વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): હાલમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચ ટીવી ઉપર ક્રિકેટના રસિયાઓ મજાથી નિહાળી રહ્યા છે. તો બીજી બાજુ નર્મદા એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે હજરપરા ગામમાં રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાજુ પ્રવિણભાઇ પટેલને પોતાના મોબાઇલ ફોન દ્વારા આઇ.પી.એલ ક્રિકેટ મેચ સીરીઝમાં અરવિંદભાઇ ઉર્ફે કાકા આઇ વાળંદ પાસેથી લખનઉ સુપર જાયન્ટસ અને દિલ્હી ડેરડેવિલ્સની ક્રિકેટ મેચ ઉપર સટ્ટા – બેટીંગનો જુગાર રમાડતા ઝડપી પાડ્યા હતા. નર્મદા એલ.સી.બી એ સટ્ટોડિયાઓ પાસેથી 75,480 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
નર્મદા પોલિસ દ્વારા આ કેસની સઘન તપાસ હાથ ધરાઈ છે. તો બીજી બાજુ સટ્ટાકાંડમાં પકડાયેલ આરોપીના મોબાઈલની જો તપાસ કરવામાં આવે, કોલ ડિટેલ ચેક કરવામાં આવે તો રાજપીપળા શહેર તેમજ આસપાસના ખાનદાની નબીરાઓ ઉપરાંત 10-12 મોટા રાજકીય આગેવાનો અને રાજકીય આગેવાનના પુત્રની સંડોવણી બહાર આવે એવી આશંકાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. તો આવી આશંકાઓ વચ્ચે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પોલીસ યોગ્ય તપાસ કરશે કે કેમ, પકડાયેલા આરોપીના મોબાઈલ નંબર પરથી મોટાં રાજકીય આગેવાનો નામ આ સટ્ટાકાંડમાં બહાર આવે તો કાર્યવાહી થશે કે એમને લાલ જાજમ બિછાવી છોડી મુકાશે સહિત અનેક પ્રશ્નો શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યા છે.