કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સરસંઘચાલક મોહન ભાગવત હાલમાં એક વક્તવ્યમાં 75 વર્ષે નિવૃત્તિની વાત કહી હતી. અને જેવું તેમનું વક્તવ્ય પૂરું થયું એટલે રાજકીય વિશ્લેષકો અટકળો કરવા લાગ્યા કે સંભવત્ મોહન ભાગવતે આ વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કરી છે. એવું લાગવાનું એક કારણ કે બે મહિના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થવા જઈ રહ્યા છે. અને તે સમયે આવું નિવેદન આવવું બેશક તે અટકળો ઊભી કરે છે. રાજકારણમાં વયમર્યાદાની ચર્ચા સમયાંતરે થતી રહે છે કે જેઓ ખૂબ મોટી વયના છે તેમણે નિવૃત્તિ લેવી જોઈએ. પરંતુ દેશ-દુનિયાના નેતાઓ એંસી ઉપર થાય ત્યારે પણ વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખના પદે આવે છે. મોરારજી દેસાઈ વડા પ્રધાન પદે 81 વર્ષની વયે આવ્યા હતા. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જોય બાયડન પણ પ્રેસિડન્ટની ખુરશી સુધી પહોંચ્યા ત્યાં સુધી 75 વર્ષ વટાવી ચૂક્યા હતા. છેલ્લે છેલ્લે તો તેમના પર ઉંમરની અસર દેખાવા માંડી હતી, તેમ છતાં તેમણે ખુરશી છોડવાનું મુનાસિબ માન્યું નહોતું. આ રીતે રાજકીય નેતાઓના અનેક દાખલા મળી શકે જેઓ મોટી ઉંમરે પણ સત્તાનો મોહ ન છોડી શક્યા હોય.

ભારતીય જનતા પક્ષમાં વયમર્યાદાની ચર્ચા વધુ થાય છે અને તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટારગેટ થાય છે તેનું એક કારણ 2014માં ભાજપમાં ‘માર્ગદર્શક મંડળ’ બનાવવામાં આવ્યું હતું, અને તેમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીને 75થી વધુ ઉંમર થઈ જવાના કારણે તેમાં મૂકી દેવામાં આવ્યા હતા- તે છે. આ માર્ગદર્શક મંડળની ભૂમિકા માત્ર કોઈ પ્રસંગે આશીર્વાદ આપવા પૂરતી કરી દેવામાં આવી હતી. હાલમાં માર્ગદર્શક મંળમાં આ બે નેતાઓ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે અને રાજનાથ સિંઘ છે. આ બંને નેતાઓ પણ હવે ટૂંક સમયમાં ઉંમરની રીતે માર્ગદર્શક મંડળની લાયકાત ધરાવતા થઈ જશે. પરંતુ હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ જબરજસ્તીથી 75થી વધુ ઉંમર હોવાના કારણે ખસેડી શકે એમ છે કે નહીં? કારણ કે 75થી વધુ ઉંમરમાં પદ છોડવું પડ્યું હોય કે પછી નિવૃત્તિનો સમય ગાળવાની ફરજ પાડવામાં આવી હોય તેમાં માત્ર એલ. કે. અડવાણી કે મુરલી મનોહર જોશી માત્ર નથી. તે પછી પણ આનંદીબહેન પટેલ અને નજમા હેપતુલ્લાને પણ પોતાના પદ ઉંમરના કારણે છોડવાં પડ્યાં હતાં. એ ઉપરાંત, સુમિત્રા મહાજન, હુકુમદેવ નારાયણ યાદવ જેવાં નેતાઓની ટીકીટ કાપી નાંખવામાં આવી હતી, તેનું એક કારણ ઉંમર હતું.

જોકે ભાજપ દ્વારા 75ની ઉંમરનો માપદંડ ‘સગવડીયા ધર્મ’ તરીકે ઉપયોગમાં લીધો છે. એવું નથી કે 75 વર્ષ એટલે નિવૃત્ત થાવ. ભાજપમાં ઘણાં નેતાઓ આ ઉંમર વટાવી ગયા પછી પણ પોતાનું સ્થાન ટકાવી રાખી શક્યા હતા. તેમાંનું એક નામ બી. એસ. યેદુરપ્પાનું છે. 2022માં જ્યારે યેદુરપ્પા 79 ઉંમર ધરાવતા હતા ત્યારે તેમને નેશનલ એક્ઝ્યુકિટીવમાં લેવામાં આવ્યા હતા. તેનું કારણ એટલું જ કે કર્ણાટકમાં લિંગાયતોના વોટ મેળવવા હોય તો યેદુરપ્પાની હાજરી અનિવાર્ય હતી. એ રીતે મધ્ય પ્રદેશના સત્યનારાયણ જટીયા પણ હાલમાં ભાજપની સંસદીય સમિતિમાં છે. તેઓ એંસી નજીક પહોંચી ચૂક્યા છે. રાજકારણનો ધંધો ગરજ પર આધારીત છે. જો તેમાં દિગ્ગજ કહી શકાય તેવા એલ. કે. અડવાણી કે મુરલી મનોહર જોષીની પક્ષને આવશ્યકતા નથી – તો તેમને માર્ગદર્શક મંડળના નામે નિવૃત્તિનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. જ્યારે અન્ય અનેક નેતાઓ આ રીતે મોટી ઉંમરે પણ પદે રહ્યા છે – કારણ કે પક્ષને તેમની આવશ્યકતા છે.
આર.એસ.એસ.ના સરસંઘચાલક મોહન ભાગવતે 75 વર્ષે નિવૃત્તિની વાત જણાવી ત્યારે તેમનો મતલબ વડા પ્રધાન સાથે ન પણ હોય – એવું અનેક રાજકીય વિશ્લેષક માને છે, કારણ કે ખુદ મોહન ભાગવત પણ સપ્ટેમ્બરમાં જ 75ના થઈ રહ્યા છે. પરંતુ જ્યારે મોહન ભાગવત આ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેઓ મરાઠીમાં બોલ્યા છે, ત્યારે માત્ર 75 વર્ષની નિવૃત્તિની વાત તેમણે હિંદીમાં જણાવી છે. અહીં ભાષા બદલીને મોહન ભાગવત પૂરા દેશમાં એક સંદેશો પાઠવવા ઇચ્છતા હતા કે કેમ? આર.એસ.એસ. અને ભાજપમાં ઉંમરને લઈને થતી રકઝકનો મામલો કંઈ વર્તમાનનો નથી, જ્યારથી ભાજપ પાસે સત્તા આવી છે ત્યારથી આર.એસ.એસ.ના પદાધિકારીઓ સમયાંતરે આ બાબતે ટિપ્પણી કરતા રહ્યા છે. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલના શેખર ગુપ્તા તેમની કોલમમાં એવો સંદર્ભ આપે છે કે, ‘2005માં આર.એસ.એસ.ના તત્કાલિન પ્રમુખ કે. એસ. સુદર્શનની સાથે મારી એક-બે વાર થયેલી વાતચીત મુજબ તેમણે તે વખતે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીને યુવાનોને પક્ષની કમાન સોંપવાની ટકોર કરી હતી. કે. એસ. સુદર્શન દ્વારા વાજપેયીના જમાઈ, નજીકના સહયોગી બ્રજેશ મિશ્રા અને તેમની કાર્યશૈલી અંગે ટીકા કરી હતી. આવી વાતો ઊડતી હતી કે વાજપેયી નિવૃત્તિ લેશે કે નહીં ત્યારે તેમણે આ તમામ બાબતોનું ખંડન કરતા કહ્યું હતું કે, ‘ન ટાયર્ડ, ન રિટાયર્ડ’.
વાજપેયી અને અડવાણી બંને આગેવાનો ભાજપને દેશવ્યાપી બનાવવામાં મહત્ત્વનો ફાળો હતો. કેન્દ્રમાં ભાજપ શાસનમાં આવ્યું તેમાં આ બંને નેતાઓની મોટી ભૂમિકા હતી. આ ભૂમિકા હોવા છતાં આર.એસ.એસ.ના વડા તેમની સામે આવું નિવેદન આપ્યું હતું. પરંતુ આ નિવેદન આવ્યું ત્યારે વાજપેયી-અડવાણીના નિયંત્રણમાં ભાજપનો પક્ષ હતો અને તે વખતે તેમનું સ્થાન લેનાર કોઈ આગેવાન નહોતા. આ વાત વાતાવરણમાં વહેતી થઈ ગઈ- તે પછી ભાજપમાં ઉત્તરાધિકારીઓ દેખાવવા માંડ્યા. રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, નિતીન ગડકરી અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી સિવાયના તમામ નેતાઓ દિલ્હીમાં પોતાનું મજબૂત સ્થાન ધરાવતા હતા. પરંતુ 2012માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કર્યું ત્યારે તેમનો દાવો દિલ્હીમાં મજબૂત બનતો ગયો. એવું નથી કે આર.એસ.એસ.ના ટકોરથી જ વાજપેયી અને અડવાણીએ યુવાનોને આગળ લાવવાનું શરૂ કર્યું. તેમના દ્વારા પણ વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌવ્હાણ, રમન સિંહ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવાનું નિર્ધારીત કરવામાં આવ્યું હતું. તે વખતે તેમની સરેરાશ આયુ 49ની નીકળતી હતી. એ રીતે ગત કેટલાંક વર્ષોમાં ભાજપના પ્રમુખ બનવાની ઉંમર પણ 55થી 48ની વચ્ચે રહી છે. જેમાં 2002માં વૈંકૈયા નાયડુ 53 વર્ષે અધ્યક્ષ બન્યા, રાજનાથ સિંહ 2005માં 54 વર્ષે અધ્યક્ષનું પદ સંભાળ્યું. નિતીન ગડકરી પણ 48ની ઉંમરે અને અમિત શાહ 49ની વયે ભાજપના અધ્યક્ષ બન્યા.
75 વર્ષના માપદંડની વાત આમ તો ‘કેટલાંક’ નેતાઓને ઘરભેગા કરવા તરીકે અમલમાં લાવવામાં આવેલી નીતિ હતી. જો ખરેખર ભાજપનું શીર્ષ મંડળ એવું ઇચ્છત તો તે નિયમ પક્ષના ઠરાવ તરીકે રજૂ થયો હોત. પરંતુ તેવું અત્યાર સુધી થયું નથી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં સુધી છે ત્યાં સુધી હવે 75 વર્ષે નિવૃત્તિની વાત થશે નહીં. સત્તામાં જ્યારે કોઈ પણ નેતા હોય છે ત્યારે તે પોતાની મજબૂત છબિને અકબંધ રાખવાનો હંમેશા પ્રયાસ કરતા હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની એ છબિ ઢીલી ન થાય તેની સતત કાળજી રાખે છે. એ માટે તેઓ સતત ચૂંટણી પ્રચારમાં વધુમાં વધુ સભાઓ કરે છે, દેશમાં કોઈ પણ મહત્ત્વના પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં પણ ઉપસ્થિત હોય છે અને સાથે સાથે શારીરિક રીતે મજબૂત દાખવવા માટે તેમના યોગ કે કસરત કરવાના વિડિયો પણ સમયાંતરે આવતા રહે છે. રાજકારણમાં ઉંમરની મર્યાદા ન હોઈ શકે. મૂળે તો વડા પ્રધાન કે અન્ય મહત્ત્વના પદે નિર્ણય લેવાના હોય છે અને તે નિર્ણય વધુમાં વધુ અનુભવી વ્યક્તિ સારા ઇરાદાથી લે તો તેનાથી પ્રજાનું કલ્યાણ જ થવાનું છે. પરંતુ ઉંમર ત્યારે મર્યાદા બને છે જ્યારે નવી પેઢીમાં ઉમદા વ્યક્તિઓ હોય અને તેમ છતાં વધુ ઉંમર ધરાવનારા પદ ત્યજવા તૈયાર ન હોય. ભાજપ-આર.એસ.એસ.ના આ વિવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાબતે શું નિર્ણય લેવાય છે – તે હવે બે મહિનામાં ખ્યાલ આવશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796