કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Who is Atiq Ahmed: સાબરમતી જેલમાંથી 45 પોલીસકર્મીઓના કડક જાપ્તા સાથે જ્યારે અતીક અહમદને (Atiq Ahmad) ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) લઈ જવાયો ત્યારે દેશભરનું મીડિયા સાબરમતી જેલ (Sabarmati Jail) પહોંચ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી અતીક અહમદ સાબરમતી જેલમાં હાઇ સિક્યુરીટીમાં સજા કાપી રહ્યો હતો. અતીક અહમદ મૂળે ઉત્તર પ્રદેશનો ડોન (UP don) છે અને તે ઉત્તર પ્રદેશની દેવરિયા જેલમાં હતો ત્યારે તેણે જેલમાંથી જ બિઝનેસમેન મોહિત જૈસવાલનું અપહરણ (Kidnap) કરાવ્યું હતું. દેવરિયા જેલમાં મોહિતને લાવીને તેની તમામ સંપત્તિ પોતાના નામે લખી આપવાની માંગણી અતીકે કરી હતી. આ બાબતની ફરિયાદ દાખલ થયા પછી પણ જેલમાં અને જેલ બહાર અતીકનો ખોફ હતો, તેથી છેવટે ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજ કરીને તેની જેલબદલી ગુજરાતમાં (Gujarat) કરાવવાની ભલામણ કરી હતી. 2019માં અતીકને સાબરમતી જેલમાં લવાયો અને ત્યારથી તે અહીંયા હતો. 26 માર્ચના રોજ જ્યારે તેને સાબરમતી જેલમાંથી લઈ જવાયો ત્યારે અતીક ખુદે અને તેના પરિવારજનોએ પણ તેના એન્કાઉન્ટરનો (encounter) ભય મીડિયામાં વ્યક્ત કર્યો છે.

અતીકનું સામ્રાજ્ય ખંડણી અને હત્યા જેવાં ગુનાઓથી ઊભું થયું છે, પણ પછીથી તે રાજકારણમાં આવ્યો અને પાંચ વાર અલાહાબાદ પશ્ચિમની બેઠકથી ધારાસભ્ય બન્યો. પ્રથમ ત્રણ વખત તે અપક્ષ ઉમેદવાર તરીકે જીતતો રહ્યો અને ત્યારે બાદ સમાજવાદી પક્ષમાં સામેલ થયો. 2004માં સમાજવાદી પક્ષે તેને લોકસભાની ચૂંટણીમાં ટીકીટ આપી અને ફુલપુર ક્ષેત્રની બેઠક પરથી તે સાંસદ બન્યો. સમાજવાદી પક્ષમાં મુલાયમ પછી અખિલેશનું વર્ચસ્વ વધ્યું ત્યારે તેનું અંતર સમાજવાદી પક્ષ સાથે વધતું રહ્યું છે. અતીકના ગુનાનું ગઠબંધન રાજકારણ સાથે એટલું બધું હળીમળી ગયું છે કે અતીકને કોઈનોય ખોફ નહોતો.
ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ અપરાધીઓ પ્રત્યે સખ્ત છે અને તેમના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી 10,713 જેટલાં એન્કાઉન્ટર થયા છે. માત્ર સાત વર્ષના ગાળામાં થયેલા આટલાં એન્કાઉન્ટરનો આંકડો મુંબઈમાં એક સમયે થયેલાં એન્કાઉન્ટરો કરતાં અનેકગણો વધારે છે. અને એટલે અત્યારે અચ્છા અચ્છા ગેંગસ્ટરોને એ ડર છે કે તેમનું એન્કાઉન્ટર થઈ જશે. અતીક અહમદને જ્યારે સાબરમતી જેલમાંથી લઈ જવાયો ત્યારે તેણે પણ એમ કહ્યું કે, “કોર્ટ કે કંધે પર રખકર મુઝે મારના ચાહતે હૈ”.
