કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): એક સદીથી વધુ સુધી લોકો સુધી ખબરો પહોંચાડનારા ‘પ્રતાપ’ અખબારનો ઇતિહાસ હાલમાં પ્રકાશિત થયો છે. આઝાદી સામે અંગ્રેજો સામે જોરશોરથી અવાજ ઉઠાવવાનું કામ ‘પ્રતાપ’ અખબારે બખૂબી કર્યું હતું. આ અખબારની શરૂઆત માર્ચ 1919માં થઈ હતી અને 2017 સુધી આ અખબાર પ્રકાશિત થતું રહ્યું. પત્રકાર મહાશય કિશન દ્વારા તે સ્થપાયું અને તે પછી તેનું કામ સંભાળવામાં દીકરા વિરેન્દ્ર હતા અને આખરે તેના સંપાદક પૌત્ર ચંદર મોહન હતા. ‘પ્રતાપ : અ ડેફિયન્ટ ન્યૂઝપેપર’ પુસ્તકનો ઇતિહાસ ચંદર મોહન અને તેમની દીકરી જ્યોત્સના મોહને (Jyotsna Mohan) લખ્યો છે. એક અખબારનો ઇતિહાસ લખાય ત્યારે સમયાંતરે બનેલી ઘટનાઓઓનો એક અલગ ઇતિહાસ સમક્ષ આવે છે. અહીંયા જે આપણે ‘પ્રતાપ’ અખબારની વાત કરવા જઈ રહ્યા છે તેની શરૂઆત જલિયાવાલા બાગ હત્યાકાંડના થોડા દિવસે પૂર્વે જ થઈ હતી. અખબારને તુરંત લોકોનો સાથ અને પ્રસિદ્ધિ મળી. આ અખબારના સંપાદકીય મજબૂત રહેતા અને તેના શબ્દોની નીડરતા વાચક અનુભવતો. આઝાદી કાળની ‘પ્રતાપ’ની આ સફર સંપાદક વિરેન્દ્રએ જોઈ હતી. તેઓ માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે પરિવારના પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશ્યા હતા. બ્રિટિશ સરકાર તેમને સાત જેલમાં પૂર્યાં અને તેઓ ચંદ્રશેખર આઝાદની ક્રાંતિકારી ક્લબના સભ્ય પણ રહી ચૂક્યા હતા.

‘પ્રતાપ’ના ઘટનાપ્રચૂર ઇતિહાસમાં લેખક ચંદર મોહન અને જ્યોત્સના મોહન પુસ્તકના પ્રથમ પ્રકરણમાં ઘટનાક્રમમાં પંજાબમાં નેવુંના દાયકાની શરૂઆતમાં પ્રસરેલા હિંસક માહોલનું બયાન કરવામાં આવ્યું છે. તેઓ લખે છે : ‘2 જૂન 1983 : સામાન્ય દિવસની જેમ તે દિવસની શરૂઆત થઈ. ઉનાળાના કારણે શાળાઓમાં રજા હતી અને દિલ્હીમાં અમારો પરિવાર સંબંધીઓના ઘરોની મુલાકાતે હતો. અને એવો સ્પષ્ટ ગણગણાટ દેશમાં થઈ રહ્યો હતો કે કપિલ દેવની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ક્રિકેટ વર્લ્ડ કપમાં આવનારા દિવસોમાં ઇતિહાસ રચવા જઈ રહી છે. ‘આકસ્મિક’ નાયકોની ટોળીની આ અદ્વિતિય સફર રહેવાની હતી. જલંધરમાં ધૂળીયા નેહરુ ગાર્ડન માર્ગ પર સ્થિત ‘પ્રતાપ ભવન’ પર શુક્રવાર સહજતાથી પસાર થઈ રહ્યો હતો. આ સ્થળ બે અખબારોનો ગઢ હતો. ઉર્દૂ અખબાર ‘પ્રતાપ’ અને તેનું હિંદી સંસ્કરણ ‘વીર પ્રતાપ’. બીજા દિવસે ત્યાં જે કંઈ બન્યું તેનાથી સવારની શાંતિ જ ન હણાઈ; બલકે તેનાથી ભયનું વાતાવરણ પ્રસર્યું – જેના ઘા રૂંઝાયા નહીં. ‘પ્રતાપ’ અખબારના નામને લઈને અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. એક અન્ય અખબાર ‘પ્રતાપ’ નામે જાણીતું હતું તે ગણેશ શંકર વિદ્યાર્થીનું હતું, જેનું આરંભિક પ્રકાશન કાનપુરમાંથી થતું હતું.
સવારે અગિયાર વાગે નજીકમાં થોડા મીટરે આવેલી એક પોસ્ટ ઓફિસમાંથી રોજિંદા નિયમ અનુસાર ઑફિસનો સેવક ડાક લઈને આવ્યો. રોજના ક્રમ મુજબ તે ડાક મારા ડેસ્ક પર મૂકાઈ. પત્રો અને અખબારો વચ્ચે તેમાં સફેદ કપડાંથી એક પાર્સલ વિંટાયેલું હતું, જે મારા પિતા વિરેન્દ્રના નામે હતું. વિરેન્દ્ર બંને અખબારોના ચીફ એડિટરના પદે હતા. મેં તે પાર્સલ લીધું અને જોયું કે તે અમૃતસર જિલ્લાની એક પોસ્ટ ઑફિસમાંથી મોકલવામાં આવ્યું હતું. પરંતુ મેં તેના પર ઝાઝું ધ્યાન ન આપ્યું. આવા પ્રકારના પાર્સલ અમારી ઑફિસમાં આવે તે અજુગતી વાત નહોતી. બીજી બધી ડાક જોયા બાદ, તે પાર્સલ ખોલવાનો મેં પ્રયાસ કર્યો. પરંતુ તેને અસંખ્ય ખીલ્લાઓ ઠોકીને બંધ કરવામાં આવ્યું હતું. મેં તેને ખોલવાનો પ્રયાસ મૂકી દીધો. હું તો તેના વિશે ભૂલી પણ ગયો. દસ મિનિટ પછી મારા બાજુના ખંડમાં જબરજસ્ત વિસ્ફોટ થયો. તે પાર્સલમાંથી ધડાકો થયો હતો. ત્રણ કર્મચારીઓ તેમાં ગંભીર રીતે ઘાયલ થયા અને પછીથી તેમાંથી બે કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું.
આવું પ્રથમ વાર બન્યું કે પંજાબમાં પાર્સલ બોમ્બનો ઉપયોગ થયો હોય. દેશમાં આંતક ફેલાવવાની આ નવી મોડસ ઑપરેન્ડી હતી. આ વિસ્ફોટથી તેનો ભંગાર પૂરા ખંડમાં ફેલાયો હતો – જેનાથી ઇમારત હલી ચૂકી હતી અને બારીઓ ભાંગી ચૂકી હતી. બીજા દિવસે ‘પ્રતાપ’ના પાને વિરેન્દ્રએ જે કંઈ લખ્યું હતું તે આ પ્રમાણે હતું : “અંત વહી હુઆ જીસકા ખતરા થા. દેઢ વર્ષ સે જો પત્ર મુઝે પ્રાપ્ત હુએ હૈ ઉસસે સ્પષ્ટ થા કી કુછ ના કુછ તો હોગા. અભી તીન દિન પહેલે હીં મુઝે એક પત્ર પ્રાપ્ત હુઆ થા. જીન લોગોને યે કામ કીયા હૈ વહ બહુલ ગલત ફેહમી કા શિકાર હો રહે હૈ. યદી વહ સમઝતે હૈ કી ઇસ તરહ વહ પ્રતાપ ઔર વિર પ્રતાપ કી ઝુંબા બંદ કર દેંગે, યે ગરદન કટ તો સકતી હૈ ઝુક નહીં સકતી”
આ અખબાર વિશે પુસ્તકમાં આગળ આલેખવામાં આવી છે મુજબ પત્રકારો માટે પંજાબનો નેવુંનો દાયકો ખૂબ પડકારભર્યો હતો. તેમાં એક પછી એક અખબારોના તંત્રીઓની હત્યા થઈ રહી હતી. 1984માં 2જી મેના રોજ ‘પંજાબ કેસરી’ના સંપાદક રમેશ ચંદરની જલંધર શહેરના ચહલપહલભર્યા વિસ્તારમાં હત્યા થઈ હતી. એ રીતે ‘હિંદ સમાચાર’ના તંત્રી વિજય ચોપરાની પણ હત્યા થઈ હતી. પંજાબની તે વખતની સ્થિતિને રમેશ ચંદરના જીવનસાથી નિરજાએ આ રીતે વ્યક્ત કર્યો હતો : ‘મને શ્વાસ લેવામાં મુશ્કેલી હતી અને જડબામાં દુખાવો હતો. મારાં તમામ મેડિકલ ટેસ્ટ સારાં આવ્યા હતાં. ડૉક્ટરે અમને કહ્યું તમારી મુશ્કેલીનું કારણ ચિંતા છે. અમે આંતક વચ્ચે જીવી રહ્યાં હતાં, કાયદાવિહિન શાસન હતું. એક રાતરે અમે જાગ્યા અને બંદૂરમાંથી છૂટેલી ગોળીનો અવાજ સાંભળ્યો. બીજા દિવસે અમે સાંભળ્યું કે લાલ રતન સિનેમા પાસે એક ન્યાયાધીશની હત્યા કરી દેવામાં આવી છે. તે દિવસોમાં અમારું જીવન આવું હતું.’ પંજાબના આ સમયમાં હિંદુ અને સિખો વચ્ચે મસમોટું અંતર આવી ચૂક્યું હતું. મોટા ભાગનો સિખ સમાજ કેન્દ્રિય સરકારને દોષી ઠેરવતી હતી, તેમાં ક્યાંય અકાલી નેતાઓની ટીકા થતી નહોતી. આની શરૂઆત થઈ હતી તે 13 એપ્રિલ 1978નો દિવસ હતો જ્યારે સિખ અને નિરંકારી સંપ્રદાય વચ્ચે થયેલી ભીંડતમાં સોળ લોકો મૃત્યુ પામ્યા. આ વિભાજનનો ઝુકાવ આગળ આંકતવાદીઓ સુધી પહોંચ્યો. આખરે જ્યારે રાજ્ય હરકતમાં આવ્યું ત્યાં સુધી એક દાયકામાં હજારો લોકો તેમાં હોમાઈ ચૂક્યા હતા, તેમાં મહદંશે સિખો હતા.
પંજાબમાં જે કંઈ થયું તેને લઈને લિખિત દસ્તાવેજોમાં અનેક તથ્યો છે તો કેટલીક બાબતો એવી પણ છે જે કોઈ એક વ્યક્તિએ લખી હોય પણ તેના પ્રમાણ સર્વસામાન્ય ન હોય. જેમ કે ‘રૉ’ના એક અધિકારી જી.બી.એસ. સંધુએ તેમના પુસ્તક ‘ધ ખાલિસ્તાન કન્સીપરન્સી’માં લખ્યું છે કે તેમણે એવી માહિતી મેળવી કે સંજય ગાંધીના સૂચન અનુસાર વડા પ્રધાન સામાન્ય ચૂંટણી જીતવા અર્થે હિંદુ અને સિખ સમાજ વચ્ચે અંતર ઊભું કર્યું હતું. આ યોજના અનુસાર બુહમતિઓના માનસમાં ખાલિસ્તાન નિર્માણ કરવાની વાત પણ ઠસાવવામાં આવી હતી. પુસ્તકના આગળના પ્રકરણમાં પંજાબમાં થયેલાં હિંદુઓ પરના અત્યાચારોનો અહેવાલ છે. તેમાં જ એક વિગત હાલના કૉંગ્રેસના અગ્રણી નેતા અને રાજ્યસભાના સભ્ય મનીષ તિવારીના પિતા વી. એન. તિવારીનો છે. વી. એન. તિવારી અધ્યાપક હતા. તેમના જ ઘરમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ તેમની હત્યા કરી હતી. તેઓ ત્રણેય તિવારીના વિદ્યાર્થી હોવાનું કહી ઘરમાં ઘૂસ્યા હતા. પ્રતાપમાં થયેલાં વિસ્ફોટની જેમ આ ઘટનાની તપાસમાં કોઈ નિષ્કર્ષ આવ્યું નહીં. પંજાબ જે રીતે હિંસક વાતાવરણમાં હોમાયું તેનું કારણ રાજકીય નેતાઓની બેપરવાઈ હતી. બીબીસીના પૂર્વ પત્રકાર માર્ક તુલી એક નિવેદન પુસ્તકમાં ટાંકીને લખ્યું છે કે, સૌ કોઈ જાણતા હતા કે ભિંદરાનવાલે અને તેના સહાયકો સુવર્ણ મંદિરના કોમ્પલેક્ષમાં હથિયારો લઈ જઈ રહ્યા હતા. બે વર્ષ પહેલાં પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી દરબારા સિંઘે જાહેરમાં કહ્યું હતું કે, તેઓ જાણે છે કે સુવર્ણ મંદિરમાં હથિયારો બની રહ્યા છે.
‘પ્રતાપ : અ ડેફિયન્ટ ન્યૂઝપેપર’માં અનેક સ્થાને અન્ય પુસ્તકનો સંદર્ભ મળે છે અને તેનાથી લેખકોએ જુદા જુદા દૃષ્ટિકોણ પણ પંજાબના ઇતિહાસ સંદર્ભે મૂક્યા છે. એ રીતે પુસ્તકના પ્રથમ હિસ્સામાં પંજાબના નેવુંના દાયકાની વાત લખવામાં આવી છે. પુસ્તકના કુલ પાંચ ભાગમાં પંજાબ અને દેશના ઇતિહાસને લગતી અતિ અગત્યની માહિતીને સંશોધન કરીને મૂકવામાં આવી છે. અખબારનો ઇતિહાસ કોઈ ઘટનાની કેટલી બધાં સ્તર ખોલી આપે તે આ પુસ્તક પરથી જાણી શકાય.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








