વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): રાજપીપળા વોર્ડ નંબર 7 માં કરોડો રૂપિયાના ખર્ચે થયેલી પેવર બ્લોકની કામગીરી માટે પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક બૂમો ઉથી હતી. પેવર બ્લોકની કામગીરી પણ મંથર ગતિએ ચાલી રહી છે જેથી લોકો પણ હેરાન થઈ રહ્યા છે. હજુ તો કામગીરી પૂરી નથી થઈ અને પેવર બ્લોક ઉખડી જતા આ રાજપીપળા પાલિકાએ એજન્સીએ નોટિસ ફટકારી ગુણવતા યુક્ત અને ઝડપી કામગીરી કરવા તાકીદ કરી છે.

રાજપીપળાનાં વોર્ડ 7 માં પેવર બ્લોકની કામગિરી મુદ્દે પાલિકાએ સુરતની તિરૂપતિ કંપનીને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે તમારા દ્વારા છેલ્લા 1 વર્ષથી ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે. રાજપીપળા પાલિકા દ્વારા અગાઉ પણ નબળી કામગીરી બાબતે તમને જાણ કરી હતી. તે છતાં તમે અયોગ્ય કામગીરી ચાલુ રાખી અમારી સૂચનાઓની અવગણનાં કરી છે.હાલમાં તમામ જગ્યાઓમાં પેવર બ્લોક તૂટી ગયા છે, બેસી ગયા છે. વાહનો માટે અકસ્માત થાય એવી અનઈવન સરફેસ થઈ ગઇ છે. આવી ખરાબ કામગિરી ચલાવી લેવાય એમ નથી.જો તમે 15 દિવસમાં તૂટેલા પેવર બ્લોક નહિ બદલો, અનઈવન સરફેશનું લેવલીંગ નહીં કરો તો આ કામનું હાલની સ્થિતિએ પેમેન્ટ સ્થગિત કર્યું છે તેનું ચુકવણું અટકાવવા આવશે.

રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શહેરના વિકાસના કામમાં જો ગુણવતા નહીં જળવાય, સમય મુજબ કામગીરી નથી થાય તો એ કોઈ પણ એજન્સી હશે એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. જ્યારે રાજપીપળા પાલિકા સી.ઓ રાહુલ ઢોડીયાએ જણાવ્યું હતું કે અમે હલકી ગુણવતાની કામગીરી મુદ્દે એજન્સીને નોટિસ આપી છે. એ એજન્સી ધીમી ગતિએ કામગીરી કરી રહી હતી, એટલે લોકો હેરાન થઈ રહ્યા હતા.જો અમારી સૂચનાઓ મુજબ કામગીરી નહીં કરે તો એજન્સી સામે પગલાં લેતા ખચકાઈશું નહીં.








