કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આઝાદી મળી તે દિવસ એક તરફ દેશમાં ઊજવણી થઈ રહી હતી અને બીજી તરફ ખૂનામરાકી ચાલી રહી હતી. કોમી દાવાનળની આગમાં લાખો લોકો હોમાઈ રહ્યા હતા. ગાંધી સહિતના આગેવાનો મોતના આ તાંડવ વચ્ચે લોકોને શાંતિની અપીલ કરી રહ્યા હતા. દિલ્હીથી થોડે દૂર આવેલા મેવાત જિલ્લાના ઘસેરા ગામમાં મુસ્લિમ ‘મેઓ’ સમાજના લોકોમાં પણ હૂમલાનો ડર પ્રસર્યો હતો. હિંદુ અને મુસ્લિમોની એકબીજા પ્રત્યેની ક્રૂરતા વચ્ચે ગાંધીજીએ(Mahatam Gandhi) મુસ્લિમ ‘મેઓ’ સમાજના લોકોને એવું તો શું કહ્યું કે, તેઓ કાયમ માટે ભારતમાં વસવા તૈયાર થયા. આજે પણ મેવાતના આ મેઓ મુસ્લિમો (Muslim) ગાંધીજીની યાદમાં વર્ષમાં એક દિવસની ઊજવણી કરે છે. આઝાદીના પર્વના (Independence Day 2024)દિવસે જાણીએ ગાંધીજીની અપીલથી પાકિસ્તાન ન જનારા મુસ્લિમો વિશે.
19 ડિસેમ્બર 1947નો એ દિવસ હતો જ્યારે ‘મેઓ’-મુસ્લિમ સમાજના આગેવાન યાસિન ચૌધરીખાનના કહેવાથી ગાંધીજી મેવાતના ઘેસરા ગામે આવ્યા હતા. ગાંધીજીએ અહીંયા નિરાશ્રીત તરીકે રહેનારા મેઓ-મુસ્લિમોની મુલાકાત લીધી હતી. આ તમામ મેઓ-મુસ્લિમો રાજસ્થાનના અલવર અને ભરતપુરના રજવાડાંમાંથી આવ્યા હતા. મેવાતથી પાકિસ્તાન જતી વેળાએ તેઓ ઘેસરા ગામે રાહત છાવણીમાં રોકાયા હતા.
આજે આ વિસ્તાર દિલ્હી-અલવર રોડ પર આવેલો છે, જ્યાં આઠ કિલોમીટરના વિસ્તારમાં પચ્ચીસ હજાર મેઓ-મુસ્લિમ વસે છે. મેઓ-મુસ્લિમ મૂળે રાજસ્થાનના છે, અને તેઓ પછી ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ વસ્યા. તેઓ મુસ્લિમ ધર્મી છે, પણ કેટલાંક હિંદુ રિવાજો તેઓ અનુસરે છે. 19 ડિસેમ્બરે જ્યારે ગાંધીજી ઘેસરા ગામે આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, “પહેલાં જેટલી મારા અવાજમાં તાકાત રહી નથી. એક જમાનો એવો હતો જ્યારે મારા પડ્યા બોલનો અમલ થતો. મારા અવાજની પહેલાં જેટલી શક્તિ કાયમ હોત તો હિંદુસ્તાનમાંથી એક પણ મુસલમાનને પાકિસ્તાન જવાનું ન થયું હોત; અને તે જ પ્રમાણે એક પણ હિંદુ કે શિખને પાકિસ્તાનનું પોતાનું વતન અને ઘરબાર છોડીને આશ્રય શોધવાનું ન થાત.”
ભારત-પાકિસ્તાનના ભાગલા થયા તે વખતે સ્થિતિ ગંભીર બનશે તેવો ખ્યાલ બંને દેશોના આગેવાનોને હતો, તેથી ‘વિભાજન કાઉન્સિલ’ પણ બનાવાવમાં આવી હતી. આ ‘વિભાજન કાઉન્સિલ’નું કામ શાંતિ સ્થાપવાનું અને તમામ લોકોના જીવન અને માલમિલ્કતનું રક્ષણ કરવાનું હતું. પરંતુ વિભાજન કાઉન્સિલ જમીની સ્તરે કશુંય કામ ન કરી શકી. બંને દેશોમાં થઈ રહેલા હુલ્લડોથી હિજરતનો પ્રવાહ રોકી શકાયો નહીં અને તેમાં મેઓ-મુસ્લિમો પણ પોતાનું વતન છોડીને પાકિસ્તાન જવા નીકળ્યા હતા. મેઓ-મુસ્લિમોને રાતોરાત ભરતપુર અને અલવર જેવાં રજવાડાંનાં ઘર છોડ્યા, પણ જ્યારે પાકિસ્તાન જતી વખતે તેમની રાહત છવાણીમાં ગાંધીજી આવ્યા તો તેની અસર મેઓ સમાજના લોકો પર થઈ. તેમનાથી ઘણાંને એવું લાગ્યું કે, તેઓ હિંદુસ્તાનમાં શાંતિથી રહી શકશે. ગાંધીજીએ જ્યારે મેઓ મુસ્લિમ સમાજના લોકો સાથે મુલાકાત કરી ત્યારે તેમને બાંયધરી પણ આપી કે, “હિંદુસ્તાનમાં સામેલ થવા માંગતા રજવાડાંઓએ જે કરાર કર્યાં છે; તેનાથી રજવાડાંઓના રાજાઓને પોતાની પ્રજા પર જુલમ કરવાની છૂટ મળતી નથી. રાજાઓએ પોતાની પ્રજાના સેવકો બન્યા વિના છૂટકો નથી.” આખરે ગાંધીજીએ એમ પણ કહ્યું કે, “મેયો મુસ્લિમો હિંદુસ્તાનની પ્રજા છે અને તેમને શિક્ષણ અને વસાહતો વસાવી રહેવાની સગવડ કરી આપવી તે સરકારની ફરજ છે.”
ગાંધીજીએ તે વખતે મેઓ મુસ્લિમ સમાજના રક્ષણ માટે તે વખતના પંજાબના મુખ્યમંત્રી ગોપીચંદ ભાર્ગવને પણ વિશ્વાસમાં લીધા હતા. પરંતુ કમનસીબે બાંયધરી આપ્યા બાદ ગાંધીજીની દોઢ મહિનામાં જ હત્યા થઈ. તે પછી મેઓ મુસ્લિમ સમાજ હંમેશાં ગાંધીજીની અધૂરી બાંયધરીને લઈને સરકારને રજૂઆત કરતો રહ્યો છે. આજે આ સમાજને પાકિસ્તાન ન જવાનો કોઈ અફસોસ નથી, પરંતુ ગાંધીજીએ જે બાંયધરી આપી હતી, તે પછીથી જે રીતે મેઓ-મુસ્લિમ સમાજની કાળજી લેવાવી જોઈએ તે ન લેવાઈ.
હિંદુ મુસ્લિમ કોમનો હંમેશા વિખવાદ રહ્યો હોવો છતાં આ બંને કોમના સહઅસ્તિત્વથી હિંદુસ્તાનમાં એક આખી સંસ્કૃતિ ખીલી છે. તેમની વચ્ચેના જેટલાં કલહના દાખલા છે; તેથી વધુ આ બંને કોમો ગામ, નગરોમાં શાંતિથી, સંપીને વસે છે. દેશમાં તે દૃશ્ય આજેય સહજ છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796