નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ સુરતમાં પ્રેમીઓ દ્વારા પ્રેમિકાઓની હત્યા કરવાના અગાઉ ઘણા કેસ સામે આવી ચુક્યા છે. જ્યાં ગ્રીષ્માની પરિવારની આંખો સામે યુવકે કરપીણ હત્યા કરી નાખી તે ઘટનાને હજુ સુધી લોકો ભૂલ્યા નથી ત્યાં હવે કામરેજમાં વધુ એક હચમચાવી મુકનારી ઘટના સામે આવી છે.
સુરતમાં વધુ એક ગંભીર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધ દરમિયાન કોઈ કારણસર યુવતીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. મળતી માહિતી અનુસાર, કામરેજ વિસ્તારમાં આવેલા શ્યામસુંદર એપાર્ટમેન્ટથી યુવતીને તેના પ્રેમીએ પાંચમા માળેથી ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજયું.
આટલું ઓછું હતું ત્યાં, ઘટના બાદ મૃતદેહને ખેતરમાં ફેંકી દેવાયું હોવાની પણ માહિતી મળી છે. ફરિયાદ મળતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં મનમેળ ન થતા તણાવ સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેનાથી ગુસ્સે ભરાયેલા યુવકે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ હાલ આરોપી યુવકની શોધખોળમાં છે અને તેની ધરપકડના પ્રયાસો ચાલી રહ્યા છે. આરોપી ઝડપાયા બાદ હત્યા પાછળનું સાચું કારણ ખુલશે આવશે.
સુરતમાં વધતા જતા ગુનાની ઘટનાઓએ પોલીસની કામગીરી અને શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જેને કારણે દીકરીઓને લઈને પરિવારોમાં પણ હવે ડર જોવા મળી રહ્યો છે. વ્હાલથી મોટી કરેલી દીકરીને આવા છેલબટાઉ પ્રેમીઓ મોતને ઘાટ ઉતારી દેશે અથવા કોઈ એક તરફી પ્રેમી તેનું ગળું કાપીને તેની સાથે ક્રૂરતા કરશે તેવો ભય ઉપસી રહ્યો છે. આવા શખ્સો પર કડક કાર્યવાહીની સતત માગ ઉઠી રહી છે અને દાખલા બેસાડી આવા લોકોના હાથ ક્રાઈમ કરતા પહેલા ધ્રૂજે તેવી કામગીરીની અપેક્ષા રખાઈ રહી છે.








