નવજીવન ન્યૂઝ. રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી રાજકોટ પોલીસ પર કથિત રીતે કમિશનના લાગેલા આરોપ બાદ મામલો ગરમાયો હતો. આ મામલે ગૃહ રાજ્ય મંત્રીએ રાજકોટ આવી તપાસ કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેવુ બન્યુ નથી. અત્યારે આ કેસની તપાસ ડીજીપી વિકાસ સહાયને સોંપવામાં આવી હતી. આ મામલે ફરિયાદી મહેશ સખિયા તેમજ જગજીવન સખિયાના નિવેદન ડીજીપી વિકાસ સહાય દ્વારા લેવામાં આવ્યા હતા. જે મામલે સખિયા બંધુએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. ત્યારે આવા ઘણા પીડિતો હર્ષ સંઘવીના આગમન અને ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે.
રાજકોટમાં મહેશ સખિયા સાથે 12 કરોડની છેતરપીંડી મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ટકાવારી માંગી હવાલો રખાયો હોવાના આક્ષેપ ધારાસભ્ય અને સાંસદ દ્વારા થયા હતા. ત્યાર બાદ પીડિત સખિયા બંધુ ખુલીને મીડિયા સમક્ષ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ કમિશનર પર કમિશનના આરોપ લગાવ્યા હતા. જે મામલે ગૃહ રાજ્ય મંત્રીએ વચન મુજબ રાજકોટ આવી તપાસ કરવાનું ચુકી ગયા છે. પરંતુ આ મામલાની તપાસ ડીજીપી વિકાસ સહાયને સોંપવામાં આવતા પીડિતોના નિવેદન લેવામાં આવ્યા હતા. આ મામલે સખિયા બંધુને ગાંધીનગર બોલાવી તપાસ અધિકારી વિકાસ સહાયે નિવેદન લીધા હતા.
વિકાસ સહાયે સખિયા બંધુ સહિતના પીડિતોના નિવેદન લીધા હતા જેમાં જગજીવન સખીયાએ 6 પાનાનું નિવેદન તેમજ મહેશ સખિયાએ 7 પાનું નિવેદન આપ્યુ હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. સાથે જ રાજકોટ પોલીસ કમિશનરની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં તેમને પોતાની ચામડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ સખિયા બંધુએ જણાવ્યુ હતું.
ઉપરાંત જગજીવન સખિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશનર ગઈકાલે કેટલી અરજીઓ મળી તે બાબતે વાત કરતા હતા, પરંતુ અરજી ક્યારે મળે જ્યારે ગુનો થાય ત્યારે તો ગુના ઘટ્યા નથી પણ કમિશનરે કેસ નોંધ્યા નથી તેવો પણ સખિયા બંધુ એ આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે પોલીસ કમિશનર 4 વર્ષથી રાજકોટમાં માત્ર હથિયારના લાયસન્સ લેનાર લોકો સિવાય કોઈને મળ્યા જ નથી.
મહત્વની વાત છે કે, રાજકોટમાં સખિયા બંધુ બાદ અન્ય વેપારીઓ સહિતના પીડિતોની પણ મીડિયા સમક્ષ પોલીસ વિરૂધ્ધ રાવ આવી છે તો તેની તપાસ કોણ કરશે અને થશે કે કેમ ? હાલ તો સખિયા બંધુ એ વિકાસ સહાયને પોતાના નિવેદન આપી દિધા છે. પરંતુ બીજા લોકો પણ પોતાને કથિત પોલીસ અત્યાચાર અને જમીન-પૈસા પડાવવા મામલે ન્યાય આપે તેવી આશા એ ગૃહમંત્રીની રાહ જોઈ બેઠા છે.
ખરેખર જો ગૃહમંત્રી કાર્યવાહી કરે તો રાજકોટ પોલીસના ઘણા બધા કાંડ બહાર આવે અને લોકોને ન્યાય મળે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. તો શહેરી વર્તુળમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે રાજકોટ પોલીસના નવા કાંડ ટુંક સમયમાં બહાર આવશે જેમાં પોલીસ બરાબરની ભરાઈ શકે તેમ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












