Saturday, May 23, 2026
HomeNationalપૂર્વ PM દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદ, રેપ કેસમાં કોર્ટે ફટકારી...

પૂર્વ PM દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદ, રેપ કેસમાં કોર્ટે ફટકારી મહત્તમ સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.બેંગલુરુ: જનતા દળ (સેક્યુલર)ના પૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની એક વિશેષ અદાલતે પોતાની ઘરઘાટી પર બળાત્કાર કરવાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે પ્રજ્વલ રેવન્ના પર કુલ 11 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. કોર્ટે આ કેસમાં કાયદા મુજબ મહત્તમ સજા સંભળાવી છે.

પ્રજ્વલ રેવન્ના પર 48 વર્ષીય ઘરઘાટીનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પ્રજ્વલે બળાત્કારનો વીડિયો બનાવી તેને પ્રસારિત કર્યો હતો.

- Advertisement -

હાસન જિલ્લાના હોલેનરસીપુરામાં આવેલા રેવન્ના પરિવારના ફાર્મહાઉસમાં કામ કરતી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પ્રજ્વલ રેવન્નાએ 2021થી તેની સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન તેણે વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું અને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને જાણ કરશે તો તે વીડિયો વાયરલ કરી દેશે.

વિવિધ કલમો હેઠળ સજાની જાહેરાત
સાંસદો અને ધારાસભ્યો માટેની બેંગલુરુની વિશેષ અદાલતે પ્રજ્વલ વિરુદ્ધ બળાત્કાર, ગુનાહિત ધમકી અને અંગત તસવીરોનો ગેરકાયદેસર પ્રસાર સહિતની વિવિધ કલમો હેઠળ આરોપો ઘડ્યા હતા. તેને શુક્રવારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને શનિવારે સજા સંભળાવવામાં આવી હતી.

સરકારી વકીલે મહત્તમ સજાની માંગ કરી હતી
પીડિતા તરફથી હાજર રહેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી.એન. જગદીશે કોર્ટને જણાવ્યું કે, “પીડિતા સાથે વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો, તેને બ્લેકમેલ કરવામાં આવી અને યૌન શોષણનો વીડિયો જોયા પછી તેણે આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો.”

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું કે, “યૌન શોષણનો વીડિયો પ્રજ્વલની ક્રૂર માનસિકતા દર્શાવે છે. તે એક સાંસદ હતો, કાયદાની સંપૂર્ણ જાણકારી ધરાવતો હતો, છતાં તેણે આવું કૃત્ય કર્યું. તે એક રીઢો ગુનેગાર છે અને તેને મહત્તમ સજા મળવી જોઈએ. સમાજમાં એક કડક સંદેશ જવો જોઈએ કે પૈસા અને રાજકીય શક્તિના જોરે બચી શકાતું નથી.”

સજા સાંભળીને કોર્ટમાં રડી પડ્યો પ્રજ્વલ
સજા સંભળાવતા પહેલા પોતાના અંતિમ નિવેદનમાં પ્રજ્વલ રેવન્ના રડી પડ્યો અને કહ્યું, “આ કેસ ચૂંટણી દરમિયાન જ કેમ સામે આવ્યો? જ્યારે હું સાંસદ હતો, ત્યારે મારી સામે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. હવે તેઓ કહે છે કે મેં ઘણા યૌન શોષણ કર્યા છે. તો પછી ત્યારે કોઈ કેમ સામે ન આવ્યું?”


પ્રજ્વલ રેવન્નાને કઈ કલમ હેઠળ કેટલી સજા મળી?

  • IPC કલમ 376(2)(k): આજીવન કેદ અને 5 લાખ રૂપિયાનો દંડ.
  • IPC કલમ 376(2)(n): આજીવન કેદ અને 5 લાખ રૂપિયાનો દંડ.
  • IPC કલમ 354(a): 3 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયાનો દંડ.
  • IPC કલમ 354(b): 7 વર્ષની સખત કેદ અને 50,000 રૂપિયાનો દંડ; દંડ ન ભરવા પર 6 મહિનાની સાદી કેદ.
  • IPC કલમ 354(c): 3 વર્ષની સખત કેદ.
  • IPC કલમ 506: 2 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ.
  • IPC કલમ 201: 3 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયાનો દંડ.
  • IT એક્ટ કલમ 66(E): 3 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયાનો દંડ.

કોર્ટે પ્રજ્વલ રેવન્ના પર કુલ 11 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, પીડિતાને 11 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

- Advertisement -

આખો વિવાદ ક્યારે શરૂ થયો?
એપ્રિલ 2024માં, અનેક મહિલાઓએ આરોપ લગાવ્યા બાદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ કેસ નોંધાયા હતા. હાસન લોકસભા બેઠક પર મતદાનના ત્રણ દિવસ પહેલા, 23 એપ્રિલ 2024ના રોજ, પ્રજ્વલ રેવન્ના દ્વારા ઘણી મહિલાઓનું યૌન શોષણ કરતા વીડિયો સામે આવવા લાગ્યા હતા. વિવાદ વધતાં જ રેવન્ના મતદાનના બીજા દિવસે જર્મની ભાગી ગયો હતો. જોકે, ત્યાંથી પરત ફર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular