Monday, September 14, 2026
HomeGujarat'સા’બ, મેરે પાસ આને કી કોશિશ ભી મત કરના, વરના…' રુપાએ PIને...

‘સા’બ, મેરે પાસ આને કી કોશિશ ભી મત કરના, વરના…’ રુપાએ PIને ચેતવ્યા | શતરંજ-28

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-28, નવજીવન ન્યૂઝ): ઇન્દ્રસિંહ જાડેજા સાંજ સુધી રૂપાનો વિચાર કરતા રહ્યા. આખરે તેમણે ડીસીપી વછરાજાનીને ફોન કર્યો અને તેમને મળવા માટે ક્રાઇમ-બ્રાન્ચ જવા રવાના થયા. રસ્તામાં તેમની કાર દોડતી હતી, તેના કરતાં વધુ ઝડપે તેમના વિચારો દોડી રહ્યા હતા. તેમને એક તબક્કે પોતાની ઉપર જ ગુસ્સો આવતો હતો. તેમને લાગી રહ્યું હતું કે, નિઝામના પિકઅપનું ઑપરેશન ક્રાઇમ-બ્રાન્ચને સોંપવાને બદલે પોતાની પાસે રાખ્યું હોત તો રૂપાનો પ્રશ્ન જ ઉપસ્થિત ના થાત. કોઈ ગુનેગારને આતંકવાદી ઠેરવી મારી નાખવો સહેલું કામ હોય છે, પણ એક નિર્દોષ સ્ત્રીનું શું કરવું તે મુદ્દે તેમની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. તે ક્રાઇમ-બ્રાન્ચ પહોંચ્યા અને જેવા વછરાજાનીને મળવા જતા હતા તે જ વખતે દિનેશ નાયર સામે મળી ગયા. જાડેજા સિનિયર હોવાને કારણે નાયરે તેમને ‘જયહિંદ’ કહી સલામ કરી. વળતી સલામ પણ તેમણે કરી. અચાનક જાડેજાને નાયરને જોતાં કંઈક યાદ આવ્યું અને તેને કહેવા જતા હતા, પણ તેમણે પોતાનો ગુસ્સો વાળી લીધો. આ નાયરની જ ભૂલ તેમને નડી રહી છે તેવું તે માની રહ્યા હતા. જોકે આ મુદ્દે નાયરને હવે કહેવાનો અર્થ ન હતો.

જાડેજા અને વછરાજાની વચ્ચે બંધ બારણે ચર્ચા થઈ. બે–ત્રણ ઑપ્શન વિચારાયા, પણ તેમાંથી એક પણ અંગે નિર્ણય કરી શક્યા નહીં. બહુ વિચારણાને અંતે વછરાજાનીએ ફોન ઉપાડ્યો અને મંત્રી અમર ઠાકોર સાથે વાત કરી. નવી ઊભી થયેલી પરિસ્થિતિની જાણ કરી અને ફોન મૂકી દીધો. વછરાજાનીના ચહેરા ઉપર પણ ચિંતા દેખાઈ રહી હતી. ક્યાંક ઑપરેશનમાં કાચું કપાયાનો અહેસાસ હતો. વછરાજાનીએ રામ અંગે સવાલ પૂછ્યા, તો જાડેજાએ પૂરા કૉન્ફિડન્સથી જવાબ આપ્યો : “તેની ચિંતા ના કરો, સાહેબ! મેં સવારે જ રાઠોરને ફોન કર્યો હતો. રામને તેમણે જયપુર જેલમાં શિફ્ટ કરી દીધો છે, તે કંઈ બોલશે નહીં.’

- Advertisement -

બીજી બાજુ જયપુર જેલમાં રામ હજી સૂઈ રહ્યો હતો. ઘણા દિવસો પછી પોલીસ સાથેની બિલાડી-ઉંદરની રમત બાદ નિરાંતે ઊંઘ આવી હતી. તેની આંખ ખૂલી તો તેની બૅરેકમાં કેદીઓ વચ્ચે ગણગણાટ ચાલી રહ્યો હતો. કદાચ તેના કારણે જ તેની આંખ ખૂલી! તેણે જોયું તો કેદીઓ તેની સામે જ જોઈ રહ્યા હતા. જેલના નિયમ પ્રમાણે સવારે છ વાગે બૅરેકના દરવાજા ખૂલી જાય છે, જે ‘બંદી ખૂલી’ તેમ કહેવામાં આવે છે, ત્યાર બાદ કેદીઓ જેલના કૅમ્પસમાં ફરી શકે છે. બંદી ખૂલે એટલે કેદીઓને જાણે સ્વર્ગ મળ્યું હોય તેવું લાગે. આમ તો બૅરેકના સળિયા પાછળથી તે બહાર જોઈ શકતા હોય છે, પણ બૅરેકની બહાર રહેવાનો આનંદ કંઈક ઓર હોય છે. રામે જોયું તો સૂર્યનો પ્રકાશ તેની બૅરેકની અંદર આવવા લાગ્યો હતો, એટલે કે ‘બંદી ખૂલી’ને (અર્થાત્ બૅરક ખૂલ્યાને) ખાસ્સો સમય થયો હતો છતાં તેની બૅરેકના મોટા ભાગના કેદીઓ કંઈક ચર્ચા કરી રહ્યા હતા, પણ જેવી તેણે આંખ ખોલી કે તરત ચર્ચાઓ બંધ થઈ અને બધા તેની સામે જોવા લાગ્યા. રામ માટે જેલ, બૅરેક અને કેદીઓ કંઈ નવાં ન હતાં, ઘણાબધા કેદીઓ જે અંડર ટ્રાયલ હતા અને જેમના જામીન નહોતા થતા તે બધા તો તેને ઓળખતા પણ હતા. રામ પથારીમાં પડ્યા પડ્યા તેમને જોઈ રહ્યો હતો. તેણે આંખો ચોળી, તેને લાગ્યું કે બધા બહુ વિચિત્ર નજરે તેને જોઈ રહ્યા છે.

રામે તેમની સામે જોતાં, રામનો ગુનાઇત ઇતિહાસ જાણતા, થોડાક કેદીઓ આઘા-પાછા થઈ બૅરેકની બહાર નીકળી ગયા. પણ તેની સાથે મિત્રતા હોય તેવા કેદી હજી રામની સામે જોઈ રહ્યા હતા. તેઓ રામનું રિઍક્શન જાણવા માગતા હતા. પણ રામના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતો. તે જોઈ તેમને આશ્ચર્ય થતું હતું. રામ અને નિઝામ એક જ ગૅંગના સભ્ય હોવા છતાં, સારા મિત્રો પણ હતા તેની પણ તેમને ખબર હતી. રામથી રહેવાયું નહીં, તેણે ઝીણી આંખો કરીને પૂછ્યું, “ક્યા હુઆ? ઐસે ક્યૂં દેખ રહે હો?” કોઈ કશું બોલ્યું નહીં. બધા તેને જોતા રહ્યા. તેણે મોટેથી પૂછ્યું, “ક્યા કોઈ મર ગયા હૈ? બોલતે ક્યૂં નહીં?” એક કેદી આગળ આવ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી અખબારનું એક પાનું ફોલ્ડ કરી જાણે સંતાડ્યું હોય તેમ પૅન્ટના ખિસ્સામાંથી કાઢ્યું. ખિસ્સામાં મૂકવા તેણે આઠ-દસ ગડી કરી હશે. આખું પાનું ખોલી તેણે રામ સામે મૂક્યું. તે જોતાં જ રામ પથારીમાં ઊભો થઈ ગયો. રાજસ્થાનના હિંદી અખબારના ફ્રન્ટ પેજની હેડ લાઇન હતી : ‘આતંકી નિઝામ ગુજરાત–રાજસ્થાન પોલીસ કે જૉઇન્ટ ઑપરેશન મેં મારા ગયા.’ આ સમાચારની નીચે નિઝામની લાશનો ફોટો હતો. સબ હેડિંગમાં લખ્યું હતું : ‘લશ્કર-એ-તોઇબા કે ઇશારે પે ગુજરાત કે મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા કી હત્યા કરનેવાલા થા.’ રામ ઘણી વાર સુધી કંઈ બોલ્યો જ નહીં, તેનું ધ્યાન ગયું કે હજી તેને બીજા કેદી જોઈ રહ્યા છે. તેની સામે જોતાં તે બધા ત્યાંથી ખસી ગયા.

રામ બૅરેકની બહાર આવ્યો. હાથમાં બ્રશ હતું. તે બ્રશ પકડી બેસી રહ્યો. કેદીઓ પોતાના કામમાં હતા. કોઈ જેલના મંદિર તરફ જઈ રહ્યા હતા, તો કોઈની તબિયત ખરાબ હોવાને કારણે જેલની અંદરની હૉસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. પણ આખી જેલમાં નિઝામના ઍન્કાઉન્ટરને વિશે ચર્ચા હતી. એક કેદી રામ પાસે પાણીનું ટમલર લઈને આવ્યો, એટલે તરત રામે બ્રશ કરવાનું શરૂ કર્યું. તે બ્રશ પતાવી પાછો બૅરેકમાં ગયો અને ત્યાં જ બેસી ગયો. તેનો આત્મા તેને ડંખી રહ્યો હતો. નિઝામની હત્યા તેના કારણે જ થઈ હોવાનું તે માની રહ્યો હતો, પણ તે કંઈ પણ બોલી શકે તેમ ન હતો. તેને સમજાઈ ગયું હતું કે તેની ગૅંગલીડર થવાની લાલસાને કારણે તેણે ઇન્દ્રસિંહ જાડેજા ઉપર ભરોસો મૂક્યો અને તેણે તેને આતંકવાદી કહી મરાવી નખાવ્યો. એક તરફ દોષીપણાનો ભાવ હતો; બીજી તરફ નિઝામની હત્યાનો બદલો લેવાનું ઝનૂન સવાર થઈ રહ્યું હતું.

- Advertisement -

અચાનક તેને રૂપાની યાદ આવી. રૂપા કાયમ તેને રામભૈયા કહીને સંબોધતી હતી. રૂપા ક્યાં ગઈ તેવું યાદ આવતાં તેણે તરત તેની પાસે રહેલું અખબારનું એક પાનું ફરી હાથમાં લીધું અને પહેલી વખત પહેલી લીટીથી લઈ છેલ્લી લીટી સુધીના સમાચાર તે વાંચી ગયો, પણ રૂપાનો કોઈ ઉલ્લેખ ન હતો, સમાચારની અંદર એક બૉક્સ-આઇટમ પણ હતી, જેમાં લખ્યું હતું : “નિઝામ કે સાથી રામ કી ગિરફતારી કે બાદ નિઝામ ભી ખત્મ.” રામને રૂપાની ચિંતા પણ થઈ રહી હતી, પણ તે કોને શું પૂછે?! રામ ચા પીવા માટે કૅન્ટીન તરફ ગયો, ત્યાં જેલસિપાઈઓ વાત કરી રહ્યા હતા… “અચ્છા હુઆ સાલા મારા ગયા, દમ કર કે રખા થા. દિનદહાડે લૂંટ કરતા થા ઔર પુલિસ તમાશા દેખતી થી.” એકનું ધ્યાન રામ ઉપર પડ્યું. જોકે રામ તેમની સામે જોતો જ નથી, તેવું દર્શાવી રહ્યો હતો. રામને જોતાં જ એક સિપાઈ બોલ્યો : “એક દિન યહ ભી કુત્તે કી મોત મરેગા, કિતનોં કી જાન લી હૈ?” એક વાર તો રામને આ શબ્દો સાંભળીને લાગ્યું કે જઈને સિપાઈનું ગળું દબાવી દઉં. બીજી તરફ તેને લાગ્યું કે તેમને મારી નાખવા કરતા પોતે જ ફાંસો ખાઈ લટકી જાય કારણ કે નિઝામની હત્યા તેણે જ કરાવી છે.

આ એ જ જયપુર જેલ હતી જ્યારે નિઝામ અને રામ સાથે પકડાયા ત્યારે કેદીઓ તો ઠીક પણ જેલના સિપાઈઓ અને અધિકારીઓ નિઝામને તો ઠીક પણ રામને પણ ભાઈ તરીકે સંબોધતા હતા. આજે નિઝામ રહ્યો નથી, તેવા સમાચાર મળતાં જેલમાં કોઈ રામની નોંધ સુધ્ધાં લેતા ન હતા. જે રામને ભાઈ કહી સંબોધતા હતા તે જ સિપાઈ તેના મરવાની દુઆ કરવા લાગ્યા હતા. રામને પસ્તાવો થઈ રહ્યો હતો, પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. રામે નિઝામ સાથે દગો કર્યો તે વાત ગુજરાત અને રાજસ્થાનના જૂજ સિનિયર પોલીસ ઑફિસરો સિવાય કોઈને ખબર ન હતી, છતાં જ્યારે કોઈ રામ સામે જોતું તો તેને લાગતું કે, આ વ્યક્તિ પણ તેના વિશે જાણે છે. રામ સૂનમૂન થઈ ગયો હતો. કેદીઓ માનતા હતા કે તેના સાથીના ઍન્કાઉન્ટરને કારણે તેની સ્થિતિ આવી થઈ ગઈ છે. સવારનું ભોજન આવ્યું પણ તે જમી શક્યો નહીં. સાંજનું ભોજન આવ્યું ત્યારે પણ તે જમવા માગતો ન હતો કારણ તેને ભૂખ જ લાગતી ન હતી. પણ સાથી કેદીઓએ આગ્રહ કરતાં તેણે માંડ બે કોળિયા ખાધા અને થાળી પોતાનાથી દૂર હડસેલી દીધી. ઇન્દ્રસિંહે જાડેજાએ એટીએસની ઑફિસમાં આવ્યા બાદ કેતન રાજપૂત સાથે કેટલીક બંધ બારણે વાત કરી અને ત્યાર બાદ રાજપૂત પોતાના રાઇટર મહેન્દ્રસિંહને લઈ ગોલ્ડન ફાર્મ ઉપર પહોંચ્યા. ત્યાં પહોંચતાં હાજર સ્ટાફે ફરિયાદના સૂરમાં કહ્યું : “પેલી ત્રણ દિવસથી કકળાટ કરે છે.“ રાજપૂતે કહ્યું. “વાંધો નહીં. હું વાત કરું છું.” રાજપૂત અને મહેન્દ્રસિંહ ફાર્મ હાઉસના એ રૂમમાં દાખલ થયા જ્યાં રૂપાને રાખવામાં આવી હતી. ત્યાં તેનું લગેજ હતું જે તેની સાથે બસમાંથી ઉતારી લેવામાં આવ્યું હતું. ટેબલ ઉપર જમવાની થાળી પડી હતી, તે જોતાં ખ્યાલ આવે કે તેણે એક પણ કોળિયો ખાધો નથી. તે રૂમને બારીઓ હતી, જેની ગ્રિલ મજબૂત હતી. બારીમાંથી નજર કરો તો હરિયાળી નજરે પડતી હતી, પણ આજુબાજુ કોઈ વસ્તી ન હતી. રૂપા મદદ માટે બૂમ પાડે તોપણ સાંભળનાર કોઈ ન હતું.

કેતન મહેન્દ્રસિંહ સાથે રૂમમાં દાખલ થયો. તેણે રૂમનો દરવાજો બંધ કર્યો. સામાન્ય સંજોગોમાં જો કોઈ અજાણ્યા પુરુષો કોઈ સ્ત્રીના રૂમમાં પ્રવેશ કરી અંદરથી રૂમ બંધ કરે તો સ્ત્રીને ડર લાગવો જોઈએ. પણ રૂપાની માનસિક સ્થિતિ કંઈક જુદી હતી. તેની અંદરથી ડર જતો રહ્યો હતો. કેતને જોયું તો તેના શરીર ઉપર પાંચ દિવસથી એક જ કપડાં હતાં. તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. વાળ વિખેરાયેલા હતા. તે ડબલ બેડના એક ખૂણામાં બેઠી હતી. કેતન તેનાથી લગભગ દસ ફૂટ દૂર એક ખુરશી લઈ બેઠો. તેણે રૂપા સામે જોતાં પૂછ્યું : “ખાના ક્યું નહીં ખાયા?” તેનો જવાબ આપવાને બદલે તેણે સામો સવાલ કર્યો : “નિઝામ કહાં હૈ?” કેતને કહ્યું : “આ જાયેંગા વો. ખાના ખા લે.” રૂપાએ કહ્યું : “નિઝામ કો દેખને કે બાદ ખાના ખાઉંગી.” કેતન કંઈ બોલ્યો નહીં. તેણે મહેન્દ્રસિંહ સામે જોયું. બંને સમજી ગયા હતા કે આ સ્ત્રી કોઈ રીતે કંઈ માને તેમ નથી.

- Advertisement -

રૂમમાં સન્નાટો હતો. રૂપાને પોતાના રૂમમાં બે અજાણ્યા પુરુષોની હાજરીનો જાણે કોઈ ફર્ક પડતો ન હતો. કેતન મૂંઝાયો. ખુરશીમાંથી ઊભો થઈ બારી પાસે ગયો. સિગારેટનું પાકીટ કાઢી એક સિગારેટ પીવા લાગ્યો. તેની નજર બારી બહાર હતી. ક્યારેક તે રૂપા સામે જોઈ લેતો. તે નીચી નજર કરી બેઠી હતી. ક્યારેક સિગારેટના ધુમાડાની વાસ રૂમમાં આવતી તો રૂપા નાક આડે દુપટ્ટો મૂકતી હતી. તેને સિગારેટની વાસ નહોતી ગમતી. નિઝામને પણ સિગારેટ પીવી હોય તો રૂપાથી દૂર જઈ સિગારેટ પીતો. રાત્રે સૂતી વખતે રૂપા કહેતી કે, “મારી પાસે સૂવું હોય તો બ્રશ કરીને સૂઈ જા” અને તે રોજ રાતે બ્રશ કરતો. પછી તે જ્યારે રૂપાને પોતાના આલિંગનમાં લેતો અને રૂપા દૂર જવાનો પ્રયત્ન કરતી ત્યારે તે તેને વધુ મજબૂતીથી જકડી રાખી કહેતો, “નાટક કરીશ નહીં, બ્રશ કરી લીધું છે અને તેનો ફાયદો તો લઈશ જ ને!” પછી બંનેના શ્વાસ એક થતા હતા. સિગારેટની વાસને કારણે ફરી રૂપાને નિઝામની યાદ આવી. તેણે ઇન્સ્પેક્ટર રાજપૂત સામે જોયું. રાજપૂત પણ તેની સામે જોઈ રહ્યો હતો. રૂપાએ તેની સામે જોતાં તેણે પોતાની સિગારેટ જમણા હાથની પહેલી આંગળીનો ઉપયોગ કરી બારીની બહાર ફેંકી દીધી અને તરત પહેલાં જ્યાં બેઠો હતો ત્યાં આવીને બેસી ગયો. તે જાણે રૂપાને સમજાવતો હોય તેમ કહ્યું, “રૂપા! તું હિંદુ હૈ. નિઝામ સે પ્યાર કર કે તુજે ક્યા મિલા? અભી તક તૂ ભી ઉસકે સાથ કુત્તે કી તરહ ભાગતી રહી. અબ તૂ આરામ કી જિંદગી બસર કર.” આ વાક્ય સાંભળતાં રૂપા વાઘણની જેમ ગર્જી અને બેડમાંથી ઊભી થતાં બોલી : “સા’બ, મેરે પાસ આને કી કોશિશ ભી મત કરના. મુજસે બૂરી કોઈ નહીં હોંગી.” રાજપૂત સમજી ગયો કે તેની સમજાવવામાં કંઈક ભૂલ થઈ છે. રૂપા જુદો જ અર્થ કાઢી રહી છે. તેણે તેને શાંત કરતાં કહ્યું : “નહીં રૂપા, તૂ મુઝે ગલત સમજ રહી હૈ, મેરા વો મતલબ નહીં થા.” વાક્ય સાંભળતાં રૂપા પાછી બેઠી.

કેતન રાજપૂતે થોડો વિચાર કરી સીધી વાત ઉપર આવતાં કહ્યું : “દેખ તૂ નિઝામ કો ભૂલ જા. મૈં તુજે પાંચ લાખ દેતા હૂં. તૂ લેકે યહાં સે ચલી જા : સબ કુછ ભૂલ જા.” રૂપાની આંખો પહોળી થઈ. તેણે કેતનની આંખોમાં જોતાં પૂછ્યું : “તુમને નિઝામ કો માર તો નહીં ડાલા? અગર ઐસા કિયા હૈ તો યાદ રખના મેં તુમ્મેસે કિસીકો જિન્દા નહીં છોડૂંગી.” રૂપાની આંખોમાં રહેલી ધમકીએ કેતનને ડરાવી મૂક્યો હતો. તેણે તરત કહ્યું : “નહીં નહીં… વહ તો એટીએસ કી ઑફિસ મેં હૈ. તૂં હિંદુ હૈ ઇસ લિયે મુઝે લગા તૂં ઉસકો છોડ દે.” રૂપા કંઈ બોલી નહીં. કેતન સમજી ગયો હતો કે રૂપા તેની વાત નહીં સાંભળે અને હવે જે નિર્ણય લેવામાં આવશે તે ગંભીર હતો. કેતન ઊભો થઈ રૂમની બહાર નીકળ્યો. તેણે મહેન્દ્રસિંહને કહ્યું. “તમે અહીંયાં જ રહો.” બાકીના સ્ટાફને સૂચના આપી કે, મહેન્દ્રસિંહ અહીંયાં છે, તમે હવે જાવ. ત્રણ દિવસથી તમે ઘરે ગયા નથી. બરાબર નજર રાખવાની સૂચના આપી કેતન એટીએસની ઑફિસ જવા નીકળ્યો ત્યારે ફાર્મ હાઉસના વૉચમૅન નાગજી રબારીએ તેને સલામ કરી. કેતન જ્યારે એટીએસની ઑફિસમાં પહોંચ્યો ત્યારે ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજા તેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. કેતન તેમની સામે બેઠો અને માંડીને બધી વાત કરી. કેતન જેમ જેમ વાત કરી રહ્યો હતો. તેમ તેમ ઇન્દ્રસિંહના ચહેરા ઉપર ચિંતા વધી રહી હતી. કેતનની વાત પૂરી થતાં, તેમણે થોડો વિચાર કર્યો, પછી તેમણે પહેલાં વછરાજાનીને અને તેમના પછી મંત્રી અમર ઠાકોર સાથે વાત કરી ફોન મૂક્યો. તે ઊભા થયા એટલે કેતન પણ ઊભો થયો. તેમણે પોતાની ચેમ્બરની બહાર નીકળતા પહેલાં કહ્યું : કેતન, આજે તારે નાઇટ કરવી પડશે, હું જાઉં છું, રાત્રે પાછો આવીશ.”

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular