Thursday, October 8, 2026
HomeGujaratરુપા સાથે ઈન્સ્પેક્ટરે જે કર્યું તે જાણી પત્રકારને પણ થયું કે, 'આને...

રુપા સાથે ઈન્સ્પેક્ટરે જે કર્યું તે જાણી પત્રકારને પણ થયું કે, ‘આને દયા ના આવી?’ | શતરંજ-52

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-52, નવજીવન ન્યૂઝ): આદેશ પોતાની ઑફિસમાં સવારની મિટિંગ પૂરી કરી કામ કરી રહ્યો હતો, ત્યારે રાજેન્દ્રસિંહનો ફોન આવ્યો : “આદેશભાઈ, આપણે મળવું પડશે, જરૂરી કામ છે.” ગઈ રાતે જ પાર્ટીમાંથી છૂટા પડતી વખતે રાજેન્દ્રસિંહે કહ્યું હતું કે, તેને કોઈ કામ છે. આદેશે તરત કહ્યું, “અડધા કલાક પછી આપણે યુનિવર્સિટીની કીટલીએ મળીએ.” ગુજરાત યુનિવર્સિટીની પાસે પીઆરએલ જવાના રસ્તે આવેલી ચાની કીટલી ઉપર રોજ અસંખ્ય લોકો આવતા હોય છે. તેના કારણે અહીંયાં કોઈને મળીએ તો કોઈ ત્રાહિત વ્યક્તિ તમને જોઈ જાય તો પણ બહુ સહજ લાગે. તેના કારણે આદેશે કીટલી ઉપર મળવાનું નક્કી કર્યું હતું.

અડધો કલાક પછી આદેશ, કીટલીએ પહોંચ્યો, ત્યાં રાજેન્દ્રસિંહ હાજર જ હતા. તેમની સાથે બીજી એક વ્યક્તિ પણ હતી, જે ગઈ રાતની પાર્ટીમાં પણ હતી. આદેશને તેને જોતાં જ યાદ આવ્યું કે, આ એ જ માણસ છે, જે પાર્ટીમાં સૌથી શાંત હતો. આદેશે રાજેન્દ્રસિંહ અને પેલી વ્યક્તિ સાથે હાથ મિલાવ્યો. રાજેન્દ્રસિંહે તરત ચાનો ઑર્ડર આપ્યો અને પોતાની સાથે રહેલી વ્યક્તિનો પરિચય આપતાં કહ્યું, “આ મહેન્દ્રસિંહ. મારા જ ગામના છે. અમે સાથે જ પોલીસમાં ભરતી થયા હતા. હાલમાં તે એટીએસમાં નોકરી કરે છે.” મહેન્દ્રસિંહ નામ સાંભળતાં જ આદેશ સમજી ગયો કે, તે જેને મળવા માગતો હતો, તે જ આ વ્યક્તિ છે. પણ તે સભાન થઈ ગયો, કારણ કે તેની જે યોજના હતી તેનો અંદેશો તેમને આવી જાય નહીં, તેનું તેણે ધ્યાન રાખવાનું હતું.

- Advertisement -

ત્યાં ચાવાળો ચા આપી ગયો. રાજેન્દ્રસિંહે તેને પોતાની અને આદેશ માટે બે સિગારેટ લાવવાની સૂચના આપી. રાજેન્દ્રસિંહ પહેલાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા હતા. તેના કારણે ચાવાળો તેમને ઓળખતો હતો, એટલે તેમના વ્યવહારમાં એક પ્રકારનો આદરભાવ પણ હતો. જોકે રસ્તા ઉપર ધંધો કરતા લારીવાળા પોલીસ માટે આદરભાવ ના રાખે તો ધંધો પણ ના થઈ શકે. ચા પીવાની શરૂઆત થતાં ફરી રાજેન્દ્રસિંહે વાતની શરૂઆત કરતાં કહ્યું : “તમે ગઈ કાલે વાત કરી હતી ને કે નાના કર્મચારીઓ ફસાઈ જશે.” આદેશ વાત સમજી ગયો હતો, પણ જાણે તેને કંઈ યાદ નથી. ગઈ રાતની વાત, તેવો પ્રશ્નાર્થ તેના ચહેરા ઉપર હતો. રાજેન્દ્રસિંહ તેને યાદ કરાવતો હોય તે રીતે તેણે કહ્યું, “આદેશભાઈ, તમને નિઝામ ઍન્કાઉન્ટર કેસની તો ખબર છે. હવે તમારી સલાહ લેવાની છે.” તેમ કહી તેણે મહેન્દ્રસિંહ સામે ઇશારો કરતાં કહ્યું, “નાના પોલીસવાળાને તો અધિકારીઓ કહે તેમ કરવાનું હોય છે. હવે મહેન્દ્રસિંહ ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત સાથે નોકરી કરે છે. તેના કારણે વહેલા-મોડા સીઆઇડીવાળા બોલાવશે તો તેમણે શું કરવું જોઈએ?”

આદેશે કહ્યું, “જુઓ એક વસ્તુ નક્કી છે. આ કેસમાં એક વખત ધરપકડ થઈ પછી લાંબો સમય બહાર નીકળવું મુશ્કેલ છે. એટલે પોલીસખાતાના નામે શહાદત વહોરી લેવી તેના કરતાં સીઆઇડીવાળા બોલાવે ત્યારે સાચું કહી સાક્ષી થઈ જવું વધારે સારું છે.” રાજેન્દ્રસિંહે કહ્યું, “આદેશભાઈ, મહેન્દ્રસિંહ ઘરમાં એકલા જ કમાનારા છે, ઘરમાં ઘરડાં મા-બાપની સાથે તેમને ત્રણ દીકરીઓ અને પત્ની છે. ભગવાન ના કરે પણ જો તેમને અંદર જવાનું થાય તો બહુ મોટી મુશ્કેલી ઊભી થશે.” આદેશે મહેન્દ્રસિંહ સામે જોતાં, તેમના ચહેરા ઉપર ડર અને ચિંતાની સામૂહિક લાગણી જણાતી હતી. આદેશને ખરેખર દયા પણ આવી. રાજેન્દ્રસિંહે કહ્યું, “આદેશભાઈ, મને તમારા અધિકારીઓ સાથેના સંબંધની ખબર છે. આટલાં વર્ષોમાં મેં તમને કોઈ કામ નથી બતાવ્યું. તમારે મારા માટે આ કેસમાં મદદ કરવાની છે. જે કંઈ કરવું પડે તે તમે કરો, પણ મહેન્દ્રસિંહને આ કેસમાંથી બહાર કાઢો. ખરેખર નિર્દોષ માણસ ફસાઈ ગયો છે.”

