Monday, January 20, 2025
HomeGujaratAhmedabadઅયોધ્યાની કાયપાલટથી તે રામની નગરી બનશે?

અયોધ્યાની કાયપાલટથી તે રામની નગરી બનશે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): જાન્યુઆરી મહિનો ઉત્સવ અને કાર્યક્રમોમાં વિતવાનો છે. ગાંધીનગર ખાતે દસમી વાઇબ્રન્ટ સમિટ યોજાવામાં આવી હતી; અને તે પછી રાજ્યમાં ઉતરાયણનો તહેવાર મનાવવામાં આવ્યો. એ પછીની ધૂમધામ રામમંદિરમાં (Ram Mandir) થનારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની રહેવાની. અયોધ્યાના (Ayodhya) રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી દેશભરમાં થશે અને તેમાં સરકારે પોતાની વ્યવસ્થા કામે લગાવી છે. દેશભરમાં તે માટે આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. આ મહોત્સવમાં કોણ આવશે તેની ખૂબ ચર્ચા થવાની છે. આ કાર્યક્રમ અર્થે અયોધ્યાને શણગારવામાં આવી છે. અયોધ્યા શહેર લાંબા અરસા સુધી વિવાદનું કેન્દ્ર રહ્યું અને ત્યાં વિવાદના કારણે વિકાસની શક્યતા પણ નહિવત્ હતી. પરંતુ હવે તે દિવસો વીતી ચૂક્યા છે અને અયોધ્યા ફરી એક વાર આર્થિક રીતે ધમધમતું શહેર બન્યું છે. અયોધ્યા જિલ્લો છે અને તેની વસતી 2011ના વસતી ગણતરી મુજબ 25 લાખની નોંધાઈ હતી, હવે તે વધીને 35 લાખની આસપાસ થઈ હશે. જિલ્લાની માન્ય ભાષાઓમાં હિંદી, ઉર્દૂ ઉપરાંત અવધીને પણ સ્થાન છે.

ayodhya ram mandir
ayodhya ram mandir

હિંદુ ધર્મની આસ્થા પ્રમાણે અયોધ્યા પવિત્ર નગરી છે અને હવે ત્યાં બિઝનેસ પણ થશે. અયોધ્યામાં વેપાર-રોજગાર વધે તે માટે સરકારે માળખાકીય સુવિધામાં કોઈ કસર છોડી નથી. અયોધ્યા નાનું નગર નહીં; પણ શહેર તરીકે નિર્માણ પામ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા વિકાસ માટે 2017માં જ્યાં માત્ર 12 કરોડ ફાળવ્યા હતા, તે સરકારે એક જ વર્ષ બાદ પાંચસો કરોડની રકમ ફાળવીને શહેરને વિસ્તારવાનું કામ ઉપાડ્યું હતું. અયોધ્યામાં અત્યાર સુધી વર્ષમાં ત્રણ મેળા થતાં જ્યારે તેમાં લોકો એકઠા થતાં અને વેપાર-રોજગારને વેગ મળતો, પરંતુ હવે બારેમાસ વેપાર કરનારાઓ વ્યસ્ત રહેશે. અયોધ્યામાં અગાઉ કોઈ પણ આવતું તો તેના નિવાસ માટે ધર્મશાળાઓ હતી, હવે મસમોટી હોટલો નિર્માણ પામી ચૂકી છે. આ રીતે અયોધ્યામાં ઘરોમાં નિવાસ[હોમ સ્ટે]ના કન્સેપ્ટને પણ વેગ આપવામાં આવી રહ્યો છે, તે માટે અત્યાર સુધી અયોધ્યા કોર્પોરેશનને 600 અરજી આવી છે, તેમાંથી અડધોઅડધને મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશન પાસે હજુ 35 હોટલની મંજૂરી પેન્ડિંગ છે. અયોધ્યા નગરીના વિકાસનો આ અહેવાલ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં આવ્યો છે, તેમાંથી કેટલાંક અંશો અહીં લીધા છે.

