નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેરના એરપોર્ટ (Rajkot Airport) પર આજે સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા ચકચાર મચી ગઈ છે. આજરોજ રાજકોટના એરપોર્ટ પર એક રિક્ષા ચાલકે (rickshaw driver) રિક્ષા અથડાવી ગેટ તોડી નાખી રનવે સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે રિક્ષા ચાલકને સી.આઈ.એસ.એફ.ના (CISF) સ્ટાફે ઝડપી લેતા મોટી ઘટના ટળી હતી. આ ઘટના સમયે ઈન્ડિગોનું વિમાન રન-વે પર હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. પોલીસે રિક્ષા ચાલકને પકડી લઈ તપાસ કરતા તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની વિગત એવી છે કે, રાજકોટ શહેરના એરપોર્ટ પર આજરોજ એક રિક્ષા ચાલક દરવાજો તોડી રનવે સુધી પહોંચવાનો પ્રયાસ કરતો ઝડપાયો છે. રિક્ષા ચાલક અચાનક જ એરપોર્ટ પર ઘસી આવી રનવે પર જવાના ગેટ સાથે રિક્ષા અથડાવી ગેટથી આગળ જતો રહ્યો હતો. જેના પગલે એરપોર્ટની સુરક્ષા અને વી.આઈ.પી. ગેટની મજબૂતાઈ અંગે સવાલ પેદા થયા છે. રિક્ષા ચાલક ઘુસી જતા ફરજ પર તૈનાત સી.આઈ.એસ.એફ.ના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને રિક્ષા ચાલકે પકડી ઝડપી લેવાયો હતો. મળતી વિગતો અનુસાર આ ઘટના સમયે રનવે પર એક વિમાન પણ હતું. આમ સી.આઈ.એસ.એફ.ની ચપળતાના કારણે મોટી ઘટના બનતા અટકી હતી.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રિક્ષા ચાલક એરપોર્ટમાં ઘુસ્યો ત્યારે બુમો પાડતો હતો જેમાં તે બોમ્બ… બોમ્બ… એવી બુમો પાડી રહ્યો હતો. આમ તે રિક્ષા લઈ સીધો રનવે તરફ જતા માર્ગ પરનો ગેટ તોડી અંદર ઘુસી ગયો હતો. સી.આઈ.એસ.એફ.ની ટીમે રિક્ષા ચાલકને ઝડપી પાડી સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આરોપીની રિક્ષા ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વિગતો સાંપડી રહી છે કે આરોપી રિક્ષા ચાલક દારૂના નશામાં ધૂત હતો અને તેને ચાલવાની પણ ભાન રહી ન હતી.
ઘટનાને પગલે એરપોર્ટની સુરક્ષા પર સવાલ પેદા થતા એરપોર્ટ પર ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એરપોર્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બોમ્બ સ્કવૉડે એરપોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના સમયે બેંગ્લોર જતું વિમાન એરપોર્ટમાં હજાર હતું. માટે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને સામાનનું ફરી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેના પગલે વિમાનને રવાના થવામાં પણ ખાસ્સો સમય બરબાદ થયો હતો.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. સાથે જ પોલીસ તપાસ કરી રહી છે કે રિક્ષા ચાલકે આવું કૃત્ય કર્યું તેની પાછળનો ઈરાદો શું હતો. આમ હવે પોલીસ તપાસ બાદ રિક્ષા ચાલકના આ કૃત્ય વિશે વધું વિગતો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








