નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં હાલ ચૂંટણીનો કોઈ માહોલ નથી, પરંતું છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય નેતાઓ પાર્ટી બદલવામાં જે પ્રકારે ગુલાટો મારી રહ્યા છે. તે જોતા આગામી લોકસભાની ચૂંટણીની (Lok sabha Election) તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાનું (AAP Leader) હૈયું કોંગ્રેસમાં લાગ્યું હોય તેવા દૃશ્ય સામે આવ્યા છે. રાજકોટના (Rajkot) આપના નેતા વસરામ સાગઠિયા (Vashram Sagathiya) કોંગ્રેસના (Congress) કાર્યક્રમમાં નજરે પડતાં રાજકોટમાં રાજકારણ ગરમાયું છે.
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, તેવામાં વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતાઓ પણ હવે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગ્દીશ ઠાકોરને બદલીને કમાન સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ પદભાર સભાળે તે પહેલા અમદાવાદમાં ગાંધી આશ્રમથી પાલડી સુધી પદ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વશરામ સાગડીયા પણ હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં આપના નેતા કેમેરામાં કેદ થતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.
આ મામલે નવજીવન ન્યૂઝ દ્વારા વશરામ સાગઠિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે મિત્રતાની રૂએ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોડાયા હતા. હાલ તો તેઓ આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલા છે, પરંતુ તેઓ ભવિષ્ય ભાખી નથી શકતા માટે કહી ન શકાય કે હું કોંગ્રેસમાં જઈશ કે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા ઈન્દ્રનીલ રાજગુરૂ અને વશરામ સાગઠિયાએ ગત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં એક જ દિવસે જોડાયા હતા. જોકે આમ આદમી પાર્ટીએ CMના ચહેરા તરીકે ઈશુદાન ગઠવીનું નામ જાહેર કરતાં જ ઈન્દ્રનીલ રાજગુરૂએ આપ પર કેટલાક આક્ષેપો કરીને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. જ્યારે વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જ રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ તેમને રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ટિકીટ આપી હતી. આ બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયાની જીત થઈ હતી અને આપના વશરામ સાગઠિયાની હાર થઈ હતી.
વશરામ સાગઠિયા કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે કામગીરી કરી રહ્યા હોવાથી કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ આ અંગે અરજી કરતા શહેરી વિકાસ સચિવ દ્વારા વશરામ સાગઠિયાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જોકે વશરામ સાગઠિયાએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાની ચીમકી આપી હતી. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠીયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796