નવજીવન ન્યૂઝ.ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) આડે હવે એક સપ્તાહનો સમય બાકી છે. તેવા સમયે મતદારોને પોતાની તરફ કરવા ઉમેદવોરો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે જ મતદારાને રીઝવવા ભોજન પાર્ટી પણ કરાવામાં આવી રહી છે. તેવામાં છેલ્લી ઘડીએ કેટલીક જગ્યાએ દારૂની લહાણી પણ કરાવવામાં આવતી હોવાના કિસ્સા અગાઉ પ્રકાસમાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં આવા બનાવ ન બને તે માટે પોલીસ અને એજન્સી દ્વારા રાજ્યની બોર્ડર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા એક દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી સમયએ દારૂની માગ વધતી જતી હોય છે. આ માગને પુરી કરવા મોટી સંખ્યામાં દારૂનો જથ્થો રાજ્યામાં ઘુસાડવા બુટલેગરો દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવતા હોય છે. ચૂંટણી સમયે રાજ્યની સરહદો પરથી દારૂનો જથ્થો ન આવે તે માટે સ્ટેટ મોનિટરીંગ સેલે નેટવર્ક મજબુત કર્યું છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠલ અરવલ્લી જિલ્લામાંથી દારૂનો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ ટીમને માહિતી મળી હતી કે, ગુજરાત- રાજસ્થાન બોર્ડર પાસેથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે. માહિતીના આધારે ટીમે અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને બેઠી હતી. દરમિયાન GJ 6YY 4280 નંબરનો ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક પ્રકાશસિંહ ઉર્ફે બોદુ પુનમસિંહ ચૌહાણની ધરપકડ કરી આગવી રીતે પુછપરછ કરતા આરોપીએ વટાણા વેરી પોપટની જેમ માહિતી આપવા લાગ્યો હતો.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતુ કે, આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર દેવીલાલ સંપતલાલ કલાલે મોકલ્યો હતો અને નડિયાદ ખાતેના બુટલેગરને ડિલેવરી કરવાનો હતો. સ્ટેટ મોનિટરિંગની ટ્રકમાંથી ટીમે રૂ.૩૮.૪૦ લાખના દારૂના જથ્થા સાથે કુલ રૂ.૪૦.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનનો બુટલેગર અનેકવાર ગુજરાતમાં દારૂ ઠલવવાના કેસમાં પોલીસ ચોંપડે ચઢી ચૂક્યો છે, જેને સ્ટેટમોનિટરીંગની ટીમે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી ટાણે હાઈવે પર પોલીસની સતત વોચના કારણે હવે બુટલેગરે નવો કીમિયો શરૂ કર્યો છે. છોટા ઉદેપુરમાં નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ખેપ મારવા બુટલેગરે નદીનો સહારો લેવા જતા સ્ટેટ મોનિટરીંગની ટીમે પ્લાન નિષ્ફળ કર્યો હતો. નર્મદા નદીમાં બોટથી લાવેલા દારૂના જથ્થાનું કટીંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન સ્ટેટ મોનિટરીંગની ટીમ ત્રાટકતા પાંચ લોકોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બોટમાંથી રૂ.૨.૦૪ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. આરોપીએ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી હરિયા નામના બુટલેગર પાસેથી લાવ્યા હોવાનુ કબુલાત કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








