દિલીપ ચાવડા (નવજીવન. સુરત): ઓલપાડ-સુરત રાજ્ય ધોરી માર્ગ ઉપર માસમા ગામ નજીક સરકારી બોલેરો ગાડીથી શ્રમજીવી બાઈકના ચાલકને પાછળથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં ઓલપાડ પોલીસે પ્રથમ દર્શનીય એક સરકારી ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો નોધી તપાસ કરતા અકસ્માત મોતની ઘટના ખુદ સુરત શહેર હોમગાર્ડ કમાન્ડને કરી હોવાનું નોધાયું છે. આટલું જ નહીં પણ અકસ્માત કરીને ભાગી છુટ્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયેલા કમાન્ડને અકસ્માતના પુરાવા નાસ કરવા સરકારી વાહન રિપેરીંગ કરાવ્યાનું પણ નોધાયું છે.
મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના ફતેહપુર જિલ્લાનો વતની રાજેન્દ્રકુમાર શિવરામ નિશાદ (કેવટ) જે ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતે આવેલ ટેક્ષટાઇલ યુનિટમાં કામ કરતો હોય ગત શુક્રવાર, તા-૧૪ મકરસંક્રાંતિના દિને ૮:૪૫ કલાકના સુમારે રાજેન્દ્ર કેવટ તેના મિત્રની મોટર સાઇકલ ઉપર સવાર થઈ સુરતથી ઓલપાડ જતા રોડ ઉપર માસમા ગામની સીમમાં સિધ્ધનાથ એવેન્યુની સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે દોડતા એક સરકારી બોલેરો વાહનના અજાણ્યા ચાલકે પોતાના કબજાનો બોલેરો પુરઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી રાજેન્દ્ર કેવટના મિત્રની મોટર સાઇકલને પાછળથી ટક્કર મારી અડફતે લીધી હતી.જેથી સર્જાયેલા અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલ રાજેન્દ્ર કેવટ રોડ ઉપર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે ઓછી-વત્તી ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.
જ્યારે અકસ્માત કરી સરકારી બોલેરોનો વાહન ચાલક ઘટના સ્થળેથી ગાડી લઈને નાસી ગયો હતો. જો કે અકસ્માતને નજરે જોનાર મહેશ કેવટે અકસ્માત સર્જનાર સરકારી બોલેરો વાહનની માત્ર સિરીઝ નં. GJ-12 યાદ હોવાથી તેણે ઓલપાડ પોલીસ મથકમાં અજાણ્યા સરકારી બોલેરો ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ઇપીકો કલમ-૨૭૯, ૩૩૭, ૩૦૪ (અ) તથા મોટર વ્હીકલ એક્ટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી ઓલપાડ પી.એસ.આઇ કે. એમ. ચૌહાણ દ્વારા ઘટનાની તલસ્પર્શી તપાસ કરતા સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન એડવોકેટ સંજય કાંતિલાલ પટેલે રહે માસમાં ગામને હોમગાર્ડ વિભાગ તરફથી સરકારી કામો માટે ફાળવવામાં આવેલી સરકારી બોલેરો ગાડી પોતે હંકારી લાવી પરપ્રાંતીય યુવકને મોતને ઘાટ ઉતારી ગાડી લઈને ભાગી છુટેલાનું નોધાયું હતું.
ત્યારે અકસ્માત મોતની ઘટનામાં ભાગી છુટેલો હોમગાર્ડ કમાન્ડન એડવોકેટ સંજય કાંતિલાલ પટેલ ઓલપાડ પોલીસ સમક્ષ અકસ્માતમાં વપરાયેલી લાલ લાઈટ અને સાયરન વાળી તથા જેના પર અંગ્રેજીમાં POLICE લખ્યું હોય તેવી GJ-12, GA-1439 નંબર વાળી બોલેરો ગાડી લઈને ખુદ હાજર થતા પોલીસે તેને જામીન મુક્ત કર્યો હતો. જ્યારે તપાસ કરતા અધિકારી પી.એસ.આઇ કે. એમ. ચૌહાણના કહેવા મુજબ અકસ્માતવાળી સરકારી ગાડી પરથી અકસ્માતની ઘટનાનો પુરાવો નાસ કરવા ગાડીમાં થયેલી નુકસાનીનું પણ સંજય પટેલે રિપેરીંગ કરાવી લીધું હોવાનું તપાસમાં નોધાયું છે.
ઓલપાડ કોર્ટમાં વકીલાત કરતા અને સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન તરીકે ફરજ બજાવતા સંજય પટેલ જ્યારેથી સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન તરીકે નિયુક્ત થયા ત્યારથી તેઓ જુદા જુદા વિવાદમાં આવ્યા છે. અગાઉ દમણ તથા ઓલપાડ તાલુકાના દાંડી ગામે દારૂની મહેફિલ માનતા ફોટા વાયરલ થયા હતા.
![]() |
![]() |
![]() |











