નવજીવન ન્યૂઝ. વલસાડ: બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ ઠેર-ઠેર દરોડા પાડીને ઘોડા છૂટ્યા બાદ તબેલા બાંધવા બેઠી છે ત્યારે વલસાડમાં પોલીસની રેડની કાર્યવાહી દરમિયાન દારૂની મહેફિલમાં એક પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત 20 શખ્સોને ઝડપી પાડ્યા હતા. એસપી દ્વારા આ દરમિયાન કડક કાર્યવાહી કરતાં પીએસઆઈ સહીત ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા.
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે લઠ્ઠાકાંડની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવતાં પોલીસની વરદી પર એક ડાઘ લાગ્યો હતો. જો કે હવે દારૂબંધીની આબરૂ બચાવવા પોલીસ કામે લાગી ગઈ છે. ત્યારે વધુ એક ડાઘ પોલીસ વરધી પર લાગ્યો છે. વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસના ધ્યાને આવતા મોડી રાત્રે દરોડા પાડ્યા હતા.
વલસાડમાં આવેલી અતુલ સોસાયટીમાં મોડી રાત્રે જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ પોલીસ કાફલા સાથે રેડ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં એક બંગલામાં દારૂની મહેફિલ માણતા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સટેબલ સહિત 20 લોકો ઝડપાયા હતા. પોલીસને મહેફિલમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલ્સ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.








