નવજીવન ન્યૂઝ, રાજકોટ : પોલીસ અધિકારી/કર્મચારીના સર્વિસ વેપનમાંથી અકસ્માતે ગોળી છૂટી હોવાની તેમજ ઇજા થવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે. રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) ના એક સબ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવૉલ્વરમાંથી ફાયરિંગ થતાં તેમને તેમજ તેમની મહિલા મિત્રને ઇજા પહોંચતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના કેવી રીતે બની તેની જાણકારી મેળવવા સ્થાનિક પોલીસ અને ફૉરેન્સિક અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત લઈ પીએસઆઈ એન. કે. પંડ્યા (PSI N K Pandya) ની પૂછપરછ આરંભી છે. મધરાત્રિના પીએસઆઈ પંડ્યા રિવૉલ્વર સાથે શું કરી રહ્યાં હતા તે એક મોટો સવાલ છે.
અચાનક ગોળી છૂટી અને બે જણા થયા ઘાયલ
રાજકોટ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Rajkot) માં ફરજ બજાવતા પીએસઆઈ એન. કે. પંડ્યા યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય શુલભ એપાર્ટમેન્ટમાં બે વર્ષથી ફલેટ ભાડે રાખીને રહે છે. 30 માર્ચની મધરાતે ફલેટ નંબર 404માં પીએસઆઈ પંડ્યાની સર્વિસ રિવૉલ્વરમાંથી અચાનક ફાયરિંગ થતા છૂટેલી ગોળીએ તેમના હાથમાં તેમજ તેમની સાથે રહેલી સ્ત્રી મિત્રના કમરમાં વાગી જતા ઇજા પહોંચી છે. ફાયરિંગનો અવાજ થતાં પાડોશીએ યુનિવર્સિટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પીએસઆઈ પંડ્યા અને તેમની મહિલા મિત્રને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે યુનિવર્સિટી પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
પીએસઆઈના ફલેટમાં મહિલા શું કરતી હતી ?
રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળીએ બે જણાને ઇજાગ્રસ્ત કરતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. પીએસઆઈ પંડ્યાના ફલેટમાં હાજર મળી આવેલી સ્ત્રી મિત્ર કોણ છે અને ક્યારથી અહીં રહેતી હતી? તેની માહિતી પોલીસ અધિકારીઓ મેળવી રહ્યાં છે. આ ઘટના સમયે હાજર અને ઇજા પામેલી સ્ત્રી મિત્રની પોલીસ પૂછપરછ કરી સમગ્ર ઘટનાની વાસ્તવિકતા જાણવા પ્રયત્ન કરશે. જોકે અત્યાર સુધી આ પૈકીના ઘણા સવાલોના જવાબ પોલીસે મેળવી જ લીધા હશે પરંતુ આગામી સમયમાં કેટલી અને કઈ બાબતો કેવી રીતે જાહેર કરે છે તે જોવું રહ્યું…