આદેશે વિચાર કર્યો અને પછી મહેન્દ્રસિંહ સામે જોયું, તે પણ આદેશ સામે જોઈ રહ્યો. તેનો ચહેરો કહેતો હતો કે તે પણ મદદ ઇચ્છી રહ્યો છે. આદેશે કહ્યું, “જુઓ તમે વિવેક પંતને ઓળખો છો. બહુ જ જિદ્દી અધિકારી છે. હું તેમની સાથે વાત કરીશ, પણ જે હોય તે સાચું કહેવું પડશે અને આપણી પાસે તો સાચું કહેવા સિવાય વિકલ્પ પણ નથી. નહીંતર આપણે આરોપી તો છીએ.” આદેશને હજી તેમણે ફોડ પાડી મહેન્દ્રસિંહની ભૂમિકા આખા કેસમાં શું છે તે કહી ન હતી, પણ આદેશ તે જાણવા માગતો હતો. તે પંતને મદદ કરી રહ્યો હતો. તેની સાથે તેની અંદર રહેલા પત્રકારને પણ તે જાણવાની ઉત્સુકતા હતી. પણ તેની ઉત્સુકતા જાહેર ના થાય, તે રીતે તેણે મહેન્દ્રસિંહને ઇરાદાપૂર્વક ખોટો સવાલ પૂછ્યો : “મહેન્દ્રસિંહ, તમે નિઝામ ઉપર ગોળી ચલાવી હતી?” તરત રાજેન્દ્રસિંહે કહ્યું, “ના ના, નિઝામ વખતે તે સાથે ન હતો, મહેન્દ્રસિંહની નોકરી તો ગોલ્ડન ફાર્મ ઉપર હતી.” આદેશે પહેલાં રાજેન્દ્રસિંહ સામે અને પછી મહેન્દ્રસિંહ સામે જોતાં પૂછ્યું : “રૂપાને હમણાં સુધી ક્યાં ગોંધી રાખી છે?” મહેન્દ્રસિંહે તરત રાજેન્દ્રસિંહ સામે જોયું, એટલે રાજેન્દ્રસિંહ પરવાનગી આપતાં હોય તેમ કહ્યું, “બાપુ, ડૉક્ટર પાસે જઈએ તો બધું સાચું કહેવું પડે, નહીંતર ઇલાજ થાય નહીં.” મહેન્દ્રસિંહે એક શ્વાસ ભર્યો અને ખચકાતાં કહ્યું, “હવે તે નથી રહી.” આદેશ સમજ્યો નહીં. તેણે મહેન્દ્રસિંહ સામે જોતાં ગળા ઉપર કોઈ ચાકુ ફેરવી દીધું હોય તેમ ઇશારો કરતાં કહ્યું, “પતી ગઈ અને દફનાવી પણ દીધી.” આદેશ સ્તબ્ધ થઈ ગયો. રૂપાનું મર્ડર થઈ ગયું છે, તે વાત હજી સુધી બહાર આવી ન હતી, ખુદ સીઆઇડી ક્રાઇમ પણ જાણતી ન હતી, પણ રાજેન્દ્રસિંહ ખૂબ જ સહજતાથી કહી રહ્યો હતો : તે પતી ગઈ.

- Advertisement -

આદેશ કંઈ પૂછી શક્યો જ નહીં. તે શાંત હતો. રૂપાને કોણે મારી, કેવી રીતે મારી તેવા પ્રશ્નોના જવાબ બાકી હતા. રાજેન્દ્રસિંહે સ્પષ્ટતા કરતાં કહ્યું, “મહેન્દ્રસિંહે તેને નથી મારી. માત્ર તેની ત્યાં હાજરી હતી અને તેને દફનાવવા ગયા ત્યારે તે સાથે હતો.” આદેશ જાણે પોલીસ-અધિકારી હોય તેમ તેણે સત્તાવાહી અવાજમાં મહેન્દ્રસિંહને પૂછ્યું, “કોણે મારી અને કેવી રીતે?” મહેન્દ્રસિંહે કહ્યું, “રાજપૂત સાહેબે તેના મોંઢા ઉપર ઓશીકું મૂકી દીધું હતું અને પછી વાસદ પાસે મહી નદીની કોતરમાં દફનાવી આવ્યા હતા.” આખી વાત કોઈ હિંદી ફિલ્મના પ્લૉટ જેવી હતી. પછી ત્રણે વચ્ચે મિનિટો સુધી શાંતિ રહી. આદેશે પોતાની સિગારેટ સળગાવી હતી. તેના સિગારેટના ધુમાડામાં અનેક યોજનાઓ અને વિચારો હતાં.

આદેશે મહેન્દ્રસિંહ સામે જોતાં કહ્યું, “મને જે કહ્યું, તે બધું જ પંત સામે કહેશો?” તેણે હકારમાં માથું હલાવ્યું : “સાહેબ, તમને ૧૬૪નું નિવેદન આપવાનું કહેશે તો આપશો?” તેણે ફરી વખત હા પાડી. “પછી હોસ્ટાઇલ તો નહીં થાવ ને?” તેણે ના પાડી. આદેશ વર્ષોથી ક્રાઇમ રિપોર્ટિંગ કરતો હોવાને કારણે એક પોલીસ-અધિકારી ક્યાં અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછશે તેની ખબર હતી. આદેશને મનમાં એક મોટી રાહત થઈ હતી. એક મહત્ત્વની લિંક મળી ગઈ હતી. બીજી તરફ તેને ગુસ્સો પણ આવતો હતો કે, રૂપા માત્ર નિઝામની પત્ની હોવાને કારણે તેની પણ હત્યા કરવામાં આવે! તેનો શું વાંક? તે ક્યાં ગુનેગાર હતી? તે ઇન્સ્પેક્ટર કેતન રાજપૂતને ઓળખતો હતો. તેને વિચાર આવ્યો કે, વ્યવહાર અને વર્તનમાં સાલસ દેખાતી એક વ્યક્તિ પોલીસ-અધિકારી તરીકે આટલી ક્રૂરતા કેવી રીતે દાખવી શકે! રૂપાના મોંઢે ઉપર ઓશીકું મૂકી, તેને મારી નાખતી વખતે દયા સુધ્ધાં આવી નહીં?!

આદેશને લાગ્યું કે, હમણાં વાતનો વિચાર કરવાનો કોઈ અર્થ નથી. તેણે મહેન્દ્રસિંહને કહ્યું, “જુઓ, હું આજે પંત સાહેબ સાથે વાત કરી લઉં. તમને આરોપી નહીં બનાવે તેની ખાતરી આપું છું, પણ સાહેબ બોલાવે ત્યારે સાહેબ કહે ત્યાં પહોંચી જવાનું. બરાબર?” મહેન્દ્રસિંહે નાના બાળકની જેમ હા પાડી. આદેશે મહેન્દ્રસિંહનો મોબાઇલ નંબર લઈ પોતાના ફોનબુકમાં સેવ કર્યો અને પોતાનો નંબર પણ મહેન્દ્રસિંહને આપ્યો. રાજેન્દ્રસિંહના ચહેરા ઉપર આદેશ મદદ કરવા તૈયાર થયો તેનો સંતોષ હતો. તેઓ ત્યાંથી છૂટા પડતાં રાજેન્દ્રસિંહે કહ્યું, “થૅંક્સ આદેશભાઈ! તમારો મોટો ઉપકાર રહેશે. મારે લાયક કોઈ કામ હોય તો કહો. એક સારી વસ્તુ આવી છે! બ્લૅકડૉગ આપી જઉં!” આદેશે કહ્યું, “ના ના, ગઈ કાલે આપણે કેટલું પીધું?” મહેન્દ્રસિંહે કહ્યું, “પણ મારે લાયક કોઈ કામ હોય તો કહેજો.” મહેન્દ્રસિંહ અને રાજેન્દ્રસિંહ નીકળ્યા પછી આદેશે વિવેક પંતને ફોન જોડ્યો : “સર, મિલના જરૂરી હૈ. એક અચ્છી ઇન્ફર્મેશન હૈ.” “હાં, તો એક ઘંટે બાદ ઍરપૉર્ટ કે પાસ બરિસ્તા હૈ વહાં મિલતે હૈં.” પંતે સૂચના આપી હતી કે બને ત્યાં સુધી સીઆઇડી ક્રાઇમની ઑફિસ કરતાં બહાર મળવું. તેના કારણે બંનેએ ઍરપૉર્ટ પાસે આવેલા કૉફીબારમાં મળવાનું નક્કી કર્યું અને આદેશ પંતને મળવા રવાના થયો હતો. આદેશે જઈ વાત કરી તેનાથી પંત પણ હલી ગયા હતા. તેમણે મનમાં આગળની યોજના ઘડી કાઢી હતી.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular