વર્તમાન ગોલ્ડ સિલ્વર રેશિયો ૧:૯૨.૫૫ ગતવર્ષની તુલનાએ ૨૦ ટકા વધુ
યુએસ ફેડરલ રિઝર્વની આજની જેક્શન હૉલ કોન્ફરન્સ સોનાચાંદીની ભાવિ ચાલ નિર્ધારિત કરશે
ટૂંકાગાળામાં ચાંદીના ભાવ ૧૮ ડોલરની નીચે જઇ શકે છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જાગતિક બજારમાં વધતાં અમેરિકન ડોલર મૂલ્ય અને યુએસ બોન્ડના પ્રભાવે, નવેમ્બર ૨૦૨૧ પછી પહેલી વખત સોના અને ચાંદીના ભાવ નવા તળિયે આવી ગયા છે. ૨૬ ઓગસ્ટે (ભારતીય સમય પ્રમાણે આજે મોડી રાત્રે) યુએસ ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલ દરવર્ષની માફક તેમનું વાર્ષિક સંબોધન જેક્શન હૉલમાં કરશે. આખા વિશ્વના ટ્રેડરો અને રોકાણકારો આ સંબોધનને આધારે સોનાચાંદીની ભાવિ ચાલ નિર્ધારિત કરશે.
સામાન્ય રીતે સોના ચાંદી એક બીજાના સહોદર છે, પણ તાજેતરમાં બંને ધાતુ એક બીજા સાથે કદમતાલ ચૂકી ગઈ છે. ટ્રેડરો ગોલ્ડ/સિલ્વર રેશિયોનો ઉપયોગ બંને ધાતુના વાસ્તવિક મૂલ્યનિર્ધારણ માટે કરતાં હોય છે. ઐતિહાસિક રીતે જોવા જઇ તો વર્તમાન સરેરાશ રેશિયો (એક ઔંસ સોનાના ભાવથી ખરીદી શકાતી ચાંદી) ૪૦ અને ૬૦ વચ્ચે હોવો જોઇએ. આ સરેરાશ કરતાં બહારનો રેશિયો સૂચવે છે કે ભાવમાં ઘણી બધી અસમાનતા છે.
આનો અર્થ એ થાય કે સોનાના ભાવ ઘટવા જોઈએ અથવા વર્તમાન ભાવે ચાંદીમાં લેવાલી કરવી આવશ્યક છે. વર્તમાન ગોલ્ડ સિલ્વર રેશિયો ૧:૯૨.૫૫નો છે જે ગતવર્ષની તુલનાએ ૨૦ ટકા વધુ છે. બુલિયન બજારમાં થતી વર્તમાન ઉથલપાથલથી લાંબાગાળાના રોકાણકારોએ હતોત્સાહી થવું નહીં જોઈએ. મધ્યમગાળાના રોકાણકારોએ સમજવું જોઈએ કે ચાંદીમાં તેજી ભરી પડી છે, કારણ કે યુએસ ફેડને ફુગાવાદરને મુશ્કેતાત બાંધીને પાછો ૩ ટકાની નીચે લઈ જવો છે.
વર્તમાન ભાવ ૧૯ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) જોઈએ તો ૮ માર્ચ પછીથી અત્યાર સુધીમાં ચાંદી ૨૮ ટકા ઘટી છે. એનાલિસ્ટો કહે છે કે જો ભાવ ૧૮ ડોલરની નીચે જાય તો નિશ્ચિતપણે મંદિવાળા જાલ્યાજલાશે નહીં. ૮ માર્ચ પછી ચાંદી ૨૭.૪૯ ડોલરથી ૨૮ ટકા તૂટી છે. અમારા મતે આ બજાર સામે ઘટાડાનું ભારે દબાણ સર્જાયું છે. મોર્ગન રિપોર્ટ મેગેઝિનના સ્થાપક ડેવિડ મોર્ગન માને છે કે આટલા નીચા ભાવ છતાં, મધ્યમગાળામાં ચાંદીની તીવ્ર અછત સર્જાઇ શકે છે. મોર્ગન કહે છે કે વર્તમાન દાયકો ચાંદીમાં સૌથી શ્રેષ્ઠ વળતર આપનાર સાબિત થશે.
સિલ્વર ઇસટીટ્યુટનો તાજો સર્વે કહે છે કે ૨૦૨૨માં આખા વિશ્વની કૂલ ચાંદી માંગ વિક્રમ ૧.૧૧૨ અબજ ઔંસની હશે. ચાંદી એવા સમયે ચમક દાખવશે, જ્યારે વપરાશકાર ઉધ્યોગો બજારમાં ઉપલબ્ધ ચાંદીનો તમામ જથ્થો ઉસેટી લેશે. અલબત્ત, એફેક્સ એમ્પાયરના સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર લુઈસ કહે છે કે ટૂંકાગાળામાં ચાંદીના ભાવ ૧૮ ડોલરની નીચે જઇ શકે છે. સિલ્વર ફ્યુચર્સ માર્કેટમાં સોનાના (ગોલ્ડ સિલ્વર રેશિયો) ભાવ સામે ખૂબ મોટો તફાવત પડી ગયો છે, અને ટૂંક સમયમાં તે ઘટી શકે છે. ૧૮ ડોલર એ મહત્વની સપાટી છે જો આ ભાવ ફરી તૂટશે, જેની શક્યતા પણ છે, તો આ આંકડો ખૂબ મહત્વની તાર્કિક સપાટી બની જશે. તાજેતરમાં આપણે જોયું કે આ સપાટી આસપાસ જુલાઇના પ્રથમ સપ્તાહમાં ખૂબ લેવાલીનો સપોર્ટ જોવાયો હતો.
આપણે જોયું કે ૨૦૨૧માં અને ૨૦૨૨ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ઘણા બધા રોકાણકારોએ સોના અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ માટે ધ્યાનકેન્દ્રિત કર્યું હતું. બીજી તરફ ચાંદી ધ્યાનબારી રહી ગઈ હતી. શેર બજારની તુલનાએ હાજર ચાંદી અને ચાંદી ખાણ કંપનીઓના શેરભાવ બંનેમાં રોકાણકારોએ રસ ગુમાવી દીધો હતો. ઓગસ્ટ ૨૦૨૦ના પ્રથમ સપ્તાહમાં બિટકોઇનડોટકોમ એ નોંધ્યું હતું કે વોલ સ્ટ્રીટ શેરબજારના રેડિત ફોરમ નામના એક અનામી યુવાનોના જૂથે ચાંદીમાં ઘમાસાણ સર્જ્યુ હતું. અને ભાવ ૩૦ ડોલર સુધી ઊંચકી ગયા હતા, ત્યારે પણ બજાર પુરવઠા વિહીન થઈ ગઈ હતી. ૬ માર્ચ ૨૦૨૨ના રોજ ચાંદી ૨૭.૪૯ ડોલર થઈ હતી. જ્યારે સોનું ૮ માર્ચે ૨૦૭૦ ડોલર ઓલ ટાઈમ હાઇ થયું હતું.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