ઉત્તર પ્રદેશથી અતીક અહમદ માટે તત્કાલ તેડું આવ્યું તેનું મુખ્ય કારણ 2005માં થયેલા ‘બહુજન સમાજ પાર્ટી’ના ધારાસભ્ય રાજુ પાલનો હત્યા કેસ છે. રાજુ પહેલાં અતીકનો જ સાગરીત હતો, પણ પછીથી રાજુ અતીકની સામે પડ્યો. 2004માં અલાહાબાદની એક બેઠક પરથી રાજુએ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી. રાજુ સામે અતીકે પોતાના જ ભાઈ અશરફને ઉભો રાખ્યો હતો. આ ચૂંટણીમાં રાજુની જીત થતાં અતીકને પોતાના સામ્રાજ્ય ખતમ થવાનો ડર પેસ્યો. અતીકે રાજુની સરેઆમ હત્યા કરાવી. જોકે પછીથી આ હત્યાના કારણે અતીકને નાસતાં રહેવું પડ્યું. સૌપ્રથમ તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ અતીક અહમદના સામ્રાજ્યને સાફસૂફ કરવાની શરૂઆત કરી. પણ જ્યારે રાજ્યમાં સમાજવાદી પક્ષનું શાસન આવે ત્યારે ફરી અતીકને જીવનદાન મળી જતું. પરંતુ રાજુ પાલના કેસમાં ઉમેશ પાલ મજબૂત સાક્ષી રહ્યો જેના કારણે આ હત્યા કેસ ચાલતો રહ્યો. તે કારણે અતીકને જેલમાં રહેવું પડ્યું. 2017માં ભાજપે પૂર્ણ બહુમતિથી ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી અને મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ આવ્યા. આ ગાળામાં અતીકનું સામ્રાજ્ય વધુ તવાઈ આવી. તે પોતે અમદાવાદની સાબરમતી જેલમાં આવી ચૂક્યો હતો અને તેનું સંપત્તિઓ જપ્ત થઈ રહી હતી. આ બધાનું મૂળ કારણ રાજુ પાલના કેસમાં રહેલો ઉમેશ પાલ નામનો મજબૂત સાક્ષી.
ઉમેશ પાલને અનેકવાર અતીક અહમદ અને તેના ગેંગ દ્વારા ધમકીઓ મળતી રહેતી. તે કારણે ઉમેશને સુરક્ષા પણ આપવામાં આવી હતી. પરંતુ 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલ અને તેની સાથેના ત્રણ પોલીસ સુરક્ષાકર્મીઓ પ્રયાગરાજ કોર્ટથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમનાં હુમલો થયો. ચાર-પાંચ વ્યક્તિઓએ તેમનાં પર ગોળીઓ ચલાવી અને ક્રૂડ બોમ્બ ફેંક્યા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના સાથેના બે સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામ્યા. એક સુરક્ષાકર્મી હજુય ગંભીર સ્થિતિમાં છે. આ મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો. અને યોગી આદિત્યનાથે તે વખતે વિધાનસભામાં એવું નિવેદન આપ્યું હતું કે માફિયાઓ કોં મિટ્ટી મેં મિલા દેંગે.
અતીક અહમદ પર થયેલો આ એક કેસ છે, જેમાં તે ફસાયો છે અને હવે ઉત્તર પ્રદેશ સરકાર તેના પર સખ્ત કાર્યવાહી કરવા માંગે છે. અતીક પર અત્યાર સુધી 130થી વધુ કેસ દર્જ છે. સાક્ષી ઉમેશ પાલની હત્યામાં પણ અતીક, તેના બે દિકરા, તેની પત્ની અને તેના ભાઈ પર કેસ દર્જ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે ઉમેશ પાલનાં મર્ડરનું પ્લાનિંગ જેલમાં જ કરવામાં આવ્યું હતું.
