Thursday, April 16, 2026
HomeGeneralસુરત: પોલીસ અધિકારી બનવાની ઈચ્છા બાજુ પર રાખી, દીકરીએ ડોક્ટર બનીને માતાની...

સુરત: પોલીસ અધિકારી બનવાની ઈચ્છા બાજુ પર રાખી, દીકરીએ ડોક્ટર બનીને માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત ગ્રામ્ય): ગુજરાતી મીડિયમમાં 2014 માં ધોરણ 12મુ ધોરણ પાસ કર્યા બાદ એક વર્ષ ઘરે રહી ત્યારે સુરતની શિફાએ પોતે પોલીસ અધિકારી બનવા ઇચ્છતી હતી પરંતુ પોતાની માતા સહેનાજ શેખે એને ફિજીયોથેરાપી ડોક્ટર બનવાનું કહ્યું ત્યારે ઘરના કેટલાક સદસ્યો માતાના આ મતની વિરુદ્ધ હતા તે સ્વભાવિક હતું. “મુસ્લિમ સમાજમાં કઇ દીકરીઓ ભણે છે, આપણે આપણી દીકરીને ભણાવવાની જરૂર નથી, એતો રોટલા નાખશે” આવું માતાને કહેવામાં આવ્યું. ત્યારે ગામડાની વિચારધારાથી ઉપરવટ જઈને એક માતા તરીકેની ફરજ અદા કરવાની વાતે ટસથી મસ નહીં થઈ  પત્રકાર દિકરા અને પતિના સહકારથી દીકરીને ડોક્ટર બનાવવાનું નકકી કર્યું. 



- Advertisement -

વર્ષ 2016માં સ્વામિનારાયણ ફિજીયોથેરાપી કોલેજમાં દીકરીનું એડમિશન કરાવ્યું. એડમિશન થયા બાદ પણ કુટુંબના ઘણા લોકો ટોણા મારતા કે દીકરીને નહીં ભણાવવાની અને જે આખો દિવસ મોબાઈલમાં ગીતો સાંભળતી હોય તે કઈ રીતે ડોકટર બનવાની હતી. દીકરી ગુજરાતી મીડીયમમાં ભણેલી અને તેથી પણ વધુ માતાના વિચારો ખૂબ ઉંચા હતા. એ એવું ઇચ્છતી હતી કે મારી દીકરી ભણીગણીને આગળ આવે અને પોતાના પગ પર ઉભી રહે. જયારે કોરોનાથી આખું વિશ્વ લડી રહ્યું હતું ત્યારે શીફા શેખની માતાને પણ કોરોનાએ ચપેટમાં લેતા તેની માતા સેહનાઝ શેખને સુરતની ખાનગી હોસ્પિટલમાં 52 દિવસ સારવાર આપવામાં આવી, ત્યારે ડોક્ટરી અભ્યાસ કરતી શીફા 52 દિવસ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં રહી તેની માતાની સાથે અન્ય દર્દીઓની પણ સારવાર કરવા છતાં 53 માં દિવસે માતાએ આ દુનિયાને અલવિદા કરી.


માતાના ઇન્તેકાલ બાદ શિફા અને તેના પરિવાર પર આભ તૂટી પડવા જેવી હાલ થઈ, ત્યારે જ મા એ જોયેલું સ્વપ્ન સાકાર કરવાની શિફાએ મનમાં ગાંઠ મારી લીધી. અંતે શિફાની મહેનતે માતાનું સ્વપ્ન સાકાર થયું, ચાર વર્ષની મહેનતે સ્વામિનારાયણ ફિજીયોથેરાપી કોલેજમાં મુંબઈની SNDT Women’s University દ્વારા 45 દીકરીઓને ડોક્ટરની ડિગ્રી એનાયત કરવામાં આવી જેમાં ફક્ત એક જ મુસ્લિમ સમાજની દીકરી શિફા મહેમુદ શેખને ડોક્ટરની ડિગ્રી મળતા યુનિવર્સિટી, સમાજ અને કુટુંબમાં ખુશીની લાગણી છવાઈ. આજે શિફા શેખ ડોક્ટર તરીખે ઓળખાતી થતાં પરિવારજનો ખૂબ ખુશ છે, પરંતુ દીકરીને ડોકટર બનવવા માંગતી માતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેનું ખૂબ દુઃખ પણ છે.

- Advertisement -

શિફા એ નવજીવન સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે સમાજ કોઈ પણ હોઈ દીકરીઓને પોતાના પગભર થવા માટે માતા પિતાએ શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. જયારે દીકરી રોટલી નાખી શકે તો એ વિમાન પણ ઉડાવી શકે, સરહદ પર દેશની સેવા પણ કરી શકે અને સમાજની સેવા પણ કરી શકે છે. જો દીકરી એક વાર ધારે તો અનેક પડકારોનો સામનો કરી સિદ્ધિ મેળવી શકે છે. શિફાનુ સ્વપ્ન પોતાના ગામ તથા આજુ બાજુના ગામડાઓમાં રહેતા ગરીબ પરિવારના લોકોને મફત સ્વાસ્થ્ય લક્ષી સારવાર આપવાનું છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular