પ્રશાંત દયાળ (શતરંજ-30, નવજીવન ન્યૂઝ):
ત્રણ મહિના પછી…
મંત્રી કિરણ ત્રિવેદી તેમના રોજના ક્રમ પ્રમાણે સવારના પાંચ વાગે મંગલેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા નીકળ્યા હતા. તેમને મહાદેવમાં અખૂટ શ્રદ્ધા હતી. કિરણ અમદાવાદમાં ના હોય તો જે શહેરમાં હોય ત્યાં મહાદેવના મંદિરમાં અચૂક દર્શન કરવા જતા. આજે પાછો સોમવાર હતો. સાથે પૂજાનો સામાન પણ હતો. કિરણ મંદિરમાં ગયા ત્યારે સવારના આઠ વાગી ગયા હતા. હજી ઘરે પાછા આવ્યા ન હતા. કિરણનાં પત્ની કેતકી માટે આ કંઈ નવું ન હતું, આવું તો અનેક વખત બનતું હતું. કિરણનો લોક સંપર્ક ખૂબ જ હતો. ઘણી વખત તો કેતકીની સાથે બહાર નીકળ્યા હોય અને જો કોઈ મતદાર પોતાના પ્રશ્નની રજૂઆત કરે તો કિરણ ભૂલી જતા કે સાથે કેતકી છે. પહેલાં તે કઈ રીતે મતદારના પ્રશ્નનો ઉકેલ આવે તેની પળોજણમાં પડી જતા. ઘણી વખત કેતકીને ગુસ્સો પણ આવતો… ક્યાં રાજકારણી સાથે પનારો પડ્યો! કિરણના મળતાવડા સ્વભાવને કારણે ક્યારેક હોટલમાં જાય ત્યારે પણ લોકો તેને ઓળખી જતા અને ટોળે વળી જતા હતા. ઘરે આવી કેતકી અને દીકરો મુશ્કાન કહેતાં : “હવે તમે અમારી સાથે ક્યારેય હોટલમાં આવતા નહીં. મુશ્કાન વીસ વર્ષનો હતો અને ફૅશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતો હતો. તેને પિતાના રાજકારણ સાથે કોઈ નિસબત ન હતી. તે બને ત્યાં સુધી પોતે મંત્રી કિરણ ત્રિવેદીનો દીકરો છે તે કહેવાનું પણ ટાળતો હતો. તેને પિતાના મંત્રીપદને કારણે મળતી વીઆઇપી ટ્રીટમેન્ટ ઇરિટેટ કરતી હતી. તેને એક આમ-માણસ તરીકે જીવવાની મજા આવતી હતી.
કિરણ ત્રિવેદીને પણ ખબર પડતી હતી કે, તેમનું મંત્રી હોવાનું પરિવાર માટે પરેશાનીનું કારણ બને છે. એટલે જો વર્ષમાં એક વાર તે જ્યારે પરિવાર સાથે ગુજરાત બહાર ફરવા જતા ત્યારે કોઈને પણ આગોતરી જાણ કર્યા વગર જાતે જ ઍરટિકિટ અને હોટલ બુક કરાવી નીકળી જતા. જ્યાં તેમને કોઈ ઓળખીતું મળે તેવી સંભાવના ઓછી હોય. કેતકી પોતાના કામમાં પરોવાઈ ગયાં હતાં. તેમને હતું કે ‘હમણાં કિરણ આવશે અને કહેશે… ‘જમવાનું તૈયાર નથી? મારે મિટિંગ છે, મારે રાઉન્ડ છે, મારે સચિવાલય જવાનું છે વગેરે કહેશે અને જમવાનું તૈયાર નહીં હોય તો જમ્યા વગર જતા રહેશે.’ સોમવાર હોવાને કારણે મંદિરમાં ભીડ થવા લાગી હતી. કિરણની જેમ મંદિરમાં રોજ આવતો દેશી જનતા પાર્ટીનો કાર્યકર હિતેશ પણ દર્શન કરવા આવ્યો હતો, જોકે તેનો કોઈ ટાઇમ ફિક્સ ન હતો. તે રાતનો રાજા હતો. રોજ રાતે મિત્રો સાથે વીએસ હૉસ્પિટલના ઝાંપા પાસે મોડી રાત સુધી બેસવાનું. રાતે બાર વાગે શહેરમાં સૌથી પહેલું અખબાર વેચાવા માટે વીએસ હૉસ્પિટલ આવે, એટલે ત્યાંથી અખબાર ખરીદવાનું અને અખબાર વાંચી દેશના નાણામંત્રીએ શું કરવું જોઈએ, હવે તો હદ થઈ… પાકિસ્તાન ઉપર હુમલો કરી દેવો જોઈએ — જેવા વિષયોની ચર્ચા કરવાની અને રોજ પોતે જાણે વડાપ્રધાન સાથે વાત કરતો હોય અને વડાપ્રધાન તેની સલાહ લેતા હોય તે રીતે હિતેશ તેના મિત્રો સામે પોતાની એક્સપર્ટ કૉમેન્ટ આપતો હતો.
રાતના લગભગ ત્રણ વાગ્યા સુધી બેસી પાંચ-સાત કપ ચા પીવાની અને લગભગ તેટલી જ ગુટકા ખાઈ જવાની અને છેલ્લે રાતે જતી વખતે નિસાસો નાખવાનો કે આ દેશનું કોઈ ભલું કરી શકે તેમ નથી. રાતે ત્રણ વાગે સૂઈ જાય પછી જ્યારે સવાર પડે ત્યારે મંદિરમાં આવવાનું. જોકે તે ચૂક્યા વગર મંદિર આવતો. રવિવારે રાતે તે રોજ કરતાં વહેલો સૂઈ ગયો હતો. જોકે વહેલો એટલે એક કલાક જ વહેલો… બે વાગે. આઠ વાગે તેની આંખ ખૂલી એટલે નાહી-ધોઈ નવ વાગે મંદિરે આવી ગયો હતો. હિતેશ પોતાના વિસ્તારના પ્રસિદ્ધ મંદિરના પૂજારીને પણ ઓળખતો હતો. તે મંદિરમાં આવ્યો અને શિવલિંગ ઉપર જળાભિષેક કર્યો. તરત પૂજારીએ તેના કપાળમાં ચંદનનું તિલક કર્યું, તે પૂજારીને નમસ્કાર કરી, મંદિરનાં પગથિયાં ઊતરી રહ્યો હતો, ત્યારે તેનું ધ્યાન મંદિરથી પચાસ મીટર દૂર રસ્તા ઉપર પાર્ક થયેલી મંત્રી કિરણ ત્રિવેદીની કાર ઉપર પડી. તેની આંખોમાં ચમક આવી. જાણે ભગવાન મહાદેવ મળી ગયા હોય તેવું લાગ્યું. તેણે આજુબાજુ નજર કરી. તેને ખબર પડી કે કાર છે તેનો અર્થ એ કે કિરણ ત્રિવેદી નજીકમાં જ હોવા જોઈએ. હિતેશે ચારે તરફ નજર દોડાવી, પણ ક્યાંય કિરણ ત્રિવેદી નજરે પડ્યા નહીં. મંત્રી હોવા છતાં સાથે પોલીસનો અંગરક્ષક નહીં રાખનાર એકમાત્ર મંત્રી હતા.
હિતેશ વિચાર કરવા લાગ્યો કે કિરણભાઈ ક્યાં હશે. જ્યારે તેને કંઈ સૂઝ્યું નહીં ત્યારે તે મંદિરમાં પાછો ફર્યો અને પૂજારીને પૂછ્યું, “મહારાજ, કિરણભાઈ ક્યાં છે?” પૂજારીએ આશ્ચર્ય સાથે કહ્યું, “કિરણભાઈ! કિરણભાઈ તો આવ્યા હતા, પણ સવારના પાંચ વાગે. હમણાં સુધી થોડા હોય?” પૂજારીનો જવાબ સાંભળી હિતેશને બહુ વિચિત્ર લાગ્યું. તે મંદિરની બહાર આવ્યો. તેણે આજુબાજુ ફરીવાર જોયું પણ કિરણ ત્રિવેદી નજરે પડ્યા નહીં. તે ચાલતો ચાલતો કિરણની કાર સુધી ગયો. તેણે કારમાં જોતાં જ તે ધ્રૂજી ઊઠ્યો. કિરણ ત્રિવેદી ડ્રાઇવિંગ સીટ ઉપર જ હતા, પણ તેમનું અડધું શરીર ડાબી બાજુની સીટ ઉપર ઢળેલું હતું, જેના કારણે કોઈ ઇરાદાપૂર્વક કારની અંદર નજર ના કરે ત્યાં સુધી કોઈને અંદરનું દૃશ્ય નજરે પડે તેમ ન હતું. કિરણ ત્રિવેદીના ઝભ્ભા ઉપર લોહીના ધબ્બા પણ હતા.
હિતેશનો અવાજ હણાઈ ગયો હોય તેવું બન્યું, તેણે જે જોયું તે જોઈ તે બૂમો પાડવા માગતો હતો, લોકોને બોલાવવા માગતો હતો. પણ તે બોલી શકતો ન હતો. રસ્તે પસાર થતાં લોકો અને વાહનો સામે જોયું પણ કોઈ તેની સામે જોઈ રહ્યું ન હતું, તેને કંઈ સૂઝી રહ્યું ન હતું. તે દોડતો પાછો મંદિર તરફ ગયો. તેને હાંફળો-ફાંફળો જોઈ પૂજારીએ તેને પૂછ્યું : “હિતેશભાઈ, શું થયું?” ત્યાં પણ હિતેશ કંઈ બોલી શક્યો નહીં. તેને પરસેવો થઈ ગયો હતો. પૂજારીએ તેનો હાથ પકડી પૂછ્યું, “શું થયું?” તે હાથનો ઇશારો કરી બહાર તરફ કંઈ બતાવી રહ્યો હતો. પૂજારીએ જોયું પણ ખરું, પણ ત્યાં કોઈ ન હતું. હિતેશે પૂજારીનો હાથ પકડ્યો અને રીતસર તેમને ખેંચી જતો હોય તેમ તે કિરણની કાર તરફ તેમને લઈ ગયો. આ જોઈ મંદિરમાં આવેલા અન્ય દર્શનાર્થીઓને આશ્ચર્ય થયું. તે પણ પૂજારીને આ યુવક ક્યાં લઈ જાય છે, તે જોવા માટે તેમની પાછળ ગયા.
કિરણની કાર સુધી લાવી, હિતેશે હાથથી ઇશારો કરતાં પૂજારીએ કારની અંદર જોયું અને તે બે ડગલાં પાછળ હટી ગયા. તેમની પાછળ આવેલા લોકોએ પણ કિરણનો દેહ ઢળી ગયો હતો તે જોયું. થોડી વારમાં લોકોનું ટોળું એકઠું થયું. ‘કેવી રીતે થયું? કેટલા વાગે થયું?’ વગેરે ગણગણાટ ચાલતો હતો. હિતેશને કંઈક સૂજ્યું. તેણે પોતાનો મોબાઇલ ફોન કાઢી પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો. થોડી વારમાં પોલીસનો કાફલો અને ઍમ્બ્યુલન્સની વાન આવી ગયાં. તરત પૅરા-મેડિકલ સ્ટાફે દરવાજો ખોલ્યો અને કિરણની નાડી તપાસી. પોલીસ ટોળાને દૂર કરવા લાગી. કોણે પોલીસને જાણ કરી તેવું પૂછ્યું તો તરત હિતેશ ઇન્સ્પેક્ટરની સામે આવ્યો. મંત્રી હોવાને કારણે ઍમ્બ્યુલન્સના પૅરા-મેડિકલ સ્ટાફે કિરણ ત્રિવેદીને વીએસ હૉસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો. પોલીસના કૉન્સ્ટેબલો ઍમ્બ્યુલન્સના સ્ટાફની મદદે આવ્યા. ઍમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર બહાર કાઢ્યું. તરત તેમને ઍમ્બ્યુલન્સમાં લઈ લેવામાં આવ્યા. કિરણ ત્રિવેદીને બહાર કાઢ્યા. તેના કારણે તેમના સફેદ ઝભ્ભામાં છાતીના ભાગે બે સ્થળે લોહીના ડાઘ અને બે કાણા પણ હતા. પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે, તેમના ઉપર ગોળીબાર થયો છે.
જેવી ઍમ્બ્યુલન્સ વીએસ હૉસ્પિટલ તરફ દોડવા લાગી તેની સાથે સ્થળ ઉપર દોડી આવેલા નવરંગપુરા પોલીસ-ઇન્સ્પેક્ટરે ફોન કરી વીએસ પોલીસ- ટેબલ ઉપર ફરજ બજાવતા સ્ટાફને વીએસના ઇમર્જન્સી વૉર્ડને ઍલર્ટ કરવાની સૂચના આપી. ઇન્સ્પેક્ટર એક પછી એક ફોન કરી પોતાના સિનિયરોને જાણ કરી રહ્યા હતા. પાંચ-સાત મિનિટમાં તો ગાંધીનગર સુધી જાણ થઈ ગઈ હતી કે, મંત્રી કિરણ ત્રિવેદી ઉપર ગોળીબાર થયો છે. હિતેશે કેતકીને ફોન કરી એટલી જાણ કરી કે, તાત્કાલિક વીએસ હૉસ્પિટલ પહોંચો. કેતકીએ હિતેશને સવાલો પૂછ્યા પણ હિતેશ તેના જવાબ આપી શકે તેવી સ્થિતિમાં ન હતો. કિરણ વીએસ હૉસ્પિટલ પહોંચી ગયો હતો. ઇમર્જન્સી વૉર્ડમાં સારવાર શરૂ થઈ ચૂકી હતી, કેતકી હૉસ્પિટલ પહોંચતાં તેણે રોકકળ શરૂ કરી મૂકી હતી. ડૉક્ટરોએ ‘અમારા પ્રયત્નો ચાલુ છે’ તેવું આશ્વાસન આપ્યું હતું. થોડી વારમાં વીએસ હૉસ્પિટલમાં કાર્યકરોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં, તેમની અંદર એક પ્રકારનો ગુસ્સો હતો, કોણે ગોળી મારી તેની ચર્ચા પણ હતી.
અમદાવાદના ટાગોર હૉલમાં એક સમારંભમાં મુખ્યમંત્રી ગોવિંદરાય મુખ્ય મહેમાન તરીકે આવેલા હતા. તેમના સલામતી-રક્ષકોએ તેમને જાણ કરી કે કિરણ ત્રિવેદીને કોઈએ ગોળી મારી છે, તરત તેમણે આયોજકને બોલાવી પોતાને અગત્યના કામે નીકળી જવું પડશે તેવી જાણ કરી ત્યાંથી નીકળી સીધા વીએસ હૉસ્પિટલ પહોંચ્યા હતા. કાર્યકરો મોટી સંખ્યામાં હોવા છતાં પોલીસની હાજરી પણ નોંધપાત્ર હતી. ગોવિંદરાયની કાર સીધી ઇમર્જન્સી વૉર્ડના દરવાજા પાસે ઊભી રહી, ગોવિંદરાય સીધા વૉર્ડ તરફ ગયા. તેમને જોઈ આંખોમાં આંસુ સાથે કેતકી તેમના તરફ આવી. તેમણે તેના ખભા ઉપર હાથ મૂકતાં તે ભાંગી પડી. તે ગોવિંદરાયના ખભા ઉપર માથું મૂકી રડવા લાગી. તેમણે તેના માથા ઉપર હાથ મૂકી ‘સારું થઈ જશે’ તેમ જણાવ્યું હતું. તેની સાથે ચર્ચા કરી ગોવિંદરાય રેસિડેન્ટ મેડિકલ ઑફિસરની રૂમમાં ગયા. ત્યાં થોડી વારમાં મંત્રી અમર ઠાકોર પણ આવ્યા. તેનું શરીર કદાવર હોવાથી ઝડપથી ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેની આંખો આજુબાજુના વાતાવરણનો ક્યાસ કાઢી રહી હતી, જ્યારે નાક વાતાવરણને સૂંઘી રહ્યું હતું. ઠાકોર પણ સીધા આરએમઓની ઑફિસમાં દાખલ થયા, ત્યાં ગોવિંદરાય પાસે જઈ બેઠા. ત્યાં જ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રોહત દલાલ આવ્યા. તેમણે આવતાં રૂમનો દરવાજો બંધ કર્યો, ગોવિંદરાયને પરિસ્થિતિથી વાકેફ કર્યા. ગોવિંદરાય અને ઠાકોર ઊભા થયા. વીએસમાં પ્રવેશ કરવાના બે રસ્તાઓ છે : એક મુખ્ય રસ્તો આશ્રમ રોડ ઉપર પડતો હતો. બીજો રસ્તો પાછળ આવેલી મેડિકલ કૉલેજ તરફથી પાલડી તરફ જતો હતો. ઠાકોરે સલાહ આપી કે, પાછળના રસ્તે નીકળી જવું જોઈએ. ગોવિંદરાય અને ઠાકોરની કાર પાછળના રસ્તે તેમને બંનેને લઈ નીકળી ગઈ.
વીએસ હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડના ફરજ ઉપરના ડૉક્ટર બહાર આવ્યા. તેમના હાથમાં હેલ્થ બુલેટિન હતું, તેમને જોતાં પત્રકારો, કૅમેરામેન અને કેટલાક કાર્યકરો આગળ આવ્યા. ડૉક્ટરે બુલેટિન વાંચ્યું : “સવારે નવ વાગે મંત્રી કિરણ ત્રિવેદીને ઇમર્જન્સી વૉર્ડમાં બે ગોળી વાગેલી હાલતમાં લાવવામાં આવ્યા. તેમનું લોહી ખાસ્સું વહી ગયું હતું. તેના કારણે તેમના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું. ફરજ ઉપરના ડૉક્ટરોએ તેમના તમામ પ્રયત્ન કર્યા પણ તેમનું હૃદય ફરી ચાલુ થઈ શક્યું નહીં. તેમને મૃત જાહેર કરવામાં આવે છે.” કિરણ ત્રિવેદીને મૃત જાહેર કરતાં કાર્યકરોના એક ટોળામાંથી સૂત્રોચ્ચાર થયો : ‘હાય રે ગોવિંદરાય હાય હાય… ગોવિંદરાય હાય હાય.’ કિરણ ત્રિવેદી અને ગોવિંદરાય વચ્ચેના વણસેલા સંબંધોની વાત જગજાહેર હતી, પણ તે કિરણ ત્રિવેદીની હત્યા સુધી પહોંચશે તેવું કોઈ માનતું ન હતું. કાર્યકરો જ નહીં, પણ કિરણ ત્રિવેદીનો દીકરો મુશ્કાન પણ માનતો હતો કે, આ હત્યા પાછળ ગોવિંદરાય જ હશે. તે પણ હૉસ્પિટલ પહોંચી ગયો હતો. તે મમ્મીને વળગી ખૂબ રડ્યો હતો અને તેણે રડતી મમ્મીને આશ્વાસન પણ આપ્યું હતું. હૉસ્પિટલની બહાર એકઠા થયેલા કાર્યકરોમાં ગુસ્સો વધી રહ્યો હતો. પોલીસ હજી કાર્યકરો સાથે નરમાશથી વર્તી રહી હતી. મુશ્કાન રાજકારણી ન હતો, પણ તેનામાં તેના પપ્પાના ઘણા ગુણો હતા.
તે ઇમર્જન્સી વૉર્ડની બહાર આવ્યો. કાર્યકરો ‘હાય રે ગોવિંદરાય હાય હાય’નાં સૂત્રો પોકારી રહ્યા હતા. મુશ્કાને તેમને બે હાથ જોડ્યા. સૂત્રોચ્ચાર ચાલુ હતો. મુશ્કાન ટોળા તરફ હાથ જોડી ઊભો રહ્યો. તેની આંખોમાં આંસુ હતાં. થોડી મિનિટમાં સૂત્રોચ્ચાર બંધ થયા. તેણે મોટા અવાજે કહ્યું, “પપ્પાના સોગંદ આપી તમને વિનંતી કરું છું, કોઈ પણ પ્રકારના સૂત્રોચ્ચાર થવા જોઈએ નહીં.” એક કાર્યકરે બૂમ પાડી કહ્યું, “હત્યારા ગોવિંદરાયને ગોળી મારો.” મુશ્કાને તેની સામે જોયું, તે કાર્યકર મુશ્કાન સામે આંખો મિલાવી શક્યો નહીં. તેણે પોતાની નજર નીચી કરી નાખી. મુશ્કાને કહ્યું, “મને આપણી પોલીસ અને કોર્ટમાં ભરોસો છે, તે બંને પોતાનું કામ કરશે. આજે સાંજે ચાર વાગે અંતિમવિધિ રાખવામાં આવી છે.” મુશ્કાન પોતાની મમ્મીને લઈ ઘરે ગયો. રાજ્યની તમામ સરકારી કચેરી ઉપર રહેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકવા લાગ્યો હતો. પોસ્ટમૉર્ટમ બાદ કિરણ ત્રિવેદીના દેહને તેમના ઘરે લઈ આવવામાં આવ્યો હતો. સવારે વીએસ હૉસ્પિટલમાં જે પ્રકારનો માહોલ હતો, તેને ધ્યાનમાં લઈ કિરણ ત્રિવેદીના ઘરે પૂરતા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. કારણ કે નશ્વર દેહ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ગોવિંદરાય આવવાના હતા. ચાર વાગતાં મુખ્યમંત્રી આવ્યા. તેમણે રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા કિરણના શરીર ઉપર ફૂલો ચઢાવ્યાં અને ત્યાં જ શાંત બેસી રહ્યા. તેમના ચહેરા પર ઉદ્વેગ હતો. તે ત્યાંથી નીકળ્યા પછી અંતિમયાત્રા નીકળી. કિરણનો દેહ શણગારેલી ટ્રકમાં ગોઠવવામાં આવ્યો હતો. કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીઓ જોડાયા હતા. શહેર ગમગીન હતું.
(ક્રમશ:)






