Saturday, October 10, 2026
HomeGujaratરુપાની લાશ પર માટી નાખતા કોન્સ્ટેબલને લાગ્યું કે તે પોતાના ઉપર જ...

રુપાની લાશ પર માટી નાખતા કોન્સ્ટેબલને લાગ્યું કે તે પોતાના ઉપર જ માટી નાખી રહ્યો છે | શતરંજ-54

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-54, નવજીવન ન્યૂઝ): ઈન્સપેક્ટર વિનોદ પરમારે ડીજીપી ઑફિસમાં પાંચમા માળે આવેલી પોતાની ઑફિસની બારીમાંથી બહાર જોયું. હજી અંધારું હતું. હજી ગાંધીનગર ઊંઘતું હતું ત્યાં ચા આવી. તેમણે પહેલા મહેન્દ્રસિંહને ચા આપી અને પછી પોતે ચા પીવાની શરૂઆત કરી. તે આખી ઘટનાને ફિલ્મના ફ્લૅશબૅકની જેમ જોઈ રહ્યા હતા, જ્યારે તેમની પાસે તપાસ આવી ત્યારે કોઈ કડી ન હતી. એક પછી એક કડીઓ જોડાવા લાગી હતી. જાણે તેમને કોઈ અજાણી કુદરતી મદદ મળી રહી હોય તેવું તેઓ માનતા હતા. ત્યાં ‘વિવેક પંત બોલાવે છે’, તેવું કહેવા એક પોલીસવાળો આવ્યો. તેમણે એક જ ઘૂંટમાં ચા પૂરી કરી અને મહેન્દ્રસિંહને પોતાની સાથે આવવા કહ્યું. મહેન્દ્રસિંહના ધબકારા વધી ગયા હતા. પરમારના ધ્યાનમાં તે આવ્યું. તેમણે તેના ખભા ઉપર હાથ મૂકી ‘ચિંતા કરીશ નહીં’ તેવું સાંત્વન આપ્યું.

બંને પંતની ચેમ્બરમાં દાખલ થયા. બંનેએ એક સાથે સલામ કરી. પરમારે ઇશારો કરતાં કહ્યું, “સર, મહેન્દ્રસિંહ હૈ, ઉન્હોંને સભી બાતેં બતા દી.” પંતે મહેન્દ્રસિંહને માથાથી પગ સુધી જોયો અને પછી કહ્યું : “જો હો ગયા વો હો ગયા. મૈં જાનતા હૂં તુમ્હારી કોઈ ગલતી નહીં, લેકિન યહાં આકે તુમને હમ કો ઓર ખુદ કો ભી મદદ કી હૈં, સ્ટેટમેન્ટ દે દેના, બાકી કી બાત પરમાર બતા દેંગે.” પછી પરમારને સંબોધન કરતાં કહ્યું, “હો સકે ઉતના જલદી સ્ટેટમેન્ટ ખતમ કરો. ઔર મુઝે બતાઓ… મૈં ભી સાથ મેં આઉંગા. મૈંને ફોરેન્સિક ઑફિસરોં કો બુલાયા હૈ, વો આતે હી હોંગે.”

- Advertisement -

પરમાર પાછા મહેન્દ્રસિંહને લઈ પોતાની ચેમ્બરમાં આવ્યા અને તેમણે જાતે મહેન્દ્રસિંહનું નિવેદન નોંધવાની શરૂઆત કરી હતી. વચ્ચે વચ્ચે ક્યાંક પરમાર પેટાપ્રશ્નો પૂછતા અને મહેન્દ્રસિંહ તેના જવાબો આપતો હતો. હવે કાગળ ઉપર રૂપા ક્યાં છે તેનો પત્તો મળી ગયો હતો. જોકે મહેન્દ્રસિંહ જે કહી રહ્યો હતો તેના સાંયોગિક પુરાવા બાકી હતા. લગભગ દોઢ કલાક થયા, બારીની બહારથી સવારનું અજવાળું અંદર આવવા લાગ્યું હતું. નિવેદન પૂરું થયા પછી, પરમારે પહેલાં તો મહેન્દ્રસિંહને જ પોતાનું નિવેદન એક વખત વાંચી જવાની સલાહ આપી. પહેલાં તો ‘સાહેબ તમે લખ્યું બરાબર જ હશે’ તેવો જવાબ મહેન્દ્રસિંહે આપ્યો હતો. છતાં પરમારે તેને આગ્રહ કરી, તે વાંચવાની ફરજ પાડી. મહેન્દ્રસિંહે વાંચીને પરત આપતાં કહ્યું, “બરાબર છે.” તરત જ પરમારે બાજુની રૂમમાં બેસાડેલા બે પંચો બોલાવ્યા, તેમને મહેન્દ્રસિંહનું નિવેદન હતું તે વાંચવા આપ્યું. તેમણે વાંચી લીધા પછી, તેમની હાજરીમાં જ તેમણે મહેન્દ્રસિંહને પૂછ્યું, “તમે જે કહ્યું તે જ મેં લખ્યું છે ને?” મહેન્દ્રસિંહે છોભીલા પડતાં કહ્યું, “અરે સાહેબ, તમે ખોટું શું કામ લખો?” ત્યાર બાદ પંચોનાં નિવેદન લીધાં કે પોલીસે તેમની હાજરીમાં પોલીસ કૉન્સ્ટેબલ મહેન્દ્રસિંહનું નિવેદન નોંધ્યું હતું.

વિનોદ પરમાર ઊભા થઈ થોડી વાર માટે બહાર ગયા, ત્યારે સવારના છ વાગ્યા હતા. પાછા આવ્યા પછી તેમણે કહ્યું, “ચાલો આપણે નીકળીએ.” મહેન્દ્રસિંહ તેની સામે જોઈ રહ્યા. પરમારે તેના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું : “વાસદ જવાનું છે. બૉડી રિકવર કરવી પડશે ને!” મહેન્દ્રસિંહ પણ પોલીસવાળો હતો, તે સમજી ગયો. કંઈ બોલ્યો નહીં. બધા ડીજીપી ઑફિસની નીચે ઊતર્યા. ત્યાં સરકારી ગાડીઓ કતારમાં ઊભી હતી. વિવેક પંત અને ફોરેન્સિક ઑફિસર ગોવિંદ પટેલ પણ હતા. પરમારે પોતાની ગાડીમાં મહેન્દ્રસિંહ અને બે પંચોને સાથે લીધા. પોલીસનો કાફલો ગાંધીનગરથી નીકળી વડોદરા તરફ દોડવા લાગ્યો. સવારનો સમય હતો. ટ્રાફિકની હજી શરૂઆત હતી, છતાં ક્યાંક કોઈ વાહનોની કતાર મળે તો સૌથી આગળની પોલીસકારની સાઇરન વાગી ઊઠતી અને ટ્રાફિક ક્લિયર થઈ જતો હતો. મહેન્દ્રસિંહ કારમાં તે દિવસનો વિચાર કરી રહ્યો હતો. તે દિવસે વાસદ જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારમાં રૂપાની લાશ હતી, ત્યારે તેણે રૂપાના નિષ્પ્રાણ શરીરને જોયું હતું, ત્યારે એવું લાગતું હતું કે રૂપા હજી સૂઈ રહી છે. તેને ફાર્મ હાઉસમાં રૂપાની કસ્ટડી સોંપવામાં આવી હતી, તેના કારણે તે ચાર દિવસ સુધી ત્યાં હતો. આ ચાર દિવસ દરમિયાન તેણે અનેક વખત રૂપા સાથે વાત કરી હતી.

રૂપા તેને વારંવાર વિનંતી કરતી હતી કે, તેને તેના ઘરે જવું છે; ક્યારેક તે મહેન્દ્રસિંહ ઉપર ગુસ્સો પણ કરતી હતી. તેનો ગુસ્સો પણ વાજબી હતો. એટલે જ મહેન્દ્રસિંહે ક્યારેય રૂપા સાથે ખરાબ વ્યવહાર કર્યો ન હતો. જો માણસ લાંબો સમય કૂતરા સાથે રહે તો તેની સાથે પણ લાગણી થઈ જાય… અને રૂપા તો માણસ હતી. તેની લાશ લઈ જતી વખતે મહેન્દ્રસિંહના મનમાં વસવસો હતો, કે શું કામ આને મારી નાખી! પણ તે નાનો પોલીસવાળો હતો અને માનતો હતો કે, નાના માણસને અનેક કામના જવાબ ક્યારેય મળતા નથી. જ્યારે ખોદેલા ખાડામાં રૂપાની લાશ મૂક્યા પછી તે તેની ઉપર માટી નાખી રહ્યો હતો ત્યારે તેને લાગી રહ્યું હતું કે તે પોતાની ઉપર માટી નાખી રહ્યો હતો અને તેને માટીનું વજન પોતાની ઉપર આવી રહ્યું હોય તેવો ભાર લાગતો હતો. આઠ વાગ્યાની આસપાસ પોલીસનો કાફલો વાસદ પહોંચ્યો હતો. પરમારે પાછું વળી પાછલી સીટમાં બેઠેલા મહેન્દ્રસિંહ સામે જોયું. તે પણ બારીની બહાર નજર કરી, તે રાતે તેમનાં વાહનો ક્યાં ઊભાં હતાં તે યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે આવ્યો ત્યારે અંધારી રાત હતી, તેના કારણે ચોક્કસ જગ્યા કઈ હશે તે વિચાર કરી રહ્યો હતો.

- Advertisement -

વિનોદ પરમારે ગાડી ઊભી રખાવી અને તે મહેન્દ્રસિંહ સાથે ગાડીમાંથી નીચે ઊતર્યા. બાકીના બધા અધિકારીઓ અને સ્ટાફ ગાડીમાં જ બેઠા હતા. મહેન્દ્રસિંહે નીચે ઊતર્યા પછી આજુબાજુ નજર કરી અને રોડની સમાંતર તે ચાલવા લાગ્યા. તેની પાછળ પરમાર પણ હતા. અડધો કિલોમીટર ચાલ્યા પછી પણ ક્યાંથી કોતરો તરફ ગયા હતા, તે રસ્તો મળ્યો નહીં. તેઓ પાછા બંને પોતાની ગાડી તરફ આવ્યા અને જે દિશામાંથી આવ્યા હતા તે તરફ ચાલવા લાગ્યા. એકાદ કિલોમીટર સુધી બંને સાથે ચાલતા રહ્યા. અચાનક મહેન્દ્રસિંહે કહ્યું, “બસ સર, અહીંયાં જ. મને બરાબર યાદ છે કે તે રાતે ગાડીઓ અહીંયાં જ ઊભી રાખી હતી અને અમે લાશ લઈ ચાલવાની શરૂઆત કરી ત્યારે ભેખડોમાં એક નાની દેરી હતી.” તેણે અડધો કિલોમીટર દૂર ભેખડોમાં ફરકી રહેલી દેરીની ધજા તરફ ઇશારો કરતાં કહ્યું, “જુઓ સાહેબ, પેલી દેરી દેખાય છે ને, અમે તે તરફ જ ગયા હતા.” પરમારે તેની સામે જોતાં તેણે કહ્યું, “ચોક્ક્સ આ જ જગ્યા છે.” પરમારે તરત ફોન ઉપર પંત સાહેબને સૂચના આપી અને તમામ વાહનો યુટર્ન લઈ ત્યાં આવી ગયાં.

ત્યાંથી અંદર વાહન જઈ શકે તેવી સ્થિતિમાં ન હતાં. એટલે સૌથી આગળ મહેન્દ્રસિંહ અને પાછળ પોલીસ-અધિકારીઓ ચાલતા હતા. રસ્તામાં પેલી નાનકડી દેરી પણ આવી હતી. ઘણાબધા પોલીસવાળાએ દેરીને જોઈ નમન કર્યું હતું. કુદરત પણ કમાલ હતી. તેના દરવાજેથી પોલીસવાળા કોઈની લાશ લઈ જતા હતા અને ઉપરવાળો ચુપચાપ બેઠો હતો… તેવું પરમાર મનોમન બબડ્યા હતા. એકાદ કિલોમીટર ગયા પછી મહેન્દ્રસિંહ પાછો ઊભો રહી ગયો. હવે જ્યાં રૂપાને દાટી હતી તે જગ્યા ક્યાં હતી તેની તેને ખબર પડતી ન હતી, કારણ આટલા મહિનાઓ પછી બધી જગ્યા સરખી લાગતી હતી અને ચોમાસાના વરસાદને કારણે કે ઘાસ પણ ઊગી નીકળ્યું હતું.

મહેન્દ્રસિંહ આજુબાજુ જોઈ જગ્યા નક્કી કરવા લાગ્યો. ક્યારેક તે જમીનમાં પોતાના બૂટનો આગળનો ભાગ મારી જમીન કઈ હશે તે નક્કી કરવાનો પ્રયત્ન કરતો હતો. તેની તરફ પંત સહિત બધાની નજર હતી. પંદર-વીસ મિનિટ સુધી તે ફરતો રહ્યો હતો, તેને લાગ્યું કે તેઓ ઊભા છે, તેનાથી દસ ફૂટ દૂર જમીનનો એક ભાગ સાધારણ ઊંચો હતો, તેની ઉપર પણ ખાસું ઘાસ ઊગેલું હતું. વળી જેવી રીતે કબર બનાવવામાં આવેલી હોય તેવી રીતે તે જમીન ઊપસેલી હતી. મહેન્દ્રસિંહ તેની પાસે ગયો, તે વિચાર કરતો હતો. પંત તેની પાસે આવ્યા અને કહ્યું, “દેખો, ચિંતા મત કરો, મુઝે કોઈ જલદી નહીં. તુમ્હેં લગતા હૈ, યે જગા હૈ, તો ખોદેંગે ઔર કુછ નહીં મિલા તો, તુમ બતાઓગે વહાં ફિર ખોદેંગે… ટેન્શન મત લો.” મહેન્દ્રસિંહના મનમાં આ જ વાત હતી કે, સાથે એક આઇપીએસ અધિકારી છે અને જો ખોદ્યા પછી કંઈ ના નીકળે તો તે પાછા નારાજ થઈ જશે, પણ પંતના આશ્વાસન પછી તેણે પરમારને કહ્યું, “સાહેબ, અહીંયાં જ.”

- Advertisement -

વિનોદ પરમાર પોતાની સાથે જે પોલીસવાળા લાવ્યા હતા તેમની પાસે કોદાળી અને પાવડા પણ હતા. પરમારે તેમને ઇશારો કરતાં તેઓ આવી ગયા અને ખોદવાની શરૂઆત થઈ.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular