Monday, September 7, 2026
HomeGujaratAhmedabadગોવિંદ દરેક વખતે કંટ્રોલ કરતો, પણ ખબર નહીં તે પોતાની ઉપર કાબુ...

ગોવિંદ દરેક વખતે કંટ્રોલ કરતો, પણ ખબર નહીં તે પોતાની ઉપર કાબુ ગુમાવી બેસતો હતો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-27): ગોવિંદને ડ્રેસિંગ કરી આપવામાં આવ્યું. ડૉકટરે તેને એક ઇન્જેક્શન આપ્યું અને દવા લખી આપી. ગોપાલે તરત તેની દવા બાંધી આપી. ગોપાલે પૂછ્યું, “ભાઈ, મૂકવા આવું?”

ગોવિંદે તેના ખભે હાથ મૂકતાં કહ્યું, “ના. હું જતો રહીશ. તું તારું કામ જો. તું બેરેકમાં આવ. પછી આપણે સાથે જમીશું.”

- Advertisement -

ગોવિંદ બેરેક તરફ ગયો. જેલના જે સિપાહીને હાથમાં વાગ્યું હતું, તેને જેલની એમ્બ્યુલન્સમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. શું બન્યું હતું, તેની હજી ગોપાલને ખબર પડી નહોતી. પણ ત્યાં હાજર કેદીઓ અને પોલીસવાળા વાત કરતા હતા તેની ઉપરથી ગોપાલને અંદાજ આવી ગયો.

કોઈ કેદીએ પોલીસવાળા સાથે માથાકૂટ કરી અને પોલીસવાળાને મારવાની શરૂઆત કરી હતી. ગોવિંદ ત્યાં પહોંચી ગયો હતો. પછી જે કમઠાણ થયું એમાં ગોવિંદને માથામાં લાકડી વાગી હતી. કેદીઓ અંદર અંદર ચર્ચા કરતા હતા કે, જેમણે પોલીસ પર હાથ ઉપાડ્યો હશે, તેમની સારી પેઠે ધોલાઈ થઈ હશે. કેદીઓ પાસેથી ગોપાલે જાણ્યું કે, જેલની અંદર કોઈ બબાલ ન થાય, એ ધ્યાન રાખવાનું કામ ડ્યૂટી જેલરનું છે.

એક કેદીએ વિગતે વાત કરતાં કહ્યું કે, “ડ્યૂટી જેલરની બેસવાની જગ્યાને પેટી કહે છે. પેટી પાસેની એક દીવાલમાં હાથકડીઓ ફિટ કરેલી હોય છે. જે કેદી બબાલ કરે તેને પેટી પર લાવી, દીવાલમાં ફિટ કરેલી હાથકડીઓ બાંધી, દીવાલ તરફ મોઢું રાખીને બાંધી દેવામાં આવે છે. પેટી પરનો પોલીસ સ્ટાફ તેમની ખાતિરદારી કરે છે.”

- Advertisement -

આ વાત સાંભળીને ગોપાલની આંખ સામે એક ચિત્ર ઊભું થઈ રહ્યું હતું. ગોપાલને મનમાં થતું હતું કે, ક્યારે ડૉકટર સાહેબ જાય અને તે ગોવિંદને મળવા બેરેકમાં પહોંચે! પણ દિવસે થયેલી બબાલને કારણે કેદીઓની બંધી જલદી થઈ ગઈ હતી. માટે હોસ્પિટલમાં કેદીઓ આવવાના બંધ થઈ ગયા હતા. ડૉકટર પણ વહેલા જતા રહ્યા. એટલે ગોપાલ સીધો બેરેકમાં પહોંચ્યો.

ગોપાલ બેરેકમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે, ગોવિંદ સૂઈ રહ્યો હતો. તેની પાસે બેસીને સલીમ કંઈક વાંચી રહ્યો હતો. ગોપાલને જોતાં સલીમે કહ્યું, “વહેલો આવ્યો?”

ગોવિંદ તરફ ઇશારો કરતાં ઉમેર્યું, “ભાઈ તારા આવવાની રાહ જોતા હતા. તેમણે કહ્યું છે કે, સાથે જમીશું. જા આપણી થાળી લઈ લે.”

- Advertisement -

ગોપાલ પોતાની અને સલીમની થાળી લેવા બિસ્તર પાસે ગયો. સલીમે ગોવિંદને ઉઠાડ્યો. ગોવિંદ ઊભો થઈને બેરેકની બહાર ગયો અને નળના પાણીથી મોઢું ધોઈ પાછો આવ્યો. ગોપાલે એના કપાળ તરફ જોયું. ડ્રેસિંગ તો કર્યું હતું છતાં થોડું લોહી પાટામાંથી બહાર આવ્યું હતું. સલીમે બધી થાળીઓ ખુલ્લી કરી, ગોપાલ હજી ગોવિંદ સામે જ જોઈ રહ્યો હતો.

ગોવિંદે ગોપાલ સામે જોયું અને હસીને કહ્યું, “ભૂખ નથી લાગી? ચાલ, જમી લઈએ.”

તેમ કહી ગોવિંદ જમીન પર પલાંઠી વાળીને બેસી ગયો. બધા સાથે જમવા લાગ્યા. જેલમાં આવ્યાને ઘણો વખત થઈ ગયો હતો, પણ સલીમ, ગોપાલ અને ગોવિંદ ક્ત્રણેય સાથે જમતા હોય એવી આ પહેલી ઘટના હતી. આમ તો કોઈએ ગોવિંદને ક્યારેય બીજા કેદી સાથે જમતા જોયો નહોતો, એટલે બધા કેદીઓને આ દૃશ્ય જોઈને આશ્ચર્ય થઈ રહ્યું હતું. ગોવિંદ અને સલીમ શાંતિથી જમી રહ્યા હતા, પણ ગોપાલને કંઈક ઉત્સુકતા હતી. તેણે થોડીવાર પછી ગોવિંદને પૂછ્યું, “ભાઈ, શું થયું હતું?”

ગોવિંદે કોળિયો મોંમાં મૂકતાં કહ્યું, “શાંતિ યાર્ડમાં પેલી જૂનાગઢવાળી હબસી ગેંગ છે. તેમને રોજ કોઈનીને કોઈની સાથે માથાકૂટ થાય છે. આજે સવારે તેમણે પેલા સિપાહી મરતુભાઈ રાઠવા સાથે માથાકૂટ કરી. એ સમયે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મેં પેલા હબસી ગેંગવાળાને કહ્યું, “ભાઈ આ સિપાહી છે. તમારી કોઈ ફરિયાદ હોય, તો જેલર રાઉન્ડમાં આવે ત્યારે તેમને ફરિયાદ કરજો. શું કામ કકળાટ કરો છો?” એમાં અમારી બોલાચાલી થઈ ગઈ.

સિપાહી મરતુભાઈ બહુ ભલો માણસ છે. આમ તો પોલીસની નોકરી માટે લાયક જ નથી. અમારી માથાકૂટ થઈ એટલે મરતુભાઈ વચ્ચે પડ્યા. તેમણે મરતુભાઈને મારવાની શરૂઆત કરી એટલે આપણો પિત્તો ગયો.”

ગોવિંદ જાણે કોઈ શૌર્યકથા કહી રહ્યો હોય, તેમ ગોપાલ સાંભળી રહ્યો હતો. તેનું જમવાનું પણ અટકી ગયું હતું. આ વાત સલીમના ધ્યાનમાં આવી. તેણે એના પગ પર હાથ મૂકીને ઇશારો કર્યો કે, જમવાનું ચાલુ રાખ.

ગોવિંદે વાત આગળ વધારતાં કહ્યું, “પછી અમે સામ સામે આવી ગયા. ખબર નહીં, તેમની પાસે લાકડાનો દંડો કયાંથી આવ્યો? કોઈએ મારા માથે ઠોકી દીધો. પછી તો મરતુભાઈએ વ્હિસલ વગાડી દીધી. આખી જેલની પોલીસ આવી ગઈ.”

ગોવિંદ અટકી ગયો. ગોપાલે પૂછ્યું, “પછી?”

ગોવિંદ હસી પડ્યો. “અરે, મારે તને ત્રણ કલાકની ફિલ્મ થોડી બતાડવાની છે? પછી કંઈ નહીં સોંલકી સાહેબ પણ આવી ગયા. હબસીઓને પેટી પર લઈ ગયા છે. ત્યાં મહેમાનગતી ચાલતી હશે. હવે ખટલો પણ ચાલશે.”

ગોપાલને લાગ્યું કે, ખરેખર ગોવિંદ બહાદૂર માણસ છે. હજી જમતાં જમતાં વાત ચાલતી ત્યાં જ ગોપાલે જોયું કે, બેરેકના દરવાજા પાસે ઊભા રહેલા પાકા કામના કેદીઓએ નિયમ પ્રમાણે ટોપી પહેરી લીધી. ગોવિંદે તે તરફ જોયું. તે પણ સમજી ગયો કે, કોઈ અધિકારી આવે તો જ કેદીઓ માથા પર ટોપી પહેરે છે.

ગોવિંદે ખિસ્સામાં રહેલી ટોપી પહેરી લીધી. તેની પર ‘બ.અ.’ લખેલું હતું. જેનો અર્થ થતો હતો ‘બંધી અમલદાર.’ બેરેકના દરવાજે જેલર સોંલકી સાહેબ આવીને ઊભા રહ્યા. બધા કેદીઓ ઊભા થઈ ગયા. ગોપાલ, સલીમ અને ગોવિંદ પણ ઊભા થઈ ગયા.

સોંલકી સાહેબ અંદર આવ્યા ને જોયું કે, ગોવિંદ જમવા બેઠો છે. તેમણે ગોવિંદના માથા પર બાંધેલો પાટો જોયો અને પૂછ્યું, “ગોવિંદ, વધારે તો નથી વાગ્યુંને?”

ગોવિંદે જમણો હાથ પાછળ કરતાં કહ્યું, “ના સાહેબ, સારું છે.”

સોલંકીની નજર આખી બેરેકમાં ફરી રહી હતી. કારણ કે આખરે તો તે પોલીસવાળા જ હતા. “સારુ, સાંજે ઑફિસમાં આવજે” તેમ કહી સોંલકી સાહેબ જતા રહ્યા.

ગોવિંદનો જેલમાં વટ હતો, પણ ગોવિંદ જેલના તમામ નિયમ પાળે અને સિપાહીથી માંડીને જેલર સુધીના તમામ સ્ટાફ અને અધિકારી; બધાને સરખું માન આપે. કદાચ એટલે જ જેલ સ્ટાફ પણ ગોવિંદને માન આપતો હતો.

જમવાનું પૂરું થયું. બધા હાથ ધોઈને પાછા બેરેકમાં આવ્યા. ગોવિંદે જોયું તો ગોપાલ હાથમાં પાણીનો ગ્લાસ લઈ, બંધ મુઠ્ઠીમાં કંઈક લઈને ઊભો હતો. ગોવિંદે પૂછ્યું, “શું છે?”

ગોપાલે બંધ મુઠ્ઠી ખોલતાં કહ્યું, “ભાઈ, દવા છે.”

ગોવિંદે તરત સલીમ સામે જોયું અને ગોપાલને પૂછ્યું, “તું મારી મા છે?”

ગોપાલ શરમાઈ ગયો. “ના ભાઈ.” કહીને ગોપાલે ગ્લાસ અને દવા આગળ ધરી.

ગોવિંદે બધી દવાઓ એક સાથે મોંમાં મૂકી અને પાણીનો ગ્લાસ ગટગટાવી ગયો. ગોપાલને હાશ થઈ. હવે દરેક પોતાના બિસ્તર તરફ જતા રહ્યા હતા. બપોરનો સમય હતો બેરેકમાં લગભગ બધા સૂઈ ગયા હતા. ગોવિંદ પણ એક પડખે સૂઈ રહ્યો હતો. ગોપાલ આડો તો પડ્યો હતો, પણ થોડી થોડીવારે તેનું ધ્યાન ગોવિંદ તરફ જતું હતું.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular