કિરણ કાપુરે નવજીવન: સ્લો લિવિંગ. આ ટર્મ હજુ આપણી આસપાસ ઉપયોગમાં લેવાતી નથી; પણ વિશ્વમાં જ્યાં-જ્યાં લોકો ઝડપી જીવનથી થાકી-કંટાળી ચૂક્યા છે ત્યાં તે ટર્મ તરફ લોકો વિચારતા થયા છે અને ઘણાંએ તેનો અમલ પણ કર્યો છે. દિનપ્રતિદિન આપણું જીવન ફાસ્ટ થઈ રહ્યું છે. નિરાંત આસપાસથી અદૃશ્ય થઈ રહી છે. ત્રીસ-ચાળીસ કે તે પછીની જનરેશન આજથી માત્ર બે દાયકા અગાઉનો સમય વિશે વિચારશે તો તેઓને ખ્યાલ આવશે કે તેમને કેટકેટલો નિરાંતનો સમય મળતો હતો. આ નિરાંત અરસપરસ વાત કરવાની, પરિવાર સાથે સમય વિતાવાની, મિત્રો સાથે ગપાટાં મારવાની, પ્રસંગોમાં પરોવવાની હતી. જાણેઅજાણે તે સ્લો લિવિંગ હતું, જેનો મહિમા હવે વેસ્ટન કન્ટ્રીઝમાં ગવાઈ રહ્યો છે. પશ્ચિમી દેશોનો છેલ્લા ત્રણ સદીનો ઇતિહાસ આધુનિકીકરણનો રહ્યો છે; જેમાં ઉદ્યોગ-વેપાર-ધંધા વધ્યા, ટ્રાન્સપોર્ટેશન ઇવોલ્વ થયું, ટેક્નોલોજીમાં અદ્વિતિય શોધો થઈ, જેનાથી સુખ-સગવડો વધી. પણ આ પ્રગતિમાં માણસનું એન્ગેજમેન્ટ કામ સાથે સતત વધ્યું અને જે સુખ-સગવડો મેળવવામાં તે દોડાદોડી કરી રહ્યો હતો તેને ટકાવી રાખવા માટે તેણે નિરાંતનું સુખ ખોયું. હવે તેનું અનુકરણ ભારત સહિત વિશ્વના વિકાસશીલ દેશોમાં થઈ રહ્યું છે.
આપણે ત્યાં સ્લો લિવિંગનો કન્સેપ્ટ તીવ્રતાથી હજુ અનુભવાતો નથી, કારણ કે મૂળે ભારતની પ્રજા વેસ્ટર્ન રંગે રંગાઈ રહી હોવા છતાં તેના મૂળીયા હજુ મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ સંસ્કૃતિ ધીરે ચાલવાનો કન્સેપ્ટ રગેરગમાં ઉતર્યો છે. અને એટલે આપણે ત્યાં ગ્રામ્યવ્યવસ્થા સર્વત્ર છે. નગરરચના આવી તે પણ મોડી અને જૂજ કિસ્સામાં. બાકી બહુલક પ્રજા ગ્રામ્યવ્યવસ્થામાં રહેતી આવી છે. સ્લો લિવિંગની આ ચર્ચાને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હજુ તો ત્રણેય દાયકાનો સમય વીત્યો છે. પહેલાં-વહેલાં આ સ્લો લિવિંગનો કન્સેપ્ટ ઇટાલીમાં અમલમાં મૂકાયો હતો અને તે પણ માત્ર સ્લો ફૂડ બાબતે. તેમાં જીવનનાં દરેક પાસાંને આહીસ્તા લેવાની વાત નહોતી, બલકે તેનું ફોકસ માત્ર આહાર હતો. અને તેનો પ્રચારપ્રસાર ફાસ્ટ ફૂડની સામે ઝુંબેશથી શરૂ થયો હતો. જોકે પછીથી સ્લો લિવિંગનો કન્સેપ્ટ તેનાથી આગળ ‘સ્લો મની’ અને ‘સ્લો સિટીઝ’ સુધી પહોંચ્યો. અને તેને ગ્રીન મૂવમેન્ટ સાથે પણ જોડવામાં આવ્યો જે ઇન્ડસ્ટ્રીઅલ લાઇફસ્ટાઇલ અને મટિરિયાલિસ્ટિકના સામે છેડે જોવામાં આવતો.
સ્લો લાઈફ જીવનારાં ઉદાહરણ શહેરોમાં આપણી આસપાસ જડતાં નથી અને ખરેખર સ્લો લાઈફ હાલના સમયમાં શક્ય છે કે નહીં તેના ઉત્તર આપણી પાસે નથી. પરંતુ ગાંધીયુગમાં સ્લો લાઈફ કે જેને સિમ્પલ લિવિંગ છે તેનો મહિમા ગવાયો પણ હતો. માનવજીવનને સુખરૂપ બનાવી શકે તેવી ચાવી ગાંધીજી ગ્રામિણવ્યવસ્થામાં જોતા હતા. ગાંધીજીનો આ ખ્યાલ સારા પ્રમાણમાં પ્રચલિતેય થયો. પરંતુ તે પછી ઝડપથી બદલાયેલી આર્થિક વ્યવસ્થા અને ટેક્નોલોજીએ ગ્રામિણ જીવનના શાંત પાણીમાં કાંકરો ફેંક્યો. જોકે આજે પણ ગ્રામિણ વિસ્તાર કે શહેરના કોલાહલથી દૂર રહેનારાંઓ પોતે વધુ નિરાંતમાં જીવે છે તેવું જણાવે છે, પરંતુ તે સ્લો લિવિંગનું સૌને ફાવે તેવું આદર્શ ઉદાહરણ આપણી પાસે નથી. વિદેશના કેટલાંક ઉદાહરણ મળે છે, જેઓએ તે જીવી બતાવ્યું છે અને તેની ઠીકઠીક ચર્ચા પણ તેઓએ કરી છે. આમાંના એક છે મૂળ ફ્રેન્ચના મેથ્યૂ રિકાર્ડ. તેઓએ પોલેક્યૂલર જિનેટિક્સ ક્ષેત્રમાં પીએચડી ડીગ્રી મેળવી છે. 75 વર્ષના મેથ્યૂ રિકાર્ડ જ્યારે 26 વર્ષના હતા ત્યારે તેમણે જાણીતી પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો હતો. તેમની કિશોરવસ્થા અદ્ભુત રહી છે. પિતા ફિલોસોફર અને માતા ચિત્રકાર. મેથ્યૂના ઘરમાં જ લેખક-ચિંતક હતા. મેથ્યૂ પોતે સંગીતકાર હતો. મેથ્યૂ પોતે મેડિસિનમાં નોબલ સન્માન મેળવનારાંઓનાં લેબમાં કામ કરતા હતા. મેથ્યૂ રિકાર્ડ માટે કારકિર્દીની અપાર શક્યતા હતી અને તેના જ જોરે તેણે પીએચડી સુદ્ધા કર્યું. આ ગાળામાં જ મેથ્યૂએ એક તિબેટના જીવનની ડોક્યુમેન્ટરી જોઈ અને તેને એમ થવા માંડ્યું કે જીવનની વાસ્તવિકતાને તે તિબેટમાં સારી રીતે સમજી શકાશે. મેથ્યૂએ તો ત્યાં સુધી કલ્પેલું કે, “સોક્રેટીસ અને ફ્રાન્સિસ ઓફ આસિસિ જેવી વિભૂતિઓ હજુ પણ તિબેટમાં જોવા મળશે. અને હું પણ ત્યાં જઈશ.” અને બસ તે તિબેટ માટે નીકળી પડ્યો. મેથ્યૂ આમ 26 વર્ષની જ વયે નિવૃત્ત થયા અને તેમના કહેવા મુજબ પીએચડી પછીનો તેમણે પોતાનો અભ્યાસ પાંચ દાયકાથી હિમાલયની તળેટીમાં કરી રહ્યા છે.
મેથ્યૂ ફ્રાન્સમાં જન્મ્યા. સફળતા તેમના હાથવગી હતી. બધું જ ઉત્તમ હતું, પણ તેમને લાગ્યું કે જીવનની આ બધી જ દોડ અંતે તો પોતાની જાતને ઓળખવામાં અને ખરાં આનંદ મેળવવામાં પૂરતી નથી. અને તેમણે તિબેટ જઈને રહેવાનો નિર્ણય કર્યો. મેથ્યૂની વર્તમાન ઓળખ લેખક, ફોટોગ્રાફર, અનુવાદક અને બૌદ્ધિસ્ટ સાધુની છે. તેઓ નેપાળના શેચેન તેન્યી દાર્જિલિન્ગ્યે મઠમાં રહે છે. તેઓ અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા ‘માઇન્ડ એન્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ’ના બોર્ડ સભ્ય છે. તેઓએ ફ્રાન્સનું રાષ્ટ્રિય કક્ષાનું સન્માન ‘ફ્રેન્ચ નેશનલ ઑર્ડર ઑફ મેરિટ’ મેળવ્યું છે. આ ઉપરાંત તેમણે હિમાલયની આધ્યાત્મિકતા કેમેરામાં કેદ કરી છે અને તેને વિશ્વભરમાંથી સરાહના મળી છે. મેથ્યૂ રિકાર્ડનું લેખક તરીકેનું પણ ખૂબ ખેડાણ છે. તેમનું ‘ધ મોન્ક એન્ડ ધ ફિલોસોફર’ નામનું પુસ્તક દુનિયાની 21 ભાષામાં અનુવાદીત થઈ ચૂક્યું છે.
મેથ્યૂ માને છે કે તેઓ આ જંગી કાર્ય પોતાના જીવનને સ્લો કરીને કરી શક્યા છે. આટલું કામ કરીને પણ તેઓ હંમેશા આનંદમાં રહી શકે છે. આનંદીત રહેવા માટે મેથ્યૂને અનેકવાર પ્રશ્ન પૂછાય છે અને તે વિશે તેઓ ખાસ્સું લખ્યા-બોલ્યા છે. આનંદીત રહેવા અંગેના એક પ્રશ્ન વિશે તેમણે કહ્યું હતું કે, ‘આનંદીત રહેવું સરળ છે અને મુશ્કેલ પણ. તે સરળ છે પણ તે માટે સમય આપવો પડે છે. દલાઈ લામા અનેક વખત કહી ચૂક્યા છે કે પશ્ચિમના લોકોને આત્મસાક્ષાત્કાર પણ ઝડપથી, સરળતાથી અને ઓછા પ્રયાસે કરવો છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ પિઆનિસ્ટ ઝડપથી ન થઈ શકે. આપણે જન્મ્યા ત્યારે લખતાં-વાંચતા જાણતા નહોતા, તે બધું જ આપણે ટ્રેઇનિંગ દ્વારા શીખ્યા.’ મતલબ કે બધી જ પ્રક્રિયા મૂળતઃ ધીરી છે. કુદરતની સર્જનપ્રક્રિયાને પણ જોઈએ તો તેમાં ક્યાંય ઝડપ નથી. કુદરત માત્ર વિનાશ જ ઝડપથી કરે છે.
મેથ્યૂ તો ત્યાં સુધી કહે છે કે હવે વિશ્વનું સ્લો થવું શક્ય નથી, કારણ હવે સાધનો સ્લો થવાના નથી. આજથી દસ વર્ષ પછી આજની ટેક્નોલોજી આપણને જુની પુરાણી લાગશે. પરંતુ આ મશીન આપણી સમજણના સંતુલનને કેવી રીતે જાળવી રાખવું તે શીખવી શકશે નહીં. સંતુલન કેવી રીતે જાળવવું તે આપણા પર નિર્ભર છે. અને ટેકનોલોજી આપણને એ ક્યારેય નહીં શિખવાડી શકે કે ટેક્નોલોજીનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કઈ રીતે કરવો. આવી અનેક વાતો છે મેથ્યૂએ પોતાના લખાણમાં ટાંકી છે. સ્લો લાઈફના અનેક પાસાંની તેમણે ચર્ચા કરી છે.
સ્લો લાઈફ જીવનારાં આવાં જ એક અન્ય વ્યક્તિ જોન જંદાઈ છે. જોન મૂળે થાઈલેન્ડના છે. આજે તેઓ સિમ્પલ લિવિંગના પ્રણેતા છે. તેઓ સરળ અને શાંતિભર્યા જીવનને મહત્ત્વ આપે છે. તેઓ કહે છે કે, “હું ગામડાંમાં જન્મ્યો જ્યાં નાણાં વ્યવહાર થતો નહોતો. ગામમાં સાટા પદ્ધતિથી વ્યવહાર થતો. ત્યારે ગામમાં કોઈ વ્યક્તિ ‘ગરીબ’ શબ્દનો ઉપયોગ કરતાં નહીં, બસ જે-તે વ્યક્તિ મુશ્કેલીમાં છે તેઓ ઉલ્લેખ થતો. આ સ્થિતિમાં એકબીજાને મદદ કરવાની અને અરસપરસ સહકારથી ગામમાં શાંતિ હતી અને આનંદેય હતો. પરંતુ ટેલિવિઝન આવવાથી આ બધું જ બદલાયું અને વધુ નાણાં માટે લોકો વધુ કામ કરવા લાગ્યા. પરંતુ વધુ કામ, વધુ વ્યસ્તતાનું પરિણામે મોજશોખ વધ્યા અને તેમની પાસે નાણાં તો આવ્યા નહીં, પણ તેઓ દેવાદાર બન્યાં.” આ સ્થિતિમાં લોકો શહેર તરફ જવા લાગ્યા અને જોન પણ તેમાંનો એક હતો. શહેરમાં ગયા પછી જોન અસ્તિત્વ ટકાવા પૂરતું જ કમાવી શકતો. અને પછીથી તેણે પોતાના ગામ ફરવાનું નક્કી કર્યું અને ગામમાં ખેતી કરીને આહાર મળી રહે અને કપડાં પણ તૈયાર કરી શકાય તેવી વ્યવસ્થા માટે પ્રયાસ શરૂ કર્યાં. આજે તેઓ આત્મનિર્ભર છે અને સરળ જીવન માટે સૌને પ્રોત્સાહન આપી રહ્યા છે.
સ્લો લિવિંગના આવાં અનેક ઉદાહરણ મળી શકે છે. પરંતુ મેથ્યૂ અને જોને સ્લો લાઇફ જીવ્યાં છે, અને પોતાની આસપાસ એવું વિશ્વ બનાવી શક્યા છે જે નિરાંતમય હોય. નવા વર્ષમાં મેથ્યૂ અને જોન જેવી નિરાંત સૌને મળે તેવી અપેક્ષા….
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