- Advertisement -
ayodhya ram mandir
ayodhya ram mandir

અયોધ્યા વિવાદનો સુપ્રિમ કોર્ટે ચુકાદો નહોતો આપ્યો ત્યાં સુધી અહીંના લોકો પરેશાન હતા, સરકાર પણ અયોધ્યામાં કશુંય કરવા ઇચ્છુક નહોતી, પરંતુ આ નગરવાસીઓને જાણે હવે ચાંદીચાંદી થઈ છે. એક સામટા 178 પ્રોજેક્ટ પર અયોધ્યામાં કામ થઈ રહ્યું છે અને તેની પર ત્રીસ હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. તેમાં માર્ગ, રેલવેસ્ટેશન, ઘાટનું બ્યુટિફિકેશન છે. ઉપરાંત તેમાં એ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આવનારાં દિવસોમાં મોટા પ્રમાણમાં લોકો અયોધ્યા આવે તો તેમને કેવી રીતે સગવડ મળે. આ સગવડ ઊભી કરવા માટે રાજ્ય અને કેન્દ્રની 37 એજન્સીઓ કાર્યરત છે.

ayodhya ram mandir
ayodhya ram mandir

અયોધ્યામાં જે કક્ષાનું કાર્ય થઈ રહ્યું છે તેની ઝલક રેલવે સ્ટેશનથી મેળવી શકાય છે. 251 કરોડના ખર્ચે ત્રણ માળનું અત્યાધુનિક રેલવેસ્ટેશન અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એસ્કેલેટર છે, લિફ્ટ છે, ફૂડ પ્લાઝા, વેઇટિંગ હોલ્સ, ટોઇલેટ્સ, પીવાના પાણીની વ્યવસ્થા અને ઉપરાંત રેલવે સ્ટેશન પરની દેશનો સૌથી પહોળો એરિયા અહીં નિર્માણ કરવામાં આવ્યો છે. આ અગાઉ જૂના સ્ટેશન પર રોજની 25 ટ્રેનમાં દસ હજાર પ્રવાસીઓ અવરજવર થતી. હવે નવું રેલવે સ્ટેશન રામ મંદિરથી માત્ર છ કિલોમીટરની અંતરે બનાવવામાં આવ્યું છે અને ત્યાં એક દિવસમાં 40 ટ્રેનો આવી શકશે; અને 50,000 જેટલા પ્રવાસીઓને સ્ટેશનમાં હેન્ડલ કરી શકાશે.

રેલવે સ્ટેશનની જેમ નવું એરપોર્ટ પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એરપોર્ટ મળવાની દૃષ્ટિએ અયોધ્યા શહેર નાનું છે, પરંતુ રામ મંદિરના કારણે અયોધ્યાને નવું એરપોર્ટ મળ્યું છે. આ એરપોર્ટનું નામ ‘મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ’ રાખામા આવ્યું છે અને ટૂંક સમયમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો કંપનીઓ દ્વારા તે ઓપરેશન મોડમાં આવશે. પહેલાંના એરપોર્ટમાં માત્ર 178 એકરમાં માત્ર એક એર સ્ટ્રીપ હતી, હવે તેનાથી પાંચ ગણી મોટી જગ્યા એરપોર્ટને આપવામાં આવી છે. એરપોર્ટનો શણગાર પણ ત્રેતાયુગના ચિત્રકામથી કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ત્રેતાયુગમાં અયોધ્યામાં શાસનકર્તા તરીકે રામ હતા. ટર્મિનલની ઇમારત શિખર આકારની રાખવામાં આવી છે અને પૂરા એરપોર્ટનાં દિવાલને રામના જીવનને ઝાંખી મળે તે રીતે તૈયાર કરવામાં આવી છે. એરપોર્ટ નિર્માણ પંદરસો કરોડ ખર્ચાયા છે; અને જેમાં સાડા ત્રણસો કરોડનો ખર્ચ ‘એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’એ કર્યો છે; બાકીનો ખર્ચ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા. ટર્મિનલની નવી ઇમારત એક સાથે 500 પ્રવાસીઓને સગવડ આપી શકશે. આ પહેલાં કોઈ પણ વિમાનની મુસાફરી દ્વારા અયોધ્યા આવવા માંગતુ તો લખનઉ આવીને; તે પછી અયોધ્યા માર્ગનો વિકલ્પ હતો. હવે અન્ય શહેરો સાથેની અયોધ્યામાં સીધી જ વિમાનની કનેક્ટિવિટી મળશે.

- Advertisement -

એક વાર પ્રવાસી અયોધ્યા આવી ગયા બાદ તેને રામમંદિર પહોંચવું હોય તો તે માટે પણ ‘રામપથ’ નામના માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. તેર કિલોમીટર લાંબા, ચાર લેન માર્ગને 845 કરોડ રૂપિયાના રોકાણથી નિર્માણ કરવામાં આવ્યો છે. પહેલાં તો આ માર્ગ 24 મીટર જેટલો પહોળો બનાવવાની અયોધ્યા કોર્પોરેશનને દરખાસ્ત મંજૂર કરી દીધી હતી, પરંતુ આસપાસના દુકાનદારો અને રહેવાસીના વિરોધના કારણે આ માર્ગ 20 મીટર પહોળો જ કરી શકાયો છે. દુનિયાભરના હિંદુઓ અહીં દર્શન માટે આવશે અને ચાર દાયકા સુધી આ અયોધ્યા વિવાદના કારણે રમખાણો થતા રહ્યા. પરંતુ અહીંયા વસનારાં લોકોએ જ પોતાના રોજગારી અને રહેઠાણની જમીન આપવા અંગે વિરોધ નોંધાવ્યો. કોર્પોરેશન આ લોકોના દુકાન કે નિવાસ નથી લઈ શક્યા, પણ રામમંદિર તરફ જતા આ માર્ગનું રંગરોગાન રામના જીવનથી કરવામાં આવ્યો છે. અહીંની એક પણ દુકાન– શંખ, ત્રિશુલ, ગદા કે સ્વસ્તિક જેવા ચિહ્નો વિનાની નથી. એ જ પ્રમાણે ‘રામપથ’ પર આવવા માટે ‘ધર્મપથ’ નામનો બે કિલોમીટરનો રસ્તો પણ નિર્માણ થયો છે. આ માર્ગ લખનઉ-ગોરખપુર એક્સપ્રેસ હાઇવે સાથે જોડાય છે. તે માટે પણ 65 કરોડની રકમ ખર્ચાઈ છે. અયોધ્યામાં ક્યાંયથી પણ પ્રવેશ કરો રામમંદિર તરફ જવાના તમામ માર્ગને પહોળા કરવામાં આવ્યા છે અને રામ કે હિંદુ ધર્મની ઝાંખી આસપાસ ચિતરવામાં આવી છે. માત્ર ચાર વર્ષમાં થયેલી અયોધ્યાની કાયાપલટ સુપ્રિમ કોર્ટના ચુકાદાને આભારી છે અને તે કારણે અહીં દુકાન ભાડે રાખનારા માત્ર એક હજાર જેટલી રકમ ચૂકવીને બિઝનેસ કરતા હતા, તેમનું ભાડું 8,000 રૂપિયા સુધી પહોંચ્યું છે. એટલું જ નહીં આવનારાં દિવસોમાં 10,000 ભાડું ચૂકવવું પડશે તેવી માલિકીઓ ચેતવણી પણ આપી દીધી છે. મતલબ, રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થશે, પછી બિઝનેસ કેવી રીતે વધશે તેની નિશાની છે, અને તેમાં ગરીબ વર્ગની બાદબાકી થતી જશે. રામરાજ્યમાં આવું સંભવી ન શકે, પણ રામના નામે રાજકારણ અને બિઝનેસ કરવાનો કાળ છે, જેમાં આ બધું સહજ છે અને તેનો કોઈને વિરોધ પણ નથી.

સ્વાભાવિક છે કે જ્યારે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અહીંના યુવાનોને રોજગારની આશા તેમાં દેખાઈ રહી છે. વિશ્વભરના હિંદુઓ અહીં દર્શને આવશે અને તેનો લાભ સીધો અહીંના યુવાનોને થશે. જોકે અયોધ્યામાં વસતાં મુસ્લિમ સમાજ નવા અયોધ્યામાં ‘ગંગા-જમના તહજીબ’ જળવાઈ રહે તેવું ઇચ્છે છે. મુસ્લિમ સમાજનું માનવું છે કે અયોધ્યા હિંદ-મુસ્લિમ માટે ધર્મનગરી છે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને ઐતિહાસિક ક્ષણ તરીકે સરકાર ઊજવી રહી છે અને આવનારા લોકસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો જોરશોરથી લોકો સમક્ષ મૂકવામાં આવશે. વર્લ્ડક્લાસ સિટી અયોધ્યા બને તો પણ તેમાં જે સદીઓથી તમામ સમૂહના લોકો એક સાથે વસવાટ કરી રહ્યા છે, તેમની બાદબાકી ન થવી જોઈએ. નહીંતર અયોધ્યા રામનામની સાચી નગરી ક્યારેય નહીં બની શકે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular