કોઈ પૂછે કે તમે ખુદાના બંદાને જોયો છે? જેઓ સાદિકભાઈને મળ્યા હશે તેઓ અચૂક જવાબ ‘હા’ આપશે. આ ખુદાના બંદાનું 3 ડિસેમ્બરના રોજ કોરોનાના કારણે અવસાન થયું. આમ સાદિકભાઈ રેડિયોના ફનકાર. ઑલ ઇન્ડિયા રેડિયોમાં વિવિધ પદે અને લાંબા સમય સુધી આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર તરીકે તેમણે કામ કર્યું. ગુજરાતના રેડિયો સાથે સંકળાયેલી એક આખી પેઢી તેમની પાસેથી રેડિયોના પાઠ ભણી છે. આ તો થઈ તેમની વ્યવસાયિક ઓળખ; પણ ખરા અર્થમાં સાદિકભાઈની ઓળખ આપવી હોય તો તે આત્મીયજન તરીકેની. જ્યાં જ્યાં તેઓ ગયા, જેમને પણ મળ્યા ત્યાં આત્મીયતા બાંધી. રોજબરોજ મળવાનું થાય કે પછી વર્ષો પછી સાદિકભાઈનો એ જ પ્રેમ અને હૂંફ જોવા મળે.
મારે તેમની સાથે દોઢ દાયકા દરમિયાન સમયાંતરે મળવાનું થયું. સૌપ્રથમ 2006માં ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ દરમિયાન સાદિકભાઈને શિક્ષક તરીકે જોયા. ક્લાસ લેતા સાદિકભાઈનું ચિત્ર આજે પણ આબેહૂબ ચીતરી શકાય તેવું મનમાં જડાયેલું છે. તેમણે અવાજ કેવી રીતે સાંભળવો તે શીખવ્યું. અને ખાસ કરીને તો આપણી આસપાસની સૃષ્ટિનો અવાજ, જે આપણે રોજબરોજની ભાગદોડમાં ચૂકી જઈએ છીએ. સાદિકભાઈને આપણી આસપાસના અમૂલ્ય અવાજ સાંભળવાનો એટલો મહાવરો હતો કે વિદ્યાર્થીઓને તે શિખવાડી શકતા, અને તે પણ સહજતાથી. શિખવાડવાની આ ટેકનિકના કારણે જ તેઓ નિવૃત્ત થયા બાદ પણ ઑલ ઇન્ડિયા રેડિયોના ટ્રેનિંગ વિભાગમાં બરકરાર રહ્યા. તેમનો ઑલ ઇન્ડિયા રેડિયો સાથેનો અને તે પછીનો નિવૃત્તિનો કાળ આમ રેડિયોમાં કારકિર્દી ઘડનારાં અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો. રેડિયોમાં આજે અનેક એવા અવાજ બુલંદી પર છે, જેઓનો અવાજ ઘૂંટવાનું કામ સાદિકભાઈને આભારી છે.
અવાજથી સાદિકભાઈની એક ઓળખ બંધાઈ પછીનો પરિચય કેળવાયો તે એક લેખક તરીકેનો. 2008ના ‘આરપાર’ સામયિકના દિવાળી વિશેષાંક ‘પ્રિયજન’ વિષય પર અંક કરવાનો થયો ત્યારે તેમને પણ પોતાના પ્રિયજન વિશેનો નાતો ઉપસાવીને લખવાનું આમંત્રણ પાઠવ્યું. તેમણે તે સ્વીકાર્યું અને પછી તે અંકનો બેનમૂન કહેવાય તેવો લેખ તેમણે લખી આપ્યો. આ લેખમાં પારિવારિક મિત્ર બાબુલાલ વિશે સાદિકભાઈએ લખ્યું છે. આમ તો સાદિકભાઈએ જે લાગણીથી આ પ્રિયજનની વાત માંડી છે તે સંપૂર્ણ જ વાંચવી રહી, પણ અહીં ટૂકમાં એ વાત. સાદિકભાઈ લખે છે :
“1965-66માં અમારું કુટુંબ ખૂબ ગરીબ અવસ્થામાં અમદાવાદના બહેરામપુરા વિસ્તારના સ્લમ ક્વાર્ટ્સમાં રહેવા ગયું. હું નજીકની એક મ્યુનિ. ઉર્દૂ સ્કૂલમાં ભણતો. મારા ભાઈઓ છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા. મોટાભાઈ અફઝલનૂર કોઈ કાસમભાઈ મેમણને ત્યાં ‘ટેણી’ તરીકે ઑટોમોબાઇલના કારખાનામાં કામે લાગી ગયા હતા. ત્યાં એક દિવસ, બાબુલાલ મલ્હોત્રા બૅટરીવાળા એમના ધંધાના કામ માટે આવ્યા અને પૂછ્યુું, ‘મંમદ કિધર રહેતા હૈ?’ ભાઈનું નામ મંમદ નહોતું. પણ પ્રશ્ન એમને પુછાયો હતો, તેનો જવાબ આપ્યો, ‘બહેરામપુરા.’ બાબુલાલને આંચકો લાગ્યો. “તું બહેરામપુરા સે નરોડા, ઇતની દૂર આતા હૈ? ભાડે કી સાઇકલ પર?” કહીને ભાઈએ બાબુલાલ તરફ પહેલીવાર જોયું. કડક ઇસ્ત્રીવાળા સફેદ લિબાસમાં સજ્જ, આંખે ધૂપનાં ચશ્માં, પગમાં સોનેરી એમ્બ્રૉઇડરીવાળા પઠાણી સૅન્ડલ, સામાન્ય બાંધાના ક્લીન શેવ્ડ, આધેડ ઉંમરના શેઠ જેવા લાગતા પંજાબી બાબુલાલજી એમની તરફ હેતપૂર્વક જોઈ રહ્યા હતા. બાબુલાલ જાણે આવા જ કોઈ ટેણીને શોધી રહ્યા હતા. તરત બૂમ પાડતા કહ્યું, “અરે ઓ કાસમ, યે છોકરા ઇતની દૂર સે આતા હૈ. ઇસે મૈં લે જાતા હૂં. ઉધર કરીબ પડેગા ઇસકો.”
બીજા દિવસથી મારા ભાઈનું નામ ‘ટેણી’માંથી મંમદ અને એમના નવા શેઠ બાબુલાલ મલ્હોત્રા થઈ ગયા. કેલિકો મિલના ઝાંપા નં. 6 પાસે આવેલી એમની મોટરની બૅટરીઓ બનાવવાની દુકાન હતી. ત્યાં કામ કરતાં કરતાં મારા ભાઈ અને બાબુલાલનો વચ્ચેનો સંબંધ શેઠ અને નોકરમાંથી બાપ-દીકરા જેવો ક્યારે થઈ ગયો એની કોઈને ખબર ન પડી.
બાબુલાલ પોતે ધનાઢ્ય નહોતા. પચાસના દસકામાં એ દિલ્હીમાં બેકાર ફરતા હતા. એમના મોટા ભાઈ પૂરણસિંહ સાથે નિરંકારી કૉલોનીમાં એ રહેતા. લગ્ન થઈ ગયા પછી પણ કોઈ કામધંધો નહીં કરતાં મોટા ભાઈએ ઠપકો આપ્યો. એટલે, કંટાળીને એક દિવસ અમદાવાદની ટ્રેન પકડી લીધી. અહીં બૅટરીનું કામ શીખ્યા અને થોડાંક વર્ષોમાં પોતાનો બૅટરીનો ધંધો શરૂ કરીને કુટુંબ સાથે અહીં ઠરીઠામ થયા હતા.
મારા ભાઈ મોટા થયા. અલગ દુકાન કરવાની ઇચ્છા મનમાં જાગી. દીકરો બાપને કહે એવી જ રીતે, બીતાં બીતાં એક દિવસ મનની વાત ભાઈ સમક્ષ મૂકી. ક્ષણનાય વિલંબ વગર સ્વીકારાઈ. જોતજોતામાં દરિયાપુર દરવાજા પાસે એક દુકાનના માલિક મહંમદભાઈ બેટરીવાળા જાણીતા થવા લાગ્યા. બાબુલાલ મલ્હોત્રાએ આપેલું નામ જ એમણે અપનાવી લીધું અને એમનું મૂળ નામ ઘરના સભ્યોને જ ખબર છે. અલગ દુકાન કરવાથી અમારા બે કુટુંબના સંબંધોમાં જરા સરખો પણ ફેર ન પડ્યો. સપ્ટેમ્બર 1969ના છેલ્લા અઠવાડિયા મારા ભાઈનાં લગ્ન થવાનાં હતાં. સામેના મેદાનમાં મંડપ બાંધવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. લગ્નને ચારેક દિવસ રહ્યા હતા. બાબુલાલ અને રાજભાભી છેલ્લી તૈયારી જોઈ ગયાં હતાં.
અચાનક શહેરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અમારા માટે રમખાણોનો પહેલો અનુભવ હતો. જીપો ભરી ભરીને લોકોને ક્યાંક ખસેડવામાં આવી રહ્યા હતા. અમે પણ લેવાય એવા એક બે પોટલા સાથે લઈને, લગ્નની બધી તૈયારીઓ એમની અમે મૂકીને ઘર છોડી ગયા. જમાલપુરમાં એક સ્થળે રાહત કૅમ્પ બનાવીને રમખાણગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા. શહેરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. કરફ્યૂમાં જ્યારે છૂટ મળી ત્યારે કેમ્પમાં ચહલપહલ થઈ. કોઈના સંબંધીઓ એમને લેવા આવ્યા હતા. કોઈ ખોવાયેલાઓને શોધી રહ્યા હતા. ત્યાં જ મોટાભાઈએ બૂમ પાડી : “ભાઈ… ભાઈ… અમ્મી, ભાઈ આયે.” હા, સાચે જ બાબુલાલ મલ્હોત્રા સામે ફાંફાં મારી રહ્યા હતા. કોઈને પૂછી રહ્યા હતા. અને એમનો મંમદ સફાળો દોડી ગયો ભાઈ તરફ. સાઇકલની આગળની સીટ ઉપર નાનકડા એ દીકરા રાજુને બેસાડીને અને પાછળના કેરિયર ઉપર લોટનો એક ડબો, એમાં એક નાના સ્ટીલના ડબામાં તેલ અને પડીકાઓમાં થોડું સીધું રાજરાણી ભાભીએ મૂકી આપેલું, એ લઈને આવ્યા હતા. ખૂબ વ્યથિત અને થાકેલા બાબુલાલ છેક અંદર કૅમ્પમાં એમની પર્દાનશીન ‘અમ્મી’ને મળવા આવ્યા હતા. અમ્મીના ચરણોમાં બેસીને એ પોક મૂકીને રડવા લાગેલા. આટલા કોલાહલમાં પણ અમારા સૌ વચ્ચે સન્નાટો છવાઈ ગયો હતો. કરફ્યૂ લગાવાની એનાઉન્સમેન્ટ થતાં બાબુલાલ ઊભા થયા. મંમદને થોડા દૂર જઈને ખભે હાથ મૂકીને કંઈક વાત કરી. ખીસામાંથી થોડા પૈસા કાઢીને આપ્યા. બંને ‘ભાઈઓ’ દૂર થોડી વાર રડતા રહ્યા હતા. થોડા દિવસ પછી અમારા એક સંબંધી એમના ઘરે લઈ ગયા હતા. બધું થાળે પડ્યું ત્યારે ખબર પડી કે ઘર અને દુકાન બંને સાફ થઈ ગયાં હતાં. પોતાની દુકાનમાંથી માલ લાવી બાબુલાલે અમારી દુકાન ફરી ચાલુ કરાવેલી અને ભાઈનાં લગ્ન સાદાઈથી થઈ ગયા.
સમયની રફ્તાર સાથે અમારા બંને કુટુંબોના સંબંધો વધુ ને વધુ ગાઢ થતા ગયા. સુખ-દુઃખના પ્રસંગોમાં બધા વ્યવહારો એવી જ રીતે સચવાયા જેવી રીતે લોહીના સંબંધોમાં સચવાય છે. બાબુલાલના મોટાભાઈના અવસાન પછી એમના પરિવારને પણ સાચવવા બાબુલાલના પરિવારે દિલ્હી જવાનું નક્કી કર્યું અને ફરીવાર એ હંમેશને માટે દિલ્હીના થઈ ગયા.
આજેય દિલ્હીમાં અમારા સૌના માટે નિરંકારી કૉલોની સૌથી જાણીતી જગ્યા છે. કેમ કે ત્યાં અમારા કુટુંબીજન – અમારા ‘પ્રિયજન’ વસે છે.”
મલ્હોત્રા પરિવાર સાથેનો તેમનો આ સંબંધ પ્રિયજનની વ્યાખ્યા ઘડી શકાય તે રીતે તેમણે શબ્દોમાં ઊતારી આપ્યો. આ લખાણ પરથી અવાજના આ કલાકારનો એ જ કક્ષાના લેખક સાદિકભાઈનો પરિચય થયો.
સમયના વહેણમાં વર્ષો વીત્યાં અને પછી નવજીવનમાં જોડાવાનું થયું. 2019માં નવજીવન ટ્રસ્ટ અંતર્ગત સાબરમતી જેલના બંદીવાનો જેલમાં જ પત્રકારત્વ અભ્યાસ કરી શકે તે માટે એક કોર્ષ શરૂ કરવામાં આવ્યો. કોર્ષ દરમિયાન સાદિકભાઈને વર્ગો લેવા માટે લઈ જવાનું થયું. ઑલમોસ્ટ એક દાયકા પછી તેમને ફોન જોડ્યો અને અગાઉ સાંભળેલો એ જ પ્રેમથી છલકાતો અવાજ કાને પડ્યો. ક્લાસનો દિવસ નક્કી થયો અને તેઓ ને હું સાબરમતી જેલના બંદીવાનોના એ બૅરેકમાં પહોંચ્યા જ્યાં આ વર્ગો લેવાતા હતા. આ વખતે મારે કૉ-ઑર્ડિનેટર તરીકે જવાનું થયું હતું પણ વર્ગમાં બેઠો એક વિદ્યાર્થી તરીકે. સાદિકભાઈએ વર્ગ લેવાનું શરૂ કર્યું અને એક-એક બંદીવાન તેમની રેડિયોયાત્રામાં જોડાતો ગયો. રેડિયો શીખવામાં તો ખરા જ, પણ સાથે તેમના વ્યક્તિત્વમાં છલકાતાં આત્મીય ભાવ સાથે પણ. આમેય જેલમાં લાગણી પ્રદર્શિત કરવાની તક ભાગ્યે જ બંદીવાનભાઈઓને મળે છે. પણ સાદિકભાઈના વર્ગમાં એકેક બંદીવાન શીખતાં-શીખતાં લાગણીસભર થયા. તેમણે બંદીવાન વિદ્યાર્થીઓને રેડિયો પર કેવી રીતે બોલવું એ તો શિખવાડ્યું પણ કક્કાવારીના એક-એક શબ્દનો અર્થ અને તેના ઉચ્ચાર પાછળનું વિજ્ઞાન સમજાવ્યું. આ વર્ગ સામાન્ય રીતે બપોરે બે વાગ્યાથી લઈને ત્રણ સુધી રહેતા. ચાર વાગે તો આમેય બંદીવાનભાઈઓનું રાતનું ભોજન આવે, એટલે ઘણી વાર તેની વેતરણમાં બંદીવાનોને વહેલા નીકળવાનું બને. પણ સ્મૃતિમાં છે ત્યાં સુધી સાદિકભાઈના વર્ગો સાડા ચાર સુધી ચાલ્યા હતા અને તેમાં એક પણ બંદીવાન બહાર ગયો નહોતો. બંદીવાનોને શિખવાડવા માટે પણ તેઓ આગવી તૈયારી કરીને આવ્યા હતા. તેમની પાસે ટેપરેકૉર્ડર, માઇક તો હાથવગું રહેતું; જેમાં રેડિયોનો તુરંત ડેમો આપી શકતા.
કોઈને એવું લાગી શકે કે રેડિયોમાં બોલવાનું શિખવાડવાનું હોય તેમાં વળી શું? પણ સાદિકભાઈ અવાજના આરોહ-અવરોહ, કેવી રીતે કયો શબ્દ ઉચ્ચારવો અને જ્યારે શબ્દ કોઈ વિશેષ રીતે બોલાય ત્યારે તેનો અર્થ કેવો અલગ-અલગ નીકળી શકે તે પણ બકાયદા ઉદાહરણ સાથે સમજાવતા. અહીંયાં આ એક પાસું રેડિયો શિખવનાર શિક્ષકનું હતું, પણ બંદીવાનો સાદિકભાઈ તરફ આકર્ષાયા તેનું મુખ્ય કારણ બંદીવાનોને વર્ગમાં આત્મવિશ્વાસ સાથે બોલતા કેળવવામાં. એક પછી એક બંદીવાનોને માઇકમાં બોલતા કર્યા અને તેઓના અવાજની વિશેષતાની લંબાણપૂર્વક વાત કરી અને મર્યાદા ટૂંકમાં બતાવી.
સાદિકભાઈનો રેડિયોનો દીર્ઘ અનુભવ તો બંદીવાનો શરૂઆતમાં જ પારખી ગયા અને તેઓએ તે વિશેના ખૂબ પ્રશ્નો પૂછ્યા, તેમાં વાત ઉચ્ચારથી શરૂ કરીને આવી ઓમકાર પર. પોતાના અવાજ અને સ્વસ્થતાના રહસ્યનું એક કારણ ઓમકારના રિયાઝને ગણાવ્યું હતું. ઓમકારની અનુભૂતિ તેઓ ક્લાસમાં સૌને કરાવી શક્યા હતા.
સાદિકભાઈનું આ પ્રથમ વ્યાખ્યાન પૂર્ણ થયું અને બંદીવાનો તરફથી બીજા વ્યાખ્યાનની માંગણી થવા માંડી. બીજું વ્યાખ્યાન ગોઠવાયું અને તેમની સાથે ફરી જવાનું થયું. ફરીથી રેડિયો શિખવવાનો ક્રમ નવી વાત, દાખલા સાથે આરંભાયો. બીજા વર્ગમાં તો એવું ચિત્ર ઊભું થયું જાણે કે બંદીવાનો સાથે સાદિકભાઈનો વર્ષોનો નાતો હોય! સૌ કોઈ તેમના આજ્ઞાકારી વિદ્યાર્થી બની ગયા. સાદિકભાઈના વર્ગ દરમિયાન બંદીવાનોની આંખોની ચમક આજે પણ આંખ સામે ઝળહળે છે. આ રીતે બેથી સાડા ચાર વાગ્યા સુધી ચાલેલા બે વર્ગોમાં સાદિકભાઈએ જે આત્મીયતા બંદીવાનો સાથે કેળવી તે મહિનાઓ સુધી મારાથી નહોતી કેળવાઈ. વર્ગ પૂર્ણ થયા બાદ એક-એક બંદીવાનોને ભેટ્યા અને સાદિકભાઈ સાથે બંદીવાનોની ગોઠડી છેક મુખ્ય દ્વાર સુધી ચાલી.
જેલથી પાછા ફરતી વેળાએ સાદિકભાઈની ગાડીમાં આવવાનું હતું. રસ્તામાં અલપઝલપ વાત થઈ અને પછી તેમના જીવન પર વાત આવી. વાત કહેવામાં તે અને સાંભળવામાં હું એવા મગ્ન થયા કે ઉસ્માનપુરા જ્યાં મારે ઉતરવાનું હતું ત્યાં ગાડીમાં બેઠા બેઠા અડધો કલાક નીકળી ગયો. રમખાણોમાં તેમનો પરિવાર કેવી રીતે ખુંવાર થયો હતો તે વાત કહી અને તે વેળાએ મદદ કરનારા પારિવારિક હિન્દુ મિત્ર બાબુલાલને ખૂબ યાદ કર્યાં. જોકે આ વાત એક ઘટના તરીકે કહેવાઈ, તેમાં રમખાણોની પીડાનો રોષ નહોતો. અહીં એક વાત જરૂર કહેવી રહી કે આટલું બધું રમખાણોમાં ગુમાવ્યા છતાં સાદિકભાઈએ આજીવન પ્રેમની વહેંચણી કરી છે. અને એટલે જ તેમનાં પરિચિતોમાં આજે તેઓ પ્રેમરૂપી બીજ રોપીને ગયા છે.
તેમના રેડિયો અને જીવન સંબંધિત અનેક ઘટનાઓ એવી છે, જે લખાવી જોઈતી હતી. છેવટે જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમના જીવન પર કશુંક નક્કર લખાવું જોઈએ તે શરતે…. ગાડીનો દરવાજો ખોલ્યો અને સસ્મિત સાદિકભાઈએ કહ્યું કે ફરી મળીએ. કમનસીબે તેમના જીવનના આ કેટલાક કલાકોનો હિસ્સો અહીં શબ્દોમાં ઉતારી શકાયો. એક ગુજરાતીનું આટલું ઉમદા જીવન શબ્દબદ્ધ થયા વિના રહી ગયું તેનો અફસોસ કરીએ એટલો ઓછો છે.