કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કુણાલ કામરા (Kunal Kamra) સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે જાણીતા છે, પણ હાલમાં તેઓ અભિવ્યક્તિ આઝાદીના પેહરેદાર બન્યા. જેમ સ્ટેન્ડ અપ કોમેડી કરતી વેળાએ તેમના નિશાના પર શાસનકર્તા હોય છે; તેવું આ કિસ્સામાં પણ બન્યું. વાત એમ હતી કે કેન્દ્ર સરકારે સરકારની સ્વાયત્ત સંસ્થા ‘પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો’ અંતર્ગત ‘ફેક્ટ ચેકિંગ યુનિટ’ (Fact Check Unit) સ્થાપવાની જાહેરાત કરી હતી. તેમાં ન્યૂઝથી માંડિને બધા કન્ટેન્ટ પર ફેક્ટ ચેકિંગ થવાનું હતું. પરંતુ કુણાલ કામરા સહિત ઘણી મીડિયા સંસ્થાનોને એમ લાગ્યું કે ‘ફેક્ટ ચેકિંગ યુનિટ’ના બહાને અભિવ્યક્તિની આઝાદી છીનવાશે. સરકારે આ યુનિટ સ્થાપવા માટે પૂરી પ્રક્રિયા કાયદા અંતર્ગત કરી એટલે કુણાલ કામરાએ પણ બોમ્બે હાઇકોર્ટમાં ‘ફેક્ટ ચેકિંગ યુનિટ’ને પડકારતી એક અરજી દાખલ કરી. કુણાલ કામરાની સાથે તે પછી ‘એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા’ ‘અસોશિએશન ઓફ ઇન્ડિયન મેગેઝિન એન્ડ ધ ન્યૂઝ બ્રોડકાસ્ટર’ પણ જોડાયાં. કુણાલ કામરાની સાથેના પક્ષકારોની દલીલ હતી કે ‘ફેક્ટ ચેક યુનિટ’થી બંધારણ દ્વારા મળેલા અભિવ્યક્તિના અધિકારનો ભંગ થાય છે. અને તદ્ઉપરાંત તેનાથી અમુક હદે સેન્શરશીપ પણ લદાય છે. આ સાથે એ પણ દલીલ કરવામાં આવી હતી કે ‘ફેક’[બનાવટી] અને ‘ફોલ્સ’[જૂઠ્ઠાણાંભર્યા] કન્ટેન્ટને પારખવા માટે કોઈ કાયદાકીય માર્ગદર્શિકા નથી, ન કોઈ સ્પષ્ટ ઉલ્લેખ છે. બીજી તરફ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસમાં એવી દલીલ કરી હતી કે, આજે જ્યારે અઠળક ખોટી માહિતી, ફેક ન્યૂઝ અને ગેરમાર્ગે દોરતા સમાચાર પ્રસારીત થતા હોય ત્યારે તો તેને છૂટથી પ્રસારીત થવા દેવાનો કોઈ બંધારણીય અધિકાર ન હોઈ શકે.
સરકાર તરફી અને કુણાલ કામરા સહિતના પક્ષકારોની દલીલ સૌ પહેલાં બોમ્બે હાઇકોર્ટમાં સાંભળવામાં આવી હતી. બે ન્યાયાધીશોની ખંડપીઠ ન્યાયાધીશ જી. એસ. પટેલ અને ન્યાયાધીશ નીલા ગોખલે આ કેસ સાંભળ્યો હતો. તેમણે બંને પક્ષોની દલીલ સાંભળીને ‘વિભાજિત ચૂકાદો’[Split Verdict] આપ્યો. ન્યાયાધીશ પટેલે ‘ફેક્ટ ચેક યુનિટ’ના નિયમોને ગેરબંધારણીય ગણાવ્યા હતા. તેમણે આગળ કહ્યું હતું કે, ‘વહિવટી વિભાગને પૂરતી તપાસ વિના આ રીતે સત્તા ન આપી શકાય. ઉપરાંત ‘બનાવટી’ કે ‘જૂઠ્ઠાણભર્યા’ શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી. સરકારી કામકાજમાં કોઈ પૂર્ણ સત્ય દેખાતું નથી અને આ યૂનિટ ખોટા સિદ્ધાંત પર આધારીત છે.’ બીજી તરફ ન્યાયાધીશ ગોખલેએ એવો મત વ્યક્ત કર્યો કે, ખોટી માહિતી અને સામે લડવા માટે સરકારી કાર્યવાહી આવશ્યક છે. તેનાથી જ વાસ્તવિક ચિત્ર રજૂ થઈ શકે. આ કેસમાં કોઈ ચૂકાદો ન આવતાં મુદ્દો ફરી બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ ચંદુરકરની સમક્ષ ચાલ્યો. તેમણે સરકારની ‘ફેક્ટ ચેકિંગ યુનિટ’ની વાત ફગાવી અને એમ પણ કહ્યું કે, તેનાથી આર્ટિકલ 14[સમાનતાનો અધિકાર] અને આર્ટિકલ 19[અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર]નો ભંગ થાય છે. આ રીતે બોમ્બે હાઇકોર્ટના ચૂકાદાથી સરકારની ડિજિટલ અંકુશની વાત અધ્ધરમાં ચાલી ગઈ.
