પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): Nadaan Web Series: બપોરના બાર વાગ્યા હતા, ગોપાલ જુમ્મનના અડ્ડા ઉપર જુગાર રમવા આવ્યા હતો, આમ તો જુગાર રમવાનો તેનો આ બીજો દિવસ હતો, અગાઉ અનેક વખત ગોપાલ નાના મોટા જુગાર તો રમી ચુકયો હતો, પણ પરંતુ જુમ્મનના અડ્ડા ઉપર ગોપાલ બીજી વખત જ આવ્યો હતો, ગોપાલ માનતો હતો કે જીંદગી પણ એક જુગાર છે, તે હજી ત્રેવીસ વર્ષનો જ હતો છતાં તે જીંદગીને જુગારની જેમ જ જીવી રહ્યો હતો. બાળપણથી તે જીંદગીને પોતાની રીતે જીવી રહ્યો હતો, તેના નસીબમાં ગરીબી તો તેના જન્મ સાથે જ હતી, પણ ગોપાલ માનતો હતો કે તે ગરીબ તરીકે ભલે જન્મયો પણ તે મરશે ત્યારે તે ગરીબ તરીકે મરશે નહીં એટલે જ તેણે જાણે પોતાની જીંદગીની ગાડીનું એકસીલેટરનું પેડલ આખુ દબાવી દીધુ હતું. આમ તો ગોપાલ મુળ અમદાવાદનો હતો, પણ ઘરમાં નિર્માણ થયેલી પરિસ્થિતિને કારણે પિતાને પોતાનો ધંધો અમદાવાદથી પાલનપુર સ્થળાંતરીત કરવો પડયો હતો. જેના કારણે ગોપાલ પણ વર્ષ પહેલા પાલનપુર આવ્યો હતો, જો કે તેનું ગમતુ શહેર તો અમદાવાદ જ હતું, પરંતુ પાલનપુર રહેતા મમ્મી-પપ્પા સતત આગ્રહ કરતા હતા કે કયાં સુધી એકલો અમદાવાદ રહીશ એટલે તે પરાણે એક વર્ષ પહેલા પાલનપુર આવ્યો હતો.
આમ તો તેને પાલનપુર લઈ આવવામાં નીશીની ભૂમિકા અગત્યની હતી, ગોપાલની મમ્મીને ખબર હતી કે નાદાન માનશે નહીં એટલે ગોપાલની મમ્મીએ જ નીશીને કહ્યું હતું કે બેટા મને ખબર છે. ગોપુ તારી સામે વધારે દલીલ કરશે નહીં, અમે પાલનપુર રહીએ અને તમે અમદાવાદ રહો તેના કરતા આપણે સાથે રહીએ તો સારૂ, ગોપાલના મમ્મીનો આઈડીયા ખરો ઉતર્યો, પત્ની નીશીએ જ્યારે ગોપાલને પાલનપુર જવાની વાત કરી ત્યારે પહેલા ગોપાલે થોડી દલીલ જરૂર કરી, તેનો મત હતો કે અમદાવાદમાં બધુ ગોઠવાઈ ગયેલુ છે ત્યારે કયાં ફરી પોલાનપુર જઈ નવી જીંદગીની શરૂઆત કરવી, પણ નીશીની હઠની આગળ ગોપાલનું કઈ ચાલ્યુ નહીં અને તે પાલનપુર આવી ગયો.
જો કે પાલનપુર આવી શું કરવું તે સ્પષ્ટ ન્હોતુ, પણ ગોપાલના લોહીમાં વેપાર હતો કારણ તેના પપ્પા પણ બહુ કપરી સ્થિતિમાં નાનો મોટો વેપાર કરી લેતા હતા, એટલે તે ગુણ ગોપાલમાં હતો, ગોપાલના પપ્પાની વહોરાવાડની બહાર રેડીમેડ કપડાની દુકાન હતી, જો કે દુકાન બહુ મોટી ન્હોતી, પણ ઘરનો ખર્ચ નીકળી જતો, પણ હવે બેના ચાર થયા હતા, ગોપાલ અને નીશી પણ પાલનપુર આવી ગયા, થોડા દિવસ પાલનપુર ભ્રમણ કર્યા પછી ગોપાલને ખ્યાલ આવ્યો કે નાનપુરામાં આવેલી સરસ્વતી સ્કૂલની બહાર આવેલી દુકાનમાં તો સ્ટેશનરીનો ધંધો શરૂ થાય તો ધંધો થઈ શકે તેમ છે. તે દિવસે ગોપાલ ઘરે આવ્યો ત્યારે તેણે પોતાનો વિચાર નીશી અને મમ્મીને કહ્યો, નીશીએ તરત કહ્યું સરસ તો કામ શરૂ કરીએ, હું પણ તારી મદદમાં દુકાને આવી શકીશ, ગોપાલે મમ્મી સામે જોયુ, મમ્મી સમજી ગઈ, તેણે ગોપાલને કહ્યું તું મને પુછી રહ્યો છે કે જાણ કરી રહ્યો છે. ગોપાલની મમ્મી તેને નખશીખ ઓળખતી હતી. ગોપાલ પોતાના સ્વભાવ પ્રમાણે પોતાનો નિર્ણય લીધા પછી જાણે મંજુરી માગતો હોય તે રીતે વાત કરતો હતો. ગોપાલની મમ્મી આજે પણ સાચી હતી. કારણ ગોપાલ દુકાન ભાડે લેવા માટે દુકાન માલીકને એડવાન્સ પણ આપી આવ્યો હતો. ગોપાલે જવાબ આપ્યો મમ્મી તું સાચી છે, હું એડવાન્સ આપી આવ્યો છું, દુકાન શરૂ કરવા માટે જરૂરી દોઢ લાખ જેટલી મુડીની તો ગોપાલ પાસે વ્યવસ્થા હતી.
એટલે બે-ત્રણ દિવસમાં તેણે સ્ટેશનરીનો માલ ભર્યો, ગોપાલને ખબર હતી કે વિદ્યાર્થીઓ ઝેરોક્સ માટે પણ આવશે, જો કે ઝેરોકસ મશીન ખરીદવાનો હમણાં વેંત થાય તેમ ન્હોતો, પણ ગોપાલે તેનો જુગાડ શોધી કાઢયો હતો. ગોપાલ એક નાનુ પ્રિન્ટર લઈ આવ્યો હતો. ગોપાલે મમ્મીના હાથે મુહૂર્ત કરાવી દુકાનના શ્રી ગણેશ કર્યા હતા, પહેલા છ મહિના તો દુકાન સારી ચાલી ચાલી, જો કે ગોપાલ તેનાથી ખુશ ન્હોતો, કારણ તે કાયમ પાલનપુરના ધંધાની અમદાવાદ સાથે સરખામણી કરતો હતો, તેને એવું થયા કરતું કે જો આવો ધંધો અમદાવાદમાં હોય તો અહિયા કરતા બમણો ધંધો થાય, પણ પાલનપુર નાનું ટાઉન હતું. તેમાં પણ સ્કૂલની રજા હોય ત્યારે દસ વીસ રૂપિયાનો ધંધો થાય તો પણ ભયોભયો, પણ ગોપાલના પપ્પા કહેતા કે એક વખત ધંધો શરૂ કર્યો પછી ધંધો થાય કે નહીં પણ ધંધા ઉપર તો રોજ બેસવુ પડે, તેમાં પણ વેકેશન આવે ત્યારે ધંધો સાવ ઠપ્પ થઈ જતો કારણ વિદ્યાર્થી જ આવે નહીં તો કોણ દુકાને આવે, આવે વખત ગોપાલનું મન જુદા જુદા વિચારોમાં અટવાઈ જતુ, રાત્રે નીશી ગોપાલનો ચહેરો જોઈ તેના મનમાં ચાલી રહેલી ઉથલપાથલ સમજી જતી. પથારીમાં પડયા પછી તે તેના માથા ઉપર હાથ ફેરવતા કહેતી જેમ સારા દિવસો કાયમ રહેતા નથી તેમ ખરાબ દિવસ પણ લાંબો સમય રહેશે નહીં. ગોપાલ માત્ર હાસ્ય આપતો પણ તેના મનમાં શું ચાલી રહ્યું છે કયારેય નીશીને કહેતો નહીં, કદાચ તે દિવસે ગોપાલે મનમાં ચાલી રહેલું ધમાસાણ નીશીને કહ્યું હોત તો નીશીએ ગોપાલને જરૂર રોકી લીધો હોત પણ ગોપાલ તે દિવસે કઈ જ બોલ્યો નહીં.
