નવજીવન ન્યૂઝ. તાપી: Tapi News: તાપી જિલ્લાના વ્યારા (Vyara) ખાતે ‘આદિવાસીઓ સાવધાન’ (Tribals Beware posters)ના પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં આદિવાસીઓને કોંગ્રેસ (Congress) પક્ષથી સાવધાન રહેવાનું જણાવાયું છે. મહત્વની વાત છે કે તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસીઓની જમીન સંપાદન મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આંદોલનના મંડાણ પહેલા કોંગ્રેસ પક્ષથી સાવધાન રહેવાના પોસ્ટર લાગતા રાજકીય તર્ક વિતર્કો શરૂ થયા છે.

તાપી જિલ્લામાં નેશનલ હાઈવે-56ના નિર્માણ માટે આદિવાસી ખેડૂતોની જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ જમીન સંપાદન માટે આપવામાં આવેલી નોટીસ બાદ વિવાદ સર્જાયો છે અને રોષ ફાટી નિકળ્યો છે. આદિવાસી આગેવાનો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે આ સંપાદન ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે તેમજ સંપાદન માટે મોકલવામાં આવેલી નોટીસ ખુબ ટૂંકા સમય પહેલા ખેડૂતોને મળી હતી. આમ જમીન સંપાદન બદલ વળતર અને નિયમો અનુસારની કાર્યવાહીની માગણી સાથે સામાજીક કાર્યકરો અને આગેવાનોએ લડતના મંડાણ શરૂ કર્યા છે. પરંતુ આ તકે વિરોધ પક્ષ કોંગ્રેસનો છેદ ઉડી શકે તેવા ભણકારા વાગી રહ્યા છે કારણ કે સંપાદનના વિરોધ સાથે કોંગ્રેસથી સાવધાન રહેવાના પોસ્ટર પણ જોવા મળી રહ્યા છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોંગ્રેસ રાજકિય રોટલા શેકવા માટે પાર તાપી નર્મદા લિંક યોજના વખતે ગાંધીનગર બોલાવી કોંગ્રેસે ઉલ્લું બનાવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસ હાઈવે 56ના નામે ઉલ્લું બનાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાંથી પસાર થતા હાઈવે 56ના નિર્માણ માટે જમીન સંપાદનનો મામલો વિવાદમાં આવ્યો છે. ખેડૂતો અને આદિવાસી આગેવાનોનું કહેવું છે કે આ માત્ર નાટક માટે નોટીસ અને કાર્યવાહી થઈ છે. ખરેખર તો આ કાર્યવાહી ગેરરિતી ભરેલી છે જેમાં ખેડૂતોને જ બધું ગુમાવવાનું છે. કારણ કે સંપાદન માટે ધ રાઈટ ટુ ફેર કમ્પેનશન એન્ડ ટ્રાન્સપરન્સી ઈન લેન્ડ એક્વિઝિશન, રીહેબલેશન, રીસેટલમેન્ટ એક્ટ 2013નું કોઈ અમલીકરણ કરવામાં આવ્યું નથી. તેમજ સંપાદનના બદલામાં કોઈ પ્રકારને એવોર્ડ જાહેર કર્યા વગર જ કાર્યવાહી થઈ ગઈ છે. ત્યારે આ મામલે જમીન સંપાદન અધિકારી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે અને સંપાદનની ફેર વિચારણા કરવામાં આવે.
પરંતુ આદિવાસી વિસ્તાર કે જ્યાં ભાજપના ઝંઝાવાતી વાયરામાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે ત્યાં કોંગ્રેસનો જ વિરોધ થઈ રહ્યો છે. એવામાં કોંગ્રેસથી સાવધાન રહેવાના પોસ્ટર લાગતા હવે કોંગ્રેસ માટે આદિવાસી વિસ્તારમાં પણ મુશ્કેલી પેદા થાય તેવી સ્થિતી જણાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








