Tuesday, May 30, 2023
HomeGujaratગાંધીનગર: માસ્ટર માઈન્ડ રૂચી ઝડપાઇ, 4 વર્ષનો પગાર થાય 18 લાખ અને...

ગાંધીનગર: માસ્ટર માઈન્ડ રૂચી ઝડપાઇ, 4 વર્ષનો પગાર થાય 18 લાખ અને સંપત્તિ 5.50 કરોડથી પણ વધુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગાંધીનગર સેક્ટર-10માં આવેલા કર્મયોગી ભવનમાં કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિ સાથે પણ કર્મચારીઓએ ભેગાં મળીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવી રહ્યું છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL)માં રૂ. 28.31 કરોડની ગેરરીતિઓની તપાસ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું કે આરોપીઓમાંથી એક રૂચી ભાવસારે એપ્રિલ 2018થી એપ્રિલ 2022 વચ્ચે પગાર તરીકે 18 લાખ રૂપિયા મેળવ્યા હતા, પરંતુ તેણે આ સમયગાળામાં 5.57 કરોડ રોકડ અને મિલકતો પણ બનાવી હતી.

રૂચી ભાવસાર એપ્રિલ 2018માં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે જીઆઈએલ (ગુજરાત ઈન્ફર્મેટિક્સ લિ.)માં જોડાઇ હતી. શરૂઆતના સમયમાં તેને અંદાજીત રૂ. 35,000નો પગાર મળતો હતો. ગુજરાત સરકાર માટે હાર્ડવેર અને સોફ્ટવેરની ખરીદી કરતી પેઢીમાં તેનો છેલ્લો પગાર રૂ. 60,000 હતો. આમ ગણતરી કરવા જતાં તેણે ચાર વર્ષમાં કુલ રૂ. 18 લાખની કમાણી કરી હતી. જો કે, તેની સંપત્તિ 5.57 કરોડ આસપાસ છે. આ કેસની તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું છે કે તેના બેંક ખાતામાં 57 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા છે. જોકે તેની સત્તાવાર વિગતો સામે આવી નથી.

- Advertisement -આ ઉપરાંત પણ તેના સરઘાસણમાં બે ભવ્ય ફ્લેટ છે જેની અંદાજીત કિંમત પ્રતિ ઘર રૂ. 2.50 કરોડ છે. તેની પાસે ઓછામાં ઓછી રૂ. 5.57 કરોડની વધારાની સંપત્તિ છે જે તેણે જીઆઈએલ પાસેથી મેળવેલા કુલ પગાર કરતાં ઘણી વધારે છે. પીઆઈ જે. એચ. સિંધવની આગેવાની હેઠળ એલસીબીની ટીમે રવિવારે ગાંધીનગરમાં રુચીના ઘરે તપાસ કર હતી. તપાસ દરમિયાન મળેલા કેટલાક ગુનાહિત દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જપ્ત કર્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે રૂચી ભાવસાર કથિત રીતે છેતરપિંડીની માસ્ટરમાઈન્ડ છે. તેણે તેના સાગરિતોના ખાતામાં ભંડોળ ડાયવર્ટ કર્યું છે. કેસના ફરિયાદી અને જીઆઈએલના એકાઉન્ટ મેનેજર તનસુખ ધાખાને એફઆઈઆરમાં જણાવ્યું હતું કે 25મી મે, 2022એ ઓડિટ રિપોર્ટમાં બેંક વ્યવહારોમાં અનિયમિતતા જોવા મળી છે.

આરોપીઓ કથિત રીતે તેમની સત્તાનો દુરુપયોગ કરતા હોય તેવું સામે આવ્યું છે અને જીઆઈએલ સિવાયના અન્ય ખાતાઓમાં 16 વ્યવહારોમાં ભંડોળ જમા કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સેક્ટર 7 પોલીસે ગત 4 જુલાઈએ રુચી ભાવસાર, એક્ઝિક્યુટિવ ફાયનાન્સ ઓફિસર વિક્રાંત કંસારા, ડેપ્યૂટી ડાયરેક્ટર (એકાઉન્ટ) અને જનરલ મેનેજર રાકેશ અમીન, કંપની સેક્રેટરી જપન શાહ અને બ્રોકર એન્ડ મુઝુમદાર સીએ ફર્મના ઓડીટર સોનુ સિંઘ વિરુદ્ધ આઈપીસી હેઠળ વિવિધ આરોપો વચ્ચે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જીઆઈએલ કચેરીના 5 અધિકારી અને કર્મચારીની ગેંગે પ્લાન ઘડી કાવતરું રચી 35 કરોડથી વધુનો ચુનો લગાવ્યો હતો. રૂચી ભાવસાર અને તેના નજીકના લોકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોલીસ રૂચીના રિમાન્ડ મેળવ્યા બાદ જ એ માહિતી મેળવી શકશે કે તેણે કેવી રીતે આખું ષડયંત્ર રચ્યુ અને જીઆઇએલને ખરેખમાં કેટલા કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ મામલે જીઆઇએલે આશરે 7 કરોડનું કૌંભાડ થયું હોવાની ફરિયાદ સેક્ટર 7 પોલીસને કરી હતી. જો કે આ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવ દ્વારા શરૂ કરવામાં આવતાં આંકડો 35 કરોડને વટાવી ગયો હોવાનું બહાર આવી રહ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular