કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાજ્યમાં વરસાદ નજીક છે અને વરસાદના વરતારા અંગેના અનેક ન્યૂઝ અખબારો, ટેલિવિઝન ન્યૂઝમાં ચમકી રહ્યા છે. આપણું હવામાન વિભાગનું કાર્ય હવે ઘણે અંશે ચોક્કસ આગાહી કરતું થયું છે- તેવી ધારણા છે. હવામાનને લઈને અગાઉ કરતાં વધુ સારી રીતે આગાહી દેશમાં થવા લાગી તેનાં અનેક કારણો છે અને તેમાં કેટલીક વ્યક્તિઓનો પણ ફાળો છે. તેમાંના એક વ્યક્તિ એટલે જગદીશ શુકલ. તેમની હાલની ઓળખ અમેરિકાની ‘જ્યોર્જ મેસોન યુનિવર્સિટી’માં નામાંકીત પ્રોફેસર તરીકે થાય છે. છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ વિશ્વની જાણીતી હવામાન વિભાગના સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેઓને અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. નોબલ શાંતિ પુરસ્કાર મેળવનારી એક ટીમના તેઓ સભ્ય રહી ચૂક્યા છે. પરંતુ હાલમાં જગદીશ શુકલની ચર્ચા થઈ રહી છે તે તેમના દ્વારા લિખિત પુસ્તક ‘એ બિલિયન બટરફ્લાય : અ લાઇફ ઇન ક્લાઇમેટ ચાઓસ થિયરી’ના કારણે. આ પુસ્તકમાં તેમણે પોતાના હવામાનશાસ્ત્રી તરીકેના અનુભવ નોંધ્યા છે અને તેમની જીવનસફર પણ નોંધ તેમાં છે.

જગદીશ શુકલ હાલમાં ‘વર્લ્ડ ક્લાઇમેટ રિસર્ચ પ્રોગ્રામ’ નામની પ્રસિદ્ધ સંસ્થા સાથે સંકળાયેલા છે. ઉપરાંત તેઓ ‘મોનસૂન એક્સપરીમેન્ટ’ અને ‘ગ્લોબલ એનર્જી એન્ડ વૉટર સાયકલ એક્સપરીમેન્ટ’ જેવી સંસ્થા સાથે પણ જોડાયેલા છે. આતંરરાષ્ટ્રિય સ્તરે હવામાનશાસ્ત્રી તરીકે જગદીશ શુકલનું નામ અદ્વિતિય છે, પણ તેમની આ સફરની શરૂઆત ઉત્તર પ્રદેશના એક મિરધા નામના ગામથી થઈ હતી; જ્યાં તેમનો જન્મ થયો. આ ગામડું સંભવિત દુકાળગ્રસ્ત વિસ્તારમાં આવતું હતું. તેમના ગામમાં ન તો વીજળી હતી, ન શાળા યોગ્ય રીતે ચાલતી હતી. 1980ના અરસામાં જગદીશ શુકલ હવામાનની આગાહી માટે સૌપ્રથમ સુપરકમ્યૂટર નિર્માણ કરવામાં ભૂમિકા અગત્યની હતી. હાલમાં તેમના પુસ્તક પ્રકાશન પછી અનેક મુલાકાતો લેવાઈ રહી છે. ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ને આપેલી એક મુલાકાતમાં જગદીશ શુકલ જણાવે છે કે, ‘1972ના અરસામાં હું ‘એમઆઈટી’માંથી ગ્રેજ્યુએટ થયો અને થોડાં દિવસ માટે મારા ગામમાં પાછો ફર્યો. ત્યાં આહારની તંગી હતી. તે વખતે દુકાળનું કારણ સમજાવનારું કોઈ નહોતું. ‘એમઆઈટી’માં પણ તે વિશે કોઈ જાણકાર નહોતું. બસ, તે પછીના દોઢ દાયકામાં જ આપણે એ જોડાણ શોધી કાઢ્યું કે પેસેફિક મહાસાગરના તાપમાનથી ઘણું જાણી શકાય! તે બાબત હંમેશા મારી સાથે રહી. યુવાનીકળામાં મને થતું કે હું મારા ગામ વિશે શું કરી શકું? આ પ્રશ્નથી મારા કામનો માર્ગ કંડારાયો. વરસાદ માટે પ્રાર્થના થતી અને તેનાથી ભીતિ પણ રહેતી. જ્યારે વર્ષા પ્રથમ વાર આવે ત્યારે તેના પ્રત્યે ઉત્સાહ અને આનંદ અનેરો રહેતો. પરંતુ જો વરસાદ અટકે નહીં તો પછી પૂર જેવી સ્થિતિ નિર્માતી. જેઓ પૂરતી સગવડ ન ધરાવતા હોય તેમના માટે વરસાદ આફત બનીને આવતો. મેં મારા ગામમાં આ સ્થિતિ જોઈ હતી.’ પછી તેઓ હવામાન વિભાગના અભ્યાસ અર્થે ‘એમઆઈટી’માં ગયા તેનો અનુભવ મુલાકાતમાં વર્ણવે છે. તેઓ કહે છે : ‘જ્યારે હું ‘એમઆઈટી’ આવ્યો, ત્યારે મારો રસ એ હતો કે મોનસૂનની આગાહી કેવી રીતે કરી શકાય. પરંતુ તે વખતે માંધાતાઓ એવું કહેતા કે, તમે દસ દિવસથી વધુ આગાહી આપી શકતા નથી. તેથી મેં મારી રણનીતિ બદલી અને મેં મોનસૂનમાં હવાના દબાણ વિશેનો અભ્યાસ શરૂ કર્યો. તે રીતે મેં મારું પીએચ.ડી પૂર્ણ કર્યું. મને ખબર હતી કે સીધેસીધી રીતે આ અભ્યાસ કામ નહીં આવે. તેથી હું આગળ વધ્યો. મેં મહાસાગરોની સપાટી પરનું તાપમાન જોયું – જે ધીરે ધીરે બદલાતું રહે છે. જો આપણે તે વાતને સમજી શકીએ તો દસ દિવસથી વધુ આગાહી થઈ શકે.’ જગદીશ શુકલે આ વાત વિસ્તારથી પોતાના પુસ્તકમાં પણ લખી છે, પરંતુ વધુ સરળતાથી સમજી શકાય તે માટે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલનો આધાર લીધો છે.
જગદીશ શુકલને તેમના કામના સંદર્ભે જ્યારે પૂછવામાં આવે છે કે હવામાનના આગાહી વિશે તમે છેલ્લા પાંચ દાયકાથી કાર્યરત છો. અને તે દરમિયાન જે કંઈ પણ પ્રગતિ આ ક્ષેત્રમાં થઈ છે તેનાથી તમે સંતુષ્ટ છો? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે કે, ‘આ બાબતે મને સંતોષ નથી, કારણ કે આગાહીને લઈને જે કૌવત હોવું જોઈએ તે આપણી પાસે પૂરતું નથી. ઘણાં બધા લોકો ‘એઆઈ’ વિશે વાત કરે છે. જે બધું જ બદલી કાઢવા સક્ષમ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હવામાન કે ક્લાઇમેન્ટ ચેન્જ વિશે ‘એઆઈ’ પાસેથી ઝાઝા આશા રાખી શકાય તેમ નથી. ‘એઆઈ’ માત્ર ટૂંકા ગાળાની આગાહી માટે ઉપયોગી થઈ શકે. ‘એઆઈ’ આગાહી કરે તે માટે તેમાં જંગી પ્રમાણમાં માહિતી નાંખવામાં આવે છે. એ રીતે ‘એઆઈ’માં ટૂંકા ગાળાની આગાહી થઈ શકે. મારાં અંગત મત મુજબ ‘એઆઈ’ ક્યારેય ફિઝિક્સ આધારીત મોડલ પર ક્યારેય આગાહી કરી શકે નહીં. કેટલાંક કેન્દ્રોમાં બંને પદ્ધતિના મદદથી આગાહી થાય છે, જેવું યુરોપમાં થયું – અને તેમાં સંભવત્ આશા દેખાય છે.’
હવે વાત ભારતના હવામાન વિભાગના આગાહી પર આવીએ. આ અંગે જગદીશ શુકલ કહે છે કે, ભારતે આ વિષયમાં થોડી પ્રગતિ કરી છે. વિશેષ કરીને ટૂંકાગાળાની હવામાનની અને આફતની આગાહી વિશે. પરંતુ જ્યારે અત્યાધુનિક સંસાધનોની વાત થાય ત્યારે યુરોપના હવામાન કેન્દ્રોમાં ઉપયોગ થાય છે તેવું આપણે ત્યાં હજુ શરૂ થયું નથી. આપણી હવામાનની કાર્યપ્રણાલી હજુ પણ પૂર્ણરીતે વિશ્વાસપાત્ર નથી. અને તે માટે આપણો હજુય પ્રશ્ન છે કે વૈશ્વિક માહિતીને આપણે યોગ્ય રીતે હજુ સંગ્રહી શકતા નથી. જગદીશ શુકલનું માનવું છે કે ટેક્નિકલ બાબતની શ્રેષ્ઠતા અને કમ્પ્યૂટર પાવર બંને એક સ્થાને આવે તો તેનાથી વધુ સારું પરિણામ મળી શકે. બીજું કે તેઓ ભારતમાં જે રીતે કામ થાય છે તેને લઈને ટીકા પણ કરે છે. તેઓ કહે છે કે, ‘ક્લાઇમેટ સાયન્સ’ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની અંતર્ગત આવે છે. જેમાં મુખ્યત્વે ‘નેશનલ સેન્ટર ફોર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ’ અને ‘ઇન્ડિયન મેટેરિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ’ આવે છે. મેં ત્યાં કામ કર્યું છે. 2014માં આ મિનિસ્ટ્રીનું નામ બદલીને ‘મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ’ આપવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી નામ બદલાયું છે ‘ક્લાઇમેટ’નો વિષય બિલકુલ ભૂલાવી દેવામાં આવ્યો છે. ઘણાં વિજ્ઞાનીઓને હવે તે સંબંધિત સેવા આપવા માટે આમંત્રિત પણ કરવામાં આવતા નથી. માળખું અસ્તિત્વ ધરાવે છે, પણ તેમાં કામ થતું નથી. આપણી દેશની વ્યવસ્થાનો આ પ્રશ્ન છે.
ક્લાઇમેટ ચેન્જ અને તે અંતર્ગત બદલાતા હવામાન વિશે તેઓ તુરંત પગલાં લેવાનું કહે છે. તેમના મતે શહેરી હવામાનને લઈને ઝડપથી આયોજન કરવાની જરૂર છે. ક્લાઇમેટ ચેન્જ વાસ્તવિકતા છે. આપણે ભયંકર વરસાદ અને ગરમી જોઈ રહ્યા છે. પરંતુ મોટા ભાગના આપણા શહેરો તે રીતે નિર્માણ પામ્યા નથી. એટલે જ પાણી, ગરમી, સ્વાસ્થ્ય અને માળખાકીય સુવિધાઓને એક સાથે આયોજન કરવાની આવશ્યકતા છે. તેઓ એમ પણ કહે છે કે જ્યારે વડા પ્રધાન મનમોહનસિંઘનો કાર્યકાળ હતો ત્યારે તેઓ ક્લાઇમેટ ચેન્જની ગંભીરતાને સમજ્યા હતા. તેઓ પ્રગતિવાદી હતા, અને વિજ્ઞાન વિષયક બાબતોને તેઓ ઝડપથી સમજી જતા હતા. આ પ્રકારની આગેવાની હંમેશા ફરક લાવી શકે છે. બીજું કે આગાહી બાબતે કેટલીક બાબતોમાં આપણે પ્રગતિ કરી છે, પરંતુ આપણો ખેડૂત જેનું જીવન મહદંશે હવામાન અને વરસાદ આધારીત છે – તે આ વિશે કશુંય જાણતો નથી. આગામી પાંચ દિવસમાં તેના ગામમાં વરસાદ પડશે કે નહીં તેની માહિતી તેના સુધી પહોંચતી નથી. આપણે માહિતીનો એવો સ્ત્રોત ઊભો કરવો જોઈએ જેથી સીધી જ માહિતી સ્થાનિક ભાષામાં ખેડૂતો સુધી અને ગામડાંઓ સુધી પહોંચે. પરંતુ તેના માટે યોગ્ય માહિતી, યોગ્ય લોકો પાસેથી કામ લઈને યોગ્ય સમયે પહોંચાડવી જોઈએ. જગદીશ શુકલના પુસ્તક ‘એ બિલિયન બટરફ્લાય : અ લાઇફ ઇન ક્લાઇમેટ ચાઓસ થિયરી’ની પણ વિસ્તૃત રીતે વાત કરીશું, પણ તે ફરી ક્યારેક.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796