Thursday, April 30, 2026
HomeGujaratરાજ્યનાંઅનેક એવાં ઘરો હશે જ્યાં પસંદગીનું પુસ્તક પહોંચ્યું અને વંચાયું તેમાં અરવિંદભાઈ...

રાજ્યનાંઅનેક એવાં ઘરો હશે જ્યાં પસંદગીનું પુસ્તક પહોંચ્યું અને વંચાયું તેમાં અરવિંદભાઈ માધ્યમ બન્યા…

- Advertisement -

કોરોનાના છેલ્લા વર્ષના ગાળામાં ભાગ્યે જ એવું કોઈ હશે જેમના નજીકના પરિવારજનોમાંથી કોઈની વિદાય ન થઈ હોય. નવજીવનના પરિવારમાંથી 29 એપ્રિલના રોજ અરવિંદભાઈ શુક્લની વિદાય થઈ. 80 વર્ષના અરવિંદભાઈનો સ્વભાવ સદાય પ્રવૃત્ત રહેવાનો. આ સ્વભાવના જોરે તેમણે રાજ્યમાં જિલ્લે-જિલ્લે અને ગામેગામ પુસ્તકમેળા કર્યા અને પુસ્તકપ્રેમીઓને ઘરઆંગણે પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યાં.

પુસ્તકો સાથે તેમનો અનુબંધ આજીવન રહ્યો. પુસ્તકોના વાચનનો અને તે વિશેની ઝીણવટભરી માહિતી રાખવાનો તો ખરો જ; પણ સૌથી વધુ ખરા વાચકો પાસે પુસ્તકો પહોંચાડવાનો અનુબંધ વિશેષ. આ અર્થે તેમનું લાંબું જોડાણ લોકમિલાપ પ્રકાશન સાથે રહ્યું. લોકમિલાપ દ્વારા મહેન્દ્ર મેઘાણીએ ગુજરાતી ભાષામાં જે જ્ઞાનયજ્ઞ ચલાવ્યો, તેના સારથિરૂપે અરવિંદભાઈ હતા. પુસ્તકમેળામાં સ્ટૉલની ગોઠવણ હોય, તેમાં ડિસ્પ્લે થતાં પુસ્તકોની પસંદગી હોય કે સાજસજ્જા; તે બધી જ જવાબદારી તેમના શિરે લે. પ્રવૃત્ત રહીને તેનું પરિણામ એવું લાવે કે પુસ્તકપ્રેમી સ્ટૉલમાં પ્રવેશે ત્યારે અચૂક વધુ સમય ગાળે. અને જો તે વાચકને પુસ્તક વિશે પ્રશ્ન થાય તો તેનો ઉત્તરેય તેમની પાસે હોય. પુસ્તકપ્રેમીઓને ગમતું પુસ્તક પહોંચાડવાની અરવિંદભાઈ જેટલી નિષ્ઠા ભાગ્યે જ કોઈ કેળવી શકે. તેમણે તે કેળવી અને જીવનભર અમલમાં મૂકી.



- Advertisement -

લોકમિલાપમાં ત્રણ દાયકા સુધી એકધારું તેમણે આ કાર્ય કર્યું. માત્ર આજીવિકારૂપે નહીં, પણ નિષ્ઠા-નિસબતથી. રાજ્યનાં આજે અનેક એવાં ઘરો હશે જ્યાં પસંદગીનું પુસ્તક પહોંચ્યું અને વંચાયું તેમાં અરવિંદભાઈ માધ્યમ બન્યા હોય. કાર્ય સુંદર રીતે પાર પડવું જોઈએ તે તો તેમની વિશેષ યોગ્યતા; પણ તે સાથે કામ સમયસર થાય તેમાં પણ તેમની ચોકસાઈ. સમયના પાબંદ એટલા કે ઘણી વખત લોકમિલાપના દ્વારે પહોંચે ત્યારે મહેન્દ્રભાઈ ઘડિયાળ મેળવી શકે. અતિવ્યસ્તતા વચ્ચે તેમણે ચિત્રની કળાયે ખીલવી હતી.

લોકમિલાપ પછીનો પડાવ નવજીવન રહ્યું. શ્રી જિતેન્દ્ર દેસાઈ મૅનેજિંગ ટ્રસ્ટી હતા ત્યારે તેમણે પુસ્તકો રાજ્યનાં ગામેગામ પહોંચે તે માટે હરતીફરતી વાનનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો હતો. આ કન્સેપ્ટને અમલમાં લાવી શકાયો તેમાં અરવિંદભાઈની ભૂમિકા મુખ્ય રહી હતી. મહેનત અને ધીરજ માગી લે તેવું આ કાર્ય એક દાયકા સુધી થયું અને ગાંધીસાહિત્ય સીધું જ ગામેગામ પહોંચાડી શકાયું. નિષ્ઠાવાન આવા સેવકો થકી જ પ્રકલ્પોના ઉદ્દેશો પાર પાડી શકાય છે.




લોકમિલાપનો અનુભવ નવજીવનમાં દોઢ દાયકા સુધી કામ આવ્યો અને પછી જ્યારે નિવૃત્તિકાળ આવ્યો ત્યારે પણ તેઓએ સ્વભાવ મુજબ પ્રવૃત્ત રહેવાનું જ સ્વીકાર્યું. હવે તેમનું ઠેકાણું બન્યું ગૂર્જર પ્રકાશન. સાડા ચાર દાયકા પુસ્તકોના પ્રસાર-પ્રચારમાં આપ્યા પછી ઢળતી ઉંમરેય ગૂર્જરમાં ઉત્સાહભેર કામ કર્યું. આંબાવાડી વિસ્તારમાં ગૂર્જરના એક આઉટલેટની જવાબદારી તેમણે સંભાળી. અને એ રીતે સંભાળી કે ટૂંકાગાળામાં તે પુસ્તકપ્રેમીઓનું પસંદીદા સ્થાન બન્યું. ઉંમરના સાડા સાત દાયકામાંથી સાઠ વર્ષનો જ ચોખ્ખો હિસાબ આમ પુસ્તકોના પ્રચાર-પ્રસાર અર્થેનો જ મળે છે. ઉંમરના હિસાબે તેમના જીવનનો અંતિમ પડાવ ફરી નવજીવન બન્યું. અહીયા કર્મકાફેમાં કરેલી પુસ્તકોની ગોઠવણી આજેય નજરે ચઢે છે. એંસીની ઉંમરે તેમનાં બે ઑપરેશન થયાં. તે સરસ રીતે પાર પડ્યાં. પણ અંતે કોરોનાની સામે જિંદગીનો જંગ તેમના શ્વાસ જીતી ન શક્યા.

[नवजीवनનો અક્ષરદેહના માર્ચ-એપ્રિલ,21 અંકમાંથી]



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular