નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે. દૂધસાગર ડેરીમાં કથિક 750 કરોડના કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, આ એક ગંભીર ગુનો છે. બીજી બાજુ વિપુલ ચૌધરીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખના શરતી જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા હતા. આજે ગાંધીનગરમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના ધરણા પર ઉતર્યા છે.
મહેસાણામાં ગઈકાલે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદાસેના દ્વારા ધરણાં, જેલભરો આંદોલન અને આવેદન પાઠવવાના કાર્યક્રમ યોજ્યા હતા. આ દરમિયાન કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરી પર જઈને વિપુલ ચૌધરીની મુક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. સરકાર વિરોધી સૂત્રો પોકારી ચૌધરી સમાજની મહિલાઓએ છાજીયા પણ લીધા હતા. ત્યારે આજે અર્બુદા સેના દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. પોલીસની મંજુરી ન હોવાને કારણે અર્બુદા સેનાની કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
વિપુલ ચૌધરી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬ સુધીના કાર્યકાળ દરમ્યાન વિપુલ ચૌધરીએ પોતાની સત્તાનો દૂરપયોગ કરીને ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના કોન્ટ્રાકટરો પાસેથી બીડ મંગાવ્યા વિના કોન્ટ્રાકટ આપવા, દૂધ ઠંડુ રાખવાના મશીન, બારોબાર વર્ક ઓર્ડર આપવા સહિતના મામલે કરોડોની ગેરરીતિ અને નાણાંકીય ઉચાપત આચર્યા હોવાના આરોપસર ACB દ્વારા ૧૫ સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જોકે આજે ગુજરાત હાઈકોર્ટએ વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે.