‘ફેક્ટ ચેકિંગ યુનિટ’ની વાત વર્ષ 2019ના વર્ષમાં જ આવી ચૂકી હતી. આ વિભાગ ‘પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો’ અંતર્ગત સ્થપાઈ ચૂક્યો હતો. આ યુનિટ પોતાની રીતે કાર્યરત હતું અને તે ફેક્ટ ચેક કરીને વિગત પણ મૂકતું હતું. પરંતુ 2023માં આ એજન્સીને ડિજિટલ કન્ટેન્ટ પર નજર રાખવા માટે અબાધિત અધિકાર આપવામાં આવ્યા. અને તે કારણે તેની સામે હાઇકોર્ટમાં જવાની જરૂર પડી. આ અંગે સરકારે પોતાનો પક્ષ પણ મૂક્યો હતો. આ સંબંધિત માહિતી આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘સરકારે ‘ફેક્ટ ચેક યુનિટ’ની સ્થાપના કરવી આવશ્યક છે. અને હાલમાં એક વિપક્ષી રાજકીય પાર્ટીએ એવો દાવો કર્યો હતો કે ભારતીય રેલવે પેસન્જર્સની સંખ્યામાં એંસી ટકા જેટલો ઘટાડો આવ્યો છે. હવે આવી જાણકારી માટે રેલવે મંત્રાલય જ સાચો આંકડો જાહેર કરી શકે. ફેક્ટ્સ તો ફેક્ટ્સ છે.’ કેન્દ્ર સરકારના આ પ્રકારના દાવાઓ કેટલાં પણ સાચા હોય તો પણ તે આ રીતે ડિજિટલ કન્ટેન્ટના કાજી ન બની શકે અને એટલે જ કુણાલ કામરાના પક્ષકારોને અંતે કોર્ટે સાચો માન્યો છે.
જેમ આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ દાખલા આપે છે, તેવાં જ દાખલા સરકાર વિરુદ્ધ પણ છે. જેમ કે, ભાજપના ઓફિશિયલ પેજ પરથી દાઉદની સંપત્તિ યુએઈ સરકારે ટાંચમાં લીધી તેવા ન્યૂઝ પ્રસર્યા હતા. અને તેમાં વડા પ્રધાનને શ્રેય આપવામાં આવ્યો હતો. આ ઘટના 2017ની છે. પણ આ વિગતની પડતાલ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ દ્વારા કરવામાં આવી હતી. તે અંગે વિદેશ મંત્રાલયને પૂછતાં, તે આવી કોઈ પણ પ્રકારની માહિતીથી તે અજાણ છે તેમ જવાબ આપ્યો હતો. આવાં અનેક ન્યૂઝ છે જેની ખરાઈ થવી જોઈએ – અને તે માટે કોઈ એજન્સી હોવી જોઈએ. પરંતુ તેનો નિર્ણય માટે માત્ર સરકારી એજન્સીને અધિકાર ન આપી શકાય.
‘ફેક્ટ ચેકિંગ યુનિટ’ના કેસમાં જેઓ નાયક બનીને ઊભરી આવ્યા છે તે કુણાલ કામરા છે અને આ સંબંધે કુણાલ કામરાની મુલાકાત ‘બીબીસી’ દ્વારા લેવામાં આવી છે. કુણાલે આ કેસ સંદર્ભે અને અન્ય બાબતો વિશે વિગતવાર વાત કરી છે. આ મુલાકાતમાં તેમને પૂછવામાં આવ્યું કે, ‘સરકાર જે ફેક્ટ ચેક યુનિટ બનાવવા માંગતી હતી, તેમાં સરકારનો ઉદ્દેશ્ય હતો કે તે ફેક ન્યૂઝ અને મિસલિડિંગ ન્યૂઝ પર કન્ટ્રોલ કરી શકે. કોમેડીનો ફેક ન્યૂઝ સાથે શું સંબંધ છે અને શા કારણે તમારે આના માટે બોમ્બે હાઇકોર્ટ જવું પડ્યું?’ કુણાલ કામરાનો જવાબ : “કોમેડી એટલે સટાયર, કોમેડી એટલે તેમાં બધું જ સમાવી શકો. તેને મિસલિડિંગ ઇન્ફોર્મેશન બતાવીને તમે ક્યારે પણ કહી શકો કે આ ફેક્ટ નથી. ઉદાહરણ તરીકે, હું એક મિમ બનાવું, જે ફોટો મિમ છે. જ્યાં વડા પ્રધાન શપથગ્રહણ કરી રહ્યા છે. અને ત્યાં હું વડા પ્રધાનના ચહેરાની સામે અદાણી-અંબાણી જેવાં કોઈ પણ ચહેરા તેના પર મૂકી દવું અને મિમમાં એવું લખું કે ‘ઇન્ડિયાઝ પ્રાઇમ મિનિસ્ટર ટેકિંગ ઓથ!’ આ સ્પષ્ટ રીતે જોક છે. પરંતુ તેને તમે મિસલિડિંગ કે ફેક કહી શકો છો. એ રીતે કોઈ પણ ક્લાસિકલ સટાયરને તમે ફેક ન્યૂઝના ખાનામાં નાંખી શકો છો.” કુણાલ પોતાનો વાંધો આ અંગે વધુ વિગતે રજૂ કરતા કહે છે કે, “ગવર્મેન્ટ કહી રહી છે કે તે જ એક ફાઇનલ ડેસ્ટિનેશન છે ફેક ન્યૂઝ માટે. આને ઉદાહરણ રીતે સમજીએ. જેમ કે ખેડૂતોના આત્મહત્યા અંગે સરકાર આંકડા આપતી નથી. પણ વિદર્ભમાં એક સંસ્થા છે જે એક રિસર્ચ કરીને એક અહેવાલ પ્રકાશિત કરે છે. તો તેને પણ કોઈ ફેક કહી શકે છે કે આ અંગે અમે ફેક્ટ ચેક કર્યું.” સરકારના હસ્તક આ વાત આવી જાય તો તેના જોખમો કુણાલ ગણાવે છે. તેઓ એમ પણ કહે છે કે, ‘સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કોઈ એક વ્યક્તિને સરકાર વાંરવાર ફેક્ટ ચેક કરે છે તો તમે જે તમારું ઓડિયન્સ બનાવ્યા છે તે ગુમાવો છો. વગર પૈસા ખર્ચે, કોઈ પ્રમોશન વિના જે ઓડિયન્સ બનાવ્યું છે; તો તેમાં ક્યારે પણ તમારું અકાઉન્ટ ડિલિટ થઈ શકે છે.’ પણ ફેક ન્યૂઝ આજની વાસ્તવિકતા છે તે વિશે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેઓ કહે છે : “સરકારનો ફેક ન્યૂઝ કન્ટ્રોલ કરવાનું કોઈ વલણ દેખાતું નથી. અને ઘણાં મિસલિડિંગ ન્યૂઝ કે ઇન્ફોર્મેશન તે એમના જ પ્લેટફોર્મથી આવી રહ્યા છે. તો તેમના પ્લેટફોર્મને કેવી રીતે ફેક્ટ ચેક કરશે. મોદી એક વાર એલેક્ઝાન્ડરને બિહાર લઈ આવ્યા હતા અને નેહરુ વિશે તેમણે કહ્યું હતું કે તેઓ ભગતસિંહને મળવા ગયા નહોતા. તેનું ફેક્ટ ચેક કોણ કરશે? પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો તો નહીં કરે.”
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796