જુમ્મનના અડ્ડા ઉપર ગઈકાલ જેવો જ માહોલ હતો. જુગારીઓ પોતાના દાવ લગાડવામાં મશગુલ હતા. ગોપાલ આવ્યો તેની તરફ કોઈનું ધ્યાન ન્હોતુ, પણ ગોપાલને જોતા જ અડ્ડામાં કામ કરતા અરવીદ્દાએ કહ્યું આવો આવો શેઠ, ગોપાલને એક ક્ષણ તો આશ્ચર્ય થયુ કારણ હજી તે બીજી વખત અડ્ડા ઉપર આવ્યો હતો, છતાં અડ્ડામાં કામ કરતો આ માણસ તેને ઓળખી ગયો, પછી ગોપાલે પોતાને જ સમજાવતા કહ્યું ગઈકાલે તે હજાર રૂપિયા જીતી નિકળ્યો એટલે કદાચ ઓળખી ગયો હશે. ગોપાલને જોતા અરવિદ્દાએ જયાં રમી રમાઈ હતી તે ટેબલ પાસે એક ખુરશી ગોઠવી બેસવાનો ઈશારો કર્યો, ગોપાલને મનમાં સારૂ પણ લાગ્યુ કારણ બહારની દુનિયામાં આવુ માન તેને ભાગ્યે જ મળ્યું હતું, ગોપાલ ટેબલ ઉપર ગોઠવાયો તેની સાથે નવી ગેઈમ માટે પત્તા વહેંચાયા અને ગોપાલને પોતાના પત્તા જોઈ ખીસ્સામાંથી 100ની પાંચ નોટો ટેબલ ઉપર મુકી, ગોપાલે જેવા પૈસા મુકયા તેની સાથે બધાની નજર ગોપાલ તરફ ગઈ અને અચાનક બધા બધા ઉભા થઈ ગયા, ગોપાલ કઈ સમજે તે પહેલા અરવિદ્દાએ ગોપાલને પાછળથી કોલરમાંથી પકડી આજ હતો કે ગઈકાલે તેવુ કહેતા ત્યાં રહેલા અડ્ડાવાળા ગોપાલ ઉપર તુટી પડયા, ગોપાલ કઈ સમજી શકતો ન્હોતો કે તેના ઉપર બધા કેમ તુટી પડયા, ગોપાલને મારતા મારતા તેઓ બાજુની રૂમમાં લઈ ગયા, ગોપાલ પોતાને મારવાનું કારણ પુછતો હતો પણ તેને કોઈ જવાબ આપવાને બદલે બધા જ મારી રહ્યા હતા, આ વખતે રૂમમાં બે વ્યકિતઓ દાખલ થઈ તેમાં આધેડ વયની વ્યકિતએ એ કોઈ મારશો નહીં તેવી બુમ પાડતા, બધાએ મારવાનું બંધ કર્યું ગોપાલને તે માણસ ભગવાન જેવા લાગ્યા, પેલી આધેડ વયની વ્યકિતએ ગોપાલ સામે જોયું ગોપાલ જમીન ઉપર પડેલો હતો. તેણે ગોપાલ સામે જોતા કહ્યું ચાલ ઉભો થા, ગોપાલનો ચહેરો મારને કારણે લાલ થઈ ગયો અને પેટમાં લાતો મારી હોવાને કારણે પેટમાં દુખાવો પણ થતો હતો.
પેલી આધેડ વ્યકિત પોતાની સાથે રહેલા જુવાન માણસને ગોપાલ તરફ ઈશારો કરતા કહ્યું લઈ લો આને, પેલા માણસે ગોપાલનો હાથ પકડી ઝડતાપુર્વક ખેંચતા કહ્યું ચાલ ઉભો થઈ જા, હજી એક ક્ષણ પહેલા ભગવાન લાગેલા માણસનો હવે તેને ડર લાગ્યો, કોણ હશે મને કયાં લઈ જાય છે, પણ ગોપાલની સવાલ પુછવાની હિંમત ન્હોતી ગોપાલને અડ્ડાની બહાર લાવ્યા, પેલા જુવાન માણસે પોતાનું મોટર સાયકલ સ્ટાર્ટ કર્યું એટલે પેલા આધેડે ગોપાલ તરફ ઈશારો કરતા કહ્યું બેસ, ગોપાલ બાઈકની પાછળની સીટમાં ગોઠવાઈ ગયો, ગોપાલની પાછળ પેલો આધેડ બેસી ગયો અને બાઈક પાલનપુરની ગલીમાંથી પસાર થઈ જયાં રોકાયું ત્યાં પહોંચતા ગોપાલના ગાત્રો થીજી ગયા, તે પાલનપુર પોલીસ સ્ટેશન સામે ઉભો હતો. બાઈક ઉપરથી ઉતરતા પેલા આધેડે ગોપાલની પેન્ટ કમરમાંથી પકડતા તેને આદેશના સ્વરમાં કહ્યું ચાલ અંદર ગોપાલ સમજી ગયો આ પોલીસવાળા જ છે, પોલીસ સ્ટેશનમાં દાખલ થતા બરાબર સામે બેઠેલા હેડ કોન્સટેબલને સંબોધતો પેલા આધેડે કહ્યું દાદા આને લોકઅપમાં મુકુ છું, એન્ટ્રી કરતા નહીં સાહેબ સાથે વાત કરવાની બાકી છે હમણાં ઉપલક છે, આધેડ ગોપાલને લોકઅપ પાસે લઈ ગયો અને લોકઅપ ખોલી ગોપાલને અંદર હડસેલી લોકઅપ બંધ કર્યુ. સાંજના સાત થઈ ગયા પણ હજી સુધી ગોપાલને કોઈએ જ કંઈ પુછયુ ન્હોતુ, પણ લોકઅપમાં ગોપાલની સાથે રહેલા બે ચેઈન સ્નેચરોએ પુછયું શેમાં આવ્યો છે, ગોપાલે એક ક્ષણ વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો ખબર નહીં, પેલા બે એકદમ હસી પડયા, એક બોલ્યો પહેલી વખત આવે તેને ખબર જ હોતી નથી કેમ આવ્યો છે.
(ક્રમશઃ)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.