નવજીવન ન્યૂઝ. સુરત: ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાંથી ગુજરાત SMCએ થર્ટી ફર્સ્ટ માટે મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ ગુનામાં કુલ 1.26 લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણને દબોચી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં ઓલપાડ ભાજપ(BJP)નો કાર્યકર બુટલેગરનો પણ સમાવેસ થાય છે.

વિગત મુજબ SMCની ટીમ ગત મંગળવાર, તા.૨૭ ના રોજ ઓલપાડ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે સમયે હેડ કોન્સટેબલ વિષ્ણુ કાળા રાયકાને બાતમી મળી હતી કે, ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે સિવાણ રોડ ઉપર પેટ્રોલ પંપની નજીક શ્રીજી મોલના નીચેના ભાગેની પહેલી દુકાનમાં બળવંત ઉર્ફે માંજરો સુરેશ ઠાકોર તથા મહેશ ઉર્ફે રોબોટ નામના બુટલેગરો બંને ભેગા મળી વિદેશી દારૂનો જથ્થો મગાવી માણસો ભાડેથી રાખીને દારૂનો વેપાર કરી રહ્યા છે. આ બાતમીના પગલે પોલીસે રેડ કરતા બાતમી સ્થળેથી ભાગતા ત્રણ વ્યક્તિઓને પોલીસે પીછો કરી દબોચી લીધા હતા. પોલીસે દારૂના અડ્ડા પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને ટીન બીયરની બોટલ નંગ-૧૦૫, જેની કુલ કિંમત 15,960 રૂપિયા તથા ઝડપેલા આરોપીની અંગઝડતીથી મળેલા રોકડા 9470 રૂપિયા, અને સ્કુટર નંગ-૦૨, જેની કિંમત 9૦,૦૦૦ રૂપિયા, મોબાઇલ ફોન નંગ.૪, જેની કિંમત 11,૦૦૦ રૂપિયા એમ મળી કુલ રૂપિયા 1,26,420 નો મુદ્દામાલ કબજે લઈ ત્રણને દબોચી લીધા હતા. જ્યારે ઝડપાયેલા આરોપીઓએ દારૂનો જથ્થો મંગાવનારા અને સપ્લાયર સહિત દારૂ મોકલનારના નામ પોલીસ સમક્ષ ખોલતા પોલીસે ત્રણે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે પ્રોહીબિશનના આ ગુનામાં કુલ છ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ત્રણ આરોપીઓને દબોચી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
આ રેડમાં પોલીસે સાયણ સુગર રોડ ઉપર આવેલ નહેર કોલોનીના હળપતિવાસમાં રહેતા બે આરોપીઓ પૈકી સાગર સોનવણે (ઉ. ૨૫), પ્રકાશ ઉર્ફે લુલીયો વસાવા(ઉ.વ ૨૨) અને મુળ ઓરિસ્સા રાજ્યનો આલોક ઉર્ફે ટેણી સામબરી ઉર્ફે રવિ નાયકને દબોચી લીધા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મગાવનાર બળવંત ઉર્ફે માંજરો સુરેશ ઠાકોર, મહેશ ઉર્ફે રોબોટ વસાવા અને આશિષ મિશ્રાને વોન્ટેડ જાહેર કર્યા છે.
વીધાનસભા ચુંટણી પહેલા ઓલપાડ તાલુકા ભાજપ તરફથી મંત્રી મુકેશ પટેલની આગેવાની હેઠળ સાયણ ખાતે કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બુટલેગર બળવંત ઉર્ફે માંજરાએ મંત્રીનાં હાથે ખેસ પહેરી ભાજપમાં જોડાયા બાદ રાજકીય પીઠબળ હેઠળ દારૂનો વેપલો કરતો હતો, આટલું જ નહી પણ સ્થાનિક પોલીસ પણ તેને બચાવતા અંતે SMCની ટીમે કામગીરી કરી બતાવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








