રિએટ કરનારા સેમ ઓલ્ટમેનની (sam altman) પણ ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.

છેલ્લા એક દાયકામાં ટેક્નોલોજીથી આવેલાં પરિવર્તન આપણે જોયાં અને અનુભવ્યા સુધ્ધા. હવે જીવન ટેકનોલોજીના આધારીત થઈ ચૂક્યું છે; પણ ટેક્નોલોજીના નિષ્ણાતો હજુય તેમાં સંભાવના જુએ છે અને અવનવા પ્રયોગો કરે છે. આવાં પ્રયોગોમાં અત્યારે સૌથી વધુ ચર્ચા સેમ ઓલ્ટમેનની થઈ રહી છે. સેમ ઓલ્ટમેને 2015માં સૌપ્રથમ ‘ઓપનએઆઈ’ નામની કંપનીની સ્થાપના કરી હતી. તે વખતે તેની સાથે એલન મસ્ક પણ હતા. ‘ઓપનએઆઈ’ દ્વારા સેમ ઓલ્ટમેન અને એલન મસ્ક સહિત અન્ય સ્થાપકો દુનિયા બદલવા માટે એકઠા થયા હતા. આ અંતર્ગત તેમણે ‘ચેટ જીપીટી’ અને વર્ચ્યુઅલ રોબોટ વિશે આયોજન કર્યા. અત્યારે સેમ ઓલ્ટમેન માત્ર 37 વર્ષના છે અને તેમણે દુનિયા બદલવાના કોડિંગને જાણે ભેદી કાઢ્યો હોય તેમ તેઓ આગળ વધી રહ્યા છે.

તેઓ અત્યારે આવું વિચારી શકે છે તેનો જવાબ તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સના એક ઇન્ટરવ્યૂમાં આપ્યો છે. તેમાં સેમે જણાવ્યું હતું કે, “જ્યારે હું આઠ વર્ષનો હતો ત્યારે એપલના આરંભના એક કમ્પ્યૂટરને તેમણે પૂરી રીતે ખોલી નાંખ્યું હતું અને એ રીતે તેમણે પ્રોગ્રામિંગમાં રસ જાગવા માંડ્યો.” આ રીતે નાની વયે તેનો ટેક્નોલોજી સાથેનો લગાવ થઈ ચૂક્યો હતો. અને 2005માં માત્ર 19 વર્ષની વયે તો તેણે ‘લુપ્ટ’ નામની એક કંપની પણ સ્થાપી દીધી હતી. આ કંપનીમાં મોબાઈલ બેઝ્ડ એપ્લિકેશન સોશિયલ નેટવર્કિંગ પર કામ થયું. જેમ અત્યારે વોટ્સ એપ કામ આપે છે તે પ્રકારનું. પરંતુ તે વખતે સેમની આ મોબાઈલ એપ્લિકેશનનું કોઈ લેવાલ ન હતું. જોકે સેમ ઓલ્ટમેને તેના આ આઇડિયા દ્વારા માર્કેટમાંથી નાણાં ઊભા કર્યા અને તેના આધારે તેણે એક બીજી કંપની સ્થાપી. આ દોર પછી એવો ચાલ્યો કે 2015માં વિશ્વના જાણીતા મેગેઝિન ફોર્બ્સ દ્વારા સેમ ઓલ્ટમેનને ‘ટોપ 30 ઇન્વેસ્ટરો’માં સ્થાન આપવામાં આવ્યું. જોકે સેમ ઓલ્ટમેનનું 2020 સુધી કાર્ય અમેરિકા સુધી સિમિત રહ્યું, તેણે ટેક્નોલોજી દુનિયામાં ક્રાંતિ આણવાની શક્યતા દાખવી છતાં એવું કશુંય નહોતું થયું કે દુનિયાભરમાં તેના નામની ચર્ચા થાય.
સેમ ઓલ્ટમેનનું નામ ગાજ્યું, તેનું કારણ દુનિયામાં વર્ચસ્વ ભોગવી રહેલાં સર્ચ એન્જિન ગૂગલને પડકાર આપવો. ગૂગલ આપણા જીવનનું મહત્ત્વનું અંગ છે અને ગૂગલને માણસના જીવનમાંથી અત્યારે બેદખલ કરવું મુશ્કેલ છે. પરંતુ સેમ ઓલ્ટમેન ‘ચેટ જીપીટી’ દ્વારા ગૂગલને ટક્કર આપવા આવી ચૂક્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે ‘ચેટ જીપીટી’ના માધ્યમ દ્વારા ગૂગલનું એકહથ્થુ શાસન પૂર્ણ થશે અને આવું ખુદ ગૂગલ મેઇલના સ્થાપક પૉલ સુધ્ધાએ કહ્યું હતું. ‘ચેટ જીપીટી’ અત્યારે કાર્ય તો આપે છે, પણ હજુય તેની મર્યાદાઓ છે. અને તેથી તેને પહોંચી વળવા ગૂગલને પણ સમય મળ્યો છે. પરંતુ સમય સાથે ‘ચેટ જીપીટી’ સ્માર્ટ બનશે. જોકે ‘ચેટ જીપીટી’ને લઈને એક ડર સતત દર્શાવાઈ રહ્યો છે તે છે તેના કારણે સર્જનાત્મકતાને નુકસાન થનારું છે. સાહિત્યમાં તો સંભવત્ તે શક્ય નથી, પણ આજે જે રીતે ડિજિટલ જર્નાલિઝમ થઈ રહ્યું છે તેમાં ‘ચેટ જીપીટી’નો ઉપયોગ થવાની શક્યતા દર્શાવાઈ રહી છે. ડિજિટલ જર્નાલિઝમમાં ન્યૂઝનું ફોર્મેટ નિશ્ચિત છે અને કંઈક અંશે તે એક માળખામાં ઢળેલું છે. હવે જો કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય છે. તો તે એક્સિડન્ટના કેટલાંક શબ્દોને ‘ચેટ જીપીટી’માં નાંખવામાં આવે અને તેને ન્યૂઝ ફોર્મેટ મુજબ તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવે તો ‘ચેટ જીપીટી’ પ્લેટફોર્મ પર એવાં ન્યૂઝ તૈયાર થઈ જશે. આ રીતે જે પણ ક્ષેત્રમાં ભાષાનું કાર્ય કોઈ માળખા અંતર્ગત થતું હશે ત્યાં ‘ચેટ જીપીટી’ વિકલ્પ બનશે.
આ પૂરી કવાયતમાં જે સૌથી અગત્યની બાબત છે તે માણસની જેમ મશીનની વિચારવાની શક્તિ. મશીનમાં જ્યારે આ વિચારની શક્તિ નાંખી દેવામાં આવે ત્યારે તે ખૂબ ઝડપથી વિચારીને અમલ કરે છે. આનાં એક ઉદાહરણની વાત કરીએ જ્યારે 1997માં ડિપબ્લ્યુ નામના સુપર કમ્પ્યૂટરે તે વખતના વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને લાઈવ મેચમાં હરાવી દીધા હતા. ત્યારે સૌને એ ખ્યાલ આવ્યો કે માણસે જ એવો ઇન્ટેલિજન્સ મશીનમાં ક્રિએટ કર્યો છે કે જે માણસથી વધુ ઝડપથી વિચારી રહ્યો છે અને તુરંત પ્રતિક્રિયા આપે છે. તમે જ્યારે ચેસ રમો છો ત્યારે તમે એક સ્ટેપ રમો છો. સામેનો ખેલાડી પછી બીજો સ્ટેપ લેશે. અને તુરંત પ્રતિક્રિયામાં મશીન માણસ કરતા વધુ ઝડપી હોય છે. હવે સુપર કમ્પ્યૂટરમાં જ્યારે ડેટા નાંખવામાં આવ્યો તે ડેટા માણસ દ્વારા જ ફીડ કરવામાં આવ્યો. અને આ ડેટા કોઈ એક વ્યક્તિએ નહીં પણ અનેક વ્યક્તિઓ દ્વારા ફીડ કરવામાં આવ્યો હોય છે. હવે જ્યારે આવાં મશીનનો મુકાબલો કોઈ એક વ્યક્તિ સાથે થાય તો સંભવત્ તેમાં માણસની હારવાની શક્યતા વધુ હોય.
મશીનની આ અમર્યાદ તાકત પહેલાં સિમિત હતી. તે જૂજ લોકોના હસ્તક હતી, પણ હવે તેનો ઉપયોગ સમૂહમાં થવા જઈ રહ્યો છે, અને તેમાં એક ‘ચેટ જીપીટી’ પણ છે. જોકે હજુય તેનું કોમર્શિયલ વર્ઝન આવ્યું નથી. અત્યારે તેનું પ્રોટો-ટાઇપ વર્ઝન ચાલી રહ્યું છે, જેનાથી જાણી શકાય કે તેનામાં કોઈ મર્યાદા છે કે નહીં. તેને કેવી રીતે વધુ બહેતર કરી શકાય.
હજુ તો ‘ચેટ જીપીટી’ તેના પ્રાથમિક તબક્કામાં છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેના પ્રતિબંધ લાગવાનો શરૂ થઈ ચૂક્યો છે. ફ્રાન્સની યુનિવર્સિટીએ ‘ચેટ જીપીટી’ પર પ્રતિબંધ લગાવી દીધો છે, કારણ એટલું કે અહીંયા ઘણા વિદ્યાર્થીઓએ પોતાના હોમવર્ક માટે ‘ચેટ જીપીટી’નો ઉપયોગ કર્યો હતો. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાંથી પણ ‘ચેટ જીપીટી’ પર પ્રતિબંધના ન્યૂઝ આવી રહ્યા છે. હવે આ ભીતિ ભારતમાં પણ જોવાઈ રહી છે. જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ મજબૂત નથી ત્યાં આ ભીતિ વધુ છે, કારણ ત્યાં સરળતાથી વિદ્યાર્થીઓ આ તરફ વળી શકે છે. હવે માત્ર જોવાનું એ રહેશે કે જે રીતે ‘ચેટ જીપીટી’ને લઈને શક્યતા દર્શાવાઈ રહી છે તેવું થશે કે નહીં.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796