અતીકની આ વર્તમાનની કુંડળી છે, પણ તે ડોન બન્યો તેની કહાની લાંબી છે અને તેની શરૂઆત 1979માં. અલાહાબાદ તે વખતે હજુ વિકસી રહ્યું હતું અને યુવાનોને મોજશોખનો ચસકો લાગ્યો હતો. અતીક પણ તેમાંથી એક હતો. તે હાઈસ્કૂલમાં નાપાસ થયો અને પિતાની જેમ ઘોડાગાડી ચલાવીને ગુજરાન ચલાવવું તેને મુનાસિબ ન લાગ્યું. પૈસા માટે તેણે 17માં વર્ષે હત્યા કરી અને તે પછી તેનું નામ અલાહાબાદમાં ગાજવા માંડ્યું. જોકે તે વખતે અલાહાબાદમાં ચાંદબાબા નામનો ડોનનું સામ્રાજ્ય હતું. ચાંદબાબાના ખૌફ એટલો હતો કે પોલીસ પણ તે વિસ્તારમાં ન જતી. તે વખતે અતીકનું નામ ઠીકઠીક જાણીતું થયું હતું. ચાંદબાબા વિરુદ્ધ નેતા અને પોલીસ અતીક નામના મોહરાને ઉપયોગ કરવાના હતા. આ ઉપયોગના કારણે અતીક મોટો થતો ગયો અને એક સમય એવો આવ્યો કે અતીક અને ચાંદબાબા વચ્ચે ગેંગવોર શરૂ થઈ. ગુનાખોરીની દુનિયામાં હવે અતીક માટે માત્ર ચાંદબાબા જ આડખીલી રૂપ હતો. એક દિવસે ચાંદબાબાની જાહેરમાં પર હત્યા થઈ. ધીરે ધીરે ચાંદબાબાના બધા સાથીઓ પણ માર્યા ગયા. આ વિસ્તારમાં એક માત્ર અતીક અહમદનું શાસન ચાલવા માંડ્યું. પછી તેણે રાજકારણમાં ઝંપલાવ્યું અને પોતાની ગુનાખોરી પણ વિસ્તારતો ગયો. આ રીતે તેની ગુનાખોરી વધતી ગઈ. 1979થી 2023 સુધી પ્રયાગરાજ જિલ્લામાં તેના વિરુદ્ધ સોથી વધુ કેસ છે. આ ઉપરાંત હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, નેશનલ સિક્યુરીટી એક્ટના ત્રણ કેસ, ગેંગસ્ટર એક્ટ હેઠળ દોઢસોથી વધુ અન્ય કેસીસ છે. પણ છેલ્લા 44 વર્ષમાં એક પણ કેસ પર તેને સજા પડી નથી.
અતીક અહમદ નેતા બની ચૂક્યો હતો પણ તેમ છતાં તેની માફીયાની છબિ ભૂંસાઈ નહોતી. બલકે તેણે રાજકારણમાં આવીને પોતાની ગુનાખોરી ઓર વધારી. તે પોતાના વિરોધીઓને કોઈ પણ હિસાબે છોડતો નહોતો. 1989માં ચાંદબાબાની હત્યા, 2002માં નસ્સન નામના વ્યક્તિની હત્યા કરી હતી. 2004મા તો મુરલી મનોહર જોશીના કરીબી કહેવાતા અશરફની પણ હત્યાનો આરોપ અતીક પર રહ્યો છે. જોકે અતીકને રાજુ પાલની હત્યા કરવાનું ભારે પડ્યું અને તે પછી તેનું સામ્રાજ્ય તૂટતું ચાલ્યું. 2007માં જ્યારે માયાવતી પૂર્ણ બહુમતિ સાથે ચૂંટાઈ આવ્યાં ત્યારે તેમણે ઓપરેશન અતીક શરૂ કર્યું હતું. અતીકને મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. તેના પર 20,000નું ઇનામ ઘોષિક કરવામાં આવ્યું. તેની સંપત્તિ જપ્ત કરવામાં આવી. અતીકનો ખાસ કહેવાતો પ્રોજેક્ટ અલીના સિટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો. છેલ્લે ભાગતા ફરતા અતીકની ધરપકડ દિલ્હી પોલીસે કરી અને તે પછી ઉત્તર પ્રદેશ પોલીસના હવાલે કરીને તેને જેલમાં નાંખવામાં આવ્યો. જોકે તેની સામેના કેસ અલાહાબાદ કોર્ટમાં ચાલતા ત્યારે તે સાંભળવા માટે દસથી વધુ ન્યાયાધીશોએ ‘ના’ કહી. 11મા ન્યાયાધીશે તેનો કેસ સાંભળ્યો અને તેને જામીન આપ્યા હતા.
નેવુંના દાયકામાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં બાહુબલીનો ખૂબ દોર ચાલ્યો. તે વખતે રાજકારણ અને ગુનાખોરીની સાંઠગાંઠને તોડવાનું અશક્ય લાગતું હતું. અતીકની સ્થિતિને જોતાં એવું કહી શકાય આ દોર હવે અસ્ત પામી રહ્યો છે.
TAG: અતીક અહમદ, Who is Atiq Ahmed, Gangster Atique Ahmed, Mafia Atiq Ahmad
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








